‘તારણની આશા’ જીવંત રાખો!
‘તારણની આશાનો ટોપ પહેરો.’—૧ થેસ્સાલોનીકી ૫:૮.
એક ભાંગી ગયેલા વહાણનો મુસાફર નાની હોડીની મદદથી બચી જવા ફાંફાં મારે છે. તે હિંમત હારતો નથી, કેમ કે તે જાણે છે કે તેને બચાવવા કોઈક આવી રહ્યું છે. તમે પણ ગમે તેવી હાલતમાં હો, પણ કોઈક મદદ કરવા આવે છે, એવી ખબર હોય તો, તમે જલદી હિંમત હારશો નહિ. એ જ રીતે, હજારો વર્ષોથી પરમેશ્વર યહોવાહના વિશ્વાસુ ભક્તોએ તેમની મદદમાં આશા રાખી છે, અને તેઓએ કદી પણ પસ્તાવું પડ્યું નથી. (નિર્ગમન ૧૪:૧૩; ગીતશાસ્ત્ર ૩:૮; રૂમી ૫:૫; ૯:૩૩) પ્રેષિત પાઊલે ‘તારણની આશાને’ આપણી સલામતી માટેના ‘બખ્તરના ટોપ’ સાથે સરખાવી. (૧ થેસ્સાલોનીકી ૫:૮; એફેસી ૬:૧૭.) યહોવાહ દેવ આપણો બચાવ કરશે એની આપણને ખાતરી છે. પછી, ભલેને મુશ્કેલીઓ આવે, વિરોધ થાય, કે લાલચોનો સામનો કરવો પડે, પણ એ આપણને સમજી-વિચારીને નિર્ણય લેવા મદદ કરે છે.
૨ બાઇબલ પરનો એક જાણીતો વિશ્વજ્ઞાનકોષ બતાવે છે કે, પહેલી સદીના ખ્રિસ્તીઓ સિવાયના લોકોને “ભાવિની કોઈ ખાસ આશા ન હતી.” (એફેસી ૨:૧૨; ૧ થેસ્સાલોનીકી ૪:૧૩) જોકે, સાચી ભક્તિમાં ‘તારણની આશા’ મુખ્ય છે. એ કઈ રીતે? સૌથી મહત્ત્વનું તો, યહોવાહ દેવના ભક્તોના ઉદ્ધારમાં યહોવાહના નામનો સવાલ છે. ગીતશાસ્ત્રના એક લેખક આસાફે પ્રાર્થના કરી: “હે અમારા તારણના દેવ, તારા નામના મહિમાને અર્થે અમને સહાય કર; તારા નામની ખાતર અમને છોડાવ.” (ગીતશાસ્ત્ર ૭૯:૯; હઝકીએલ ૨૦:૯) ખરું કે પરમેશ્વર યહોવાહ સાથે સારો સંબંધ હોવો જ જોઈએ, સાથે સાથે તેમના આશીર્વાદોના વચનમાં ભરોસો રાખવો પણ બહુ મહત્ત્વનું છે. પાઊલ કહે છે કે, “વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી; કેમકે દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હેબ્રી ૧૧:૬) પાઊલ આગળ સમજાવે છે તેમ, ઈસુનું પૃથ્વી પર આવવાનું મુખ્ય કારણ એ હતું કે, પસ્તાવો કરનારાઓનો ઉદ્ધાર થાય. તેમણે કહ્યું: “આ સત્ય હકીકત સર્વ લોકો સ્વીકારે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આ જગતમાં આવ્યા.” (૧ તીમોથી ૧:૧૫, IBSI.) પ્રેષિત પીતર તારણને ‘આપણા વિશ્વાસનું ફળ’ કહે છે. (૧ પીતર ૧:૯) હા, આપણે તારણની આશા રાખી શકીએ છીએ. પરંતુ, તારણ એટલે શું? એ મેળવવા આપણે શું કરવાની જરૂર છે?
તારણ અથવા ઉદ્ધાર એટલે શું?
