વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૧૩ પાન ૧૩૧-૧૪૧
  • “બધું ઈશ્વરના મહિમા માટે કરો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “બધું ઈશ્વરના મહિમા માટે કરો”
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભક્તિ અને ચારિત્ર શુદ્ધ રાખીએ
  • સાફ-સફાઈ
  • મોજશોખ અને મનોરંજન
  • સ્કૂલની પ્રવૃત્તિઓ
  • નોકરી-ધંધો અને સાથે કામ કરનારાઓ
  • ઈશ્વરના ભક્તો તરીકે એકતામાં રહીએ
  • શુદ્ધ લોકોને ઈશ્વર ચાહે છે
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • તાજગી આપતું મનોરંજન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • લાભ થાય એવું મનોરંજન પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૧૩ પાન ૧૩૧-૧૪૧

પ્રકરણ ૧૩

“બધું ઈશ્વરના મહિમા માટે કરો”

ઈશ્વરના સમર્પિત ભક્તો તરીકે, આપણી ફરજ છે કે આપણાં વાણી-વર્તનથી યહોવાને મહિમા આપીએ. આપણે પ્રેરિત પાઉલે આપેલો સિદ્ધાંત યાદ રાખી શકીએ. તેમણે લખ્યું: “તમે ખાઓ કે પીઓ કે બીજું જે કંઈ કરો, બધું ઈશ્વરના મહિમા માટે કરો.” (૧ કોરીં. ૧૦:૩૧) એ માટે આપણે યહોવાનાં ખરાં ધોરણોને વળગી રહીએ. એ ધોરણોથી તેમનો સ્વભાવ સારી રીતે જાણી શકીએ છીએ. (કોલો. ૩:૧૦) ઈશ્વર પવિત્ર છે અને આપણે તેમના લોકો છીએ, એટલે આપણે પણ પવિત્ર રહેવું જોઈએ.—એફે. ૫:૧, ૨.

૨ ઈશ્વરભક્તોને એ વિશે સમજાવવા પ્રેરિત પિતરે લખ્યું: “તમે આજ્ઞા પાળનારાં બાળકો છો, એટલે અગાઉની ઇચ્છાઓ પ્રમાણે ચાલવાનું બંધ કરો. એ સમયે તમારી પાસે ઈશ્વરનું જ્ઞાન ન હતું. પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ, જેમ લખેલું છે: ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.’” (૧ પિત. ૧:૧૪-૧૬) ઇઝરાયેલીઓએ પવિત્ર રહેવાનું હતું, એવી જ રીતે આજે મંડળનાં બધાં ભાઈ-બહેનોએ પણ પવિત્ર રહેવું જોઈએ. એનો અર્થ થાય કે આપણે કલંક વગરના રહીએ, ભ્રષ્ટ કામોથી અને દુનિયાની અસરથી દૂર રહીએ. આ રીતે આપણને પવિત્ર સેવા માટે અલગ કરવામાં આવે છે.—નિર્ગ. ૨૦:૫.

૩ યહોવાએ બાઇબલમાં નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે. એ પાળવાથી આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ. (૨ તિમો. ૩:૧૬) બાઇબલનો અભ્યાસ કરીને આપણે યહોવા અને તેમના માર્ગો વિશે શીખી શક્યા અને તેમની નજીક જઈ શક્યા. આપણને ખાતરી થઈ કે યહોવાના રાજ્યને સૌથી પહેલા રાખવું જોઈએ. આપણને ભરોસો પણ થયો કે તેમની ઇચ્છા પૂરી કરવી એ જીવનમાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. (માથ. ૬:૩૩; રોમ. ૧૨:૨) એ બધું કરવા જરૂરી હતું કે આપણે નવો સ્વભાવ પહેરી લઈએ.—એફે. ૪:૨૨-૨૪.

