પાઠ ૧૭
મૂસાએ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું
ઇજિપ્તમાં યાકૂબનું કુટુંબ ઇઝરાયેલીઓ તરીકે ઓળખાતું હતું. યાકૂબ અને યુસફના ગુજરી ગયા પછી એક નવો રાજા આવ્યો. એ રાજાને ડર હતો કે ઇઝરાયેલીઓ ઇજિપ્તના લોકો કરતાં વધારે બળવાન થઈ જશે. એટલે તેણે ઇઝરાયેલીઓને ગુલામ બનાવી દીધા. રાજા તેઓ પાસે જબરજસ્તી કામ કરાવતો. જેમ કે, તેઓએ ઈંટો બનાવવી પડતી અને મેદાનમાં સખત કામ કરવું પડતું. તેણે તેઓનું જીવવું અઘરું કરી નાખ્યું હતું. તોપણ ઇઝરાયેલીઓની સંખ્યા વધતી ગઈ. રાજાને એ જરાય ના ગમ્યું, એટલે તેણે એક હુકમ બહાર પાડ્યો કે જો ઇઝરાયેલીઓને છોકરો જન્મે તો તેને મારી નાખવો. જરા વિચારો, એ સાંભળીને ઇઝરાયેલીઓને કેટલો ડર લાગ્યો હશે!
યોખેબેદ નામની એક ઇઝરાયેલી સ્ત્રીને એક દીકરો જન્મ્યો. તે બહુ સુંદર હતો. બાળકને બચાવવા તેણે એક ટોપલી લીધી. પછી એ ટોપલીમાં બાળકને મૂકીને નાઈલ નદીના કાંઠે લાંબા લાંબા ઘાસ વચ્ચે મૂકી. એ બાળકની બહેન મરિયમ નજીક ઊભી રહીને જોવા લાગી કે હવે શું થશે.
રાજાની દીકરી નદીએ નહાવા આવી ત્યારે તેણે એ ટોપલી જોઈ. ટોપલીમાં બાળકને રડતાં જોઈને તેને દયા આવી. મરિયમે તેને પૂછ્યું: ‘શું હું જઈને એક સ્ત્રીને બોલાવી લાવું, જે તેને દૂધ પીવડાવે અને તેની સંભાળ રાખે?’ રાજાની દીકરીએ હા પાડી એટલે મરિયમ જઈને પોતાની મા યોખેબેદને બોલાવી લાવી. રાજાની દીકરીએ તેને કહ્યું: ‘તું આ બાળકને લઈ જા. તેને દૂધ પીવડાવજે અને તેની સંભાળ રાખજે. એ માટે હું તને પગાર આપીશ.’
બાળક મોટું થયું ત્યારે યોખેબેદ તેને રાજાની દીકરી પાસે લઈ આવ્યા. રાજાની દીકરીએ તેનું નામ મૂસા પાડ્યું અને તેને પોતાના દીકરાની જેમ મોટો કર્યો. મૂસા રાજકુમારની જેમ મોટા થયા હતા અને તે ચાહે એ મેળવી શકતા હતા. પણ તે યહોવાને ક્યારેય ન ભૂલ્યા. ભલે તેમનો જન્મ ઇજિપ્તમાં થયો હતો, પણ તે જાણતા હતા કે તે એક ઇઝરાયેલી છે. તેમણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું.
જ્યારે મૂસા ૪૦ વર્ષના થયા, ત્યારે તેમણે પોતાના લોકોને મદદ કરવાનું વિચાર્યું. એક દિવસે, તેમણે જોયું કે ઇજિપ્તનો માણસ ઇઝરાયેલી ગુલામને મારી રહ્યો છે. એટલે તેમણે ઇજિપ્તના માણસને એટલું જોરથી માર્યું કે તે મરી ગયો. તેમણે તેની લાશ રેતીમાં છુપાવી દીધી. રાજાને એની ખબર પડી ત્યારે, તે મૂસાને મારી નાખવા માંગતા હતા. એટલે મૂસા ત્યાંથી ભાગીને મિદ્યાન દેશ જતા રહ્યા. યહોવાએ ત્યાં પણ તેમની સંભાળ રાખી.
‘શ્રદ્ધાને લીધે મૂસાએ ઇજિપ્તના રાજાની દીકરીના દીકરા તરીકે ગણાવાની ના પાડી. તેમણે ઈશ્વરના લોકો સાથે જુલમ સહન કરવાનું પસંદ કર્યું.’—હિબ્રૂઓ ૧૧:૨૪, ૨૫