પાઠ ૮૫
સાબ્બાથના દિવસે ઈસુએ ચમત્કાર કર્યો
ફરોશીઓ ઈસુને નફરત કરતા હતા. તેઓ ઈસુને પકડવા કોઈ કારણ શોધતા હતા. તેઓએ કહ્યું કે ઈસુએ સાબ્બાથના દિવસે બીમારોને સાજા ન કરવા જોઈએ. એક સાબ્બાથના દિવસે ઈસુએ જોયું કે રસ્તા પર એક આંધળો માણસ ભીખ માંગી રહ્યો છે. તેમણે શિષ્યોને કહ્યું: ‘તમે જોજો કે ઈશ્વરની શક્તિ કઈ રીતે આ માણસને મદદ કરે છે.’ ઈસુએ પોતાના થૂંકથી માટીનો લેપ બનાવ્યો અને એ લેપ આંધળા માણસની આંખો પર લગાવ્યો. ઈસુએ તેને કહ્યું: ‘જા, સિલોઆમના કુંડમાં ધોઈ નાખ.’ એ માણસે એવું કર્યું ત્યારે, તેને જીવનમાં પહેલી વાર દેખાવા લાગ્યું.
એ માણસને જોઈને લોકોને ખૂબ નવાઈ લાગી. તેઓ કહેવા લાગ્યા: ‘શું આ એ જ માણસ નથી, જે પહેલા બેસીને ભીખ માંગતો હતો કે પછી આ માણસ તેના જેવો દેખાય છે?’ એ માણસે કહ્યું: ‘હું એ જ છું, જે જન્મથી આંધળો હતો.’ લોકોએ તેને પૂછ્યું: ‘તો પછી તું કઈ રીતે દેખતો થયો?’ જ્યારે તેણે જણાવ્યું કે તે કઈ રીતે દેખતો થયો, ત્યારે લોકો તેને ફરોશીઓ પાસે લઈ ગયા.
એ માણસે ફરોશીઓને જણાવ્યું: ‘ઈસુએ મારી આંખો પર લેપ લગાવ્યો, પછી મને આંખો ધોવા કહ્યું. મેં એવું કર્યું ત્યારે મને દેખાવા લાગ્યું.’ ફરોશીઓએ કહ્યું: ‘જો ઈસુ સાબ્બાથના દિવસે લોકોને સાજા કરતો હોય, તો ઈશ્વરે તેને શક્તિ નથી આપી.’ પણ બીજાઓએ કહ્યું: ‘જો ઈશ્વરે તેને શક્તિ ન આપી હોય, તો તે કોઈને સાજા ન કરી શકે.’
ફરોશીઓએ એ માણસના માબાપને બોલાવીને પૂછ્યું: ‘હવે તમારો દીકરો કઈ રીતે જોઈ શકે છે?’ તેના માબાપ ડરી ગયાં હતાં. કેમ કે ફરોશીઓએ કહ્યું હતું કે જે કોઈ ઈસુ પર શ્રદ્ધા મૂકશે, તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલે તેઓએ કહ્યું: ‘અમે નથી જાણતા, તેને જ પૂછી જુઓ.’ પછી ફરોશીઓએ એ માણસને બીજા પણ સવાલો પૂછ્યા. આખરે એ માણસે કહ્યું: ‘હું જેટલું જાણતો હતો, એ બધું જ મેં તમને જણાવી દીધું છે. તો પછી કેમ સવાલો પૂછ્યા કરો છો?’ ફરોશીઓને બહુ ગુસ્સો આવ્યો અને તેને બહાર કાઢી મૂક્યો.
ઈસુ એ માણસને મળવા ગયા અને તેને પૂછ્યું: ‘શું તું ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકે છે?’ એ માણસે કહ્યું: ‘જો મને ખબર હોય કે તે કોણ છે તો હું ચોક્કસ તેમનામાં શ્રદ્ધા મૂકીશ.’ ઈસુએ તેને કહ્યું: ‘હું જ ખ્રિસ્ત છું.’ તમે જોયું, ઈસુએ કઈ રીતે એ માણસને મદદ કરી? તેમણે એ માણસને દેખતા કરવાની સાથે સાથે શ્રદ્ધા મૂકવા પણ મદદ કરી.
“તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત જાણતા.”—માથ્થી ૨૨:૨૯