ભક્તિ અને ચારિત્ર શુદ્ધ રાખીએ

૪ યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલવું હંમેશાં સહેલું હોતું નથી. આપણો દુશ્મન શેતાન આપણને યહોવાના માર્ગમાંથી ફંટાવી દેવાની કોશિશ કરતો રહે છે. આ દુનિયાની ખરાબ અસર અને આપણી પાપી ઇચ્છાઓને લીધે અમુક વાર યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવું અઘરું થઈ જાય છે. આપણે સમર્પણ પ્રમાણે જીવવા સતત લડત આપવી પડે છે. બાઇબલમાં જણાવ્યું છે કે વિરોધ અથવા સતાવણી થાય તો, આપણને નવાઈ લાગવી ન જોઈએ. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો આપણા પર સતાવણી આવશે. (૨ તિમો. ૩:૧૨) સતાવણીઓથી સાબિત થાય છે કે આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ. એ જાણતા હોવાથી આપણે સતાવણીઓ સહેતી વખતે ખુશ રહી શકીએ છીએ.—૧ પિત. ૩:૧૪-૧૬; ૪:૧૨, ૧૪-૧૬.

૫ ઈસુમાં જરાય પાપ ન હતું, છતાં તે કસોટીઓ સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા. તેમણે શેતાનની લાલચો સામે હાર ન માની અથવા દુનિયામાં નામના કમાવવા પાછળ ન દોડ્યા. (માથ. ૪:૧-૧૧; યોહા. ૬:૧૫) ઈસુએ ભક્તિમાં બાંધછોડ કરવાનો વિચાર સુધ્ધાં ન કર્યો. દુનિયાના લોકોએ તેમને નફરત કરી તોપણ તે યહોવાનાં ખરાં ધોરણોને વળગી રહ્યા. ઈસુએ પોતાના મરણના અમુક સમય પહેલાં શિષ્યોને ચેતવણી આપી કે દુનિયા તેઓને પણ નફરત કરશે. એ સમયથી લઈને આજ સુધી ઈસુના શિષ્યોએ આકરી સતાવણી સહન કરી છે. પણ એ જાણીને હિંમત મળે છે કે ઈશ્વરના દીકરા ઈસુએ આખી દુનિયા પર જીત મેળવી છે.—યોહા. ૧૫:૧૯; ૧૬:૩૩; ૧૭:૧૬.

૬ દુનિયાનો ભાગ ન બનવા આપણે પણ માલિક ઈસુની જેમ યહોવાનાં ખરાં ધોરણોને વળગી રહીએ. આપણે રાજકારણ અને સમાજને લગતી બાબતોમાં માથું ન મારીએ. તેમ જ દુનિયાની ભ્રષ્ટ અસરથી દૂર રહીએ. યાકૂબ ૧:૨૧માં આપેલી આ સલાહ આપણે મહત્ત્વની ગણીએ છીએ: “તમારામાંથી બધી અશુદ્ધતા અને દરેક પ્રકારની દુષ્ટતા કાઢી નાખો. ઈશ્વર તમારાં દિલમાં સંદેશો રોપે ત્યારે નમ્રતાથી એને સ્વીકારો. એ સંદેશો તમને બચાવી શકે છે.” બાઇબલ અભ્યાસ કરવાથી અને સભાઓમાં જવાથી અનુભવી શકીશું કે આપણાં દિલમાં ‘ઈશ્વરનો સંદેશો રોપાઈ’ રહ્યો છે. તેમ જ આપણા મનમાં દુનિયાની ચીજવસ્તુઓ મેળવવાની ઇચ્છા નહિ જાગે. યાકૂબે કહ્યું: “શું તમે જાણતા નથી કે દુનિયા સાથે દોસ્તી એ ઈશ્વર સાથે દુશ્મની છે? જે કોઈ દુનિયા સાથે દોસ્તી કરવા માંગે છે, તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.” (યાકૂ. ૪:૪) એ કારણે બાઇબલમાં કડક સલાહ આપી છે કે આપણે યહોવાનાં ખરાં ધોરણોને વળગી રહીએ અને દુનિયાનો ભાગ ન બનીએ.

૭ બાઇબલ આપણને શરમજનક કામો અને વ્યભિચારથી દૂર રહેવાની સલાહ આપે છે. એ જણાવે છે: “વ્યભિચાર, કોઈ પણ પ્રકારની અશુદ્ધતા કે લોભ વિશે તમારે વાત પણ ન કરવી, કેમ કે પવિત્ર લોકોને એ શોભતું નથી.” (એફે. ૫:૩) એટલે આપણે અશ્લીલ, શરમજનક અને ગંદાં કામો વિશે વિચાર કરવો ન જોઈએ. એ વિશે વાત પણ કરવી ન જોઈએ. આમ આપણે બતાવી આપીએ છીએ કે આપણે યહોવાનાં શુદ્ધ અને ખરાં ધોરણો પ્રમાણે ચાલવા માંગીએ છીએ.

