પાઠ ૭૦
દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું
રોમન સામ્રાજ્યના સમ્રાટ ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે બધા યહૂદીઓ નામ નોંધાવવા પોતપોતાના શહેર જાય. યૂસફ બેથલેહેમના હતા, એટલે યૂસફ અને મરિયમ ત્યાં ગયા. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે, બાળકને જન્મ આપવાનો સમય થઈ ગયો હતો.
તેઓને બેથલેહેમમાં રહેવા કોઈ જગ્યા ન મળી, એટલે તેઓ તબેલામાં રહ્યાં. મરિયમે ત્યાં જ પોતાના દીકરા ઈસુને જન્મ આપ્યો. પછી તેમણે બાળકને મુલાયમ કપડાંમાં લપેટ્યું અને ધીરેથી ગભાણમાં મૂક્યું.
બેથલેહેમ નજીક અમુક ઘેટાંપાળકો હતા. તેઓ રાતે ખેતરમાં ઘેટાંની સંભાળ રાખતા હતા. અચાનક યહોવાનો દૂત તેઓની સામે આવીને ઊભો રહ્યો અને યહોવાના ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું. ઘેટાંપાળકો ઘણા ગભરાઈ ગયા. પણ દૂતે તેઓને કહ્યું: ‘ગભરાશો નહિ! હું તમને એક ખુશખબર જણાવવા આવ્યો છું. આજે બેથલેહેમમાં મસીહનો જન્મ થયો છે!’ એવામાં ઘણા દૂતો આકાશમાં દેખાયા. તેઓએ કહ્યું: ‘સ્વર્ગમાં ઈશ્વરનો જયજયકાર થાઓ અને પૃથ્વી પર શાંતિ થાઓ.’ એ પછી દૂતો ગાયબ થઈ ગયા. હવે ઘેટાંપાળકો શું કરશે?
તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘ચાલો, આપણે હમણાં જ બેથલેહેમ જઈએ.’ તેઓ જલદી જલદી ગયા અને તબેલામાં યૂસફ અને મરિયમને બાળક સાથે જોયાં.
દૂતોએ ઘેટાંપાળકોને જે જણાવ્યું હતું, એ વિશે અમુક લોકોએ સાંભળ્યું. એ સાંભળીને તેઓને ખૂબ નવાઈ લાગી. મરિયમે દૂતની વાતો પર ઊંડો વિચાર કર્યો અને એ વાતો તેમણે હંમેશાં મનમાં રાખી. પછી ઘેટાંપાળકો પોતાના ઘેટાં પાસે પાછા ગયા. તેઓએ જે જોયું અને સાંભળ્યું એ માટે યહોવાનો આભાર માન્યો.
“હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.”—યોહાન ૮:૪૨