શિષ્યો બનાવો
પાઠ ૧૧
સમજાય એવું શીખવો
મુખ્ય કલમ: “જો તમે સહેલાઈથી સમજાય એવા શબ્દોમાં ન બોલો, તો તમારી વાત કોણ સમજશે?”—૧ કોરીં. ૧૪:૯.
ઈસુએ શું કર્યું?
૧. વીડિયો જુઓ અથવા માથ્થી ૬:૨૫-૨૭ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:
ક. યહોવા આપણું ધ્યાન રાખે છે એ સમજાવવા ઈસુએ શું કર્યું?
ખ. ઈસુ પક્ષીઓ વિશે ઘણું બધું જાણતા હતા, પણ તેમણે કઈ એક સાદી વાત પર ધ્યાન દોર્યું? એ કેમ શીખવવાની સારી રીત હતી?
ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
૨. આપણે સાદી રીતે અને સમજાય એવું શીખવીશું તો લોકોને એ યાદ રહી જશે અને તેઓનાં દિલમાં છપાઈ જશે.
ઈસુ જેવું કરો
૩. તમે જ બોલ બોલ ન કરો. કોઈ વિષય પર તમને કદાચ ઘણું બધું ખબર હોય. પણ બધું જ જણાવવાને બદલે, જેમાંથી શીખવતા હો એના પર ચર્ચા કરો. સવાલ પૂછ્યા પછી, વ્યક્તિ જવાબ આપે એની રાહ જુઓ. જો તેને જવાબ ખબર ન હોય અથવા તે કોઈ ખોટો વિચાર જણાવે, તો શું કરી શકો? તે જાતે વિષય સમજી શકે એ માટે બીજા સવાલો પૂછો. એક વાર તે સમજી જાય પછી આગળ વધો.
૪. પહેલાં જે શીખવ્યું હોય એના આધારે નવી માહિતી શીખવો. દાખલા તરીકે, તમે શીખવવાના છો કે ગુજરી ગયેલા લોકો જીવતા થશે. પણ એ પહેલાં તમે પૂછી શકો: “શું તમને યાદ છે કે મરણ પછી લોકોનું શું થાય છે?”
૫. સમજી-વિચારીને દાખલા વાપરો. દાખલો આપતા પહેલાં વિચારો:
ક. ‘શું એ દાખલો સાદો છે?’
ખ. ‘શું એ તરત સમજાશે?’
ગ. ‘શું ફક્ત દાખલો યાદ રહેશે કે પછી એની પાછળનો બોધપાઠ?’