૩ હેબ્રી શાસ્ત્રવચનોમાં “તારણ”નો અર્થ, જુલમ અથવા હિંસા કે પછી મોતના પંજામાંથી બચાવવું કે છોડાવવું થાય છે. દાખલા તરીકે, દાઊદે કહ્યું: “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, . . . મારૂં આશ્રયસ્થાન છે; હે મારા ત્રાતા, તું મને જુલમમાંથી બચાવે છે. યહોવાહ જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.” (૨ શમૂએલ ૨૨:૨-૪) આમ, દાઊદ જાણતા હતા કે યહોવાહ પરમેશ્વર પોતાના વિશ્વાસુ ભક્તોનો પોકાર જરૂર સાંભળે છે.—ગીતશાસ્ત્ર ૩૧:૨૨, ૨૩; ૧૪૫:૧૯.
૪ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા એ અગાઉ પણ યહોવાહના ભક્તો ભાવિની આશા રાખતા હતા. (અયૂબ ૧૪:૧૩-૧૫; યશાયાહ ૨૫:૮; દાનીયેલ ૧૨:૧૩) વળી, હેબ્રી શાસ્ત્રવચનોમાં આપેલાં મોટા ભાગનાં બચાવનાં વચનો ભાવિ વિષે હતાં. એ મહાન ઉદ્ધાર વિષે હતાં, જે હંમેશ માટેના જીવનની આશા આપે છે. (યશાયાહ ૪૯:૬, ૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૭; ૨ કોરીંથી ૬:૨) ઈસુના વખતમાં ઘણા યહુદીઓ કાયમી જીવનની આશા રાખતા હતા, પણ તેઓએ એ આશા સફળ કરનાર, ઈસુનો નકાર કર્યો. ઈસુએ ધર્મગુરુઓને જણાવ્યું: “તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમકે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે શાહેદી આપનાર તે એજ છે.”—યોહાન ૫:૩૯.
૫ પરમેશ્વરે ઉદ્ધારની પૂરેપૂરી સમજણ ઈસુ દ્વારા જ આપી. એમાં પાપની ગુલામીમાંથી, જૂઠા ધર્મોના બંધનમાંથી, શેતાનના જગતમાંથી, માણસના ડરમાંથી, અરે મરણની બીકમાંથી પણ છુટકારાનો સમાવેશ થાય છે. (યોહાન ૧૭:૧૬; રૂમી ૮:૨; કોલોસી ૧:૧૩; પ્રકટીકરણ ૧૮:૨, ૪) પરમેશ્વરના વિશ્વાસુ ભક્તો માટે એનો અર્થ ફક્ત એ જ થતો નથી કે, જુલમ અને દુઃખમાંથી છુટકારો મળશે. પરંતુ, તેઓને હંમેશ માટેના જીવનની તક પણ મળશે. (યોહાન ૬:૪૦; ૧૭:૩) ઈસુએ શીખવ્યું કે “નાની ટોળી” માટે તારણનો અર્થ સ્વર્ગમાં સજીવન થવાનો હતો, જ્યાંથી તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે. (લુક ૧૨:૩૨) બાકીના મનુષ્યો માટે તારણનો અર્થ પૃથ્વી પર સંપૂર્ણ જીવન મેળવવાનો છે. તેમ જ, યહોવાહ દેવ સાથે એવા સંબંધનો આનંદ માણવાનો છે, જે આદમ અને હવા પાપ કર્યા પહેલાં માણતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧; એફેસી ૧:૧૦) આવી સુંદર સુખી પૃથ્વી પર હંમેશ માટે જીવન મળે, એવો યહોવાહ પરમેશ્વરનો મૂળ હેતુ હતો. (ઉત્પત્તિ ૧:૨૮; માર્ક ૧૦:૩૦) જોકે, એ બધુ કઈ રીતે બની શકે?
તારણની કિંમત
૬ હંમેશ માટે તારણ ફક્ત ખ્રિસ્તની ખંડણીથી જ મળી શકે. ખંડણી એટલે કે તારણ માટે ચૂકવેલી કિંમત. શા માટે એમ? બાઇબલ સમજાવે છે કે, આદમે પાપ કર્યું ત્યારે, તેણે પોતાને અને ભાવિ સંતાનોને પાપમાં ‘વેચી’ દીધા, જેમાં આપણે પણ છીએ. આમ, આપણને છોડાવવા માટે કિંમત ચૂકવવી જ પડે. (રૂમી ૫:૧૪, ૧૫; ૭:૧૪) અગાઉના સમયમાં, મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રાણીનાં બલિદાન ચઢાવવામાં આવતાં હતાં. એ બતાવતાં હતાં કે પરમેશ્વર યહોવાહ સર્વ મનુષ્યો માટે કિંમત ચૂકવશે. (હેબ્રી ૧૦:૧-૧૦; ૧ યોહાન ૨:૨) એ અગાઉનાં બલિદાનો ભવિષ્યમાં ઈસુના બલિદાનને ચિત્રિત કરતા હતા. ઈસુના જન્મ પહેલાં, યહોવાહ દેવના દૂતે જાહેર કર્યું: “પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એજ છે.”—માત્થી ૧:૨૧; હેબ્રી ૨:૧૦.
૭ ઈસુનો જન્મ ચમત્કાર હતો, તે કુંવારી મરિયમથી જન્મ્યા હતા. પરમેશ્વરના પુત્ર હોવાથી, તેમને આદમથી આવતા મરણની કોઈ જ અસર થઈ નહિ. એટલું જ નહિ, પણ તે સંપૂર્ણ રીતે દેવની ઇચ્છા પ્રમાણે જીવન જીવ્યા. એનાથી ઈસુ મનુષ્યોને પાપ અને મરણમાંથી છોડાવી શકે એવી કિંમત રજૂ કરી શક્યા. (યોહાન ૮:૩૬; ૧ કોરીંથી ૧૫:૨૨) સર્વ મનુષ્યોની જેમ, ઈસુને પાપને કારણે મરવું પડ્યું નહિ. તેમનો પૃથ્વી પર આવવાનો હેતુ ‘ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાનો’ હતો. (માત્થી ૨૦:૨૮) એમ કર્યા પછી, હવે સજીવન થઈને સ્વર્ગમાં રાજગાદીએ બેઠેલા ઈસુ એવી સત્તા ધરાવે છે કે, યહોવાહ દેવની ઇચ્છા પૂરી કરનારાને તે તારણ આપી શકે.—પ્રકટીકરણ ૧૨:૧૦.
ઉદ્ધાર પામવા શું કરવું જોઈએ?
૮ એક વખત, એક ધનવાન ઈસ્રાએલી શાસકે ઈસુને પૂછ્યું: “અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરૂં?” (માર્ક ૧૦:૧૭) તેના પ્રશ્નમાં એ સમયના યહુદી વિચારો દેખાઈ આવતા હશે કે, યહોવાહ દેવ અમુક સારાં કાર્યો કરવાની માંગ કરે છે. જો તમે એવા સારાં કાર્યો કરો તો, પરમેશ્વર તમારો ઉદ્ધાર કરશે. પરંતુ, એવી ભક્તિમાં તો નર્યો સ્વાર્થ હતો. વળી, એવા સારાં કાર્યો કરવાથી જ ઉદ્ધાર થશે એવી કોઈ ખાતરી ન હતી, કેમ કે કોઈ પણ પાપી માનવ કઈ રીતે દેવની આજ્ઞાઓ પૂરેપૂરી પાળી શકે?
૯ ઈસુએ પેલા યુવાન શાસકના પ્રશ્નનો જવાબ ફક્ત એમ કહીને આપ્યો કે, તે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે. એ યુવાને તરત જ જવાબ આપ્યો કે, પોતે એમ જ કરતો આવ્યો છે. તેનો જવાબ સાંભળીને ઈસુને તેના પર પ્રેમ ઊભરાઈ આવ્યો. ઈસુએ તેને કહ્યું: “તું એક વાત સંબંધી અધૂરો છે; તારૂં જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે; અને આવ, મારી પાછળ ચાલ.” પરંતુ, તે યુવાન ઉદાસ થઈને ચાલ્યો ગયો, “કેમકે તેની સંપત ઘણી હતી.” પછી, ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે, ધન-દોલતનો પ્રેમ ઉદ્ધાર મેળવવામાં આડો આવે છે. તેમણે આગળ કહ્યું કે, કોઈ પણ પોતાની મહેનતથી તારણ મેળવી શકતું નથી. પરંતુ, ઈસુએ તેઓને ખાતરી આપી: “માણસોને તો એ અશક્ય છે, પણ દેવને નથી, કેમકે દેવને સર્વ શક્ય છે.” (માર્ક ૧૦:૧૮-૨૭; લુક ૧૮:૧૮-૨૩) તેથી, કઈ રીતે તારણ મેળવી શકાય?
૧૦ તારણ યહોવાહ દેવની ભેટ છે પણ એ ભેટ મેળવવા દરેકે કંઈક કરવાની જરૂર છે. (રૂમી ૬:૨૩) ઈસુએ કહ્યું: “ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો; હવે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” પ્રેષિત યોહાન આગળ કહે છે: “જેઓ પોતાના ઉદ્ધારને માટે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને અનંતજીવન મળે છે. પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને આધીન થતા નથી તેઓને અનંતજીવન મળશે નહિ.” (યોહાન ૩:૧૬, ૩૬, IBSI.) હંમેશ માટેના જીવનની આશા રાખનાર દરેક પાસેથી પરમેશ્વર વિશ્વાસ અને આજ્ઞાપાલન ચાહે છે. દરેકે તારણ માટેની કિંમત સ્વીકારી અને ઈસુના પગલે ચાલવાનો નિર્ણય કરવાનો છે.
૧૧ જોકે, પાપી હોવાથી આપણને આજ્ઞા પાળવી અઘરી લાગે છે, અને આપણે પૂરેપૂરી રીતે એમ કરી શકતા પણ નથી. તેથી, યહોવાહ દેવે આપણાં પાપ ઢાંકવા તારણની કિંમત ચૂકવી છે. તેથી, આપણે દેવના માર્ગમાં ચાલવા સતત મહેનત કરવી જોઈએ. ઈસુએ યુવાન શાસકને જણાવ્યું તેમ, આપણે દેવની આજ્ઞાઓ પાળવી જ જોઈએ. એમ કરવાથી, ફક્ત પરમેશ્વરની કૃપા જ મળતી નથી, પણ ખૂબ આનંદ મળે છે, કેમ કે ‘તેમની આજ્ઞાઓ ભારે નથી,’ અને ખરું જોતા એ આપણા લાભમાં જ છે. (૧ યોહાન ૫:૩; નીતિવચન ૩:૧, ૮) છતાં, તારણની આશાને વળગી રહેવું કંઈ સહેલું નથી.
વિશ્વાસ માટે લડત લડો
૧૨ શિષ્ય યહુદા એ સમયના ખ્રિસ્તી ભાઈઓને “તારણ” વિષે લખવા ચાહતા હતા. પરંતુ, સંજોગોને ધ્યાનમાં લેતા, ભાઈઓને વિશ્વાસ માટે લડત લડવા સલાહ આપવાની તેમને જરૂર જણાઈ. ખરેખર, તારણ મેળવવા તમે વિશ્વાસુ રહો, અને બધું બરાબર હોય ત્યારે જ સારાં કર્મો કરો એ જ પૂરતું નથી. યહોવાહ દેવ માટે હંમેશા એવો પ્રેમ હોવો જોઈએ કે જેથી લાલચો અને અનૈતિક અસરોનો સામનો કરવા મદદ મળે. તોપણ, પ્રથમ સદીનાં મંડળોમાં જાતીય લંપટતા, સત્તાનો વિરોધ, ભેદભાવ, શંકા-કુશંકા જેવી સમસ્યાઓના કારણે ખળભળાટ મચી ગયો હતો. એવાં વલણો સામે લડત લડવા યહુદા ખ્રિસ્તી ભાઈઓને તેઓના ધ્યેય પર ચિત્ત લગાડવાની અરજ કરે છે: “વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો.” (યહુદા ૩, ૪, ૮, ૧૯-૨૧) તારણ પામવાની આશાએ તેઓને હિંમત આપી, જેથી તેઓ શુદ્ધ રહેવાની લડતમાં સફળ થાય.
૧૩ યહોવાહ દેવ ફક્ત તેઓને જ તારણ આપશે, જેઓ તેમના કહેવા પ્રમાણે જીવતા હોય. (૧ કોરીંથી ૬:૯, ૧૦) જોકે, યહોવાહ દેવના શુદ્ધ માર્ગને વળગી રહેવાનો અર્થ એમ નથી કે, આપણે બીજાઓની ટીકા કરીએ. આપણે બીજા કોઈનો ન્યાય કરવાની જરૂર નથી, એ તો યહોવાહ દેવનું કામ છે. પાઊલે એથેન્સના લોકોને જણાવ્યું: “તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈનસાફ કરશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧; યોહાન ૫:૨૨) ઈસુએ આપણા તારણ માટે ચૂકવેલી કિંમતમાં વિશ્વાસ રાખીને જીવતા હોઈએ તો, આપણે ન્યાયના દિવસથી ગભરાવાની કોઈ જરૂર નથી. (હેબ્રી ૧૦:૩૮, ૩૯) મહત્ત્વની બાબત તો એ છે કે, આપણે કદી પણ ખરાબ વિચારો અને વર્તનથી લલચાઈને “ઈશ્વરની મહાન કૃપાને નિરર્થક થવા દઈએ નહિ.” (૨ કોરીંથી ૬:૧, IBSI.) વળી, બીજાઓને પણ તારણ મેળવવા મદદ કરીને, આપણે પરમેશ્વરની મહાન કૃપાની કદર કરીએ છીએ. આપણે કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?
તારણની આશા બીજાઓને જણાવવી
૧૪ પ્રબોધક યોએલના શબ્દોનો ઉપયોગ કરીને, પાઊલે લખ્યું કે, “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?” થોડી કલમો પછી, પાઊલ જણાવે છે કે, વિશ્વાસ કંઈ આપોઆપ થઈ જતો નથી, પણ “ખ્રિસ્તના વચન દ્વારા” સંદેશો સાંભળવાથી થાય છે.—રૂમી ૧૦:૧૩, ૧૪, ૧૭; યોએલ ૨:૩૨.
૧૫ “ખ્રિસ્તના વચન” વિષે લોકોને કોણ જણાવશે? ઈસુએ પોતાના શિષ્યોને આ કામ સોંપ્યું છે, જેઓ એ “વચન” શીખ્યા છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; યોહાન ૧૭:૨૦) આપણે પ્રચાર કરીએ અને શિષ્યો બનાવીએ ત્યારે, આપણે પ્રેષિત પાઊલના શબ્દો પ્રમાણે કરીએ છીએ. આ વખતે, તેમણે યશાયાહના શબ્દો ટાંક્યા: “વધામણીની સુવાર્તા સંભળાવનારાઓનાં પગલાં કેવાં સુંદર છે!” ભલે મોટા ભાગના લોકો સુવાર્તા ન સ્વીકારે, છતાં યહોવાહની નજરમાં આપણાં પગલાં “સુંદર” છે.—રૂમી ૧૦:૧૫; યશાયાહ ૫૨:૭.
૧૬ પ્રચારકાર્યથી બે મહત્ત્વના હેતુ પૂરા થાય છે. પહેલો હેતુ, પ્રચારકાર્યથી પરમેશ્વરનું નામ મહાન મનાય છે, અને તારણ મેળવવા ચાહનારાઓને જાણ થાય છે કે તેઓએ કોની ભક્તિ કરવી જોઈએ. પાઊલ એ સારી રીતે સમજી શક્યા, માટે તેમણે સમજાવ્યું: “અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે, કે ‘મેં તને વિદેશીઓને સારૂ પ્રકાશ તરીકે ઠરાવ્યો છે, કે તું પૃથ્વીના છેડા સુધી તારણસાધક થાય.’” તેથી, ખ્રિસ્તના શિષ્ય તરીકે, આપણે દરેકે લોકોને તારણના સમાચાર જણાવવા જ જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૭; યશાયાહ ૪૯:૬.
૧૭ બીજો હેતુ, સુવાર્તા પ્રચાર કરવાથી યહોવાહ દેવ ઇન્સાફ લઈ આવે એનો પાયો નંખાય છે. આવનાર ન્યાયદંડ વિષે ઈસુએ કહ્યું: “જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.” જો કે આ ન્યાય ‘માણસનો દીકરો પોતાના મહિમામાં આવે’ ત્યારે થશે. છતાં, પ્રચારકાર્ય લોકોને હમણાં તક આપે છે કે, તેઓ ખ્રિસ્તના આત્મિક ભાઈઓને ઓળખે, અને તેઓને સાથ આપે. આમ, લોકો પોતાનું કાયમી ભલું કરી તારણ મેળવી શકશે.—માત્થી ૨૫:૩૧-૪૬.
તમારી આશા જીવંત રાખો
૧૮ પ્રચારકાર્યમાં જેટલો વધારે ભાગ લઈએ, એટલી જ આપણી આશા વધારે જીવંત બનશે. પાઊલે લખ્યું: “અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે.” (હેબ્રી ૬:૧૧) તેથી, ચાલો આપણે દરેક “તારણની આશાનો ટોપ” પહેરીએ. તેમ જ, આપણે યાદ રાખીએ કે, “દેવે આપણને કોપને સારૂ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારૂ નિર્માણ કર્યા છે.” (૧ થેસ્સાલોનીકી ૫:૮, ૯) આપણે પીતરની સલાહને પણ ભૂલવી જોઈએ નહિ: “એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.” (૧ પીતર ૧:૧૩) આ રીતે કરનારા જરૂર પોતાની ‘તારણની આશા’ પૂરી થતી જોશે!
૧૯ એ દરમિયાન આ જગતના બાકી રહેલા સમયમાં આપણે શું કરવું જોઈએ? આપણે આ સમયનો ઉપયોગ કઈ રીતે કરીએ, જેથી પોતાનો અને બીજાનો ઉદ્ધાર થાય? હવે પછીના લેખમાં આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
તમે સમજાવી શકો?
• આપણે શા માટે ‘તારણની આશા’ જીવંત રાખવી જોઈએ?
• તારણમાં શાનો સમાવેશ થાય છે?
• તારણની ભેટ માટે આપણે કઈ રીતે લાયક બની શકીએ?
• દેવના હેતુ પ્રમાણે, આપણું પ્રચારકાર્ય શું સિદ્ધ કરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. ‘તારણની આશા’ કઈ રીતે ટકી રહેવા મદદ કરે છે?
૨. કઈ રીતે સાચી ભક્તિમાં ‘તારણની આશા’ મુખ્ય છે?
૩. પહેલાના વખતમાં યહોવાહના ભક્તો બચાવ માટે કોના પર ભરોસો રાખતા હતા?
૪. ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા એ અગાઉ યહોવાહના ભક્તો ભાવિની કઈ આશા રાખતા હતા?
૫. તારણનો મૂળ અર્થ શું થાય છે?
૬, ૭. આપણને તારણ મળે એ માટે ઈસુએ શું કર્યું?
૮, ૯. (ક) તારણ વિષે ધનવાન યુવાનના પ્રશ્નનો ઈસુએ કઈ રીતે જવાબ આપ્યો? (ખ) એ પ્રસંગથી ઈસુએ પોતાના શિષ્યોને શું શીખવ્યું?
૧૦. આપણે તારણ મેળવવું હોય તો, શું કરવાની જરૂર છે?
૧૧. આપણે પાપી હોવા છતાં, કઈ રીતે યહોવાહની કૃપા મેળવી શકીએ?
૧૨. તારણની આશા કઈ રીતે શુદ્ધ રહેવા હિંમત આપે છે?
૧૩. આપણે દેવની મહાન કૃપાની કદર કઈ રીતે કરવી જોઈએ?
૧૪, ૧૫. તારણની સુવાર્તા જણાવવાનું કાર્ય ઈસુએ કોને સોંપ્યું છે?
૧૬, ૧૭. પ્રચારકાર્યથી કયા બે હેતુ પૂરા થઈ રહ્યા છે?
૧૮. કઈ રીતે આપણે ‘તારણની આશા’ જીવંત રાખી શકીએ?
૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
[પાન ૧૦ પર ચિત્રો]
તારણનો અર્થ ફ્કત વિનાશમાંથી બચી જવું નથી.