વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પાન ૧૭૯-પાન ૧૮૪
  • વધારે માહિતી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વધારે માહિતી
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • સરખી માહિતી
  • બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • બાપ્તિસ્મા લેનારાઓ સાથે છેલ્લી ચર્ચા
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પાન ૧૭૯-પાન ૧૮૪

વધારે માહિતી

માતા-પિતા માટે સંદેશો:

માતા-પિતા તરીકે તમે ચાહો છો કે તમારાં વહાલાં બાળકો યહોવાને પ્રેમ કરે, તેમને સમર્પણ કરે અને બાપ્તિસ્મા લે. બાપ્તિસ્મા માટે તૈયાર થવા તમે કઈ રીતે તેઓને મદદ કરી શકો? બાપ્તિસ્મા લેતા પહેલાં તેઓએ કેવાં પગલાં ભરવાં જોઈએ?

ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી: ‘બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને બાપ્તિસ્મા આપો.’ (માથ. ૨૮:૧૯) આ કલમના આધારે કહી શકાય કે વ્યક્તિએ બાપ્તિસ્મા લેતા પહેલાં ઈસુના શિષ્ય બનવું જરૂરી છે. ઈસુના શિષ્ય બનવાનો અર્થ થાય કે ખ્રિસ્તના શિક્ષણને સમજવું, એમાં ભરોસો મૂકવો અને એ પ્રમાણે જીવન જીવવું. બાળકો પણ એ બધું કરી શકે છે.

તમારાં બાળકો માટે તમે સારો દાખલો બેસાડો અને તેઓને યહોવાના શિક્ષણને જીવનમાં લાગુ પાડતા શીખવો. (પુન. ૬:૬-૯) એ માટે તમને દુઃખ જશે, સુખ આવશે પુસ્તક મદદ કરશે. એમાંથી બાળકોને બાઇબલનું મૂળ શિક્ષણ શીખવો. તેઓને બાઇબલ સિદ્ધાંતો સારી રીતે સમજવા અને એને જીવનમાં લાગુ પાડવા મદદ કરો. બાળકો પોતાની માન્યતા પોતાના શબ્દોમાં કઈ રીતે કહી શકે એ શીખવો. (૧ પિત. ૩:૧૫) તેઓ તમારી પાસેથી ઘણું શીખી શકશે. એટલું જ નહિ, તેઓને બાઇબલના અભ્યાસથી, કુટુંબ તરીકેની ભક્તિથી, મંડળની સભાઓથી અને ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવાથી પણ શીખવા મળશે. એનાથી તેઓને બાપ્તિસ્મા લેવા અને ભક્તિમાં આગળ વધતા રહેવા ઉત્તેજન મળશે. તેઓને યહોવાની ભક્તિમાં ધ્યેયો રાખવા પણ મદદ કરો.

નીતિવચનો ૨૦:૧૧ જણાવે છે: “બાળક પણ પોતાનાં કામોથી બતાવે છે કે તેનાં વાણી-વર્તન સારાં અને શુદ્ધ છે કે નહિ.” બાળકનાં કયાં કામોથી દેખાઈ આવશે કે તે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે અને બાપ્તિસ્મા લેવા તૈયાર છે?

બાપ્તિસ્મા તરફ ડગ માંડતા બાળકે પોતાનાં માતા-પિતાને આધીન રહેવું જોઈએ. (પ્રે.કા. ૫:૨૯; કોલો. ૩:૨૦) બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે ‘તે પોતાનાં માતા-પિતાને આધીન રહ્યા.’ (લૂક ૨:૫૧) માતા-પિતાએ એવી આશા ન રાખવી જોઈએ કે તેમનું બાળક ક્યારેય કોઈ ભૂલ નહિ કરે. પણ જે બાળક બાપ્તિસ્મા લેવા માંગે છે, તેણે ઈસુને પગલે ચાલવા મહેનત કરતા રહેવું જોઈએ. તેમ જ તેનાં કામોથી દેખાઈ આવવું જોઈએ કે તે માતા-પિતાને આધીન છે.

બાળકે બાઇબલમાંથી શીખવા તૈયાર રહેવું જોઈએ. (લૂક ૨:૪૬) શું તમારા બાળકને સભાઓમાં જવાનું અને એમાં ભાગ લેવાનું ગમે છે? (ગીત. ૧૨૨:૧) શું તે નિયમિત બાઇબલ વાંચવા અને અભ્યાસ કરવા આતુર હોય છે?—માથ. ૪:૪.

