પાઠ ૪૨
બહાદુર અને વફાદાર યોનાથાન
શાઉલ રાજાના સૌથી મોટા દીકરા યોનાથાન, એક બહાદુર સૈનિક હતા. દાઉદે તેમના વિશે કહ્યું હતું: ‘યોનાથાન ગરુડથી પણ ઝડપી અને સિંહથી પણ વધારે શક્તિશાળી છે.’ એક દિવસ યોનાથાને એક ટેકરી પર ૨૦ પલિસ્તી સૈનિકો જોયા. તેમણે પોતાના હથિયાર ઊંચકનારને કહ્યું: ‘જો યહોવા આપણને નિશાની આપશે, તો જ આપણે તેઓ પર હુમલો કરીશું. પલિસ્તીઓ આપણને કહે કે ઉપર આવો, તો આપણે એને નિશાની સમજીને તેઓ પર હુમલો કરીશું.’ પલિસ્તીઓએ કહ્યું: ‘ઉપર આવો અને અમારી સાથે લડો.’ એટલે તેઓ બંને ટેકરી પર ગયા અને બધા સૈનિકોને મારી નાખ્યા.
યોનાથાન સૌથી મોટા દીકરા હતા, એટલે શાઉલ પછી રાજા બનવાનો હક તેમનો હતો. પણ તે જાણતા હતા કે યહોવાએ દાઉદને ઇઝરાયેલના રાજા તરીકે પસંદ કર્યા છે. તોપણ તેમણે ઈર્ષા કરી નહિ. યોનાથાન અને દાઉદ પાકા દોસ્ત બની ગયા. તેઓએ એકબીજાને બચાવવાનું અને સાથ આપવાનું વચન આપ્યું. દોસ્તીની નિશાની તરીકે યોનાથાને પોતાનો ઝભ્ભો, તલવાર, ધનુષ્ય અને કમરનો પટ્ટો દાઉદને આપ્યાં.
દાઉદ શાઉલથી નાસતા ફરતા હતા ત્યારે, યોનાથાને તેમની પાસે જઈને કહ્યું: ‘હિંમત રાખજે. ડરીશ નહિ. યહોવાએ તને જ રાજા તરીકે પસંદ કર્યો છે. મારા પિતા પણ એ વાત જાણે છે.’ શું તમે ચાહો છો કે તમારો પણ યોનાથાન જેવો સારો દોસ્ત હોય?
યોનાથાને પોતાના દોસ્તને બચાવવા ઘણી વાર પોતાનો જીવ જોખમમાં નાખ્યો. તે જાણતા હતા કે તેમના પિતા શાઉલ દાઉદને મારી નાખવા માંગે છે. એટલે તેમણે પોતાના પિતાને કહ્યું: ‘દાઉદે કંઈ ખોટું કર્યું નથી. જો તમે દાઉદને મારી નાખશો તો એ પાપ ગણાશે.’ શાઉલને યોનાથાન પર બહુ ગુસ્સો આવ્યો. અમુક વર્ષો પછી શાઉલ અને યોનાથાન એક જ યુદ્ધમાં માર્યા ગયા.
એ પછી દાઉદે યોનાથાનના દીકરા મફીબોશેથની શોધ કરાવી. જ્યારે મફીબોશેથ મળ્યા ત્યારે દાઉદે તેમને કહ્યું: ‘તારા પિતા મારા ખૂબ સારા દોસ્ત હતા. એટલે હું આખી જિંદગી તારી સંભાળ રાખીશ. તું મારા મહેલમાં રહેજે અને મારી સાથે બેસીને જમજે.’ દાઉદ પોતાના દોસ્ત યોનાથાનને ક્યારેય ભૂલ્યા નહિ.
“જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો. મિત્રો માટે પોતાનો જીવ આપી દેવો, એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી.”—યોહાન ૧૫:૧૨, ૧૩