વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પ્રકરણ ૨૨ પાન ૨૨૬-૨૩૭
  • “ઈશ્વરની ભક્તિ કર!”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ઈશ્વરની ભક્તિ કર!”
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • હઝકિયેલના પુસ્તકમાંથી ત્રણ મુદ્દા વિશે શીખ્યા
  • પહેલો મુદ્દો: ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ
  • બીજો મુદ્દો: હળી-મળીને રહીએ, ભક્તિમાં ભેળસેળ ન કરીએ
  • ત્રીજો મુદ્દો: બીજાઓને પ્રેમ કરીએ
  • હજાર વર્ષનું રાજ, નમ્ર હોવાનો જોરદાર દાખલો
  • આખરી કસોટી
  • ‘સ્વીકારો કે હું યહોવા છું’
  • ‘ઓ ગોગ! હું તારી વિરુદ્ધ છું’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનો નિયમ આ છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પ્રકરણ ૨૨ પાન ૨૨૬-૨૩૭
ઈસુ પોતાનો મુગટ યહોવાને પાછો આપે છે.

પ્રકરણ ૨૨

“ઈશ્વરની ભક્તિ કર!”

પ્રકટીકરણ ૨૨:૯

ઝલક: હઝકિયેલના પુસ્તકમાંથી આપણને શું શીખવા મળ્યું? આજે એ કઈ રીતે પાળી શકીએ? ભાવિમાં એ કઈ રીતે પાળીશું?

૧, ૨. (ક) આપણે દરેકે કઈ પસંદગી કરવાની છે? (ખ) યોહાન દૂતના પગે પડે છે ત્યારે દૂત શું કહે છે?

તમે કોની ભક્તિ કરશો? આ સવાલનો જવાબ આપણે દરેકે આપવાનો છે. અમુક લોકો કહેશે, આ તો બહુ અઘરો સવાલ છે ભઈ. દુનિયામાં કંઈ કેટલાય ધર્મો અને ભગવાન છે. કોને માનીએ અને કોને ન માનીએ, કંઈ સમજાતું નથી. પણ હકીકત તો એ છે કે કાં તો યહોવાને ભજીએ, કાં તો શેતાનને. એના સિવાય બીજી કોઈ પસંદગી નથી.

૨ શેતાન કંઈ પણ કરવા તૈયાર છે, જેથી લોકો તેની ભક્તિ કરે. તેણે ઈસુની કસોટી કરી ત્યારે તેનું અસલી રૂપ બહાર આવ્યું. આપણે આ પુસ્તકના પ્રકરણ એકમાં જોઈ ગયા કે તેણે ઈસુને મોટી લાલચ આપી. તેણે જાણે કહ્યું, જો તું એક વાર “મારી ભક્તિ કરે,” તો હું દુનિયાનાં બધાં રાજ્ય તને આપી દઈશ. (માથ. ૪:૯) બાઇબલ બીજા એક સ્વર્ગદૂત વિશે બતાવે છે, જે શેતાનથી એકદમ અલગ હતા. (પ્રકટીકરણ ૨૨:૮, ૯ વાંચો.) વાત એમ બની કે એ સ્વર્ગદૂત એકવાર પ્રેરિત યોહાનને ભાવિમાં બનનારા મોટા બનાવો વિશે જણાવે છે. આ સાંભળીને યોહાન ભક્તિ કરવા એ દૂતના પગે પડે છે. દૂતે તરત જ કીધું, “એવું ન કરતો!” આ દૂત કેટલા નમ્ર હતા. એ શેતાન જેવા ન હતા. શેતાને તો કીધું કે ‘મારી ભક્તિ કર.’ એના બદલે આ દૂતે કીધું કે “ઈશ્વરની ભક્તિ કર!”

૩. (ક) આ પુસ્તકથી આપણો કયો નિર્ણય વધારે મક્કમ થયો છે? (ખ) હવે આપણે શું જોઈશું?

૩ દૂતે જે કીધું, આપણે એવું જ કરવા માંગીએ છીએ. આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવા ચાહીએ છીએ, બીજા કોઈની નહિ. (પુન. ૧૦:૨૦; માથ. ૪:૧૦) આ પુસ્તકથી આપણો એ નિર્ણય વધારે મક્કમ થયો છે. હઝકિયેલની ભવિષ્યવાણીઓ અને તેમણે જોયેલાં દર્શનોથી આપણે યહોવાની ભક્તિ વિશે ઘણું બધું શીખ્યા. ચાલો એના પર એક નજર નાખીએ. પછી બાઇબલમાંથી જોઈશું કે ભાવિમાં દરેકે કઈ આખરી કસોટીમાંથી પસાર થવું પડશે. જે લોકો એ કસોટી પાર કરશે, તેઓ જોશે કે દુનિયાના ખૂણે ખૂણે યહોવાની ભક્તિ થશે. તેમની ભક્તિ યુગોના યુગો સુધી થતી રહેશે.