સાફ-સફાઈ

૮ ઈશ્વરભક્તો સમજે છે કે ભક્તિમાં અને ચારિત્રમાં શુદ્ધ રહેવાની સાથે સાથે સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલાંના સમયમાં પવિત્ર ઈશ્વરે ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેઓ પોતાની છાવણી શુદ્ધ રાખે. આજે આપણે પણ શુદ્ધ રહેવું જોઈએ, જેથી આપણામાં યહોવાને ‘કોઈ અશુદ્ધ વસ્તુ નજરે ન પડે.’—પુન. ૨૩:૧૪.

૯ બાઇબલમાંથી જાણવા મળે છે કે પવિત્રતા અને સાફ-સફાઈ એકબીજા સાથે જોડાયેલાં છે. પાઉલે લખ્યું: ‘વહાલાઓ, ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ડર રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.’ (૨ કોરીં. ૭:૧) એટલે ઈશ્વરભક્તોએ ચોખ્ખા રહેવા નિયમિત રીતે નાહવું જોઈએ અને કપડાં ધોવાં જોઈએ. ભલે બધા દેશોમાં સંજોગો અલગ અલગ હોય, તોપણ એટલું પાણી અને સાબુ તો મળી જ શકે છે કે આપણે પોતાને અને બાળકોને ચોખ્ખાં રાખી શકીએ.

૧૦ આપણે ખુશખબર જણાવીએ છીએ એટલે આપણા વિસ્તારના લોકો મોટા ભાગે આપણને ઓળખાતા હોય છે. જો આપણે ઘરને અંદર અને બહારથી સાફ, ચોખ્ખું અને વ્યવસ્થિત રાખીશું, તો પડોશીઓને સારી સાક્ષી મળશે. સાફ-સફાઈના કામમાં કુટુંબના બધા સભ્યો સહકાર આપી શકે છે. ભાઈઓએ ઘર અને આસપાસની જગ્યા સાફ રાખવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ, કેમ કે સ્વચ્છ આંગણું અને વ્યવસ્થિત ઘર જોઈને બીજાઓ પર સારી છાપ પડે છે. કુટુંબના શિર ભક્તિમાં આગેવાની લેવાની સાથે સાથે સાફ-સફાઈ પર ધ્યાન આપીને બતાવે છે કે તે કુટુંબની સારી સંભાળ રાખે છે. (૧ તિમો. ૩:૪, ૧૨) બહેનોની પણ જવાબદારી છે કે તેઓ ઘરના કામકાજ કરે, ખાસ કરીને ઘરની અંદરની સાફ-સફાઈ. (તિત. ૨:૪, ૫) બાળકોને સારી રીતે શીખવવામાં આવે તો, તેઓ પોતાને અને પોતાના રૂમને સાફ રાખશે. આમ આખું કુટુંબ ભેગું મળીને સાફ-સફાઈ કરવાની સારી આદત કેળવી શકશે, જે તેઓને નવી દુનિયામાં પણ કામ આવશે.

૧૧ આજે યહોવાના ઘણા ભક્તો સભામાં જવા વાહનો વાપરે છે. અમુક વિસ્તારોમાં પ્રચાર કરવા વાહન હોવું ખૂબ જરૂરી છે, જેમ કે કાર. એ વાહનો સાફ અને સારી હાલતમાં રાખવાં જોઈએ. આપણાં ઘર અને વાહનથી દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાના શુદ્ધ અને પવિત્ર લોકો છીએ. એવી જ રીતે પ્રચારમાં જે બેગ અને બાઇબલ લઈ જઈએ, એ સારી હાલતમાં હોવાં જોઈએ.

