નિયામક જૂથ તરફથી પત્ર
વહાલાં ભાઈ-બહેનો:
આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ એટલે આપણે તેમના શબ્દ, બાઇબલને બહુ વહાલું ગણીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે એમાં આપેલો ઇતિહાસ સાચો છે અને એમાં જીવન જીવવા સારું માર્ગદર્શન આપ્યું છે. એટલું જ નહિ, એમાંથી ખાતરી પણ મળે છે કે યહોવા બધા લોકોને ખૂબ પ્રેમ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; લૂક ૧:૩; ૧ યોહાન ૪:૧૯) આપણે દિલથી ચાહીએ છીએ કે બાઇબલનું આ કીમતી સત્ય લોકો સુધી પહોંચે. એટલે તમને આ પુસ્તક “ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ” આપતા અમને ઘણી ખુશી થાય છે. ચાલો આ પુસ્તક વિશે થોડું જાણીએ.
આ પુસ્તક ખાસ કરીને બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. પણ જો મોટાઓને બાઇબલમાંથી શીખવું હશે, તો તેઓ પણ આ પુસ્તકમાંથી શીખી શકશે. બાઇબલ બધા લોકો માટે છે એટલે જે કોઈ આ પુસ્તકમાંથી શીખશે તેને લાભ થશે. એટલું જ નહિ, તે સાચી ખુશી પણ મેળવી શકશે.
સૃષ્ટિની શરૂઆતથી બનેલી ઘટનાઓ વિશે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. બાઇબલની ઘટનાઓ આ પુસ્તકમાં બને એટલા સાદા અને સરળ શબ્દોમાં જણાવી છે. એની સાથે સાથે એ ઘટનાઓ જે ક્રમમાં બની હતી, એ ક્રમમાં લખવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પણ આ પુસ્તકમાં બાઇબલના અહેવાલોની ફક્ત માહિતી નથી આપી. એમાં એ અહેવાલો સરસ રીતે લખ્યા છે અને સુંદર ચિત્રો પણ આપ્યાં છે. એનાથી એ અહેવાલો આપણી નજર સામે બનતા હોય એવું લાગે છે અને બાઇબલનાં પાત્રોની લાગણીઓ પણ અનુભવી શકીએ છીએ.
બાઇબલમાં ઘણા લોકો વિશે જણાવ્યું છે. અમુકે યહોવાની આજ્ઞા પાળી હતી અને અમુકે ન’તી પાળી. આ પુસ્તક આપણને તેઓના દાખલામાંથી શીખવા મદદ કરે છે. (રોમનો ૧૫:૪; ૧ કોરીંથીઓ ૧૦:૬) આ પુસ્તકમાં ૧૪ ભાગ છે. દરેક ભાગની શરૂઆતમાં થોડા શબ્દોમાં જણાવ્યું છે કે આપણે એ ભાગમાંથી શું શીખીશું.
તમે તમારા બાળક માટે પાઠ વાંચી શકો અને ચિત્ર પર ચર્ચા કરી શકો. પછી તમે સાથે મળીને બાઇબલમાંથી એ અહેવાલ વાંચી શકો. તમારા બાળકને એ સમજવા મદદ કરો કે તે જે શીખે છે એ બાઇબલમાંથી છે. મોટી વ્યક્તિને સમજાવતી વખતે પણ આ જ રીત વાપરી શકો.
અમને આશા છે કે નાના-મોટા બધા લોકોને આ પુસ્તકમાંથી મદદ મળશે. તેમ જ, તેઓને ઈશ્વર વિશે શીખવા અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવા મદદ મળશે. આમ, તેઓ ઈશ્વરના કુટુંબનો ભાગ બનીને તેમની ભક્તિ કરી શકશે.
તમારા ભાઈઓ,
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