પાઠ ૬૫
એસ્તેરે પોતાના લોકોને બચાવ્યા
ઈરાનના શુશાન શહેરમાં એક યહૂદી છોકરી રહેતી હતી. તેનું નામ એસ્તેર હતું. વર્ષો પહેલાં નબૂખાદનેસ્સાર તેના કુટુંબને યરૂશાલેમથી ગુલામ બનાવીને લઈ આવ્યા હતા. એસ્તેરનો ઉછેર તેના કાકાના દીકરા, મોર્દખાયે કર્યો હતો. મોર્દખાય ઈરાનના રાજા અહાશ્વેરોશના સેવક હતા.
રાજા અહાશ્વેરોશને નવી રાણી જોઈતી હતી. એટલે રાજાના સેવકો દેશની સૌથી સુંદર છોકરીઓ તેમની પાસે લઈ આવ્યા, એમાં એસ્તેર પણ હતી. રાજાએ બધી છોકરીઓમાંથી એસ્તેરને રાણી તરીકે પસંદ કરી. મોર્દખાયે એસ્તેરને કહ્યું કે તે યહૂદી છે એવું કોઈને ન જણાવે.
હામાન નામનો એક ઘમંડી માણસ બધા અધિકારીઓનો ઉપરી હતો. તે ચાહતો હતો કે બધા લોકો તેની આગળ નમે. પણ મોર્દખાયે તેને નમન કરવાની ના પાડી દીધી. હામાનને એટલો ગુસ્સો આવ્યો કે તે મોર્દખાયને મારી નાખવા માંગતો હતો. જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય યહૂદી છે, ત્યારે તેણે દેશના બધા યહૂદીઓને મારી નાખવાની યોજના ઘડી. તેણે રાજાને કહ્યું: ‘યહૂદી લોકો બહુ ખતરનાક છે. તમારે એ બધાને મારી નાખવા જોઈએ.’ રાજાએ કહ્યું: ‘તને જે ઠીક લાગે એ કર.’ તેમણે હામાનને હુકમ બહાર પાડવાનો અધિકાર પણ આપ્યો. હામાને એક હુકમ બહાર પાડ્યો કે લોકો અદાર મહિનાના ૧૩મા દિવસે, બધા યહૂદીઓને મારી નાખે. યહોવા એ બધું જોતા હતા.
એસ્તેરને એ હુકમ વિશે કંઈ ખબર ન હતી. એટલે મોર્દખાયે હુકમની એક નકલ એસ્તેરને મોકલાવી અને કહ્યું: ‘તું જઈને રાજા સાથે વાત કર.’ એસ્તેરે કહ્યું: ‘જો રાજાના બોલાવ્યા વગર કોઈ તેમની સામે જાય, તો તેને મારી નાખવામાં આવે છે. રાજાએ મને ૩૦ દિવસથી બોલાવી નથી, તોપણ હું જઈશ. જો તે પોતાનો રાજદંડ મારી સામે ઊંચો કરશે તો હું બચી જઈશ, નહિ તો મને મારી નાખવામાં આવશે.’
એસ્તેર રાજાનાં આંગણામાં ગયાં. જ્યારે રાજાએ તેમને જોયાં, ત્યારે તેમણે એસ્તેર સામે પોતાનો રાજદંડ ઊંચો કર્યો. એસ્તેર તેમની પાસે ગયાં. રાજાએ તેમને પૂછ્યું: ‘એસ્તેર, હું તારા માટે શું કરું?’ એસ્તેરે કહ્યું: ‘હું ચાહું છું કે રાજા અને હામાન મારે ત્યાં જમવા આવે.’ તેઓ એસ્તેરને ત્યાં જમવા આવ્યા ત્યારે, એસ્તેરે બીજી વાર તેઓને જમવા બોલાવ્યા. રાજા બીજી વાર જમવા આવ્યા ત્યારે, તેમણે ફરીથી એસ્તેરને પૂછ્યું: ‘હું તારા માટે શું કરું?’ એસ્તેરે કહ્યું: ‘કોઈ મને અને મારા લોકોને મારી નાખવા માંગે છે. કૃપા કરીને અમને બચાવી લો.’ રાજાએ પૂછ્યું: ‘કોણ તને મારી નાખવા માંગે છે?’ એસ્તેરે કહ્યું: ‘આ દુષ્ટ હામાન.’ એ સાંભળીને રાજાને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે તરત હામાનને મારી નંખાવ્યો.
પણ હામાને જે હુકમ બહાર પાડ્યો હતો એને કોઈ બદલી શકતું ન હતું, રાજા પણ નહિ. એટલે રાજાએ મોર્દખાયને બધા અધિકારીઓના ઉપરી બનાવ્યા. રાજાએ મોર્દખાયને નવો હુકમ બહાર પાડવાનો અધિકાર પણ આપ્યો. મોર્દખાયે જે હુકમ બહાર પાડ્યો, એની મદદથી યહૂદીઓ પોતાનો બચાવ કરી શકતા હતા. અદાર મહિનાના ૧૩મા દિવસે યહૂદીઓએ દુશ્મનોને હરાવી દીધા. એ સમયથી યહૂદીઓ દર વર્ષે જીતની ખુશીમાં એક તહેવાર ઊજવવા લાગ્યા.
“મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે, જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.”—માથ્થી ૧૦:૧૮