હઝકિયેલના પુસ્તકમાંથી ત્રણ મુદ્દા વિશે શીખ્યા

૪. હઝકિયેલના પુસ્તકમાં કયા ત્રણ મુદ્દાઓ વિશે જણાવવામાં આવ્યું છે?

૪ આપણે શીખ્યા કે શુદ્ધ ભક્તિ કોને કહેવાય. શુદ્ધ ભક્તિ કરવાનો અર્થ આ થાય: (૧) ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ, બીજા કોઈની નહિ. (૨) હળી-મળીને રહીએ, યહોવાની ભક્તિમાં કોઈ ભેળસેળ ન કરીએ. (૩) બીજાઓને પ્રેમ કરીએ. આ પુસ્તકમાં હઝકિયેલની ભવિષ્યવાણીઓ અને દર્શનો વિશે જોઈ ગયા. એનાથી એ ત્રણ મુદ્દા સાફ સાફ દેખાઈ આવે છે. ચાલો એના પર ફરીથી વિચાર કરીએ.

પહેલો મુદ્દો: ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ

૫-૯. ફક્ત યહોવાની જ ભક્તિ કરવા વિશે આપણે શું શીખ્યા?

૫ પ્રકરણ ૩: હઝકિયેલે એક દર્શનમાં જોયું કે યહોવાની ચારે બાજુ મેઘધનુષ્ય છે. યહોવા શક્તિશાળી દૂતો પર જાણે સવારી કરે છે. આ દર્શનમાં વિશ્વના માલિક, રાજા મહારાજા યહોવાના ગૌરવની એક ઝલક જોઈ. એક વાત તો આપણાં દિલમાં સીધેસીધી ઊતરી ગઈ છે કે ફક્ત ને ફક્ત યહોવાની ભક્તિ કરીએ, બીજા કોઈની નહિ.—હઝકિ. ૧:૪, ૧૫-૨૮.

૬ પ્રકરણ ૫: એક દર્શનમાં જોઈ ગયા કે યહોવાના મંદિરમાં નીચ અને અધમ કામો થતાં હતાં. એ દર્શન બતાવે છે કે યહોવા બધું જ જુએ છે. આપણે જોયું કે તેમના લોકો બેવફા બનીને મૂર્તિપૂજા કે એનાં જેવાં બીજાં નીચ કામો કરે છે. એ બેવફા લોકોને લાગતું હશે કે અમને કોઈ જોતું નથી. પણ યહોવાની નજરથી બચીને તેઓ ક્યાં જવાના! એવા લોકોનાં કાળાં કરતૂતો જોઈને યહોવાના દિલને ઠેસ પહોંચે છે અને તે તેઓને સજા કરે છે.—હઝકિ. ૮:૧-૧૮.

૭ પ્રકરણ ૭: ઇઝરાયેલની આસપાસના દેશોએ યહોવાના લોકોની “મજાક ઉડાવી.” એટલે યહોવાએ એ દેશોના લોકોને સજા ફટકારી. (હઝકિ. ૨૫:૬) આનાથી શીખવા મળે છે કે જે લોકો ઈશ્વરભક્તોને હેરાન-પરેશાન કરે છે, તેઓના યહોવા બૂરા હાલ કરે છે. બીજું કે ઇઝરાયેલીઓ આજુબાજુના દેશોના લોકો સાથે હળવા-મળવા લાગ્યા, એનાં કેવાં ખરાબ પરિણામ આવ્યાં! આપણે બીજા કોઈને નહિ, ફક્ત યહોવાને વફાદાર રહીએ. જે સગાં-વહાલાં યહોવાને ભજતા નથી, તેઓને સારું લગાડવા આપણે ક્યારેય યહોવાનાં ધોરણોને એક બાજુ પર ન મૂકીએ. આપણે ધનદોલત કે સરકારો પર ભરોસો ન રાખીએ. જો આપણે સરકારો પર ભરોસો રાખીએ, તો યહોવાને બેવફા બનીશું.

૮ પ્રકરણ ૧૩ અને ૧૪: એક દર્શનમાં જોઈ ગયા કે યહોવાનું મંદિર એક ઊંચા પર્વત પર છે. એ આપણને શીખવે છે કે યહોવાનાં ઊંચાં ધોરણો કાયમ પાળીએ. યહોવા જેવા બીજા કોઈ ઈશ્વર નથી.—હઝકિ. ૪૦:૧–૪૮:૩૫.

૯ પ્રકરણ ૧૫: અમુક ભવિષ્યવાણીઓમાં ઇઝરાયેલ અને યહૂદાની સરખામણી વેશ્યાઓ સાથે કરવામાં આવી છે. એના પરથી ચેતવણી મળે છે કે યહોવા સિવાય કોઈ બીજાની ભક્તિ કરીએ તો વેશ્યા જેવા બન્યા કહેવાઈએ. યહોવા એ જરાય ચલાવી નહિ લે.—હઝકિ., અધ્યાય ૧૬, ૨૩.

