પાઠ ૨૯
યહોવાએ યહોશુઆને પસંદ કર્યા
મૂસાએ ઘણાં વર્ષો ઇઝરાયેલીઓની આગેવાની કરી. પણ હવે તેમનું મરણ નજીક હતું. યહોવાએ તેમને કહ્યું: ‘તું ઇઝરાયેલીઓને વચનના દેશમાં નહિ લઈ જઈ શકે. પણ હું તને એ દેશ બતાવીશ.’ મૂસાએ યહોવાને વિનંતી કરી કે લોકોની સંભાળ રાખવા નવો આગેવાન પસંદ કરે. યહોવાએ તેમને કહ્યું: ‘યહોશુઆ પાસે જા અને તેને કહેજે કે મેં તેને આગેવાન તરીકે પસંદ કર્યો છે.’
મૂસાએ ઇઝરાયેલીઓએ જણાવ્યું કે બહુ જલદી તેમનું મરણ થઈ જશે. એ પણ જણાવ્યું કે વચનના દેશમાં લઈ જવા યહોવાએ આગેવાન તરીકે યહોશુઆને પસંદ કર્યા છે. મૂસાએ યહોશુઆને કહ્યું: ‘તું ડરીશ નહિ. યહોવા તારી મદદ કરશે.’ મૂસા નબો પર્વતની ટોચ પર ગયા. ત્યાંથી યહોવાએ મૂસાને એ દેશ બતાવ્યો, જેના વિશે તેમણે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. એ પછી ૧૨૦ વર્ષની ઉંમરે મૂસાનું મરણ થયું.
યહોવાએ યહોશુઆને કીધું: ‘યર્દન નદી પાર કરીને કનાન દેશમાં જા. મેં જેમ મૂસાને મદદ કરી હતી, તેમ તને પણ કરીશ. મેં આપેલા નિયમો તું દરરોજ વાંચજે. ગભરાતો નહિ. હિંમત રાખજે. હવે જા, અને મેં જે આજ્ઞા આપી છે, એ પ્રમાણે કર.’
યહોશુઆએ બે જાસૂસોને યરીખો શહેરમાં તપાસ કરવા મોકલ્યા. આ પછીના પાઠમાં આપણે જોઈશું કે ત્યાં શું થયું. તેઓએ પાછા આવીને યહોશુઆને કહ્યું: ‘ચાલો કનાન દેશ જઈએ. ત્યાંના રહેવાસીઓ આપણાથી થરથર કાંપે છે.’ બીજા દિવસે યહોશુઆએ લોકોને સામાન બાંધવાનું કહ્યું. પછી તેણે કરારકોશ ઊંચકનારા યાજકોને જણાવ્યું કે તેઓ બધાથી પહેલા યર્દન નદી સુધી પહોંચે. નદીમાં છલોછલ પાણી વહેતું હતું. યાજકોએ નદીમાં જેવો પગ મૂક્યો કે તરત જ પાણી વહેતું અટકી ગયું અને જમીન કોરી થઈ ગઈ. યાજકો નદીની વચ્ચોવચ ઊભા રહ્યા. બધા ઇઝરાયેલીઓએ નદી પાર કરી ત્યાં સુધી, તેઓ ત્યાં જ ઊભા રહ્યા. તમને શું લાગે છે, આ ચમત્કાર જોઈને તેઓને લાલ સમુદ્ર પાસેનો ચમત્કાર યાદ આવ્યો હશે?
આટલાં વર્ષો પછી, છેવટે ઇઝરાયેલીઓ વચનના દેશમાં આવી પહોંચ્યા. હવે તેઓ ઘરો અને શહેરો બાંધી શકતા હતા, ખેતી કરી શકતા હતા, દ્રાક્ષો અને બીજાં ફળોની વાડીઓ કરી શકતા હતા. ખરેખર, એ દૂધ-મધની રેલમછેલવાળો દેશ હતો.
“યહોવા તમને કાયમ માર્ગદર્શન આપશે, સૂકી ભૂમિમાં પણ કશાની ખોટ પડવા નહિ દે.”—યશાયા ૫૮:૧૧