૧૨ આપણો પહેરવેશ અને શણગાર ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે હોવા જોઈએ. કોઈ મોટી વ્યક્તિને મળવા જવાનું હોય તો, આપણે ગંદા કે લઘરવઘર કપડાં પહેરીને નહિ જઈએ. તો પછી જરા વિચારો આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ એટલે પ્રચારમાં અને સભામાં પહેરવેશનું કેટલું ધ્યાન રાખવું જોઈએ! આપણા પહેરવેશ અને દેખાવ પરથી લોકો યહોવાની ભક્તિ વિશે અલગ અલગ ધારણા બાંધી શકે છે. આપણે બીજાઓનો વિચાર કરવો જોઈએ અને શોભતાં કપડાં પહેરવાં જોઈએ. (મીખા. ૬:૮; ૧ કોરીં. ૧૦:૩૧-૩૩; ૧ તિમો. ૨:૯, ૧૦) એટલે આપણે પ્રચાર, મંડળની સભા, સરકીટ સંમેલન કે મહાસંમેલનમાં જવા તૈયાર થઈએ ત્યારે, યાદ રાખવું જોઈએ કે ચોખ્ખાઈ અને પહેરવેશ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે. એમ કરવાથી આપણે હંમેશાં યહોવાને માન-મહિમા આપી શકીશું.

ઈશ્વરના સમર્પિત ભક્તો તરીકે, આપણી ફરજ છે કે આપણાં વાણી-વર્તનથી યહોવાને મહિમા આપીએ

૧૩ આપણે યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથક કે શાખા કચેરીની મુલાકાત લઈએ ત્યારે પણ એ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ. યાદ રાખીએ કે બેથેલ નામનો અર્થ થાય, “ઈશ્વરનું ઘર.” એટલે ત્યાં આપણાં પહેરવેશ અને વાણી-વર્તન પ્રાર્થનાઘરની સભાઓમાં હોય છે એવાં જ હોવાં જોઈએ.

૧૪ આપણે હરવા-ફરવા જઈએ ત્યારે પણ પોતાનાં પહેરવેશ અને દેખાવ પર ધ્યાન આપવું જોઈએ. આપણે પોતાને પૂછી શકીએ, ‘શું મારા પહેરવેશને લીધે બીજાઓને ખુશખબર જણાવતા મને શરમ લાગશે?’

મોજશોખ અને મનોરંજન

૧૫ બધાં કામ સારી રીતે કરવા અને તંદુરસ્ત રહેવા માટે આરામ અને મનોરંજન જરૂરી છે. એકવાર ઈસુએ પોતાના શિષ્યોને “થોડો આરામ” કરવા એકાંત જગ્યાએ બોલાવ્યા. (માર્ક ૬:૩૧) આરામ લેવાથી અને સારું મનોરંજન અથવા મોજશોખ કરવાથી તાજગી મળી શકે છે. એ તાજગી મેળવીને આપણે રોજબરોજનાં કામ સારી રીતે કરી શકીએ છીએ.

૧૬ આજે મોજશોખ કે મનોરંજન કરવાની ઘણી રીતો છે. એટલે યહોવાના ભક્તોએ તેમના માર્ગદર્શન પ્રમાણે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ. જીવનમાં મોજશોખ કરવો ખોટું નથી, પણ એ જ સૌથી મહત્ત્વનો ન બની જવો જોઈએ. બાઇબલમાં ચેતવણી આપી છે કે “છેલ્લા દિવસોમાં” લોકો “ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા” હશે. (૨ તિમો. ૩:૧, ૪) આજના મોટા ભાગનાં મનોરંજન અને મોજશોખ એવાં છે, જે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલતા લોકો માટે યોગ્ય નથી.

૧૭ પહેલી સદીના ખ્રિસ્તીઓના સમયમાં દુનિયાના લોકો ખરાબ મોજશોખમાં ડૂબેલા હતા. એટલે એ ખ્રિસ્તીઓએ એવા માહોલથી દૂર રહેવા બનતું બધું કર્યું. રોમન નાટ્યગૃહમાં લોકો બીજાઓને તડપતા જોઈને ખુશ થતા હતા. લોકોને મજા આવે માટે હિંસા, ખૂનખરાબી અને વ્યભિચાર બતાવવામાં આવતાં હતાં. પણ એ સમયના ખ્રિસ્તીઓ એવા મનોરંજનથી એકદમ દૂર રહ્યા. આજે પણ મોટા ભાગનું મનોરંજન એવું જ છે જે લોકોની પાપી ઇચ્છાઓ સંતોષવા બતાવવામાં છે. પણ આપણે પોતાનાં વાણી-વર્તન પર ‘કડક નજર રાખવી જોઈએ,’ જેથી ખરાબ મનોરંજનથી દૂર રહી શકીએ. (એફે. ૫:૧૫, ૧૬; ગીત. ૧૧:૫) બની શકે મનોરંજન ખરાબ ન હોય, પણ એ જગ્યાનો માહોલ ખરાબ હોય અને યહોવાનાં ધોરણો પ્રમાણે ન હોય, તો એવું મનોરંજન પસંદ કરવું કદાચ ખોટું કહેવાશે.—૧ પિત. ૪:૧-૪.

