પાઠ ૪૭
યહોવાએ એલિયાને હિંમત આપી
ઇઝેબેલને ખબર પડી કે બઆલના પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે. એ જાણીને તેને બહુ ગુસ્સો આવ્યો. તેણે એલિયાને આ સંદેશો મોકલાવ્યો: ‘કાલે તને પણ બઆલના પ્રબોધકોની જેમ મારી નાખવામાં આવશે.’ એલિયા ખૂબ ડરી ગયા અને વેરાન પ્રદેશમાં નાસી ગયા. તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા, બહુ થયું, મારે હવે નથી જીવવું!’ તે બહુ થાકી ગયા હતા એટલે એક ઝાડ નીચે સૂઈ ગયા.
એક દૂતે તેમને જગાડ્યા અને પ્રેમથી કહ્યું: “ઊઠ અને જમી લે.” એલિયાએ જોયું તો ગરમ પથ્થર પર એક રોટલી હતી અને પાસે પાણીનો કુંજો હતો. તેમણે ખાધું-પીધું અને ફરી સૂઈ ગયા. દૂતે બીજી વાર આવીને તેમને જગાડ્યા અને કહ્યું: ‘જમી લે. મુસાફરી કરવા તને તાકાત જોઈશે.’ એટલે એલિયાએ ઊઠીને ખાધું. પછી તે ૪૦ દિવસ અને ૪૦ રાત ચાલીને હોરેબ પર્વત પાસે પહોંચ્યા. તે સૂવા માટે એક ગુફાની અંદર ગયા. યહોવાએ તેમને કહ્યું: ‘એલિયા, તું અહીંયા શું કરે છે?’ એલિયાએ કહ્યું: ‘ઇઝરાયેલીઓએ તમને આપેલું વચન તોડી નાખ્યું છે. તમારી વેદીઓનો નાશ કર્યો છે અને તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે. હવે તેઓ મને પણ મારી નાખવા માંગે છે.’
યહોવાએ તેમને કહ્યું: ‘બહાર આવીને પર્વત પર ઊભો રહે.’ પહેલા ગુફાની સામે જોરદાર પવન ફૂંકાયો, પછી ધરતીકંપ થયો અને પછી આગ દેખાઈ. છેલ્લે એલિયાને ધીમો કોમળ અવાજ સંભળાયો. તેમણે ઝભ્ભાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને ગુફાની બહાર ઊભા રહ્યા. યહોવાએ તેમને પૂછ્યું: ‘તું અહીં શું કરે છે?’ એલિયાએ કહ્યું: ‘હું એકલો જ બચી ગયો છું.’ પણ યહોવાએ તેમને જણાવ્યું: ‘તું એકલો નથી. ઇઝરાયેલમાં બીજા ૭,૦૦૦ લોકો છે, જેઓ હજુ પણ મારી ભક્તિ કરે છે. તું જઈને એલિશાને પસંદ કર, જેથી તે તારી જગ્યાએ પ્રબોધક બને.’ એલિયા તરત ગયા અને યહોવાએ કીધું હતું એવું જ કર્યું. તમને શું લાગે છે, તમે યહોવાનું માનશો તો શું તે તમારી મદદ કરશે? હા ચોક્કસ કરશે! ચાલો, હવે દુકાળ દરમિયાન બનેલી એક ઘટના વિશે જોઈએ.
“કશાની ચિંતા ન કરો, પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.”—ફિલિપીઓ ૪:૬