પાઠ ૫૬
યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા
યોશિયા આઠ વર્ષના હતા ત્યારે યહૂદાના રાજા બન્યા. એ સમયમાં લોકો જાદુટોણાં અને મૂર્તિની પૂજા કરતા હતા. જ્યારે યોશિયા ૧૬ વર્ષના થયા, ત્યારે સાચી રીતે યહોવાની ભક્તિ કરતા શીખ્યા. ૨૦ વર્ષની ઉંમરે તેમણે આખા યહૂદામાંથી મૂર્તિઓ અને વેદીઓનો નાશ કરવાનું શરૂ કરી દીધું. ૨૬ વર્ષની ઉંમરે તેમણે યહોવાના મંદિરનું સમારકામ કરાવવાની ગોઠવણ કરી.
પ્રમુખ યાજક હિલ્કિયાને મંદિરમાં યહોવાના નિયમોનો વીંટો મળ્યો. કદાચ આ એ જ વીંટો હતો, જે મૂસાએ પોતાના હાથે લખ્યો હતો. રાજાનો સેવક શાફાન યોશિયા પાસે એ વીંટો લઈ આવ્યો અને વાંચી સંભળાવ્યો. રાજા યોશિયા સમજી ગયા કે લોકો ઘણાં વર્ષોથી યહોવાની આજ્ઞા માનતા નથી. તેમણે હિલ્કિયાને કહ્યું: ‘યહોવા આપણા પર ખૂબ ગુસ્સે છે. તમે જઈને યહોવા સાથે વાત કરો અને પૂછો કે આપણે શું કરવું જોઈએ.’ યહોવાએ પ્રબોધિકા હુલ્દાહ દ્વારા જવાબ આપ્યો: ‘યહૂદાના લોકોએ મને છોડી દીધો છે, એટલે તેઓને સજા થશે. પણ યોશિયાના રાજમાં એવું નહિ થાય, કેમ કે તેણે પોતાને નમ્ર કર્યો છે.’
યહોવાનો જવાબ સાંભળીને રાજા યોશિયા મંદિરે ગયા. તેમણે યહૂદાના લોકોને પણ ત્યાં ભેગા કર્યા. પછી તેમણે લોકોને યહોવાના નિયમો વાંચી સંભળાવ્યા. યોશિયા અને લોકોએ યહોવાને વચન આપ્યું કે તેઓ પૂરા દિલથી યહોવાની આજ્ઞા માનશે.
યહૂદાના લોકોએ ઘણાં વર્ષોથી પાસ્ખાનો તહેવાર ઊજવ્યો ન હતો. યોશિયાએ નિયમશાસ્ત્રમાં વાંચ્યું કે દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવવો જોઈએ. એટલે તેમણે લોકોને કહ્યું: ‘આપણે યહોવા માટે પાસ્ખાનો તહેવાર ઊજવીશું.’ યોશિયાએ ઘણાં બધાં બલિદાનો ચઢાવવાની અને મંદિરમાં ગાયકો ગીત ગાય એવી ગોઠવણ કરી. પછી રાજ્યના બધા લોકોએ પાસ્ખાનો તહેવાર ઊજવ્યો. એ પછીના દિવસથી તેઓએ સાત દિવસ સુધી ‘ખમીર વગરની રોટલીનો તહેવાર’ ઊજવ્યો. પ્રબોધક શમુએલના સમયથી પાસ્ખાના તહેવારની આટલી મોટી ઊજવણી કદી થઈ ન હતી. યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા. શું તમને પણ યહોવા વિશે શીખવું ગમે છે?
“તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