પાઠ ૮૬
ઈસુએ લાજરસને જીવતા કર્યા
બેથનિયા ગામમાં ઈસુના ત્રણ જિગરી દોસ્તો રહેતા હતા. એ દોસ્તો હતાં, લાજરસ અને તેમની બે બહેનો, મરિયમ અને માર્થા. એક દિવસ ઈસુ યર્દનની પેલે પાર હતા ત્યારે, મરિયમ અને માર્થાએ તેમને એક મહત્ત્વનો સંદેશો મોકલ્યો: ‘લાજરસ બહુ બીમાર છે. તમે જલદી આવો!’ પણ ઈસુ તરત ન ગયા. તે બે દિવસ ત્યાં જ રોકાયા. પછી તેમણે શિષ્યોને કહ્યું: ‘ચાલો આપણે બેથનિયા જઈએ. લાજરસ ઊંઘી ગયો છે અને હું તેને ઉઠાડવા જઈ રહ્યો છું.’ પ્રેરિતોએ કહ્યું: ‘લાજરસ આરામ કરશે તો સાજો થઈ જશે.’ પણ ઈસુએ તેઓને સાફ સાફ જણાવ્યું: ‘લાજરસનું મરણ થયું છે.’
ઈસુ બેથનિયા પહોંચ્યા ત્યાં સુધી લાજરસને દફનાવ્યાને ચાર દિવસ થઈ ગયા હતા. ઘણા બધા લોકો માર્થા અને મરિયમને દિલાસો આપવા આવ્યા હતા. ઈસુ આવ્યા છે એ સાંભળીને માર્થા તરત તેમને મળવા ગયાં. તેમણે ઈસુને કહ્યું: ‘માલિક! જો તમે અહીંયા હોત, તો મારા ભાઈનું મરણ થયું ન હોત.’ ઈસુએ તેમને કહ્યું: ‘માર્થા, તારો ભાઈ જીવતો થશે એ વાત પર તને ભરોસો છે?’ માર્થાએ કહ્યું: ‘મને ભરોસો છે કે જ્યારે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે, ત્યારે તેને પણ જીવતો કરવામાં આવશે.’ ઈસુએ તેને કહ્યું: ‘ગુજરી ગયેલાઓને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.’
પછી માર્થાએ જઈને મરિયમને જણાવ્યું કે ઈસુ આવ્યા છે. મરિયમ દોડીને ઈસુ પાસે ગયાં. તેમની પાછળ પાછળ લોકોનું ટોળું પણ ગયું. મરિયમ ઈસુના પગ આગળ પડીને રડતાં રહ્યાં. તેમણે ઈસુને કહ્યું: ‘માલિક, જો તમે અહીં હોત તો મારો ભાઈ જીવતો હોત!’ ઈસુ જોઈ શકતા હતા કે મરિયમ બહુ દુઃખી છે. એ જોઈને તે પણ રડી પડ્યા. ઈસુને રડતા જોઈને લોકોએ કહ્યું: ‘જુઓ! ઈસુ લાજરસને કેટલો પ્રેમ કરતા હતા.’ પણ બીજા અમુકે કહ્યું: ‘તેમણે પોતાના દોસ્તનો જીવ કેમ ન બચાવ્યો?’ એ પછી ઈસુએ શું કર્યું?
ઈસુ કબર પાસે ગયા. એના ઉપર મોટો પથ્થર મૂકેલો હતો. ઈસુએ હુકમ આપ્યો: ‘પથ્થર ખસેડો.’ પણ માર્થાએ કહ્યું: ‘હવે તો તેની લાશ ગંધાતી હશે. તેના મરણને ચાર દિવસ થઈ ગયા છે.’ તોપણ તેઓએ પથ્થર ખસેડ્યો. ઈસુએ પ્રાર્થના કરી: ‘હે પિતા! હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે. મને ખબર છે કે તમે હંમેશાં મારું સાંભળો છો. પણ હું બધાની સામે પ્રાર્થના કરું છું, જેથી લોકોને ખબર પડે કે તમે મને મોકલ્યો છે.’ તેમણે મોટેથી બૂમ પાડી: ‘લાજરસ, બહાર આવ!’ પછી નવાઈ લાગે એવું કંઈક બન્યું. લાજરસ કબરમાંથી બહાર આવ્યા. તેમના પર હજુ કપડું વીંટાળેલું હતું. ઈસુએ કહ્યું: ‘વીંટાળેલું કપડું ખોલી નાખો અને તેને જવા દો.’
એ જોઈને ઘણા લોકોએ ઈસુ પર શ્રદ્ધા મૂકી, પણ અમુક લોકોએ જઈને ફરોશીઓને જણાવ્યું. એ સમયથી ફરોશીઓ ઈસુ અને લાજરસને મારી નાખવાની કોશિશ કરવા લાગ્યા. બાર પ્રેરિતોમાંનો એક યહૂદા ઇસ્કારિયોત ફરોશીઓ પાસે ગયો અને પૂછ્યું: ‘જો હું ઈસુને પકડવા મદદ કરું, તો તમે મને કેટલા પૈસા આપશો?’ તેઓએ કહ્યું: ‘અમે તને ૩૦ ચાંદીના સિક્કા આપીશું.’ એ સમયથી યહૂદા ઈસુને ફરોશીઓના હાથમાં સોંપવાની તક શોધવા લાગ્યો.
“સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે. વિશ્વના માલિક યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.”—ગીતશાસ્ત્ર ૬૮:૨૦