પરમેશ્વરના શિક્ષણને વળગી રહો
“તારા ખરા હૃદયથી યહોવાહ [દેવ] પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચન ૩:૫, ૬.
દરરોજ દુનિયામાં લગભગ નવ હજાર છાપાં બહાર પડે છે. દર વર્ષે ફક્ત અમેરિકામાં જ ૨,૦૦,૦૦૦ નવાં પુસ્તકો બહાર પડે છે. એક અનુમાન પ્રમાણે, માર્ચ ૧૯૯૮ સુધીમાં, ઇંટરનેટ પર લગભગ ૨૭.૫ કરોડ પાનાં જેટલી માહિતી મળી આવી હતી. હવે, એમાં દર મહિને બે કરોડ પાના જેટલી માહિતી વધતી જાય છે. આજે લોકોને મન ફાવે એ વિષય પર સહેલાઈથી પુષ્કળ માહિતી મળી જાય છે. જોકે, એના ફાયદાની સાથે સાથે ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે.
૨ કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે? કેટલાક લોકોને નવું નવું જાણવાનો એવો ચસકો લાગ્યો હોય છે કે, એની ધૂનમાં તેઓ મહત્ત્વની બાબતો પડતી મૂકે છે. બીજાઓ અટપટા વિષયો પર થોડી ઘણી માહિતી મેળવીને, પોતાને જાણે એના ખાંટ સમજતા હોય છે. આવી માહિતીને આધારે, તેઓ જીવનના એવા મહત્ત્વના નિર્ણયો કરે છે, જેનાથી તેઓને અને બીજાઓને પણ નુકશાન થાય છે. વળી, એ જોખમ ઊભું જ હોય છે કે, એ માહિતી ખરી છે કે કેમ. તેમ જ, હંમેશા સો ટકા ખાતરી કરવી શક્ય હોતું નથી કે, આપણને મળતી માહિતી સાચી જ છે.
૩ જોકે, આપણામાંથી કોને તાજી ખબર જાણવાનું ગમતું નથી? પરંતુ, નકામી અને નુકશાનકારક માહિતી પાછળ સમય શા માટે બગાડવો? વળી, એ જોખમકારક પણ છે, જેમ રાજા સુલેમાન લખવા પ્રેરાયા: “વળી મારા દીકરા, શિખામણ માન: ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.” (સભાશિક્ષક ૧૨:૧૨) સદીઓ પછી, પ્રેરિત પાઊલે પણ તીમોથીને એ જ લખ્યું: “જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે, એને કેટલાએક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે.” (૧ તીમોથી ૬:૨૦, ૨૧) ખરેખર, આજે ખ્રિસ્તીઓએ પણ એવી માહિતીથી દૂર રહેવું જ જોઈએ.
૪ એને બદલે, યહોવાહના લોકોએ નીતિવચન ૩:૫, ૬ના શબ્દોને ધ્યાન આપવું જોઈએ: “તારા ખરા હૃદયથી યહોવાહ [દેવ] પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” યહોવાહ દેવમાં ભરોસો રાખવાનો અર્થ જે કંઈ શિક્ષણ બાઇબલની વિરુદ્ધ જતું હોય એનો નકાર કરવો થાય છે. ભલેને એ આપણી પોતાની કે આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની ‘ફિલસૂફી’ હોય. જોખમકારક માહિતીથી દુર રહેવા અને ખરાં-ખોટાનો ભેદ પારખવા આપણી સમજશક્તિને કેળવવી ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આપણે આત્મિકતા જાળવી શકીશું. (હેબ્રી ૫:૧૪) ચાલો આપણે જોઈએ કે આવી માહિતી ક્યાંથી આવે છે.
શેતાનની મુઠ્ઠીમાં જગત
૫ જગતમાં જ્યાં જુઓ ત્યાં આવી માહિતી મળી આવે છે. (૧ કોરીંથી ૩:૧૯) ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો વિષે પરમેશ્વરને પ્રાર્થના કરી: “તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું કહેતો નથી, પરંતુ શેતાનથી તમે તેઓનું રક્ષણ કરો એવી મારી પ્રાર્થના છે.” (યોહાન ૧૭:૧૫, સરળ ભાષાનું બાઇબલ.) ઈસુ સારી રીતે જાણતા હતા કે આખું જગત શેતાનની મુઠ્ઠીમાં છે. ખ્રિસ્તી હોવાથી, આપણે કંઈ આ જગતની ખરાબ અસરોથી મુક્ત થઈ જતા નથી. પ્રેષિત યોહાને લખ્યું: “આપણે દેવના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.” (૧ યોહાન ૫:૧૯) ખાસ કરીને આ દુનિયાના અંતના સમયે, શેતાન અને તેના દુષ્ટ દૂતો જગતને હાનિકારક માહિતીથી ભરી રહ્યાં છે.
૬ આ જોખમકારક માહિતી શેતાન એવી રીતે રજુ કરી રહ્યો છે જાણે એમાં કોઈ નુકશાન ન હોય. (૨ કોરીંથી ૧૧:૧૪) દાખલા તરીકે, આજની મનોરંજનની દુનિયાના ટીવી કાર્યક્રમો, ફિલ્મો, સંગીત અને પુસ્તકોનો વિચાર કરો. ઘણા સહમત થાય છે કે મોટા ભાગના મનોરંજનમાં અનૈતિકતા, હિંસા અને ડ્રગ્સનો નશો કરતા શરમજનક કૃત્યો જોવા મળે છે. આવા કાર્યક્રમો જોઈને, શરૂઆતમાં તો લોકોને આઘાત લાગ્યો હોય શકે. પરંતુ, વારંવાર આ બધુ જોઈને લોકોની લાગણી મરી પરવારે છે. ‘એ તો ચાલે,’ એમ કહીને આવા મનોરંજનને આપણે કદી પણ સ્વીકારી લેવું જોઈએ નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.
૭ આવી જ નુકશાનકારક માહિતી બીજે ક્યાંથી આવી શકે? બાઇબલ પર શંકા કરનારા વૈજ્ઞાનિકો અને જ્ઞાનીઓ પાસેથી, જેઓ પુષ્કળ પ્રમાણમાં નુકશાનકારક માહિતી પૂરી પાડે છે. (યાકૂબ ૩:૧૫ સરખાવો.) આ પ્રકારની માહિતી જાણીતા દુન્યવી સામયિકો અને લોકપ્રિય પુસ્તકોમાં વારંવાર જોવા મળે છે, જે ધીમે ધીમે બાઇબલ પરનો આપણો વિશ્વાસ કોતરી ખાઈ શકે. કેટલાક તો પોતાની ફિલસૂફીઓથી બાઇબલને હલકું પાડવામાં ગર્વ અનુભવે છે. પ્રેષિતોના સમયમાં પણ આવી જ પરિસ્થિતિ હતી. તેથી, પ્રેષિત પાઊલે લખ્યું: “સાવધાન રહો, રખેને ફિલસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.”—કોલોસી ૨:૮.
સત્યના દુશ્મનો
૮ ધર્મત્યાગી લોકો પણ આપણી ભક્તિને જોખમરૂપ બની શકે છે. પ્રેરિત પાઊલે ભાખ્યું કે, કહેવાતા ખ્રિસ્તીઓમાં ધર્મત્યાગ જોવા મળશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સાલોનીકી ૨:૩) પ્રેરિતોના મરણ પછી, ભવિષ્યવાણી પ્રમાણે ધીમે ધીમે ખ્રિસ્તીરાષ્ટ્રમાં ધર્મત્યાગ ફેલાયો. જોકે, આજે પરમેશ્વરના લોકોમાં એવી કોઈ ધર્મભ્રષ્ટતા જોવા મળતી નથી. છતાં, આપણામાંથી કેટલાક જણ સંગઠન છોડી ગયા છે. એટલું જ નહિ, પણ એમાંથી અમુક તો વળી યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવી, તેઓને બદનામ પણ કરે છે. કેટલાક સાચી ભક્તિનો વિરોધ કરવા બીજાં સંગઠનોમાં જોડાયા છે. આમ, તેઓ સર્વ પ્રથમ ધર્મત્યાગી, શેતાનના હાથના રમકડાં બને છે.
૯ કેટલાક ધર્મત્યાગીઓ યહોવાહના સાક્ષીઓ વિષે અફવાઓ ફેલાવવા જુદી જુદી રીતોનો ઉપયોગ કરે છે. એમાં ઇંટરનેટનો પણ સમાવેશ થાય છે. તેથી, સત્ય શોધનારા આપણી માન્યતાઓ વિષે સંશોધન કરે ત્યારે, એવી ધર્મત્યાગી માહિતીથી ઠોકર ખાય શકે. અરે, કેટલાક સાક્ષીઓ પણ અજાણતા આવી ખોટી માહિતીના શિકાર બન્યા છે. વધુમાં, ધર્મત્યાગીઓ અમુક સમયે ટેલિવિઝન અથવા રેડિયોનાં કાર્યક્રમો દ્વારા યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. આ વિષે આપણે શું કરવું જોઈએ?
૧૦ ધર્મભ્રષ્ટો વિષે, પ્રેરિત યોહાને ખ્રિસ્તીઓને સલાહ આપી: “જો કોઈ તમારી પાસે આવે, અને એજ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો; કેમકે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્કર્મોનો ભાગીદાર થાય છે.” (૨ યોહાન ૧૦, ૧૧) તેથી, આવા વિરોધીઓ સાથે કોઈ પણ રીતે સંબંધ ન રાખવાથી આપણું જ રક્ષણ થશે. આજે અલગ અલગ રીતોથી એવી હાનિકારક માહિતી મેળવવી એ જાણે કોઈ ધર્મત્યાગીને ઘરમાં આવકાર આપવા બરાબર છે. આપણે કદી પણ એવી જિજ્ઞાસાથી લલચાઈએ નહિ!—નીતિવચન ૨૨:૩.
મંડળની અંદર
૧૧ મંડળની અંદર પણ એક બીજી રીતે આપણને હાનિ પહોંચી શકે છે. ભલે જૂઠાણું શીખવવા ન ચાહતા હોય છતાં, કોઈ ખ્રિસ્તી ભાઈ-બહેનને પણ વગર વિચાર્યું બોલવાની ટેવ પડી શકે છે. (નીતિવચન ૧૨:૧૮) અપૂર્ણતાને કારણે, આપણે સર્વ ઘણી વાર મન ફાવે એમ બોલી જઈએ છીએ. (નીતિવચન ૧૦:૧૯; યાકૂબ ૩:૮) પ્રેરિત પાઊલના સમયમાં પણ મંડળમાંના કેટલાકે બોલવા પર કાબૂ રાખ્યો નહિ. તેઓ નાની-નાની વાતમાં વાદવિવાદ કરવા માંડતા હતા. (૧ તીમોથી ૨:૮) વળી, બીજા તો પોતાનો જ કક્કો ખરો કરવા ચાહતા હતા, એટલે તેઓ પ્રેરિત પાઊલની પણ સામે થયા. (૨ કોરીંથી ૧૦:૧૦-૧૨) એનાથી ઝગડા ઊભા થયા.
૧૨ કેટલીક વખત આવા મતભેદોથી “કજિયા” થયા, જેનાથી મંડળની શાંતિ છીનવાઈ ગઈ. (૧ તીમોથી ૬:૫; ગલાતી ૫:૧૫) પાઊલે એવા કજિયા કરનારાને લખ્યું: “જે કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી; તે મગરૂર તથા અજ્ઞાન છે, અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મઝા માને છે; તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ ઉત્પન્ન થાય છે.”—૧ તીમોથી ૬:૩, ૪.
૧૩ આવી પરિસ્થિતિ હોવા છતાં, પ્રેરિતોના સમયે મોટા ભાગના ખ્રિસ્તીઓ વિશ્વાસુ રહ્યા. તેમ જ દેવના રાજ્યનો પ્રચાર કરવામાં મંડ્યા રહ્યા. તેઓએ નકામી બાબતો પાછળ સમય બગાડવાને બદલે, ‘વિધવાઓ અને અનાથોના દુઃખની વખતે’ તેઓની કાળજી રાખી, અને “જગતથી પોતાને નિષ્કલંક” રાખ્યા. (યાકૂબ ૧:૨૭) અરે, ખ્રિસ્તી મંડળમાં પણ “દુષ્ટ સોબત” વિષે સાવધ રહીને, તેઓ વિશ્વાસુ રહ્યા.—૧ કોરીંથી ૧૫:૩૩; ૨ તીમોથી ૨:૨૦, ૨૧.
૧૪ આજે યહોવાહના સાક્ષીઓના મંડળોમાં ૧૧માં ફકરામાં વર્ણવેલી પરિસ્થિતિ જોવા મળતી નથી. છતાં, આપણે એવા મતભેદોથી ઊભા થતા જોખમોથી સાવધ રહેવું જોઈએ. જોકે, બાઇબલ અહેવાલો કે દેવના વચન પ્રમાણેની નવી દુનિયા વિષે જે માહિતી હજુ મળી નથી, એની વાતો કરવામાં કંઈ ખોટું નથી. તેમ જ, પહેરવેશ અને શણગાર, કે મનોરંજનની પસંદગી વિષે વિચારોની આપ-લે કરવામાં પણ કંઈ ખોટું નથી. છતાં, આપણે પોતાનો જ કક્કો ખરો કરવા માંગીએ અને બીજાઓ સાથે સહમત ન થઈએ, મોઢું ચડાવીએ ત્યારે, મંડળમાં નાની નાની વાતને કારણે ભાગલા પડી શકે. આમ, રાઈનો પહાડ બની જઈ શકે!
વિશ્વાસની સંભાળ રાખવી
૧૫ પ્રેષિત પાઊલે ચેતવણી આપી: “પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, કે પાછલા સમયમાં કેટલાએક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન” આપશે. (૧ તીમોથી ૪:૧) ખરેખર, આવી નુકશાનકારક માહિતી આપણા વિશ્વાસને ધમકીરૂપ છે. એ જ કારણે, પાઊલે પોતાના વહાલા મિત્ર તીમોથીને અરજ કરી: “હે તીમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે, એને કેટલાએક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે.”—૧ તીમોથી ૬:૨૦, ૨૧.
૧૬ આજે આપણે એવી પ્રેમાળ ચેતવણીમાંથી કઈ રીતે લાભ મેળવી શકીએ? તીમોથીને મૂલ્યવાન અનામત સોંપવામાં આવી હતી, જેની તેમણે સંભાળ રાખવાની હતી. એ અનામત શું હતી? પાઊલ સમજાવે છે: “જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનું ખરૂં સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ. જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.” (૨ તીમોથી ૧:૧૩, ૧૪) તીમોથીને મળેલી અનામતમાં “સત્ય વચનો” અને “ભક્તિભાવને અનુસરતા ઉપદેશ” સમાયેલા હતા. (૧ તીમોથી ૬:૩) આ શબ્દો પ્રમાણે, આજે ખ્રિસ્તીઓએ પોતાને સોંપાયેલી અનામત, એટલે કે, વિશ્વાસ અને સત્ય વચનોની સંભાળ રાખવાનું નક્કી કર્યું છે.
૧૭ વિશ્વાસની સંભાળ રાખવામાં નિયમિત બાઇબલ અભ્યાસ અને સતત પ્રાર્થના કરવાનો સમાવેશ થાય છે. એની સાથે “પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦; રૂમી ૧૨:૧૧-૧૭) પાઊલ આગળ સલાહ આપે છે: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર. વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર; એને સારૂ તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઈકરાર કર્યો છે.” (૧ તીમોથી ૬:૧૧, ૧૨) અહીં પાઊલ “સારી લડાઈ લડ” અને “ધારણ કર” એવા શબ્દોનો ઉપયોગ કરે છે. આમ, તે સ્પષ્ટ કરે છે કે, વિશ્વાસને કોરી ખાતી કોઈ પણ બાબતનો આપણે સતત અને દૃઢ નિર્ણયથી વિરોધ કરવો જોઈએ.
ઊંડી સમજણની જરૂર
૧૮ વિશ્વાસની સારી લડાઈ લડવા માટે સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. (નીતિવચન ૨:૧૧; ફિલિપી ૧:૯) દાખલા તરીકે, બધી જ માહિતી પર શક કરવો, કંઈ વાજબી નથી. (ફિલિપી ૪:૫; યાકૂબ ૩:૧૭) મનુષ્યોના દરેક વિચારો કંઈ દેવના શબ્દ, બાઇબલનો વિરોધ કરતા નથી. ઈસુએ પણ જણાવ્યું કે માંદા લોકોએ ડૉક્ટર પાસે જવું જોઈએ. (લુક ૫:૩૧) ઈસુના સમયમાં તબીબી સારવાર આજના જેટલી પ્રગતિ પામી ન હતી છતાં, તેમણે સ્વીકાર્યું કે ડૉક્ટરની મદદ લાભદાયી બની શકે. આજે ખ્રિસ્તીઓ પણ દુન્યવી માહિતી વિષે સમતોલ વલણ રાખે છે, પણ તેઓ પોતાના વિશ્વાસને નુકશાન કરતી દરેક માહિતીથી દૂર રહે છે.
૧૯ કોઈ વ્યક્તિ મન ફાવે તેમ બોલતી હોય ત્યારે, વડીલોએ પણ તેને સમજી વિચારીને મદદ કરવી જોઈએ. (૨ તીમોથી ૨:૭) ઘણી વાર મંડળમાં ભાઈ-બહેનો નાની-નાની વાતમાં ઝગડી શકે. એ સમયે, મંડળની એકતા જાળવવા વડીલોએ એવી મુશ્કેલીઓ ઝડપથી હલ કરવી જોઈએ. પરંતુ, તેઓ કંઈ પોતાના ભાઈઓનો દોષ કાઢતા નથી કે તેઓને ધર્મત્યાગી ગણવા માંડતા નથી.
૨૦ પાઊલે જણાવ્યું કે, કેવા વલણથી તેઓને મદદ કરવી જોઈએ: “ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો.” (ગલાતી ૬:૧) ખાસ કરીને શંકાશીલ સ્વભાવ સામે લડી રહેલા ખ્રિસ્તીઓ વિષે યહુદાએ લખ્યું: “કેટલાએક જેઓ તમારી સાથે વાદવિવાદ કરે છે તેઓને ઠપકો આપો; અને કેટલાએકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો.” (યહુદા ૨૨, ૨૩) જોકે, વારંવાર સલાહ આપ્યા છતાં, કોઈ જૂઠાં શિક્ષણને પકડી રાખે તો, મંડળ શુદ્ધ રાખવા વડીલો જરૂરી પગલાં ભરશે.—૧ તીમોથી ૧:૨૦; તીતસ ૩:૧૦, ૧૧.
સારી વાતો મનમાં રાખવી
૨૧ ખ્રિસ્તી મંડળ સડાની જેમ ફેલાતી નુકશાનકારક વાતોથી દૂર રહે છે. (૨ તીમોથી ૨:૧૬, ૧૭; તીતસ ૩:૯) એ પછી ભલે દુન્યવી માહિતી હોય, ધર્મત્યાગીઓએ ફેલાવેલી ખોટી માન્યતાઓ હોય કે મંડળમાં વિચાર્યા વગર કહેલી કોઈ વાત હોય. નવી નવી માહિતી જાણવી, લાભદાયી બની શકે. પરંતુ, ગમે એ માહિતી જાણવામાં રસ લેવાથી આપણે પોતાને જ હાનિ પહોંચાડી શકીએ. આપણે યહોવાહની ભક્તિ ન કરીએ, એ માટે શેતાન આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તેથી, આપણે કંઈ તેની ચાલથી અજાણ નથી.—૨ કોરીંથી ૨:૧૧.
૨૨ એક વફાદાર સેવક તરીકે, ચાલો આપણે યહોવાહનાં શિક્ષણને વળગી રહીએ. (૧ તીમોથી ૪:૬) આપણે માહિતી મેળવવાની બાબતે પસંદગી કરીને, સમયનો સારો ઉપયોગ કરીએ. આમ, આપણે શેતાનના સડાથી દૂર રહીશું. માટે ચાલો, આપણે “જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર” કરીએ અને એ પ્રમાણે ચાલીએ. આપણાં મન અને હૃદયને આવી માહિતીથી ભરીશું તો, શાંતિના દેવ યહોવાહ આપણી સાથે રહેશે.—ફિલિપી ૪:૮, ૯.
આપણે શું શીખ્યા?
• દુન્યવી માહિતી કઈ રીતે આપણા વિશ્વાસને ધમકીરૂપ બની શકે?
• આપણે ધર્મભ્રષ્ટ માહિતીથી રક્ષણ મેળવવા શું કરી શકીએ?
• મંડળમાં ક્યા પ્રકારની વાતચીત ટાળવી જોઈએ?
• પુષ્કળ માહિતી આપતા આજના જગતમાં ખ્રિસ્તીઓ કઈ રીતે સમતોલન બતાવે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. લોકોને આજે કઈ રીતે સહેલાઈથી માહિતી મળી જાય છે?
૨. આપણને મળતી પુષ્કળ માહિતીનું શું પરિણામ આવી શકે?
૩. દુન્યવી માહિતી વિષે બાઇબલ કઈ ચેતવણી આપે છે?
૪. આપણે કઈ રીતે યહોવાહ અને તેમના શિક્ષણમાં ભરોસો બતાવી શકીએ?
૫. નુકશાનકારક માહિતીનું મૂળ કોણ છે?
૬. મનોરંજનની દુનિયા કઈ રીતે નૈતિક લાગણી મારી નાખી શકે?
૭. કયા પ્રકારનું માનવીય ડહાપણ બાઇબલ પરનો આપણો વિશ્વાસ કોતરી ખાઈ શકે?
૮, ૯. આજે કઈ રીતે ધર્મભ્રષ્ટતા જોવા મળે છે?
૧૦. ધર્મત્યાગીઓના જૂઠા પ્રચાર પ્રત્યે આપણે કેવું વલણ રાખીશું?
૧૧, ૧૨. (ક) પ્રથમ સદીમાં નુકશાનકારક માહિતી ક્યાંથી આવતી હતી? (ખ) કેટલાક ખ્રિસ્તીઓ કઈ રીતે દેવનાં શિક્ષણને વળગી રહેવામાં નિષ્ફળ ગયા?
૧૩. પ્રથમ સદીના મોટા ભાગના વફાદાર ખ્રિસ્તીઓનું વલણ કેવું હતું?
૧૪. કઈ રીતે સામાન્ય વાતચીત મંડળમાં ભાગલા પાડી શકે?
૧૫. “ભૂતોના ઉપદેશ” કઈ રીતે આપણા વિશ્વાસને ધમકીરૂપ છે અને બાઇબલ કઈ ચેતવણી આપે છે?
૧૬, ૧૭. યહોવાહે આપણને કઈ અનામત સોંપી છે, અને આપણે કઈ રીતે એની સંભાળ રાખવી જોઈએ?
૧૮. આપણે દુન્યવી માહિતી પ્રત્યે કઈ રીતે સમતોલ વલણ રાખી શકીએ?
૧૯, ૨૦. (ક) મન ફાવે તેમ બોલનારને મદદ કરતી વખતે વડીલે કેવું વલણ રાખવું જોઈએ? (ખ) જૂઠાં શિક્ષણને વળગી રહેનાર સાથે મંડળ કેવી રીતે વર્તશે?
૨૧, ૨૨. (ક) આપણે શામાં પસંદગી કરનારા બનવું જોઈએ? (ખ) આપણે આપણાં મન અને હૃદયને શાનાથી ભરવાં જોઈએ?
[પાન ૯ પર ચિત્ર]
ઘણાં લોકપ્રિય સામયિકો અને પુસ્તકો આપણી ખ્રિસ્તી માન્યતાની સુમેળમાં હોતા નથી
[પાન ૧૦ પર ચિત્ર]
ખ્રિસ્તીઓ પોતાનો કક્કો ખરો કર્યા વિના વિચારોની આપ-લે કરી શકે