બીજો મુદ્દો: હળી-મળીને રહીએ, ભક્તિમાં ભેળસેળ ન કરીએ

૧૦-૧૪. સંપ રાખીને યહોવાની ભક્તિ કરવા વિશે શું શીખ્યા?

૧૦ પ્રકરણ ૮: અમુક ભવિષ્યવાણીઓમાં યહોવાએ વચન આપ્યું કે તે ‘એક ઘેટાંપાળક’ પસંદ કરશે, જે તેમના લોકોની સંભાળ રાખશે. ઈસુ એ ઘેટાંપાળક છે. આપણે હંમેશાં તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ અને હળી-મળીને શાંતિથી રહીએ.—હઝકિ. ૩૪:૨૩, ૨૪; ૩૭:૨૪-૨૮.

૧૧ પ્રકરણ ૯: હઝકિયેલની અમુક ભવિષ્યવાણીઓ જણાવે છે કે યહૂદીઓને બાબેલોનની ગુલામીમાંથી છોડાવવામાં આવશે. તેઓ પોતાના વતન પાછા ફરશે. આજે યહોવાનું દિલ ખુશ કરવા માંગતા લોકોને આ ભવિષ્યવાણીઓથી ઘણું શીખવા મળે છે. જે ધર્મો યહોવામાં માનતા નથી, તેઓ સાથે યહોવાના લોકોએ બધી રીતે સંબંધ કાપી નાખવો જોઈએ. પોતાના પર એની ગંદકીના છાંટા ઊડવા દેવા ન જોઈએ. આજે યહોવાના લોકો અલગ અલગ દેશ, ધર્મ, ભાષા અને સમાજમાંથી આવે છે. તોપણ બધાએ સંપીને રહેવું જોઈએ. એનાથી સાફ દેખાય આવશે કે આપણે યહોવાના લોકો છીએ.—હઝકિ. ૧૧:૧૭, ૧૮; ૧૨:૨૪; યોહા. ૧૭:૨૦-૨૩.

૧૨ પ્રકરણ ૧૦: બીજું એક દર્શન હતું, જેમાં સુકાઈ ગયેલાં હાડકાં જીવતાં થયાં. એ દર્શનમાં એકતા રાખવા વિશે શીખી ગયા. યહોવાના લોકોને શુદ્ધ કરવામાં આવ્યા છે. તેઓ યહોવાની ભક્તિ કરવા એક થઈને જાણે મોટી સેના હોય એમ તેમનો જયજયકાર કરે છે. આપણને એમાંના એક હોવાનો કેટલો મોટો આશીર્વાદ!—હઝકિ. ૩૭:૧-૧૪.

૧૩ પ્રકરણ ૧૨: બે લાકડીઓ એક લાકડી બનશે, એવી બીજી એક ભવિષ્યવાણીમાં એકતા વિશે ખાસ બતાવવામાં આવ્યું. અભિષિક્ત લોકો અને બીજાં ઘેટાંના લોકો ખભેખભા મિલાવીને યહોવાની ભક્તિ કરે છે. એનાથી એ ભવિષ્યવાણી સાચી પડે છે. એ જોઈને આપણી શ્રદ્ધા વધારે મક્કમ થાય છે. આજે આખી દુનિયામાં ધર્મ અને રાજકારણને લીધે નફરતની આગ સળગે છે. પણ આપણે એકબીજાને જીવની જેમ ચાહીએ છીએ અને એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ.—હઝકિ. ૩૭:૧૫-૨૩.

૧૪ પ્રકરણ ૧૬: એક દર્શનમાં બતાવવામાં આવ્યું કે એક માણસ પાસે શાહીનો ખડિયો છે. એ માણસ સાથેના બીજા છ માણસો પાસે વિનાશનાં હથિયાર છે. આ દર્શનમાંથી શીખ્યા કે જેઓ ‘મોટી વિપત્તિની’ શરૂઆતમાં યહોવાની ભક્તિ કરતા હશે, તેઓને જ નાશમાંથી બચાવવામાં આવશે.—માથ. ૨૪:૨૧; હઝકિ. ૯:૧-૧૧.

ત્રીજો મુદ્દો: બીજાઓને પ્રેમ કરીએ

૧૫-૧૮. (ક) આપણે બીજા લોકો પર કેમ પ્રેમ રાખવો જોઈએ? (ખ) આપણે એ કઈ રીતે કરી શકીએ?

