પાઠ ૧૪
એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
યૂસફ યાકૂબનો દીકરો હતો. તેના મોટા ભાઈઓએ જોયું કે તેઓના પિતા, યૂસફને સૌથી વધારે પ્રેમ કરે છે. એ જોઈને તેઓને કેવું લાગ્યું? તેઓને યૂસફની ઈર્ષા થવા લાગી અને તેને નફરત કરવા લાગ્યા. જ્યારે યૂસફને વિચિત્ર સપનાં આવ્યાં, ત્યારે તેણે એ ભાઈઓને જણાવ્યાં. એ સપનાઓ વિશે તેઓને લાગ્યું કે એક દિવસ તેઓ યૂસફને નમન કરશે. એ જાણીને તેઓ યૂસફને વધારે નફરત કરવા લાગ્યા.
એક વખત, યૂસફના ભાઈઓ શખેમ શહેર નજીક ઘેટાં ચરાવતા હતા. યાકૂબે યૂસફને કહ્યું: ‘જા જોઈ આવ કે તેઓ બરાબર છે કે નહિ.’ યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતા જોયો. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘જુઓ, સપનાં જોનારો આવી રહ્યો છે. ચાલો તેને મારી નાખીએ!’ તેઓએ તેને પકડીને ઊંડા ખાડામાં નાખી દીધો. પણ તેના એક ભાઈ યહૂદાએ કહ્યું: ‘તેને મારશો નહિ! ચાલો તેને ગુલામ તરીકે વેચી દઈએ.’ પછી તેઓએ યૂસફને ચાંદીના ૨૦ ટુકડામાં ઇશ્માએલી વેપારીઓને વેચી દીધો. એ વેપારીઓ ઇજિપ્ત જઈ રહ્યા હતા.
પછી યૂસફના ભાઈઓએ યૂસફનો ઝભ્ભો બકરાનાં લોહીમાં બોળ્યો. તેઓએ પિતાને ઝભ્ભાની સાથે સાથે સંદેશો પણ મોકલાવ્યો કે ‘શું આ ઝભ્ભો તમારા દીકરાનો છે?’ એ જોઈને યાકૂબને લાગ્યું કે જંગલી જાનવરે યૂસફને ફાડી ખાધો છે. એના લીધે તે દુઃખમાં એટલા ડૂબી ગયા કે કોઈ તેમનું દુઃખ ઓછું કરી શક્યું નહિ.
ઇશ્માએલી માણસોએ યૂસફને ઇજિપ્તમાં વેચી દીધો. તે પોટીફાર નામના મોટા અધિકારીને ત્યાં ગુલામ તરીકે હતો. ત્યાં પણ યહોવા તેની સાથે હતા. પોટીફારે જોયું કે યૂસફ પોતાનું કામ બહુ સારી રીતે કરે છે અને તેના પર ભરોસો મૂકી શકાય છે. એટલે થોડા જ સમયમાં તેણે યૂસફને પોતાના આખા ઘરની સંભાળ રાખવાનું કામ સોંપ્યું.
પોટીફારની પત્નીએ જોયું કે યૂસફ મજબૂત અને સરસ દેખાય છે. તે દરરોજ યૂસફને પોતાની સાથે સૂવાનું કહેતી. યુસફે શું કર્યું? તેણે સાફ ના પાડી દીધી અને કહ્યું: ‘ના! એવું કરવું ખોટું છે. મારા માલિકે મારા પર ભરોસો કર્યો છે અને તમે તેમના પત્ની છો. જો હું તમારી સાથે સૂઈ જઈશ, તો ઈશ્વરનો ગુનેગાર થઈશ.’
એક દિવસ, પોટીફારની પત્નીએ યૂસફને પોતાની સાથે સૂવા જબરજસ્તી કરી. તેણે યૂસફનું કપડું પકડી લીધું, પણ યૂસફ એ છોડીને ભાગી ગયો. જ્યારે પોટીફાર ઘરે આવ્યો ત્યારે તેની પત્ની જૂઠું બોલી. તેણે કહ્યું: ‘યુસફે મારી સાથે જબરજસ્તી કરી.’ એ સાંભળીને પોટીફાર બહુ ગુસ્સે થઈ ગયો. તેણે યૂસફને જેલમાં નાખી દીધો. પણ યહોવા યૂસફને ભૂલ્યા નહિ.
“ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે.”—૧ પિતર ૫:૬