પાઠ ૨૭
અમુક લોકો યહોવાની સામે થયા
ઇઝરાયેલીઓ વેરાન જગ્યામાં હતા. એના થોડા સમય પછી કોરાહ, દાથાન, અબીરામ અને બીજા ૨૫૦ માણસો મૂસાની સામે થયા. તેઓએ તેમને કહ્યું: ‘તને કોણે અમારો આગેવાન અને હારુનને પ્રમુખ યાજક બનાવ્યો? યહોવા ફક્ત તારી અને હારુન સાથે નહિ, પણ અમારા બધા સાથે છે.’ યહોવાને એ જરાય ના ગમ્યું. યહોવા માટે એ મૂસાનો નહિ, પણ તેમનો વિરોધ હતો.
મૂસાએ કોરાહ અને તેના સાથીઓને કહ્યું: ‘તમે બધા કાલે પવિત્ર મંડપ પાસે આવજો અને અગ્નિપાત્રમાં ધૂપ મૂકીને લાવજો. યહોવા બતાવશે કે તેમણે કોને પસંદ કર્યા છે.’
બીજા દિવસે કોરાહ અને તેના ૨૫૦ સાથીઓ મૂસાને મળવા મંડપ પાસે ગયા. યાજકો હોય એ રીતે તેઓએ ધૂપ બાળ્યો. યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ‘તમે કોરાહ અને તેના સાથીઓથી દૂર થઈ જાઓ.’
કોરાહ મૂસાને મળવા મંડપે ગયા હતા, પણ દાથાન, અબીરામ અને તેઓનાં કુટુંબો ગયા ન હતા. યહોવાએ ઇઝરાયેલીઓને કીધું કે તેઓ કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓથી દૂર થઈ જાય. ઇઝરાયેલીઓ તરત દૂર થઈ ગયા. દાથાન, અબીરામ અને તેઓના કુટુંબો પોતાના તંબુઓની બહાર ઊભા રહ્યા. અચાનક ધરતી ફાટી અને એ બધાને ગળી ગઈ. મંડપ પાસે અગ્નિ ઊતરી આવ્યો અને કોરાહ અને તેના ૨૫૦ માણસોને ભસ્મ કરી નાખ્યા.
યહોવાએ મૂસાને કહ્યું: ‘દરેક કુળના એક આગેવાન પાસેથી એક લાકડી લે. એના પર એ આગેવાનનું નામ લખ. પણ લેવી કુળ માટે જે લાકડી લે, એના પર હારુનનું નામ લખ. એ લાકડીઓને મંડપમાં મૂક. હું જે લાકડી પસંદ કરીશ, એના પર ફૂલ ઊગ્યાં હશે.’
બીજા દિવસે મૂસા બધી લાકડીઓ લઈને બહાર આવ્યા અને આગેવાનોને બતાવી. હારુનની લાકડી પર ફૂલ ઊગેલાં હતાં અને પાકી બદામો લાગેલી હતી. આ રીતે યહોવાએ બતાવ્યું કે તેમણે હારુનને પ્રમુખ યાજક તરીકે પસંદ કર્યા છે.
“જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો.”—હિબ્રૂઓ ૧૩:૧૭