૧૫ પ્રકરણ ૪: ચાર દૂતોના દર્શનમાં યહોવાના ગુણો વિશે જોઈ ગયા. એમાં સૌથી મહત્ત્વનો ગુણ પ્રેમ છે. આપણે બધા સાથે પ્રેમથી વાત કરીએ અને સારું વર્તન રાખીએ. એમ કરીશું તો જ કહી શકીશું કે યહોવા આપણા ઈશ્વર છે.—હઝકિ. ૧:૫-૧૪; ૧ યોહા. ૪:૮.

૧૬ પ્રકરણ ૬ અને ૧૧: યહોવા પોતાના લોકોને દિલોજાનથી ચાહે છે. એટલે તેમણે હઝકિયેલ અને બીજા અમુક લોકોને ચોકીદાર તરીકે પસંદ કર્યા. શેતાન અને તેની દુનિયાનો યહોવા નાશ કરવાના છે, એ તો પાકું. પણ યહોવા પ્રેમ છે. તે નથી ચાહતા કે એની સાથે સાથે કોઈનો પણ નાશ થાય. (૨ પિત. ૩:૯) યહોવાએ આજે પણ ચોકીદારો પસંદ કર્યા છે. યહોવાની જેમ લોકોને પ્રેમ બતાવવા એ ચોકીદારોને પૂરો સાથ-સહકાર આપીએ અને આપણી જવાબદારી નિભાવીએ.—હઝકિ. ૩૩:૧-૯.

૧૭ પ્રકરણ ૧૭ અને ૧૮: યહોવા લોકોને પ્રેમ અને દયા બતાવે છે. તે જાણે છે કે મોટા ભાગના લોકો એની કદર નહિ કરે. તેઓ ઈશ્વરભક્તોનો નાશ કરવાની કોશિશ કરશે. ‘માગોગ દેશનો ગોગ’ યહોવાના લોકો પર હુમલો કરશે. એ સમયે યહોવા પોતાના લોકોને બચાવવા પગલાં ભરશે, કેમ કે તે તેઓને જીવની જેમ ચાહે છે. જે લોકો ઈશ્વરભક્તોને હેરાન-પરેશાન કરે છે, તેઓને યહોવા ખતમ કરી નાખશે. એ વાત આપણે વધારે ને વધારે લોકોને જણાવવા માંગીએ છીએ.—હઝકિ. ૩૮:૧–૩૯:૨૦; ૨ થેસ્સા. ૧:૬, ૭.

૧૮ પ્રકરણ ૧૯, ૨૦ અને ૨૧: યહોવાનો અતૂટ પ્રેમ આ દર્શનોમાં પણ જોવા મળે છે: જીવનના પાણીની નદીનું દર્શન અને જમીનની વહેંચણીનું દર્શન. આ દર્શનો એક ઝલક આપે છે કે યહોવાએ પોતાના વહાલા દીકરાની કુરબાની આપી, એના કેટલા બધા આશીર્વાદો છે! આપણે પાપોની માફી મેળવી શકીએ છીએ. આપણે તન-મનથી એકદમ સારા થઈ જઈશું. આપણામાં કોઈ ખામી નહિ રહે. અરે, ખુદ યહોવા આપણને તેમના કુટુંબમાં સામેલ કરશે. યહોવાનો પ્રેમ તો જુઓ કે તેમણે પોતાનો વહાલો દીકરો પણ પાછો ન રાખ્યો. આપણે પણ એકબીજા પર દિલોજાનથી પ્રેમ રાખીએ. એમ કરવાની એક રીત આ છે: તેઓને જણાવીએ કે યહોવાએ તેઓ માટે શું કર્યું છે. યહોવા સરસ મજાની નવી દુનિયા લાવવાના છે. તેઓને પ્રેમથી સમજાવીએ કે જો તેઓ યહોવાના દીકરા ઈસુમાં શ્રદ્ધા મૂકશે, તો તેઓ પણ એ દુનિયાની મજા લઈ શકશે.—હઝકિ. ૪૫:૧-૭; ૪૭:૧–૪૮:૩૫; પ્રકટી. ૨૧:૧-૪; ૨૨:૧૭.

હજાર વર્ષનું રાજ, નમ્ર હોવાનો જોરદાર દાખલો

ચિત્રો: આખરી કસોટી સમયના બનાવો. ૧. તન-મનથી એકદમ સારા લોકો આકાશ તરફ જુએ છે. ૨. ઈસુ પોતાનો મુગટ યહોવાને પાછો આપે છે.

બૉક્સ ૨૨-ક: આખરી કસોટી

૧૯. હજાર વર્ષના રાજમાં ઈસુ શું કરશે? (“આખરી કસોટી” બૉક્સ જુઓ.)

૧૯ જરા કલ્પના કરો, ગુજરી ગયેલા અબજો લોકોને ઈસુ હજાર વર્ષના રાજમાં જીવતા કરશે. આપણા ‘દુશ્મન મરણે’ કંઈ કેટલાય લોકોનાં સપનાં ચૂરચૂર કરી નાખ્યાં છે. ઈસુ એ સપનાં પૂરાં કરશે. (૧ કોરીં. ૧૫:૨૬; માર્ક ૫:૩૮-૪૨; પ્રે.કા. ૨૪:૧૫) માણસની આજ સુધીની જીવન સફર જોઈએ તો શું ખબર પડે છે? એ જ કે એ જાણે દુઃખ-દર્દથી ભરેલી એક કહાણી છે. પણ હજાર વર્ષના રાજમાં ઈસુ એ દર્દભરી કહાણી ભૂંસી નાખશે. એક પછી એક પેઢીના લોકોને તે મરણમાંથી જીવતા કરશે. માનો તે દરેકને પોતાની કહાણી ફરીથી લખવાનો મોકો આપશે. યુદ્ધ, દુકાળ અને બીમારીએ લોકો પર કેટલો ત્રાસ ગુજાર્યો છે! બિચારા લોકો તોબા તોબા પોકારી ઊઠ્યા છે. પણ ઈસુએ આપણા માટે કુરબાની આપી. એનાથી મળતા આશીર્વાદો લાવીને તે આખી દુનિયા બદલી નાખશે. અરે, આપણને વારસામાં મળેલા પાપનું નામનિશાન મિટાવી દેશે. એ જ તો બધાં દુઃખોની જડ છે. (રોમ. ૫:૧૮, ૧૯) ઈસુ જલદી જ “શેતાનનાં કામોનો નાશ” કરી નાખશે. (૧ યોહા. ૩:૮) એના પછી શું?

જેઓને જીવતા કરવામાં આવશે, તેઓને પોતાની કહાણી ફરીથી લખવાનો મોકો મળશે

૨૦. ઈસુ અને ૧,૪૪,૦૦૦ કેવી રીતે નમ્ર હોવાનો જોરદાર દાખલો બેસાડશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૨૦ પહેલો કોરીંથીઓ ૧૫:૨૪-૨૮ વાંચો. બધા લોકો નવી દુનિયામાં તન-મનથી એકદમ સારા થઈ જશે, કોઈ ખામી નહિ હોય. ધરતીની રોનક પાછી આવશે, જાણે એ સોળે શણગાર સજશે. યહોવા ચાહતા હતા, એવું જ બધું થઈ જશે. પછી ઈસુ અને ૧,૪૪,૦૦૦ લોકો નમ્ર હોવાનો જોરદાર દાખલો બેસાડશે. એક હજાર વર્ષ પછી તેઓ રાજ કરવાનો પોતાનો અધિકાર રાજીખુશીથી, પોતાની મરજીથી યહોવાને સોંપી દેશે. તેઓ રાજ્ય યહોવાને પાછું સોંપી દેશે. તેઓના રાજ્યમાં જે આશીર્વાદો મળશે, એ સદાને માટે ટકી રહેશે.

ઈસુ પોતાનો મુગટ યહોવાને પાછો આપે છે.

આખરી કસોટી

૨૧, ૨૨. (ક) હજાર વર્ષના રાજના અંતે દુનિયા કેવી હશે? (ખ) શેતાન અને તેના દૂતોને યહોવા શું કામ આઝાદ કરશે?

૨૧ હજાર વર્ષ પછી યહોવા હુકમ આપશે કે શેતાન અને તેના દૂતોને અનંત ઊંડાણમાંથી છોડી દેવામાં આવે. (પ્રકટીકરણ ૨૦:૧-૩ વાંચો.) યહોવાને પૂરી ખાતરી હશે કે તેમના ભક્તો વફાદાર રહેશે. એ સમય સુધીમાં તો દુનિયા કેટલી બદલાઈ ગઈ હશે! આર્માગેદન પહેલાં દુનિયાના ખૂણે ખૂણે શેતાને નફરતનું ઝેર ફેલાવી દીધું હતું. લોકો વાતવાતમાં ભેદભાવ કરતા, તેઓમાં ભાગલા પડી ગયા હતા. (પ્રકટી. ૧૨:૯) પણ હજાર વર્ષના અંતે લોકો એકતામાં રહેતા હશે, જાણે સંપની એક માળામાં પરોવાયેલા હશે. એક કુટુંબ તરીકે તેઓ તન-મનથી યહોવાની ભક્તિ કરતા હશે. પૃથ્વી સુંદર બગીચા જેવી બની ગઈ હશે અને બધે જ શાંતિ હશે.

૨૨ પણ સવાલ થાય કે બદમાશ શેતાન અને તેના દૂતોને યહોવા શું કામ આઝાદ કરશે? આટલી સુંદર ધરતી પર તેઓને પગ પણ શું કામ મૂકવા દેશે? જરા વિચારો, હજાર વર્ષના રાજના અંતે કયા લોકો ધરતી પર રહેતા હશે. મોટા ભાગે એવા લોકો જેઓની ક્યારેય કસોટી થઈ ન હોય કે તેઓ યહોવાને વળગી રહેશે કે નહિ. ઘણા લોકો યહોવા વિશે કંઈક જાણે એ અગાઉ મરણ પામ્યા હશે. તેઓને પણ યહોવા નવી દુનિયામાં જીવતા કરશે. એટલું જ નહિ, તેઓને જરૂરી બધી જ ચીજો મેળવવા મદદ કરશે. અરે, યહોવા તેઓને મદદ કરશે, જેથી તેઓ તેમને ઓળખે અને તેમની સાથે સારો સંબંધ બાંધે. હજાર વર્ષના રાજમાં તેઓને ખોટાં કામો કરનારાની દોસ્તી કરવાનો કોઈ જ મોકો મળ્યો નહિ હોય. એ સમયે તો બધા જ લોકો યહોવાને દિલોજાનથી ચાહતા હશે અને તેમની જ ભક્તિ કરતા હશે. તો પછી, શેતાન એ લોકોની કસોટી કઈ રીતે કરશે? જેમ તેણે અયૂબની કસોટી કરી હતી એમ કરી શકે. શેતાન કદાચ એવો આરોપ લગાવે કે બધા લોકો યહોવાને ભજે છે, કેમ કે યહોવા તેઓની સંભાળ રાખે છે અને આશીર્વાદ આપે છે. (અયૂ. ૧:૯, ૧૦) આપણાં નામ જીવનના પુસ્તકમાં લખે એ પહેલાં યહોવા આપણને એક મોકો આપશે. શાનો મોકો? એ સાબિત કરવાનો કે આપણે બધી રીતે યહોવાને જ વિશ્વના માલિક અને આપણા પિતા માનીએ છીએ. ભલે જીવીએ કે મરીએ, ફક્ત યહોવાને જ વફાદાર રહીએ.—પ્રકટી. ૨૦:૧૨, ૧૫.

૨૩. દરેકની કઈ રીતે કસોટી થશે?

૨૩ લોકોને ખોટા માર્ગે લઈ જવાનો શેતાનને થોડા સમય માટે મોકો આપવામાં આવશે. તે લોકોને યહોવાથી દૂર લઈ જવા માટે નવી નવી ચાલ અજમાવશે. આદમ અને હવા સામે એક સવાલ ઊભો થયો હતો, એવો જ સવાલ દરેક સામે ઊભો થશે. દરેકની કસોટી થશે કે શું તે યહોવાનાં ઊંચાં ધોરણો પાળશે? શું તે તેમના રાજ્યને ટેકો આપશે? શું તે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે? કે પછી તે યહોવા સામે બળવો પોકારશે અને શેતાનની ટુકડીમાં ભળી જશે?

૨૪. બંડખોર લોકોને કેમ ગોગ અને માગોગ કહેવામાં આવે છે?

૨૪ પ્રકટીકરણ ૨૦:૭-૧૦ વાંચો. હજાર વર્ષના રાજ્ય પછી અમુક લોકો યહોવાની સામે બળવો પોકારશે. તેઓને ગોગ અને માગોગ કહેવામાં આવે છે. એનું કારણ એ કે તેઓનો ઇરાદો એ બંડખોર લોકો જેવો હશે, જેઓ મોટી વિપત્તિમાં યહોવાના લોકો પર હુમલો કરશે. હઝકિયેલની ભવિષ્યવાણીમાં એ હુમલો કરનારાઓને ‘માગોગ દેશનો ગોગ’ કહેવામાં આવે છે. આ ગોગ કોઈ એક દેશનો નહિ, અનેક દેશોનો બનેલો છે. એ યહોવાની સત્તા વિરુદ્ધ કાવાદાવા કરે છે. (હઝકિ. ૩૮:૨) ખ્રિસ્તના હજાર વર્ષના અંતે બંડ પોકારનારા લોકોને ‘દેશો’ કહેવામાં આવે છે. એ વિચારવા જેવી વાત છે, કેમ કે હજાર વર્ષના રાજમાં અલગ અલગ દેશો નહિ હોય. એ સમયે અલગ અલગ સરકારો પણ નહિ હોય, ફક્ત યહોવાનું એક જ રાજ હશે. આપણે બધા એ રાજની પ્રજા હોઈશું. તો પછી, પેલા બંડખોર લોકોને કેમ ‘દેશો’ કહેવામાં આવે છે? કદાચ એ માટે કે શેતાન એ સમયે યહોવાના અમુક લોકોમાં ભાગલા પાડવામાં સફળ થશે. શું લોકોને શેતાનનો પક્ષ લેવા બળજબરી કરવામાં આવશે? ના જરાય નહિ! બધા લોકો તન-મનથી એકદમ સારા હશે, કોઈ ખામી નહિ હોય. તેઓ પોતે સમજી-વિચારીને નિર્ણય લઈ શકશે કે તેઓ યહોવાની બાજુ ઊભા રહેશે કે શેતાનની બાજુ!

