પાઠ ૬૪
સિંહોના બીલમાં દાનિયેલ
બાબેલોનના બીજા એક રાજા હતા, માદાયના દાર્યાવેશ. તેમણે જોયું કે દાનિયેલ બધા લોકો કરતાં એકદમ અલગ છે. એટલે તેમણે દાનિયેલને ઉચ્ચ અધિકારીઓના પણ ઉપરી બનાવ્યા. એ અધિકારીઓ દાનિયેલની ઈર્ષા કરતા હતા અને તેમને મારી નાખવા માંગતા હતા. એ અધિકારીઓ જાણતા હતા કે દાનિયેલ દિવસમાં ત્રણ વાર યહોવાને પ્રાર્થના કરે છે. એટલે તેઓએ દાર્યાવેશ રાજાને કહ્યું: ‘હે રાજા, એવો હુકમ બહાર પાડો કે બધા લોકો ફક્ત તમને જ પ્રાર્થના કરે. જે કોઈ એ હુકમ પ્રમાણે ન કરે, તેને સિંહોના બીલમાં ફેંકી દેવો જોઈએ.’ દાર્યાવેશને એ વાત સારી લાગી. તેમણે એ હુકમ પર મહોર લગાવી દીધી.
દાનિયેલે એ હુકમ વિશે સાંભળ્યું કે તરત, તે પોતાના ઘરે ગયા. તે ખુલ્લી બારી સામે ઘૂંટણિયે પડીને યહોવાને પ્રાર્થના કરવા લાગ્યા. એવામાં જે માણસો દાનિયેલની ઈર્ષા કરતા હતા, તેઓ દાનિયેલના ઘરમાં ઘૂસી ગયા અને તેમને પ્રાર્થના કરતા પકડી લીધા. તેઓ દોડીને દાર્યાવેશ પાસે ગયા અને કહ્યું: ‘દાનિયેલે તમારો હુકમ માન્યો નથી. તે દિવસમાં ત્રણ વાર પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.’ રાજાને દાનિયેલ ખૂબ વહાલા હતા. તે ચાહતા ન હતા કે દાનિયેલ મરી જાય, એટલે તે આખો દિવસ વિચારતા રહ્યા કે તેમને કઈ રીતે બચાવી શકાય. પણ જો રાજા કોઈ હુકમ બહાર પાડે, તો કોઈ એને બદલી શકતું ન હતું, રાજા પણ નહિ. એટલે તેમણે પોતાના સેવકોને હુકમ આપવો પડ્યો કે દાનિયેલને ખૂનખાર સિંહોના બીલમાં ફેંકી દે.
રાજાને દાનિયેલની એટલી ચિંતા થતી હતી કે તે આખી રાત ઊંઘી ન શક્યા. સવાર થતા જ તે દોડીને સિંહોના બીલ પાસે ગયા અને દાનિયેલને બૂમ પાડી: ‘શું તારા ઈશ્વરે તને બચાવ્યો છે?’
રાજાએ એક અવાજ સાંભળ્યો. એ અવાજ દાનિયેલનો હતો! દાનિયેલે રાજાને કહ્યું: ‘યહોવાએ દૂત મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા અને સિંહોએ મને કોઈ ઈજા કરી નથી.’ એ સાંભળીને રાજાની ખુશીનો પાર ન રહ્યો. તેમણે સૈનિકોને કહ્યું કે દાનિયેલને સિંહોના બીલમાંથી બહાર કાઢે. દાનિયેલને કંઈ જ થયું ન હતું. પછી રાજાએ હુકમ આપ્યો: ‘જે માણસોએ દાનિયેલ પર આરોપ મૂક્યો હતો, તેઓને સિંહોના બીલમાં ફેંકી દો.’ તેઓને ફેંક્યા કે તરત, સિંહો તેઓ પર તૂટી પડ્યા.
દાર્યાવેશે પોતાના લોકોને આ હુકમ આપ્યો: ‘બધાએ દાનિયેલના ઈશ્વરનો ડર માનવો જોઈએ! યહોવાએ દાનિયેલને સિંહોના મોંમાંથી બચાવ્યો છે.’
શું તમે પણ દાનિયેલની જેમ દરરોજ યહોવાને પ્રાર્થના કરો છો?
“યહોવા જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.”—૨ પિતર ૨:૯