પાઠ ૨૬
બાર જાસૂસો
ઇઝરાયેલીઓ સિનાઈ પર્વત પાસેથી આગળ વધ્યા. તેઓ પારાન નામના વેરાન પ્રદેશમાંથી પસાર થઈને કાદેશ નામની જગ્યાએ પહોંચ્યા. ત્યાં યહોવાએ મૂસાને કહ્યું: ‘દરેક કુળમાંથી એક માણસ પસંદ કર અને એ ૧૨ માણસોને કનાન દેશની જાસૂસી કરવા મોકલ. એ દેશ વિશે મેં ઇઝરાયેલીઓને વચન આપ્યું છે.’ મૂસાએ ૧૨ માણસોને પસંદ કર્યા, અને તેઓને કહ્યું: ‘તમે બધા કનાન દેશ જાઓ અને તપાસ કરો કે ત્યાંની જમીન ખેતી કરવા માટે સારી છે કે નહિ. એ પણ તપાસ કરજો કે ત્યાંનાં લોકો કેવા છે, શક્તિશાળી છે કે કમજોર. તેઓ તંબુમાં રહે છે કે શહેરોમાં.’ પછી ૧૨ જાસૂસો કનાન દેશ ગયા. તેઓમાં યહોશુઆ અને કાલેબ પણ હતા.
૪૦ દિવસ પછી એ જાસૂસો પાછા આવ્યા. તેઓ અંજીર, દાડમ અને દ્રાક્ષ લઈ આવ્યા. તેઓએ જણાવ્યું: ‘ત્યાંની જમીન તો સારી છે, પણ લોકો બહુ શક્તિશાળી છે. તેઓના શહેરોની ચારે બાજુ ઊંચી ઊંચી દીવાલો છે.’ પછી કાલેબે કહ્યું: ‘ચાલો આપણે તેઓ પણ હુમલો કરીએ. આપણે તેઓને હરાવી દઈશું.’ તમને ખબર છે, કાલેબે એવું કેમ કહ્યું? કાલેબ અને યહોશુઆને યહોવા પર પાકો ભરોસો હતો. પણ બાકીના ૧૦ જાસૂસો કહેવા લાગ્યા: ‘ના! એ લોકો તો રાક્ષસ જેવા બહુ મોટા છે. અમે તો તીતીઘોડા જેવા નાના લાગતા હતા.’
એ સાંભળીને ઇઝરાયેલીઓ નિરાશ થઈ ગયા. તેઓ કચકચ કરવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા: ‘ચાલો, આપણને ઇજિપ્ત પાછા લઈ જાય એવા કોઈ માણસને પસંદ કરીએ. લોકો આપણને મારી નાખે એવા દેશમાં કેમ જઈએ?’ યહોશુઆ અને કાલેબે તેઓને કહ્યું: ‘યહોવાનું સાંભળો. તમે ડરશો નહિ. યહોવા આપણને બચાવશે.’ પણ ઇઝરાયેલીઓએ તેઓની વાત સાંભળી નહિ. અરે, તેઓ તો યહોશુઆ અને કાલેબને મારી નાખવા તૈયાર થઈ ગયા હતા.
યહોવાએ શું કર્યું? તેમણે મૂસાને કહ્યું: ‘મેં ઇઝરાયેલીઓ માટે કેટકેટલું કર્યું, તોપણ તેઓ મારું સાંભળતાં નથી. એટલે તેઓ ૪૦ વર્ષ સુધી આ વેરાન પ્રદેશમાં ભટકશે અને અહીં જ મરી જશે. ફક્ત તેઓના બાળકો તેમજ યહોશુઆ અને કાલેબ જ એ દેશમાં જશે, જે આપવાનું મેં વચન આપ્યું છે.’
“તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?”—માથ્થી ૮:૨૬