બાપ્તિસ્મા લેવા માંગતું બાળક, ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવા બનતું બધું કરે છે. (માથ. ૬:૩૩) તે સારી રીતે સમજે છે કે પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવું એ તેની જવાબદારી છે. તે ખુશખબર ફેલાવવાની અલગ અલગ રીતોમાં ભાગ લે છે. તેમ જ, તે શિક્ષકોને અને સાથે ભણતા વિદ્યાર્થીઓને એ જણાવતા શરમાતું નથી કે તે યહોવાનો સાક્ષી છે. તેને જીવન અને સેવાકાર્ય સભામાં જે ભાગ મળે છે એ તે સારી રીતે નિભાવવા મહેનત કરે છે.

તે ખરાબ સંગતથી દૂર રહીને પોતાનું ચારિત્ર શુદ્ધ રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે. (નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩) સંગીત, ફિલ્મો, ટી.વી. કાર્યક્રમ અને વીડિયો ગેમ્સની પસંદગીમાં તેમજ તે ઇન્ટરનેટનો જે રીતે ઉપયોગ કરે છે, એમાં એ દેખાઈ આવશે.

ઘણાં માતા-પિતાઓની મહેનતનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. તેઓનાં બાળકોએ બાઇબલનું શિક્ષણ દિલમાં ઉતાર્યું છે અને નાની ઉંમરે બાપ્તિસ્માને લાયક બન્યા છે. યહોવા સાથે સંબંધ કેળવવા બાપ્તિસ્મા મહત્ત્વનું પગલું છે. એ લેવા તમે બાળકોને જે મદદ કરો છો, એના પર યહોવા આશીર્વાદ આપે એવી અમારી પ્રાર્થના છે.

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક માટે સંદેશો:

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે મંડળ સાથે મળીને યહોવાની સેવા કરવી, એ એક લહાવો છે. તમે હમણાં સુધી જે પ્રગતિ કરી છે, એ માટે તમારી પ્રશંસા કરવામાં આવે છે. બાઇબલનો અભ્યાસ કરવાથી તમે ઈશ્વરને સારી રીતે ઓળખી શક્યા છો અને તેમનાં વચનો પર ભરોસો મૂકી શક્યા છો.—યોહા. ૧૭:૩; હિબ્રૂ. ૧૧:૬.

યહોવાના સાક્ષીઓ સાથે અભ્યાસ કરતા પહેલાં, કદાચ તમે કોઈ ધર્મ સાથે જોડાયેલા હશો અથવા તમે કોઈ પણ ધર્મમાં માનતા નહિ હો. તમે કદાચ એવાં કામ કર્યા હશે, જે બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. પણ હવે તમે પસ્તાવો કર્યો છે, એટલે કે અગાઉ કરેલાં ખોટાં કામો માટે તમને અફસોસ છે. તમે પોતાના જીવનમાં ફેરફારો પણ કર્યા છે. તમે ખોટાં કામો છોડીને ઈશ્વરની નજરમાં જે ખરું છે, એ કરવાનું નક્કી કર્યું છે. આમ, તમે પસ્તાવો કરીને અને જીવનમાં ફેરફાર કરીને શ્રદ્ધા બતાવી છે.—પ્રે.કા. ૩:૧૯.

બની શકે તમે “બાળપણથી પવિત્ર લખાણો” જાણતા હશો. એટલે તમને ખરાબ વાણી-વર્તન અને ગંભીર પાપથી દૂર રહેવા મદદ મળી હશે. (૨ તિમો. ૩:૧૫) તમે મિત્રોના દબાણનો સામનો કરવાનું શીખ્યા છો. યહોવાની નજરે ખોટું હોય, એવું કોઈ કામ કરવાની લાલચથી પણ દૂર રહેવાનું શીખ્યા છો. સાચી ભક્તિ કરીને અને પોતાની માન્યતાઓ બીજાઓને જણાવીને તમે શ્રદ્ધા બતાવી છે. તમને શીખવા મળ્યું છે કે કઈ રીતે લોકોને ખુશખબર જણાવવી જોઈએ. હવે તમે પોતે નિર્ણય લીધો છે કે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે યહોવાની ભક્તિ કરશો.

