શા માટે સત્તાને માન આપવું જ જોઈએ?
આપણને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી પોલીસની છે. તેઓ ગુનેગારોને પકડીને સલામત જગત બનાવી શકે છે. વળી, સમાજના રક્ષણ માટે અદાલત પાસે સત્તા છે, જેથી તે ગુનેગારોને સજા કરી શકે. શું એ સર્વ માટે આપણે આભારી નથી?
બીજી તરફ સરકાર રસ્તાઓનું સમારકામ, સ્વચ્છતા અને સ્કૂલો જેવી અન્ય મદદરૂપ સગવડો પણ પૂરી પાડે છે. એ માટે સરકાર કરવેરો લે છે. સાચા ખ્રિસ્તીઓ આ સરકારી વ્યવસ્થાને આદર આપવા તત્પર હોય છે. પરંતુ કઈ હદ સુધી તેઓને માન આપવું જોઈએ? તેમ જ જીવનના કયાં પાસાંમાં સત્તાને માન આપવું જોઈએ?
સમાજમાં સત્તા
બાઇબલ સર્વ લોકોને સમાજના ભલા માટે દરેક સત્તાને આદર આપવા ઉત્તેજન આપે છે. પ્રેષિત પાઊલે રૂમી ૧૩:૧-૭માં રોમમાંના પોતાના ખ્રિસ્તી ભાઈઓને જે લખ્યું હતું એના પર વિચાર કરવો ખૂબ જ મદદરૂપ થશે.
એ સમયે રોમ જગત સત્તા હતી અને પ્રેષિત પાઊલ રોમના નાગરિક હતા. પાઊલે ખ્રિસ્તીઓને લગભગ ૫૬ સી.ઈ.માં પત્ર લખીને સારા નાગરિકો બનવાની આ સલાહ આપી: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમકે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે.”
અહીં પાઊલ જણાવે છે કે પરમેશ્વર તરફથી તેઓને અધિકાર મળ્યો હોવાને કારણે તેઓ પાસે સત્તા છે. એ અર્થમાં ઉચ્ચત્તર સત્તાઓ પરમેશ્વરના હેતુના સુમેળમાં છે. એથી “અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરૂદ્ધ થાય છે.”
નાગરિકો સારું કરે છે ત્યારે ઉચ્ચત્તર સત્તાઓ તરફથી તેઓના વખાણ કરવામાં આવે છે. વળી, અપરાધીને શિક્ષા કરવા તેઓ પાસે સત્તા પણ છે. ખોટું કરનારાઓએ સત્તાથી બીવું જોઈએ, કેમ કે સરકારો ‘દેવના કારભારી’ તરીકે કામ કરે છે, તેથી તેઓને ‘બદલો લેવાનો’ હક્ક છે.
પાઊલે આમ કહીને સમાપ્ત કર્યું: “તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ. વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમકે તેઓ દેવના સેવક છે ને તે જ કામમાં લાગુ રહે છે.”
કરવેરાનો કઈ રીતે ઉપયોગ કરવો એ સર્વ જવાબદારી ઉચ્ચતર સત્તાની છે આપણી નહિ. પ્રમાણિક નાગરિક તરીકે, એક ખ્રિસ્તી સારું અંતઃકરણ રાખે છે. તે જાણે છે કે ઉચ્ચત્તર સત્તાઓને આધીન રહીને કર ભરવાથી સમાજનું ભલું થાય છે, અને આમ કરવાથી તે યહોવાહ પરમેશ્વરનાં ધોરણોના સુમેળમાં જીવે છે.
કુટુંબ અને સત્તા
કુટુંબમાં સત્તા વિષે શું? ઘણી વાર નાનું બાળક રડીને અથવા ચીસો પાડીને બીજાનું ધ્યાન દોરે છે. એ સમયે મા-બાપ તેને માટે ભાગદોડ કરતા નથી, પરંતુ તેઓ પારખી શકે છે કે તેને ખરેખર શું જોઈએ છે. વળી, કેટલાક મા-બાપ બાળકો મોટા થાય છે તેમ તેઓને એટલી છૂટછાટ આપે છે કે તેઓ મન ફાવે એમ કરે છે. તેઓ બિનઅનુભવી હોવાથી ખોટા માર્ગે ચડી જાય છે અને કુટુંબ તથા આખા સમાજને ખલેલ પહોંચાડે છે, જેના વિષે મોટા ભાગની સ્થાનિક સત્તાઓ સારી રીતે વાકેફ છે.
