વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૨૩૮-૨૪૦
  • હમણાંની સમજણ ટૂંકમાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હમણાંની સમજણ ટૂંકમાં
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • સરખી માહિતી
  • “મંદિરનો નિયમ આ છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનું વર્ણન કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ‘ઓ ગોગ! હું તારી વિરુદ્ધ છું’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • બંને બહેનો વેશ્યા હતી
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૨૩૮-૨૪૦

હમણાંની સમજણ ટૂંકમાં

છેલ્લાં અમુક વર્ષોમાં હઝકિયેલની ભવિષ્યવાણીઓની આપણી સમજણમાં અમુક ફેરફારો થયા છે. એના વિશે આપણાં ચોકીબુરજ મૅગેઝિનોમાં જણાવવામાં આવ્યું છે. આખી ધરતી પર યહોવાની ભક્તિ! નામના આ પુસ્તકમાં હઝકિયેલની અમુક બીજી ભવિષ્યવાણીઓ વિશે હમણાંની સમજણ આપવામાં આવી છે. નીચે એના વિશે જણાવવામાં આવ્યું છે. જુઓ કે એ સવાલોના જવાબ તમે આપી શકો છો કે કેમ.

કરૂબોના ચાર ચહેરા શાને રજૂ કરે છે?

કલમો: હઝકિ. ૧:૪-૬, ૧૦; ૧૦:૨

યહોવાની ભક્તિ: પ્રકરણ ૪, ફકરા ૫-૧૪

પહેલાંની સમજણ: દરેક કરૂબને ચાર ચહેરા હતા. એ દરેક ચહેરો યહોવાના ચાર મુખ્ય ગુણોમાંથી એક ગુણને રજૂ કરે છે.

હમણાંની સમજણ: દરેક કરૂબને ચાર ચહેરા હતા. એ દરેક ચહેરો યહોવાના ચાર મુખ્ય ગુણોમાંથી એક ગુણને રજૂ કરે છે. કરૂબોના ચારેય ચહેરાનો એકસાથે વિચાર કરીએ તો એ યહોવાના બધા ગુણોને રજૂ કરે છે. એ ચાર ચહેરાથી આપણને એ વાતની ઝલક મળે છે કે યહોવા કેટલા શક્તિશાળી છે અને તેમનું ગૌરવ કેટલું મહાન છે.

કેમ ફેરફાર થયો? બાઇબલમાં ઘણી વાર ચારની સંખ્યા કશુંક આખું કે પૂરેપૂરું હોય એને રજૂ કરે છે. એટલે કરૂબોના ચારેય ચહેરા એકસાથે જોઈએ તો એ યહોવાના બધા ગુણોને રજૂ કરે છે, નહિ કે ફક્ત ચાર મુખ્ય ગુણોને. દરેક કરૂબ બહુ શક્તિશાળી છે. દર્શનમાં જોઈ ગયા કે દરેક કરૂબને માણસનો, સિંહનો, આખલાનો અને ગરુડનો ચહેરો છે. દરેક ચહેરો તાકાત અને ગૌરવને રજૂ કરે છે. હઝકિયેલે દર્શનમાં જોયું કે એ શક્તિશાળી માણસ, સિંહ, આખલો અને ગરુડ એ ચારેય યહોવાની રાજગાદી નીચે છે. એ બતાવતું હતું કે બધાના રાજા-મહારાજા તો યહોવા છે.

મંત્રીના શાહીના ખડિયાવાળો માણસ કોને રજૂ કરે છે?

કલમો: હઝકિ. ૯:૨

ચોકીબુરજ: જૂન ૨૦૧૬, “વાચકો તરફથી પ્રશ્નો”

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૬, ફકરો ૧૮

પહેલાંની સમજણ: શાહીના ખડિયાવાળો માણસ બાકી રહેલા અભિષિક્ત લોકોને રજૂ કરે છે. આજે તેઓ ખુશખબર જણાવે છે. તેઓ લોકોને શિષ્ય બનવા મદદ કરે છે. તેઓ જાણે એવા લોકોનાં કપાળ પર નિશાની કરે છે, જેઓથી “એક મોટું ટોળું” બને છે.—પ્રકટી. ૭:૯.

હમણાંની સમજણ: મંત્રીના શાહીના ખડિયાવાળો માણસ ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે. ઈસુ મોટા ટોળાના લોકોનો ‘મોટી વિપત્તિના’ સમયે ન્યાય કરશે. તે બતાવશે કે કોણ ઘેટાં જેવા છે. આ જાણે તેઓનાં કપાળ પર નિશાની કરવા જેવું હશે.—માથ. ૨૪:૨૧.

કેમ ફેરફાર થયો? બધાનો ન્યાય કરવાનું કામ યહોવાએ ઈસુને સોંપ્યું છે. (યોહા. ૫:૨૨, ૨૩) માથ્થી ૨૫:૩૧-૩૩ પ્રમાણે ઈસુ આખરી ફેંસલો કરશે કે કોણ ‘ઘેટાં’ જેવા છે અને કોણ ‘બકરાં’ જેવા.

શું ઓહલાહ અને ઓહલીબાહ નામની વેશ્યાઓ ચર્ચોને રજૂ કરે છે? શું તેઓમાંથી એક બહેન કૅથલિક ધર્મને અને બીજી બહેન પ્રોટેસ્ટંટ ધર્મને રજૂ કરે છે?

કલમો: હઝકિ. ૨૩:૧-૪

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૫, બૉક્સ ૧૫-ક

પહેલાંની સમજણ: મોટી બહેન ઓહલાહ (ઇઝરાયેલની રાજધાની સમરૂન) કૅથલિક ધર્મને રજૂ કરે છે. નાની બહેન ઓહલીબાહ (યહૂદાની રાજધાની યરૂશાલેમ) પ્રોટેસ્ટંટ ધર્મને રજૂ કરે છે.

હમણાંની સમજણ: ઓહલાહ અને ઓહલીબાહ વિશે એવી કોઈ ભવિષ્યવાણી કરવામાં આવી નથી કે એ બંને બહેનો ચર્ચોને રજૂ કરે છે. તેઓ વિશે બાઇબલમાં જે લખવામાં આવ્યું છે, એનાથી એક મહત્ત્વની વાત સમજવા મદદ મળે છે. એ વાત છે, યહોવાના લોકો મૂર્તિપૂજા કરીને તેમને બેવફા બને ત્યારે તેમને કેવું લાગે છે. યહોવાની નજરે તેઓ વેશ્યા જેવા છે, જેઓ નીચ અધમ કામો કરે છે. જેઓ યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે જીવતા નથી, તેઓ બધાને યહોવા સખત નફરત કરે છે.

કેમ ફેરફાર થયો? બાઇબલમાં ઓહલાહ અને ઓહલીબાહ વિશે કોઈ ભવિષ્યવાણી કરવામાં આવી હોય, એનો કોઈ પુરાવો નથી. એવો પણ પુરાવો નથી કે તેઓ ચર્ચોને રજૂ કરે છે. ઓહલાહ અને ઓહલીબાહ, એટલે કે ઇઝરાયેલ અને યહૂદા એક જમાનામાં યહોવાની આજ્ઞાઓ પાળતા હતા. એ માટે તેઓ યહોવાની પત્ની જેવા ગણાતા હતા. પણ ચર્ચોએ તો ક્યારેય યહોવાની વાત માની જ નથી. ચર્ચો ક્યારેય પણ યહોવાની પત્ની જેવાં બન્યાં નથી. એટલે એ બંને બહેનો ચર્ચોને રજૂ કરતી નથી. એનું બીજું પણ એક કારણ છે. હઝકિયેલ અધ્યાય ૧૬ અને ૨૩માં બેવફા ઇઝરાયેલ અને યહૂદાને આશા આપવામાં આવી. એ આશા હતી કે તેઓને આઝાદ કરવામાં આવશે અને તેઓ પોતાના વતન પાછા જશે. પણ ચર્ચોને એવી કોઈ આશા આપવામાં આવી નથી, કેમ કે તેઓ તો મહાન બાબેલોનનો ભાગ છે.

શું બેવફા યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે?

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૬, બૉક્સ ૧૬-ક

પહેલાંની સમજણ: બેવફા યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે. એટલે યરૂશાલેમનો વિનાશ એક ભવિષ્યવાણી છે કે ચર્ચોનો નાશ કરવામાં આવશે.

હમણાંની સમજણ: જેમ પહેલાં યરૂશાલેમમાં બેહદ મૂર્તિપૂજા અને ભ્રષ્ટાચાર થતાં હતાં, તેમ આજે ચર્ચોમાં પણ જોવા મળે છે. પણ પહેલાંની જેમ આપણે હવે નથી માનતા કે બેવફા યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે.

કેમ ફેરફાર થયો? બાઇબલ એવો કોઈ પુરાવો નથી આપતું કે યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે. એનું એક કારણ એ છે કે અગાઉ યરૂશાલેમમાં યહોવાની ભક્તિ થતી હતી. પણ ચર્ચોમાં તો યહોવાની ભક્તિ ક્યારેય થઈ નથી. બીજું કારણ એ છે કે એક સમયે યહોવાએ યરૂશાલેમને માફી આપી હતી. પણ ચર્ચોને તો માફ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. તેઓને કદી માફી નહિ મળે.