કદાચ તમને યહોવાના માર્ગ વિશે નાનપણથી ખબર હોય અથવા મોટા થયા પછી શીખ્યા હો. પણ હવે ભક્તિમાં આગળ વધવા તમે આ બે પગલાં ભરવાનું વિચારતા હશો: સમર્પણ અને બાપ્તિસ્મા. સમર્પણનો અર્થ થાય, પ્રાર્થનામાં યહોવાને જણાવવું કે હવેથી તમે હંમેશ માટે ફક્ત તેમની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. (માથ. ૧૬:૨૪) પછી લોકો આગળ તમારું સમર્પણ જાહેર કરવા, તમે પાણીમાં બાપ્તિસ્મા લેશો. (માથ. ૨૮:૧૯, ૨૦) સમર્પણ કરીને અને બાપ્તિસ્મા લઈને તમે યહોવા ઈશ્વરના સેવક બનો છો. એ કેટલો જોરદાર લહાવો છે!

બાઇબલના અભ્યાસથી તમને શીખવા મળ્યું કે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યાદ કરો કે ઈસુના બાપ્તિસ્મા પછી તરત જ, “પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ત્યાં શેતાને તેમનું પરીક્ષણ કર્યું.” (માથ. ૪:૧) તમે બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્યો બનશો પછી કદાચ તમારા પર પણ ઘણી કસોટીઓ આવે. (યોહા. ૧૫:૨૦) એ કસોટી અલગ અલગ પ્રકારની હોય શકે. કદાચ કુટુંબ તરફથી તમારે વિરોધનો સામનો કરવો પડે. (માથ. ૧૦:૩૬) કદાચ સાથે ભણનારા, નોકરી કરનારા કે પહેલાંના મિત્રો તમારી મજાક ઉડાવે. પણ તમે ઈસુના આ શબ્દો હંમેશાં યાદ રાખજો, જે માર્ક ૧૦:૨૯, ૩૦માં લખેલા છે: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ મારે લીધે અને ખુશખબરને લીધે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તેને હમણાં ૧૦૦ ગણાં વધારે ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો મળશે. પણ તેણે સતાવણી સહેવી પડશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.” એટલે યહોવાની નજીક રહેવા અને તેમનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલવા મહેનત કરતા રહો.

તમે બાપ્તિસ્મા લેવા માંગતા હો ત્યારે વડીલોના જૂથના સેવકને જણાવો. આ પછીના ભાગમાં આપેલા સવાલોને આધારે વડીલો તમારી સાથે ચર્ચા કરશે, જેથી તેઓ નક્કી કરી શકે કે તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો કે નહિ. તમે પોતાના માટે બાઇબલ અને સાહિત્યમાંથી અભ્યાસ કરો ત્યારે, એ સવાલોની તૈયારી કરી શકો.

એ સવાલોની તૈયારી કરતી વખતે આપેલી કલમોને વાંચવા અને એના પર મનન કરવા સમય કાઢો. આ પુસ્તકમાં કે બીજી કોઈ જગ્યાએ તમે તમારી નોંધ લખી શકો. વડીલો સાથેની ચર્ચા દરમિયાન તમે આ પુસ્તક ખુલ્લું રાખી શકો અને તમારી નોંધ જોઈ શકો. તમને કોઈ સવાલ ન સમજાય તો, તમે જેમની સાથે બાઇબલ અભ્યાસ કરો છો તેમની કે પછી વડીલોની મદદ લઈ શકો.

એવું ન વિચારશો કે વડીલો સાથેની ચર્ચામાં તમારે સવાલોના લાંબા લાંબા કે અઘરા જવાબો આપવા પડશે. તમે પોતાના શબ્દોમાં સાદો અને સ્પષ્ટ જવાબ આપશો તોપણ ચાલશે. ઘણા સવાલોના જવાબ માટે એક કે બે કલમોનો ઉપયોગ કરીને જવાબ આપશો તો સારું રહેશે. એનાથી દેખાઈ આવશે કે તમારો જવાબ બાઇબલને આધારે છે.

જો વડીલોને લાગે કે તમે બાઇબલનું મૂળ શિક્ષણ સારી રીતે સમજી શક્યા નથી, તો તમને મદદ કરવા તેઓ ગોઠવણ કરશે. એનાથી તમે બાઇબલની સમજણ મેળવીને પોતાના શબ્દોમાં જવાબ આપી શકશો અને સમય જતાં, બાપ્તિસ્મા માટે તૈયાર થશો.

[મંડળના વડીલો માટે નોંધ: બાપ્તિસ્મા લેવા માંગતી વ્યક્તિ સાથે કેવી રીતે ચર્ચા કરવી જોઈએ, એ વિશે પાન ૨૦૮-૨૧૧ પર સૂચનો આપ્યાં છે.]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો