પાઠ ૫૧
એક મોટો સેનાપતિ અને એક નાની છોકરી
ઇઝરાયેલની એક નાની છોકરી પોતાના કુટુંબથી દૂર સિરિયા દેશમાં રહેતી હતી. સિરિયાની સેના તેને જબરજસ્તી ઉપાડી લાવી હતી. સિરિયામાં એક મોટા સેનાપતિ હતા. તેમનું નામ નામાન હતું. એ છોકરી નામાનની પત્નીની દાસી હતી. તેની આસપાસના લોકો યહોવામાં માનતા ન હતા. પણ એ નાની છોકરીએ યહોવામાં માનવાનું છોડ્યું નહિ.
નામાનને ચામડીનો ભયંકર રોગ થયો હતો. એના લીધે તેમને ખૂબ દુઃખતું હતું. નાની છોકરી તેમની મદદ કરવા માંગતી હતી. તેણે નામાનની પત્નીને કહ્યું: ‘હું એક માણસને ઓળખું છું, જે તમારા પતિને સાજા કરી શકે છે. તેમનું નામ એલિશા છે. તે યહોવાના પ્રબોધક છે અને ઇઝરાયેલમાં રહે છે.’
નામાનની પત્નીએ એ વાત પોતાના પતિને જણાવી. નામાન સાજા થવા કંઈ પણ કરવા તૈયાર હતા. એટલે તે એલિશાને મળવા તેમના ઘરે ગયા. તેમણે વિચાર્યું કે તે મોટા સેનાપતિ છે એટલે એલિશા સામે મળવા આવશે. પણ એલિશાએ નામાનને મળવા પોતાના સેવકને મોકલ્યો અને તેની સાથે આ સંદેશો મોકલાવ્યો: ‘જઈને યરદન નદીમાં સાત વાર ડૂબકી માર. પછી તું સાજો થઈ જશે.’
એ સાંભળીને નામાન નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું: ‘હું વિચારતો હતો કે પ્રબોધક પોતાના ઈશ્વરના નામે પોકારશે અને મારા પર હાથ ફેરવીને મને સાજો કરશે. પણ તે તો મને ઇઝરાયેલની એક નદીએ જવાનું કહે છે. આનાથી સારી નદીઓ તો અમારા સિરિયામાં છે. હું ત્યાં કેમ ન જઉં?’ નામાનને એટલો ગુસ્સો આવ્યો કે તે એલિશાના ઘરેથી નીકળી ગયા.
પછી નામાનના સેવકોએ તેમને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું: ‘તમે સાજા થવા કંઈ પણ કરવા તૈયાર હતા ને? તો પછી આ પ્રબોધક જે કહે છે, એ તો બહુ સહેલું છે. તો પછી તમે કેમ એ નથી કરતા?’ એટલે નામાન માની ગયા. તે યરદન નદીએ ગયા અને સાત વાર પાણીમાં ડૂબકી મારી. તે સાતમી વાર પાણીમાંથી બહાર આવ્યા ત્યારે, એકદમ સાજા થઈ ગયા હતા. તે એલિશાનો આભાર માનવા તેમના ઘરે પાછા ગયા. તેમણે કહ્યું: ‘હવે મને ખબર પડી ગઈ છે કે યહોવા જ સાચા ઈશ્વર છે.’ તમને શું લાગે છે, નામાન પોતાના ઘરે ગયા હશે ત્યારે એ નાની છોકરીને કેવું લાગ્યું હશે?
“તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે સ્તુતિ કરાવી છે.”—માથ્થી ૨૧:૧૬