એક બંડખોર ઘણા લોકોને બંડ પોકારવા ઉશ્કેરે છે. ખ્રિસ્તના હજાર વર્ષના અંતે લોકો બંડ પોકારશે.

બંડખોર લોકોને ગોગ અને માગોગ કહેવામાં આવ્યા છે (ફકરો ૨૪ જુઓ)

૨૫, ૨૬. (ક) કેટલા લોકો શેતાનની તરફ થશે? (ખ) બંડખોર લોકોના કેવા હાલ થશે?

૨૫ એ વખતે કેટલા લોકો શેતાનની તરફ થઈ જશે? એ બંડખોર લોકોની સંખ્યા “સમુદ્રની રેતી જેટલી” હશે. એનો મતલબ એવો નથી કે એ બહુ મોટી સંખ્યા હશે. ચાલો એક દાખલો લઈએ. યહોવાએ ઇબ્રાહિમને કીધું હતું કે તેમના વંશજોની સંખ્યા “સમુદ્ર કિનારાની રેતી જેટલી” હશે. (ઉત. ૨૨:૧૭, ૧૮) સમય જતાં, તેમના વંશજોની સંખ્યા ૧,૪૪,૦૦૧ થઈ. (ગલા. ૩:૧૬, ૨૯) ખરું કે એ મોટી સંખ્યા કહેવાય, પણ દુનિયાની વસ્તી જોતા એ કંઈ જ નથી. એવી જ રીતે, હજાર વર્ષને અંતે ઘણા લોકો શેતાનની તરફ થઈ જશે. પણ આખી દુનિયાની વસ્તીની સરખામણીમાં એ સંખ્યા બહુ નાની હશે. એ બંડખોર લોકો યહોવાના વફાદાર ભક્તોનું કંઈ બગાડી નહિ શકે.

૨૬ એ બંડખોર લોકોને થોડા જ સમયમાં ખતમ કરી દેવામાં આવશે. શેતાન અને તેના દુષ્ટ દૂતોની સાથે સાથે તેઓનું પણ નામનિશાન મિટાવી દેવામાં આવશે. તેઓને ફરી ક્યારેય જીવન નહિ મળે. તેઓએ જે ખોટાં કામો કર્યાં હશે અને એનાં જે પરિણામ આવશે, એની યાદો જ હંમેશાં રહી જશે.—પ્રકટી. ૨૦:૧૦.

૨૭-૨૯. જે લોકો આખરી કસોટીમાંથી પાર પડશે તેઓને કેવા આશીર્વાદો મળશે?

૨૭ જે લોકો આખરી કસોટીમાંથી પાર ઊતરશે, તેઓનાં નામ હંમેશ માટે “જીવનના પુસ્તકમાં” લખવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧૫) પછી યહોવાનાં બધાં વફાદાર દીકરા-દીકરીઓ એક કુટુંબ તરીકે તેમની ભક્તિ કરશે. યહોવા એકલા જ એવી ભક્તિના હકદાર છે!

૨૮ જરા વિચારો કે એ દુનિયામાં જીવન કેટલું મજાનું હશે! તમે તમારાં દિલોજાન સગાં-વહાલાં અને જિગરી દોસ્તો સાથે સુખચેનથી જીવતા હશો. ન તમને કોઈ દુઃખ-તકલીફ હશે, ન તેઓને. આપણે બધા હળી-મળીને જે કોઈ કામ કરીશું, એ મનને સંતોષ આપનારું હશે. અરે, આપણામાં પાપનો છાંટોય નહિ હોય. આપણે યહોવાની નજરમાં નેક સાબિત થયા હોઈશું અને આપણને ઈસુના બલિદાનની મદદની જરૂર નહિ હોય. નવી દુનિયામાં દરેક જણ યહોવાના જિગરી દોસ્ત બની શકશે. સૌથી મહત્ત્વની વાત તો એ કે સ્વર્ગમાં અને ધરતી પર બધે જ ફક્ત યહોવાની ભક્તિ થશે. આખા વિશ્વમાં એકલા યહોવાનો જયજયકાર થશે!

એક બહેન જંગલમાં ચાલે છે, જેનામાં પાપનો છાંટોય નથી અને કોઈ ખામી નથી. ઝાડની પાછળથી સૂરજના તેજ કિરણો આવે છે.

આપણામાં પાપનો છાંટોય નહિ હોય ત્યારે આપણામાં કોઈ ખામી નહિ હોય, ઈસુના બલિદાનની મદદની જરૂર નહિ હોય અને યહોવાની નજરમાં નેક સાબિત થઈશું (ફકરો ૨૮ જુઓ)

૨૯ એવા આશીર્વાદો મેળવવા શું તમે ત્યાં હશો? હા ચોક્કસ. ફક્ત એટલું જ કે હઝકિયેલના પુસ્તકમાં જે ત્રણ મુદ્દા શીખી ગયા, એ પ્રમાણે તમે જીવો. એકલા યહોવાની ભક્તિ કરો, બીજા કોઈની નહિ. હળી-મળીને રહો અને ભક્તિમાં કોઈ ભેળસેળ થવા ન દો. બીજાઓ પર પ્રેમ રાખો. હઝકિયેલની ભવિષ્યવાણીથી બીજી એક મહત્ત્વની વાત શીખવા મળે છે. એ શું છે?

યહોવા પોતાના રથ પર બેઠા છે. સ્વર્ગમાં દૂતો અને પૃથ્વી પર કોઈ ખામી વગરના લોકો યહોવાનો જયજયકાર કરે છે.

એ કેટલો ખુશીનો માહોલ હશે જ્યારે સ્વર્ગ અને પૃથ્વીના બધા હળી-મળીને યહોવાની ભક્તિ કરતા હશે! (ફકરા ૨૭-૨૯ જુઓ)

‘સ્વીકારો કે હું યહોવા છું’

૩૦, ૩૧. (ક) “તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,” આ શબ્દોનો યહોવાના દુશ્મનો માટે શું અર્થ થશે? (ખ) એ શબ્દોનો યહોવાના લોકો માટે શું અર્થ થશે?

૩૦ હઝકિયેલના પુસ્તકમાં આ શબ્દોનો પડઘો વારંવાર કાને પડે છે: “તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” (હઝકિ. ૬:૧૦; ૩૯:૨૮) યહોવા જલદી જ પોતાના દુશ્મનો સામે યુદ્ધ લડશે અને તેઓનો સફાયો કરી નાખશે. એ સમયે દુશ્મનો પોતાની નજરે જોશે અને તેઓને એનું ભાન થશે. તેઓએ સ્વીકારવું પડશે કે યહોવા નામે એક મહાન ઈશ્વર છે. એ નામનો અર્થ થાય, “તે શક્ય બનાવે છે.” “સૈન્યોના ઈશ્વર યહોવા” તેઓ સાથે લડવા માટે “શક્તિશાળી યોદ્ધા” બનશે. (૧ શમુ. ૧૭:૪૫; નિર્ગ. ૧૫:૩) તેઓએ આ હકીકત સ્વીકારવી જ પડશે: યહોવા જે ધારે એ કરતા તેમને કંઈ જ રોકી ન શકે. પણ એનાથી તેઓને કોઈ ફાયદો નહિ થાય, કેમ કે તેઓ માટે બહુ મોડું થઈ ગયું હશે.

૩૧ “તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,” આ શબ્દોનો યહોવાના લોકો માટે શું અર્થ થશે? શાંતિ અને જીવન! અસલમાં માણસો માટે યહોવાનો જે મકસદ હતો, એ પ્રમાણે તે આપણને પોતાનાં દીકરા-દીકરીઓ બનાવશે. પછી આપણે પણ યહોવા જેવા ગુણો સોએ સો ટકા બતાવી શકીશું. (ઉત. ૧:૨૬) આજે પણ યહોવા એક પિતા બનીને આપણી સંભાળ રાખે છે. તે એક ઘેટાંપાળકની જેમ આપણું રક્ષણ કરે છે. જલદી જ તે આપણા રાજા બનીને જીત મેળવશે. એના પહેલાં ચાલો આપણે હઝકિયેલના પુસ્તકમાંથી જે શીખ્યા, એ પ્રમાણે જીવીએ. આપણે જોઈ ગયા કે યહોવા કોણ છે અને કેવા ઈશ્વર છે. દરરોજ આપણાં વાણી-વર્તનથી સાબિત કરી આપીએ કે આપણે તેમના લોકો છીએ. મોટી વિપત્તિના વિનાશથી આપણે ડરીશું નહિ. પણ આપણે માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહીશું, કેમ કે આપણો ઉદ્ધાર નજીક આવ્યો હશે. (લૂક ૨૧:૨૮) એ સમય આવે ત્યાં સુધી જોરશોરથી લોકોને જણાવીએ કે તેઓ યહોવાને ઓળખે અને દિલોજાનથી તેમને ચાહે. ફક્ત ને ફક્ત યહોવા જ ભક્તિના હકદાર છે. તેમનું નામ યહોવા બધાં જ નામો કરતાં મહાન છે!—હઝકિ. ૨૮:૨૬.

આપણે શું શીખ્યા?

  1. ૧. હઝકિયેલના પુસ્તકમાંથી શું શીખ્યા?

  2. ૨. ખ્રિસ્તના હજાર વર્ષના રાજમાં તમે કેવા આશીર્વાદોની રાહ જુઓ છો?

  3. ૩. આખરી કસોટી માટે તમે હમણાંથી કેવી તૈયારીઓ કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો