પાઠ ૪૬
કાર્મેલ પર્વત પર શું થયું?
દસ કુળવાળા ઇઝરાયેલમાં મોટા ભાગના રાજાઓ ખરાબ હતા. પણ એ બધામાં આહાબ રાજા સૌથી ખરાબ હતો. તેણે એક દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું. તેનું નામ ઇઝેબેલ હતું. તે બઆલ દેવની ભક્તિ કરતી હતી. આહાબ અને ઇઝેબેલે આખા ઇઝરાયેલમાં બઆલની ભક્તિ ફેલાવી દીધી હતી. અરે, યહોવાના પ્રબોધકોને પણ મારી નંખાવ્યા હતા. શું યહોવાએ એ બધું ચલાવી લીધું? તેમણે પ્રબોધક એલિયા દ્વારા આહાબને સંદેશો મોકલાવ્યો.
એલિયાએ રાજા આહાબને કહ્યું કે તારા ખરાબ કામોને લીધે ઇઝરાયેલમાં વરસાદ નહિ પડે. ત્રણ કરતાં વધારે વર્ષ સુધી અનાજ ઊગ્યું નહિ અને લોકો માટે ખોરાક ખૂટી પડ્યો. યહોવાએ ફરીથી એલિયાને આહાબ પાસે મોકલ્યા. આહાબે કહ્યું: ‘આ બધી તકલીફો તારા લીધે જ આવી છે.’ એલિયાએ કહ્યું: ‘મારા લીધે તકલીફો નથી આવી. તું બઆલની ભક્તિ કરે છે એટલે દુકાળ પડ્યો છે. આજે સાબિત થઈ જ જાય કે સાચા ઈશ્વર કોણ છે, યહોવા કે બઆલ? રાજ્યના બધા લોકો અને બઆલના બધા પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર.’
બધા લોકો પર્વત પર ભેગા થયા. એલિયાએ લોકોને કહ્યું: ‘તમે નક્કી કરો કે તમે કોની ભક્તિ કરશો? જો યહોવા સાચા ઈશ્વર હોય તો તેમની ભક્તિ કરો. જો બઆલ હોય તો તેની ભક્તિ કરો. આજે સાબિત થઈ જશે કે સાચા ઈશ્વર કોણ છે. બઆલના ૪૫૦ પ્રબોધકો એક બલિદાન તૈયાર કરે અને પોતાના દેવને પોકારે. પછી હું એક બલિદાન તૈયાર કરીશ અને યહોવાને પોકારીશ. બલિદાન પર જે આગ વરસાવશે તે જ સાચા ઈશ્વર હશે.’ બધા લોકો માની ગયા.
બઆલના પ્રબોધકોએ એક બલિદાન તૈયાર કર્યું. પછી આખો દિવસ તેઓ પોતાના દેવને પોકારતા રહ્યા. “ઓ બઆલ, અમને જવાબ આપ!” પણ બઆલે કોઈ જવાબ આપ્યો નહિ. એટલે એલિયાએ મજાક ઉડાવતા કહ્યું: ‘હજુ મોટેથી પોકારો, કદાચ તે ઊંઘતો હશે. એટલે કોઈએ જઈને એને જગાડવો પડશે.’ બઆલના પ્રબોધકો સાંજ સુધી બૂમો પાડતા રહ્યા. પણ તેઓને કોઈ જવાબ મળ્યો નહિ.
હવે એલિયાએ વેદી પર બલિદાન મૂક્યું અને એની પર ઘણું બધું પાણી નાખ્યું. પછી તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા! લોકોને બતાવી દો કે તમે જ સાચા ઈશ્વર છો.’ તરત જ સ્વર્ગમાંથી અગ્નિ ઊતરી આવ્યો અને બલિદાન ભસ્મ થઈ ગયું. એ જોઈને લોકો મોટેથી કહેવા લાગ્યા: ‘યહોવા જ સાચા ઈશ્વર છે.’ એલિયાએ કહ્યું: ‘બઆલના પ્રબોધકોને પકડી લો, એકને પણ છોડશો નહિ.’ એ દિવસે બઆલના ૪૫૦ પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા.
સમુદ્ર પર એક નાનું વાદળ દેખાયું ત્યારે, એલિયાએ આહાબને કહ્યું: ‘તોફાન આવી રહ્યું છે. તું રથમાં બેસીને ઘરે જતો રહે.’ આકાશમાં કાળાં વાદળો છવાઈ ગયાં, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. આખરે દુકાળનો અંત આવ્યો. આહાબે પોતાનો રથ ઝડપથી દોડાવ્યો. પણ એલિયા યહોવાની મદદથી રથ કરતાં પણ ઝડપથી દોડવા લાગ્યા. શું એલિયાની બધી તકલીફો ખતમ થઈ ગઈ હતી? એ વિશે હવે પછીના પાઠમાં જોઈશું.
“બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”—ગીતશાસ્ત્ર ૮૩:૧૮