સુકાઈ ગયેલાં હાડકાંના દર્શનની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

કલમો: હઝકિ. ૩૭:૧-૧૪

ચોકીબુરજ: માર્ચ ૨૦૧૬, “વાચકો તરફથી પ્રશ્નો”

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૦, ફકરા ૯-૧૪

પહેલાંની સમજણ: ૧૯૧૮માં અભિષિક્ત લોકો પર બહુ જુલમ કરવામાં આવ્યો. તેઓને મહાન બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા. એ સમયે તેઓ યહોવાની ભક્તિ કરી શકતા ન હતા. એટલે તેઓની હાલત મરેલા જેવી થઈ ગઈ. પણ તેઓએ લાંબો સમય ગુલામીમાં રહેવું પડ્યું નહિ. ૧૯૧૯માં યહોવાએ તેઓને છોડાવ્યા. તેમણે તેઓને જાણે જીવતા કરી દીધા, જેથી તેઓ ખુશખબર ફેલાવે.

હમણાંની સમજણ: અભિષિક્ત લોકો ૧૯૧૮થી ઘણા સમય પહેલાં, એટલે કે બીજી સદીમાં જાણે ગુલામીમાં ગયા હતા. તેઓની ગુલામી લાંબા સમય સુધી ચાલી. આખરે ૧૯૧૯માં તેઓને છોડાવવામાં આવ્યા. આ રીતે તેઓ મરેલા જેવી હાલતમાં લાંબો સમય સુધી હતા. ઈસુએ પણ ઘઉં અને જંગલી છોડનું ઉદાહરણ આપીને એવું જ કંઈક જણાવ્યું હતું. તેમણે બતાવ્યું કે ઘઉં અને જંગલી છોડ લાંબા સમય સુધી સાથે સાથે વધશે.

કેમ ફેરફાર થયો? પહેલાંના સમયમાં ઇઝરાયેલી લોકો લાંબા સમય સુધી ગુલામીમાં હતા. ઈ.સ. પૂર્વે ૭૪૦માં તેઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા. ઈ.સ. પૂર્વે ૫૩૭માં તેઓ આઝાદ થયા. હઝકિયેલની ભવિષ્યવાણી બતાવે છે કે હાડકાં “સાવ સુકાઈ ગયેલાં” હતાં. એનાથી ખબર પડે છે કે ઇઝરાયેલી લોકોની મરેલા જેવી હાલત લાંબા સમય સુધી રહી. એ પણ બતાવવામાં આવ્યું છે કે હાડકાં જીવતાં થવામાં લાંબો સમય લાગ્યો.

બે લાકડીઓને એક કરવાનો શું અર્થ છે?

કલમો: હઝકિ. ૩૭:૧૫-૧૭

ચોકીબુરજ: જુલાઈ ૨૦૧૬, “વાચકો તરફથી પ્રશ્નો”

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૨, ફકરા ૧૩-૧૪ અને બૉક્સ ૧૨-ક

પહેલાંની સમજણ: પહેલા વિશ્વયુદ્ધ વખતે બાકી રહેલા વફાદાર અભિષિક્ત લોકોમાં થોડા સમય માટે ભાગલા પડી ગયા. પછી ૧૯૧૯માં તેઓ એક થઈ ગયા.

હમણાંની સમજણ: આ ભવિષ્યવાણી બતાવે છે કે યહોવા પોતાના લોકોને એક કરશે. ૧૯૧૯ પછી બાકી રહેલા અભિષિક્ત લોકો સાથે એવા લોકો જોડાયા, જેઓને ધરતી પર જીવવાની આશા હોય. આ બંને સમૂહના લોકો સંપીને યહોવાની ભક્તિ કરે છે.

કેમ ફેરફાર થયો? ભવિષ્યવાણી એવું નથી બતાવતી કે એક લાકડીના બે ટુકડા કરવામાં આવશે અને પછી એને જોડવામાં આવશે. એટલે ભવિષ્યવાણીનો એ મતલબ નથી કે એક સમૂહના બે ભાગલા થઈ જાય અને પછી પાછા એક થઈ જાય. પણ એ ભવિષ્યવાણી તો બતાવે છે કે કઈ રીતે બે સમૂહના લોકો સંપીને રહેશે.

માગોગનો ગોગ કોણ છે?

કલમો: હઝકિ. ૩૮:૨, ૧૦-૧૩

ચોકીબુરજ: મે ૧૫, ૨૦૧૫, “વાચકો તરફથી પ્રશ્નો”

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૭, ફકરા ૩-૧૦

પહેલાંની સમજણ: શેતાનનું બીજું નામ ગોગ છે. તેને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારથી એ માગોગનો ગોગ છે.

