પાઠ ૩૫
હાન્નાએ પ્રાર્થનામાં દીકરો માંગ્યો
એલ્કાનાહ નામના એક ઇઝરાયેલી માણસ હતા. તેમને બે પત્નીઓ હતી. એકનું નામ હાન્ના અને બીજીનું નામ પનિન્ના હતું. તે હાન્નાને વધારે પ્રેમ કરતા હતા. હાન્નાને કોઈ બાળક ન હતું, પણ પનિન્નાને ઘણાં બાળકો હતાં. એટલે પનિન્ના હંમેશાં હાન્નાને હેરાન કરતી. દર વર્ષે એલ્કાનાહ પોતાના કુટુંબને લઈને મંડપ આગળ ભક્તિ કરવા શીલોહ જતા. એક વખતે તેઓ ત્યાં હતા ત્યારે, એલ્કાનાહે જોયું કે તેમની વહાલી પત્ની હાન્ના ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું: ‘હાન્ના રડીશ નહિ, હું છું ને તારી સાથે. હું તને ખૂબ પ્રેમ કરું છું.’
પછીથી હાન્ના એકલા મંડપે પ્રાર્થના કરવા ગયાં. તેમણે રડી રડીને યહોવા પાસે મદદની ભીખ માંગી. તેમણે વચન આપ્યું: ‘હે યહોવા, જો તમે મને દીકરો આપશો તો હું તેને આખી જિંદગી તમારી સેવામાં આપી દઈશ.’
હાન્ના મનમાં ને મનમાં બોલતાં હતાં અને તેમનાં હોઠ ફફડતાં હતાં. એટલે પ્રમુખ યાજક એલીને લાગ્યું કે હાન્નાએ દારૂનો નશો કર્યો છે. હાન્નાએ કહ્યું: ‘ના મારા માલિક, હું નશામાં નથી. હું બહુ તકલીફમાં છું અને એ વિશે યહોવાને જણાવી રહી છું.’ એલીને સમજાયું કે તે ખોટું વિચારતા હતા. તેમણે હાન્નાને કહ્યું: ‘તેં જે માંગ્યું છે એ ઈશ્વર તને આપશે.’ એ સાંભળીને હાન્નાને ઘણું સારું લાગ્યું અને તે ત્યાંથી જતાં રહ્યાં. પછીના વર્ષે તેમને દીકરો થયો. તેમણે તેનું નામ શમુએલ પાડ્યું. શું તમે હાન્નાની ખુશીની કલ્પના કરી શકો છો?
હાન્નાએ યહોવાને આપેલું વચન પાળ્યું. હાન્નાએ શમુએલને પોતાનું દૂધ પીવડાવવાનું બંધ કર્યું પછી, તરત તેને મંડપમાં સેવા કરવા લઈ આવ્યાં. તેમણે એલીને કહ્યું: ‘આ એ જ દીકરો છે, જેના માટે મેં પ્રાર્થના કરી હતી. હું તેને આખી જિંદગી યહોવાની સેવા કરવા આપું છું.’ એલ્કાનાહ અને હાન્ના દર વર્ષે શમુએલને મળવા આવતાં. તેના માટે બાંય વગરનો નવો ઝભ્ભો પણ લાવતાં. યહોવાએ હાન્નાને બીજાં ત્રણ દીકરાઓ અને બે દીકરીઓનો આશીર્વાદ આપ્યો.
“માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે.”—માથ્થી ૭:૭