ચિલ્ડ્રન વી ડિઝર્વની લેખિકા, રોઝલીન માઈલ્સ કહે છે, “માબાપ પોતાના બાળકોને બહુ મોડેથી શિસ્ત આપે છે.” “બાળકને જન્મથી જ શિસ્ત આપવી જોઈએ.” જો માબાપ શરૂઆતથી જ પ્રેમથી વાત કરશે અને એક જ ધોરણ રાખશે તો, બાળકો જલદીથી તેઓનું માર્ગદર્શન સ્વીકારશે અને કુટુંબમાં પ્રેમ વધશે.
બાઇબલમાં કૌટુંબિક સત્તા વિષે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. નીતિવચનના પુસ્તકમાં, સુલેમાન રાજા દેવનો ભય રાખતા માબાપની એકતા વિષે બાળકોનું ધ્યાન દોરતા આમ કહે છે: “મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચન ૧:૮) માબાપ બાળકો સાથે વાજબી રીતે વર્તે છે ત્યારે કુટુંબમાં એકતા વધે છે, અને તેઓને ખબર પડે છે કે પોતાને શું કરવું જોઈએ. ઘણી વાર તેઓ પોતાની મરજી પ્રમાણે કરવા કદાચ માબાપને એકબીજાની વિરુદ્ધ કરશે, પરંતુ માબાપની એકતાથી યુવાનો સલામતી અનુભવે છે.
બાઇબલ અનુસાર ફક્ત બાળકોને જ નહિ પરંતુ પોતાની પત્નીને પણ પરમેશ્વર વિષે શિખવવાની જવાબદારી પતિની છે. બાઇબલમાં એને શિરપણું કહેવામાં આવે છે. આ શિરપણાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? પાઊલે ભાર મૂક્યો કે જેમ મંડળીનું શિર ખ્રિસ્ત છે, તેમ પત્નીનું શિર પુરુષ છે. પછી પાઊલ કહે છે: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફેસી ૫:૨૫) પતિ ઈસુના ઉદાહરણને અનુસરે છે અને પ્રેમાળ રીતે શિરપણું બતાવે છે ત્યારે, તે પોતાની પત્ની પાસેથી ઊંડું માન મેળવશે. (એફેસી ૫:૩૩) આવા કુટુંબમાં બાળકો પણ પરમેશ્વર યહોવાહે આપેલી સત્તાને જોઈ શકશે અને એ સ્વીકારવા તેઓને ઉત્તેજન મળશે.—એફેસી ૬:૧-૩.
એકલવાયા મા/બાપ કઈ રીતે પોતાની જવાબદારી ઉપાડી શકે? યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે મા-બાપને આપેલી સત્તા તરફ બાળકોનું ધ્યાન દોરવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત હંમેશા પરમેશ્વર યહોવાહની સત્તાનો અને પ્રેરિત શાસ્ત્રવચનોનો ઉપયોગ કરતા હતા.—માત્થી ૪:૧-૧૦; ૭:૨૯; યોહાન ૫:૧૯, ૩૦; ૮:૨૮.
આજે બાળકો જે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે એનો સામનો કરવા બાઇબલમાં અનેક મૂલ્યવાન સિદ્ધાંતો મળી આવે છે. એ સિદ્ધાંતો લાગુ પાડવાથી માબાપો બાળકોને પ્રેમાળ રીતે મદદરૂપ સલાહ આપી શકશે. (ઉત્પત્તિ ૬:૨૨; નીતિવચન ૧૩:૨૦; માત્થી ૬:૩૩; ૧ કોરીંથી ૧૫:૩૩; ફિલિપી ૪:૮, ૯) તેમ જ માબાપ બાળકોને શીખવવા માટે બાઇબલ આધારિત માહિતીનો ઉપયોગ કરે તો બાળકો શાસ્ત્રીય સત્તાને આદર આપતાં શીખી શકે.a
ખ્રિસ્તી મંડળમાં સત્તા
“આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” (માત્થી ૧૭:૫) આ શબ્દો યહોવાહ પોતે બોલ્યા હતા, એ બતાવે છે કે ઈસુ તેમની સત્તાથી શીખવતા હતા. તેમણે જે કહ્યું એ બાઇબલના પુસ્તક માત્થી, માર્ક, લુક અને યોહાનમાં મળી આવે છે જેનો આપણે સહેલાઈથી ઉપયોગ કરી શકીએ.
ઈસુ આકાશમાં ચડી ગયા એ પહેલાં તેમણે પોતાના શિષ્યોને જણાવ્યું: “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.” (માત્થી ૨૮:૧૮) ઈસુ મંડળીના શિર હોવાથી અભિષિક્ત જનોનો ફક્ત પોતાના પગલે ચાલનાર અનુયાયી તરીકે જ નહિ, પરંતુ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ પવિત્ર આત્મા રેડ્યા પછી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરીકે સત્ય પૂરું પાડવા પણ ઉપયોગ કરી રહ્યા છે. (માત્થી ૨૪:૪૫-૪૭; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૩૬) તે ખ્રિસ્તી મંડળને કઈ રીતે દૃઢ કરી રહ્યા છે? “ઊંચાણમાં ચઢીને . . . તેણે માણસોને દાન આપ્યાં.” (એફેસી ૪:૮) “માણસોને દાન” ખ્રિસ્તી વડીલોને લાગુ પડે છે, જેઓને પવિત્ર આત્માથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓને ખ્રિસ્તી ભાઈઓની કાળજી રાખવાની જવાબદારી આપવામાં આવી છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.
એ કારણથી પાઊલ સલાહ આપે છે: “જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો; અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.” આ ભાઈઓ ઈસુના પગલે ચાલતા હોવાથી આપણે તેઓના વિશ્વાસનું અનુકરણ કરીએ એ કેટલું ડહાપણભર્યું છે. પછી પાઊલ કહે છે: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમકે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમકે એથી તમને ગેરલાભ થાય.”—હેબ્રી ૧૩:૭, ૧૭.
આવા માર્ગદર્શનનો અનાદર કરવામાં આવે તો શું થઈ શકે? શરૂઆતના ખ્રિસ્તી મંડળના અમુક સભ્યોએ એમ જ કર્યું હોવાથી તેઓ ધર્મત્યાગી બન્યા હતા. જેમ કે હુમનાયસ અને ફીલેતસને કેટલાકનો વિશ્વાસ ઉથલાવી નાખનાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ખાલી બકબકાટ કરીને તેઓ પવિત્ર જનોનો વિરોધ કરી રહ્યા હતા. તેઓનું એવું માનવું હતું કે, સાંકેતિક રીતે તેઓ મરણમાંથી ઊઠી ગયા છે. તેથી, હવે દેવના રાજ્ય હેઠળ ભાવિમાં કોઈને મરણમાંથી સજીવન કરવામાં આવશે નહિ.—૨ તીમોથી ૨:૧૬-૧૮.
તેથી, નીમેલા ભાઈઓએ એ સમસ્યાનો ઉકેલ લાવવો પડ્યો. ખ્રિસ્તી વડીલો ઈસુના શિષ્યો હોવાથી, તેઓ શાસ્ત્રની સત્તાનો ઉપયોગ કરીને એ બાબત થાળે પાડી શકયા. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) ખ્રિસ્તી મંડળમાં પણ આજે એમ જ છે, વડીલો “સત્યનો સ્તંભ તથા પાયો” તરીકે ઓળખાય છે. (૧ તીમોથી ૩:૧૫) આ મંડળોમાં બાઇબલમાં આપવામાં આવેલાં ‘સત્ય વચનોને’ તોડી પાડતા ખોટા શિક્ષણને કદી પણ પરવાનગી આપવામાં આવતી નથી.—૨ તીમોથી ૧:૧૩, ૧૪.
સત્તાને માન આપવામાં આવતું નથી એવા જગતમાં, ખ્રિસ્તીઓ જાણે છે કે સમાજમાં, કુટુંબમાં અને ખ્રિસ્તી મંડળમાં જવાબદાર વ્યક્તિઓને યોગ્ય માન આપવું જ જોઈએ કારણ કે એ આપણા લાભ માટે છે. સત્તાને આદર બતાવવો આપણી ધાર્મિકતા અને તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. પરમેશ્વરે આપેલી આ સત્તાઓને માન આપીશું તો, યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની મહાન સત્તાથી આપણને હંમેશ માટે રક્ષણ મળશે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫; હેબ્રી ૧૨:૯.
[ફુટનોટ]
a પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે અને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકો જુઓ. બંને વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત છે.
[પાન ૫ પર બ્લર્બ]
બાઇબલમાં કૌટુંબિક સત્તા વિષે પુષ્કળ માહિતી આપવામાં આવી છે
[પાન ૬ પર ચિત્ર]
એકલવાયા મા/બાપે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તની સત્તા તરફ બાળકોનું ધ્યાન દોરવું જોઈએ
[પાન ૭ પર ચિત્રો]
ખ્રિસ્તીઓ જાણે છે કે સમાજમાં, કુટુંબમાં અને ખ્રિસ્તી મંડળમાં જવાબદાર વ્યક્તિઓને યોગ્ય માન આપવું જોઈએ કારણ કે એ આપણા લાભ માટે છે
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Photo by Josh Mathes, Collection of the Supreme Court of the United States