હમણાંની સમજણ: માગોગનો ગોગ એ અમુક દેશોથી બનેલા સમૂહને રજૂ કરે છે. એ સમૂહ મોટી વિપત્તિના સમયે યહોવાની ભક્તિ કરતા લોકો પર હુમલો કરશે.

કેમ ફેરફાર થયો? ભવિષ્યવાણીમાં બતાવ્યું છે કે ગોગને શિકારી પક્ષીઓનો ખોરાક બનાવી દેવામાં આવશે. તેને પૃથ્વી પર દાટવાની જગ્યા આપવામાં આવશે. એનાથી ખબર પડે છે કે ગોગ કોઈ દૂત નથી. યહોવાની ભક્તિ કરતા લોકો પર પૃથ્વીના રાજાઓ કઈ રીતે હુમલો કરશે, એ વિશે દાનિયેલ અને પ્રકટીકરણનાં પુસ્તકોમાં બતાવવામાં આવ્યું છે. એવું જ ગોગના હુમલા વિશે પણ બતાવવામાં આવ્યું છે.—દાનિ. ૧૧:૪૦, ૪૪, ૪૫; પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૯.

શું હઝકિયેલે એ જ ભવ્ય મંદિર જોયું હતું, જેના વિશે પ્રેરિત પાઉલે પછીથી જણાવ્યું હતું?

કલમો: હઝકિ. ૪૦:૧-૫

યહોવાની ભક્તિ: પ્રકરણ ૧૩ અને ૧૪

પહેલાંની સમજણ: હઝકિયેલે જોયેલું મંદિર એ જ ભવ્ય મંદિર હતું, જેના વિશે પાઉલે પછીથી જણાવ્યું હતું.

હમણાંની સમજણ: ૨૯ની સાલમાં જે ભવ્ય મંદિરની ગોઠવણની શરૂઆત થઈ, એ હઝકિયેલે જોયું ન હતું. હઝકિયેલે મંદિરના દર્શનમાં એ જોયું હતું કે યહૂદીઓ પાછા પોતાના વતન જશે. મૂસાના નિયમશાસ્ત્રમાં જે રીતે ભક્તિ કરવાનું કહેવામાં આવ્યું હતું, એ જ રીતે તેઓ ફરીથી યહોવાની ભક્તિ કરશે. પાઉલે ભવ્ય મંદિર વિશે જે જણાવ્યું, એનાથી આપણને ખબર પડે છે કે ૨૯-૩૩ની સાલમાં સૌથી મહાન પ્રમુખ યાજક તરીકે ઈસુએ કેવાં કેવાં કામ કર્યાં. હઝકિયેલે જે મંદિર જોયું, એમાં તો પ્રમુખ યાજકની કોઈ વાત થઈ નથી. પણ હઝકિયેલે જોયેલું મંદિરનું દર્શન બતાવે છે કે કઈ રીતે યહોવાની ભક્તિ ફરીથી શરૂ થશે. ૧૯૧૯થી એ ભવિષ્યવાણી સાચી પડવા લાગી અને યહોવાની ભક્તિ જોરશોરથી થવા લાગી. આ બધા પરથી ખબર પડે છે કે હઝકિયેલે જોયેલું મંદિર અને પાઉલે જણાવેલું મંદિર સાવ અલગ છે. હઝકિયેલે મંદિર જોયું. તેમણે એની જાણકારી અને માપ વિશે જણાવ્યું. એ બધું શાને રજૂ કરે છે, એના વિશે આપણે શોધખોળ કરવા બેસી જવું ન જોઈએ. હઝકિયેલના દર્શનમાંથી બસ એ શીખવાની કોશિશ કરવી જોઈએ કે યહોવાએ પોતાની ભક્તિ માટે કેવાં ઊંચાં ધોરણો રાખ્યાં છે.

કેમ ફેરફાર થયો? હઝકિયેલે જોયેલું મંદિર અને ભવ્ય મંદિર, એ બે વચ્ચે ઘણો ફરક છે. જેમ કે, હઝકિયેલે જોયું કે મંદિરમાં ઘણાં બલિદાનો ચઢાવવામાં આવે છે. પણ ભવ્ય મંદિરમાં ફક્ત એક જ બલિદાન ચઢાવવામાં આવ્યું હતું. એ બલિદાન “એક જ વાર અને હંમેશ માટે” ચઢાવવામાં આવ્યું હતું. (હિબ્રૂ. ૯:૧૧, ૧૨) ઈસુ ખ્રિસ્ત હઝકિયેલના સમયમાં આવવાના ન હતા, સદીઓ પછી આવવાના હતા. એટલે હજુ એ સમય આવ્યો ન હતો કે યહોવા ભવ્ય મંદિર વિશે સમજણ આપે.

હઝકિયેલે જોયેલું મંદિર.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો