પાઠ ૩૧
યહોશુઆ અને ગિબયોની લોકો
યરીખો શહેરના નાશ વિશેની ખબર આખા કનાનમાં ફેલાઈ ગઈ હતી. કનાનના રાજાઓએ નક્કી કર્યું કે તેઓ સાથે મળીને ઇઝરાયેલના રાજાઓ સામે લડશે. પણ ગિબયોનના લોકોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ જૂનાં અને ફાટેલાં કપડાં પહેરીને યહોશુઆ પાસે ગયા. તેઓએ યહોશુઆને કહ્યું: ‘અમે દૂર દેશથી આવ્યા છીએ. અમે યહોવા વિશે સાંભળ્યું છે. તેમણે તમારા માટે ઇજિપ્ત અને મોઆબમાં જે મોટાં મોટાં કામો કર્યાં છે, એ વિશે પણ સાંભળ્યું છે. અમને વચન આપો કે તમે અમારા પર હુમલો નહિ કરો. અમે તમારા સેવકો બની જઈશું.’
યહોશુઆએ તેઓની વાત સાચી માની લીધી અને તેઓ પર હુમલો ન કરવાનું વચન આપ્યું. ત્રણ દિવસ પછી યહોશુઆને ખબર પડી કે તેઓ કોઈ દૂર દેશના નહિ, પણ કનાન દેશના જ છે. યહોશુઆએ તેઓને પૂછ્યું: ‘તમે જૂઠું કેમ બોલ્યા?’ તેઓએ કહ્યું: ‘અમે બહુ ડરી ગયા હતા. અમે જાણીએ છીએ કે તમારા ઈશ્વર યહોવા તમારા માટે લડે છે. દયા કરો, અમારો જીવ ન લેશો.’ યહોશુઆએ પોતાનું વચન નિભાવ્યું અને ગિબયોનીઓ પર દયા બતાવી.
થોડા સમય પછી, કનાનના પાંચ રાજાઓ સેનાઓ લઈને ગિબયોનીઓ પર હુમલો કરવા નીકળી પડ્યા. યહોશુઆ અને તેમના સૈનિકો આખી રાત ચાલીને ગિબયોનીઓને બચાવવા ગયા. બીજા દિવસે, વહેલી સવારે ઇઝરાયેલીઓ અને કનાનીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. કનાનીઓ આમતેમ ભાગવા લાગ્યા. તેઓ જ્યાં પણ ગયા, યહોવાએ તેઓ પર મોટા મોટા કરા વરસાવ્યા. પછી યહોશુઆએ યહોવાને વિનંતી કરી કે તે સૂરજને આથમવા ન દે. પણ એવું ક્યારેય બન્યું જ ન હતું, તો પછી યહોશુઆએ એવી પ્રાર્થના કેમ કરી? કેમ કે તેમને યહોવા પર ભરોસો હતો. આખો દિવસ સૂરજ એક જ જગ્યાએ રહ્યો. જ્યાં સુધી ઇઝરાયેલીઓએ કનાનના રાજાઓ અને તેઓની સેનાઓને હરાવ્યાં નહિ, ત્યાં સુધી સૂરજ આથમ્યો નહિ.
“તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય, કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન તરફથી છે.”—માથ્થી ૫:૩૭