પાઠ ૩
આદમ અને હવાએ ઈશ્વરની વાત માની નહિ
એક દિવસ હવા એકલી હતી ત્યારે સાપે તેની સાથે વાત કરી. સાપે પૂછ્યું: ‘શું ઈશ્વરે તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?’ હવાએ કહ્યું: ‘અમે બધાં ઝાડનાં ફળ ખાઈ શકીએ છીએ. પણ ઈશ્વરે અમને એક ઝાડનું ફળ ખાવાની ના પાડી છે. જો એનું ફળ ખાઈશું, તો મરી જઈશું.’ સાપે કહ્યું: ‘તમે નહિ મરો. અરે, તમે એ ફળ ખાશો તો ઈશ્વર જેવા થઈ જશો!’ શું એ વાત સાચી હતી? ના, જરાય નહિ. તે જૂઠું બોલતો હતો. પણ હવાએ એ વાત સાચી માની લીધી. તે એ ફળને જોયા કરતી. તે જેટલું વધારે જોતી, એટલું વધારે તેને એ ફળ ખાવાનું મન થતું. આખરે હવાએ ફળ ખાધું અને આદમને પણ આપ્યું. આદમ જાણતો હતો કે જો તેઓ ઈશ્વરનું નહિ માને તો મરી જશે. તોપણ આદમે એ ફળ ખાધું.
એ દિવસે સાંજે યહોવાએ આદમ અને હવા સાથે વાત કરી. યહોવાએ પૂછ્યું: ‘તમે કેમ મારી વાત માની નહિ?’ આદમે હવાનો વાંક કાઢ્યો અને હવાએ સાપનો વાંક કાઢ્યો. આદમ અને હવાએ યહોવાની વાત માની નહિ, એટલે તેઓને બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ બાગમાં પાછા ન આવે, એ માટે યહોવાએ દૂતો અને સળગતી તલવાર મૂકી.
યહોવાએ જણાવ્યું કે જેણે હવાને જૂઠું કહ્યું હતું તેને પણ સજા થશે. જેણે હવા સાથે વાત કરી હતી, એ ખરેખર સાપ ન હતો. યહોવાએ સાપને એ રીતે નથી બનાવ્યો કે એ વાત કરી શકે. એ તો ખરાબ દૂત હતો, જે સાપ દ્વારા બોલ્યો હતો. તેણે હવાને છેતરવા એમ કર્યું હતું. એ દૂત તો શેતાન છે. જલદી જ યહોવા તેનો નાશ કરશે, જેથી તે લોકોને ખરાબ કામ કરવા છેતરી ન શકે.
‘શેતાન શરૂઆતથી જ ખૂની હતો. તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી.’—યોહાન ૮:૪૪