૧૮ આજે એવાં અમુક સારાં મનોરંજન અને મોજશોખ પણ છે, જેનો ઈશ્વરભક્તો આનંદ માણી શકે છે. એ માટે બાઇબલમાં આપેલી સલાહ અને આપણાં સાહિત્યમાં મળતાં સૂચનો પાળવાથી ઘણાને ફાયદો થયો છે.

૧૯ કોઈ વાર અમુક કુટુંબોને હળવા-મળવા ઘરે બોલાવી શકાય. અથવા તો ભાઈ-બહેનોને લગ્‍ન પ્રસંગમાં કે એના જેવા બીજા કોઈ પ્રસંગોમાં બોલાવી શકાય. (યોહા. ૨:૨) એ પ્રસંગો સારી રીતે પાર પડે એની જવાબદારી બોલાવનારની એટલે કે યજમાનની છે. એટલે વધારે લોકો ભેગા થયા હોય ત્યારે સાવચેતી રાખવાની જરૂર છે. આવા પ્રસંગોમાં હળવો માહોલ હોવાને લીધે અમુક ભાઈ-બહેનોએ હદ વટાવી દીધી છે. તેઓ વધારે પડતું ખાવા-પીવા લાગ્યાં, અરે ગંભીર પાપ પણ કરી બેઠાં. એટલે અનુભવી ભાઈ-બહેનો સમજે છે કે ઓછા લોકોને બોલાવવામાં અને પાર્ટી મોડે સુધી ન ચલાવવામાં જ સમજદારી છે. જો શરાબ રાખવામાં આવે, તો પીનારે મર્યાદા રાખવી જોઈએ. (ફિલિ. ૪:૫) પાર્ટીમાં ખાવું-પીવું મહત્ત્વનું નથી, પણ દરેકને તાજગી અને ભક્તિમાં વધારે કરવાનું ઉત્તેજન મળે એ વધારે મહત્ત્વનું છે.

૨૦ મહેમાનગતિ બતાવવી સારી છે. (૧ પિત. ૪:૯) જ્યારે ભાઈ-બહેનોને જમવા, ચા-નાસ્તો કરવા અને હળવા-મળવા ઘરે બોલાવીએ, ત્યારે ગરીબ કે લાચાર ભાઈ-બહેનોને ભૂલી ન જઈએ. (લૂક ૧૪:૧૨-૧૪) જો આપણે કોઈના ઘરે મહેમાન તરીકે જઈએ, તો આપણાં વાણી-વર્તન માર્ક ૧૨:૩૧માં આપેલી સલાહ પ્રમાણે હોવાં જોઈએ. આપણે બીજાઓના પ્રેમની હંમેશાં કદર કરવી જોઈએ.

૨૧ ઈશ્વરે ઉદારતાથી આપેલી ભેટોનો ઈશ્વરભક્તો ખુશીથી ઉપયોગ કરે છે. તેઓ જાણે છે કે ‘ખાવા-પીવામાં અને સખત મહેનતથી જે મેળવ્યું હોય એમાં આનંદ’ કરવામાં કંઈ ખોટું નથી. (સભા. ૩:૧૨, ૧૩) જ્યારે આપણે “બધું ઈશ્વરના મહિમા માટે” કરીએ છીએ, ત્યારે મહેમાનગતિ બતાવનાર અને હાજર રહેનાર બંનેને ભક્તિમાં ઉત્તેજન મળે છે અને ખુશીની એ પળો મીઠી યાદો બની જાય છે.

સ્કૂલની પ્રવૃત્તિઓ

૨૨ યહોવાના સાક્ષીઓનાં બાળકોને સ્કૂલનું શિક્ષણ લેવાથી ફાયદો થાય છે. સ્કૂલમાં ભણીને તેઓ સારી રીતે વાંચતા-લખતા શીખે છે. સ્કૂલમાં શીખવવામાં આવતા અમુક વિષયોથી બાળકોને ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા મદદ મળી શકે છે. યહોવાના સાક્ષીઓનાં બાળકો સ્કૂલમાં ભણતી વખતે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખે છે. આ રીતે તેઓ પોતાના “મહાન સર્જનહારને યાદ” રાખવા પૂરો પ્રયત્ન કરે છે.—સભા. ૧૨:૧.

૨૩ જો તમે સ્કૂલમાં ભણતા હો, તો દુનિયાના યુવાનો સાથે જરૂર પૂરતી જ સંગત રાખો. (૨ તિમો. ૩:૧, ૨) યહોવાએ આપણું રક્ષણ કરવા ગોઠવણો કરી છે, એટલે દુનિયાની અસર સામે લડવા તમે ઘણું કરી શકો છો. (ગીત. ૨૩:૪; ૯૧:૧, ૨) પોતાનું રક્ષણ કરવા યહોવાએ કરેલી ગોઠવણોનો પૂરો લાભ ઉઠાવો.—ગીત. ૨૩:૫.

૨૪ મોટા ભાગના યહોવાના સાક્ષી યુવાનો સ્કૂલની બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી, જેથી તેઓ દુનિયાથી અલગ રહી શકે. તેઓ કેમ ભાગ લેતા નથી એ સમજવું શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓને અઘરું લાગી શકે. પણ તેઓ માટે યહોવાને ખુશ કરવા એ વધારે મહત્ત્વનું છે. એટલે તમારે બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે નક્કી કરવું જોઈએ કે હરીફાઈમાં અથવા દેશભક્તિમાં જરાય ભાગ નહિ લો. (ગલા. ૫:૧૯, ૨૬) યુવાનો, તમારાં મમ્મી-પપ્પા બાઇબલમાંથી સલાહ આપે એ પાળો અને મંડળનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરો. આમ તમે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલી શકશો.

નોકરી-ધંધો અને સાથે કામ કરનારાઓ

૨૫ બાઇબલમાં જણાવ્યું છે કે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી પતિઓની છે. (૧ તિમો. ૫:૮) પણ ઈશ્વરભક્તો તરીકે તેઓ જાણે છે કે જીવનમાં ઈશ્વરનું રાજ્ય પહેલા આવે છે અને પછી નોકરી. (માથ. ૬:૩૩; રોમ. ૧૧:૧૩) તેઓ યહોવાની ભક્તિને જીવનમાં સૌથી પહેલી રાખે છે અને જે ખોરાક અને કપડાં મળી રહે એમાં સંતોષ માને છે. એટલે તેઓ દુનિયાની ચિંતાઓમાં અને ધનદોલતના ફાંદામાં ફસાતા નથી.—૧ તિમો. ૬:૬-૧૦.

૨૬ નોકરી-ધંધો કરતા બધા ઈશ્વરભક્તોએ બાઇબલના સિદ્ધાંતો હંમેશાં યાદ રાખવા જોઈએ. કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા આપણે ઈમાનદારીથી કામ કરવું જોઈએ. આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી ઈશ્વરનો નિયમ કે દેશના કાયદા-કાનૂન તૂટે. (રોમ. ૧૩:૧, ૨; ૧ કોરીં. ૬:૯, ૧૦) આપણે યાદ રાખીએ છીએ કે ખરાબ લોકોની દોસ્તી કરવાથી ખરાબ પરિણામો ભોગવવા પડશે. ખ્રિસ્તના સૈનિકો તરીકે, આપણે પૈસા કમાવવા એવો કોઈ કામધંધો નથી કરતા, જેનાથી ઈશ્વરના સિદ્ધાંતો તૂટે, કોઈનો પક્ષ લેવાનું જોખમ આવી પડે કે પછી ઈશ્વર સાથેના આપણા સંબંધમાં તિરાડ પડે. (યશા. ૨:૪; ૨ તિમો. ૨:૪) આપણે “મહાન બાબેલોન” એટલે કે એવા બધા ધર્મો સાથે સંબંધ રાખતા નથી, જે ઈશ્વરના દુશ્મન છે.—પ્રકટી. ૧૮:૨, ૪; ૨ કોરીં. ૬:૧૪-૧૭.

૨૭ ઈશ્વરનાં ખરાં ધોરણોને વળગી રહીશું તો, આપણે ભક્તિની જગ્યાઓનો ઉપયોગ પોતાનો કામધંધો ફેલાવવા કે પોતાના સ્વાર્થ માટે નહિ કરીએ. આપણે સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં યહોવાની ભક્તિ કરવા ભાઈ-બહેનો સાથે ભેગા મળીએ છીએ. ત્યાં યહોવા આપણને જાણે મિજબાની આપે છે અને આપણે “અરસપરસ ઉત્તેજન મેળવી શકીએ” છીએ. (રોમ. ૧:૧૧, ૧૨; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) એવા પ્રસંગોએ ભાઈ-બહેનોને મળીએ ત્યારે ભક્તિને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.

ઈશ્વરના ભક્તો તરીકે એકતામાં રહીએ

૨૮ યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલીએ છીએ એટલે આપણે ‘પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખીએ છીએ અને એકબીજા સાથે શાંતિથી રહીએ છીએ.’ (એફે. ૪:૧-૩) દરેકે પોતાનો જ વિચાર કરવાને બદલે બીજાઓના ભલા માટે પણ વિચારવું જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૫) તમારા મંડળનાં ભાઈ-બહેનો પણ એવું જ કરતા હશે. ભલે આપણે ગમે એ દેશ, જાતિ કે સમાજના હોઈએ, ગરીબ કે અમીર હોઈએ, ભણેલા કે અભણ હોઈએ, આપણે બધા ઈશ્વરનાં એકસરખાં ધોરણો પાળીએ છીએ. યહોવાના લોકોની આ અનોખી ખાસિયત બીજા લોકોના ધ્યાન બહાર જતી નથી.—૧ પિત. ૨:૧૨.

૨૯ એકતામાં રહેવા વિશે પ્રેરિત પાઉલે વધારે સમજાવ્યું અને લખ્યું: “એક શરીર છે, એક પવિત્ર શક્તિ છે અને એક આશા છે. તમને એ આશા માટે બોલાવવામાં આવ્યા છે. એક માલિક છે, એક શ્રદ્ધા છે, એક બાપ્તિસ્મા છે. બધા લોકોના એક ઈશ્વર અને પિતા છે. તે લોકો પર રાજ કરે છે, તેઓ દ્વારા કાર્યો કરે છે અને તેમની શક્તિ તેઓ પર કામ કરે છે.” (એફે. ૪:૪-૬) એવી એકતા માટે જરૂરી છે કે આપણે બાઇબલનું મૂળ શિક્ષણ અને એની ઊંડી વાતો સમજવામાં એકમનના હોઈએ. આમ, આપણે સ્વીકારીએ છીએ કે યહોવા ભગવાન જ આખા બ્રહ્માંડના માલિક છે. સાચે જ, યહોવાએ પોતાના ભક્તોને સત્યની શુદ્ધ ભાષા શીખવી છે, એટલે તેઓ ખભેખભા મિલાવીને તેમની ભક્તિ કરી શકે છે.—સફા. ૩:૯.

૩૦ મંડળની એકતા અને શાંતિ યહોવાના બધા ભક્તોને તાજગી આપે છે. આપણે યહોવાનું આ વચન પૂરું થતા જોયું છે: ‘વાડાનાં ઘેટાંની જેમ હું તેઓને એકતામાં લાવીશ.’ (મીખા. ૨:૧૨) યહોવાનાં ખરાં ધોરણો પાળીને આપણે મંડળમાં એ સંપ અને શાંતિ જાળવી રાખવા માંગીએ છીએ.

૩૧ જેઓ યહોવાના શુદ્ધ મંડળનો ભાગ બન્યા છે, તેઓ કેટલા ખુશ છે! યહોવાના નામથી ઓળખાવવા માટે આપણે જે કંઈ જતું કરીએ છીએ, એ નકામું નહિ જાય. ચાલો, યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવાની સાથે સાથે તેમનાં ખરાં ધોરણોને વળગી રહીએ અને બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપીએ.—૨ કોરીં. ૩:૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો