પૃથ્વીની નવી સરકાર!
“એક રાજ્ય . . . આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.
પરમેશ્વર આપણી સાથે બાઇબલ દ્વારા વાતચીત કરે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “તમે જ્યારે અમારી પાસેથી . . . દેવનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું.” (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) બાઇબલ આપણને પરમેશ્વરના ગુણ, હેતુ અને તે આપણી પાસેથી જે ચાહે છે, એ સર્વ જણાવે છે. એમાં કુટુંબ વિષે, આપણી વાણી અને વર્તન વિષે પણ સૌથી સારી સલાહ મળે છે. એમાં ભાખેલા ઘણાં વચનો પૂરાં થયાં છે, ઘણાં હમણાં પૂરાં થાય છે, અને હજુ ઘણાં ભાવિમાં પૂરાં થશે. ખરેખર, “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.”—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
૨ બાઇબલનો મુખ્ય વિષય છે: પરમેશ્વરના સ્વર્ગીય રાજ્ય દ્વારા તેમની સર્વોપરિતા (રાજ કરવાનો અધિકાર) દોષમુક્ત કરવી. ઈસુએ પણ એ જ મુખ્ય વિષય બનાવ્યો, ‘ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, કે પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’ (માત્થી ૪:૧૭) એને આપણા જીવનમાં ક્યાં મૂકવું જોઈએ, એ વિષે તેમણે અરજ કરી: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.” (માત્થી ૬:૩૩) તેમણે શિષ્યોને એ માટે પરમેશ્વરને પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.
પૃથ્વીની નવી સરકાર
૩ આપણા માટે પરમેશ્વરની સરકાર કેમ આટલી મહત્ત્વની છે? એનું મુખ્ય કારણ એ છે કે, એ જલદી જ આ પૃથ્વી પર હંમેશ માટે મોટા ફેરફારો લાવશે. દાનીયેલ ૨:૪૪ ભાખે છે: “તે રાજાઓની [હમણાં પૃથ્વી પર રાજ કરતી સરકારોની] કારકિર્દીમાં આકાશનો દેવ [સ્વર્ગમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને [પૃથ્વીની સરકારોને] ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” આમ, પરમેશ્વરની સ્વર્ગીય સરકાર રાજ કરશે, પછી કદી પણ મનુષ્યો પૃથ્વી પર રાજ કરશે નહિ. અસ્થિર અને ભલું ન કરનારી મનુષ્યોની સરકારો હંમેશ માટે જતી રહેશે.
૪ પરમેશ્વર યહોવાહના માર્ગદર્શન હેઠળ, આ સ્વર્ગીય રાજ્યના રાજા તરીકે ઈસુ ખ્રિસ્ત એકદમ યોગ્ય છે. પૃથ્વી પર આવ્યા અગાઉ, તે યહોવાહ પરમેશ્વર સાથે “કુશળ કારીગર” તરીકે હતા. (નીતિવચન ૮:૨૨-૩૧) “તે અદૃશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે; કેમકે તેનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે.” (કોલોસી ૧:૧૫, ૧૬) પરમેશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા ત્યારે પણ, તેમણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જ કર્યું. તેમણે ખૂબ જ આકરી કસોટીઓ સહન કરી, અને પરમેશ્વરને વિશ્વાસુ રહીને મરણ પામ્યા.—યોહાન ૪:૩૪; ૧૫:૧૦.
૫ ઈસુ પરમેશ્વરને વિશ્વાસુ રહ્યા, એનું તેમને ઇનામ મળ્યું. પરમેશ્વરે તેમને સ્વર્ગમાં સજીવન કર્યા, અને પોતાના સ્વર્ગીય રાજ્યના રાજા બનાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૬) જલદી જ રાજા ઈસુ ખ્રિસ્તને યહોવાહ મોટી જવાબદારી સોંપશે. એમાં તેમણે અસંખ્ય દૂતોની આગેવાની લઈને, પૃથ્વી પરથી માનવ સરકારો અને સર્વ દુષ્ટતા દૂર કરવાની હશે. (નીતિવચન ૨:૨૧, ૨૨; ૨ થેસ્સાલોનીકી ૧:૬-૯; પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧; ૨૦:૧-૩) પછી, પરમેશ્વરની સ્વર્ગીય સરકાર, નવી સરકાર બનશે, જેના રાજા ખ્રિસ્ત હશે જે આખી પૃથ્વી પર રાજ કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૫.
૬ બાઇબલ પૃથ્વીના નવા રાજા વિષે કહે છે: “તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય.” (દાનીયેલ ૭:૧૪) પરમેશ્વરના પ્રેમને પગલે ચાલતા હોવાથી, ઈસુના રાજમાં પુષ્કળ સુખ-શાંતિ હશે. (માત્થી ૫:૫; યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૭-૧૦) “ઈન્સાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી . . . સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.” (યશાયાહ ૯:૭) પ્રેમ, ઈન્સાફ અને ન્યાયીપણાથી રાજ કરનાર રાજા હોય, એ કેવો આશીર્વાદ હશે! તેથી, ૨ પીતર ૩:૧૩ ભાખે છે: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ [પરમેશ્વરની સ્વર્ગીય સરકાર] તથા નવી પૃથ્વી [પૃથ્વી પરનો નવો સમાજ] જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”
૭ નમ્ર હૃદયના લોકો માટે પરમેશ્વરનું રાજ્ય સૌથી સારા સમાચાર છે. તેથી, આપણે જીવીએ છીએ એ દુષ્ટ જગતના ‘છેલ્લા સમયની’ નિશાની વિષે ઈસુએ ભાખ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (૨ તીમોથી ૩:૧-૫; માત્થી ૨૪:૧૪) એ ભવિષ્યવાણી હમણાં પૂરી થઈ રહી છે. લગભગ ૬૦ લાખ યહોવાહના સાક્ષીઓ ૨૩૪ દેશોમાં લોકોને પરમેશ્વરના રાજ્ય વિષે જણાવવા દર વર્ષે અબજો કલાકો આપે છે. યોગ્ય રીતે જ, લગભગ ૯૦,૦૦૦ મંડળો જ્યાં ભક્તિ માટે ભેગા મળે છે, એ જગ્યાને રાજ્યગૃહો કહેવામાં આવે છે. એમાં ભેગા મળીને લોકો આવનાર નવી સરકાર વિષે શીખે છે.
સાથી શાસકો
૮ પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યમાં ઈસુ ખ્રિસ્ત સાથે સહશાસકો પણ હશે. પ્રકટીકરણ ૧૪:૧-૪ ભાખે છે કે, ૧,૪૪,૦૦૦ લોકોને ‘પૃથ્વી પરથી ખરીદીને’ સ્વર્ગમાં સજીવન કરવામાં આવશે. એ એવા સ્ત્રી-પુરુષો છે, જેઓ લોકો પાસેથી સેવા માંગતા નથી. પરંતુ, પોતે નમ્રતાથી પરમેશ્વર યહોવાહ અને મનુષ્યોની સેવા કરે છે. “તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટીકરણ ૨૦:૬) તેઓની સંખ્યા આ દુષ્ટ જગતમાંથી બચી જનાર મોટા ટોળાથી ખૂબ ઓછી છે. એ મોટું ટોળું “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” છે. તેઓ પણ પરમેશ્વરની “રાતદહાડો” સેવા કરે છે, પણ તેઓને સ્વર્ગની આશા નથી. (પ્રકટીકરણ ૭:૯, ૧૫) તેઓ પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યની પ્રજા છે, જેઓ નવી પૃથ્વીનો મુખ્ય ભાગ બનશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; યોહાન ૧૦:૧૬.
૯ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા, યહોવાહે એવા વિશ્વાસુ મનુષ્યોને પસંદ કર્યા છે, જેઓએ જીવનમાં સર્વ પ્રકારની મુશ્કેલીઓ સહી છે. મોટા ભાગે એવું કંઈ જ નથી, જેનો આ રાજાઓ અને યાજકોએ અનુભવ કર્યો ન હોય. તેથી, તેઓનું પૃથ્વી પરનું જીવન મનુષ્યો પર રાજ કરવા તેઓને ખૂબ મદદ કરશે. ઈસુએ પોતે ‘જે જે સંકટો સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.’ (હેબ્રી ૫:૮) પ્રેષિત પાઊલે તેમના વિષે કહ્યું: “આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહિ એવો નહિ, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખયાજક છે.” (હેબ્રી ૪:૧૫) પરમેશ્વરની ન્યાયી નવી દુનિયામાં પ્રેમાળ, સમજી શકે એવા રાજાઓ અને યાજકો હશે, એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!
શું આ રાજ્ય પરમેશ્વરના હેતુમાં પહેલેથી હતું?
૧૦ પરમેશ્વરે આદમ અને હવાને બનાવ્યા ત્યારે, શું તેમના હેતુમાં સ્વર્ગનું આ રાજ્ય હતું? ઉત્પત્તિના અહેવાલમાં, મનુષ્યો પર રાજ્ય રાજ કરશે વિષે જાણવા મળતું નથી. યહોવાહ પોતે તેઓના રાજા હતા, અને તેઓ આધીન રહે ત્યાં સુધી બીજા કોઈ શાસકની જરૂર ન હતી. ઉત્પત્તિનો પહેલો અધ્યાય બતાવે છે કે યહોવાહે પોતાના પ્રથમ દીકરા દ્વારા, આદમ અને હવા સાથે વ્યવહાર રાખ્યો. એમાં આપણે આમ વાંચીએ છીએ કે, “દેવે તેઓને કહ્યું” અને “દેવે કહ્યું.”—ઉત્પત્તિ ૧:૨૮, ૨૯; યોહાન ૧:૧.
૧૧ બાઇબલ કહે છે કે, “દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૩૧) એદન બાગમાંની સર્વ વસ્તુઓ એકદમ સંપૂર્ણ હતી. આદમ અને હવા બગીચા જેવી સુંદર જગ્યામાં રહેતા હતા. તેઓના મન અને શરીર સંપૂર્ણ હતાં. તેઓ પોતાના ઉત્પન્નકર્તા સાથે વાતચીત કરી શકતા હતા. તેઓ વિશ્વાસુ રહીને સંપૂર્ણ બાળકોને જન્મ આપી શકતા હતા. આમ, નવી સ્વર્ગીય સરકારની કોઈ જરૂર ન હતી.
૧૨ પરંતુ માનવ કુટુંબોમાં વધારો થતા પરમેશ્વર કેવી રીતે બધા સાથે વાતચીત કરી શક્યા હોત? આકાશના તારાઓનો વિચાર કરો. વિશ્વમાં તારાઓના જૂથને તારામંડળ કહે છે. અમુક તારામંડળમાં કરોડો તારાઓ હોય છે, અરે, અમુકમાં તો અબજો તારા હોય છે. વૈજ્ઞાનિકોના અનુમાન પ્રમાણે દૃશ્ય વિશ્વમાં અબજો તારામંડળો છે! છતાં, ઉત્પન્નકર્તા કહે છે: “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.”—યશાયાહ ૪૦:૨૬.
૧૩ પરમેશ્વર વિશ્વના તારામંડળોને જાણતા હોય તો, એની સરખામણીમાં ખૂબ જ ઓછા મનુષ્યોને ઓળખવામાં તેમને કોઈ જ મુશ્કેલી પડી ન હોત. હમણાં પણ, તેમના લાખો સેવકો દરરોજ પ્રાર્થના કરે છે. એ બધી પ્રાર્થના તરત જ પરમેશ્વર પાસે પહોંચે છે. તેથી, બધા સંપૂર્ણ મનુષ્યો સાથે વાતચીત કરવામાં તેમને કોઈ વાંધો આવ્યો ન હોત. એ માટે તેમને સ્વર્ગના રાજ્યની પણ જરૂર પડી ન હોત. જરા વિચારો: યહોવાહ પરમેશ્વર શાસક હોય, તેમની પાસે કોઈ મુશ્કેલી વિના સીધા પહોંચી શકાય, અને મરણ પામ્યા વિના, હંમેશ માટે બગીચા જેવી પૃથ્વી પર જીવવાની એ કેવી સરસ ગોઠવણ હતી!
‘એ મનુષ્યનું કામ નથી’
૧૪ જોકે સંપૂર્ણ મનુષ્યને પણ હમેશાં યહોવાહના શાસનની જરૂર પડી હોત. કેમ કે યહોવાહે તેઓને પોતાના શાસનથી સ્વતંત્ર રહેવા ઉત્પન્ન કર્યા ન હતા. એ જ મનુષ્ય માટેનો તેમનો નિયમ છે જેને ઈશ્વરભક્ત યિર્મેયાહે પણ સ્વીકાર્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી. હે યહોવાહ, કેવળ ન્યાયની રૂએ મને શિક્ષા કર.” (યિર્મેયાહ ૧૦:૨૩, ૨૪) તેથી, યહોવાહ પરમેશ્વરની મદદ વગર મનુષ્યો સફળ થઈ શકે, એમ વિચારવું જ મૂર્ખતાભર્યું છે. તેઓને એ રીતે બનાવ્યા જ ન હતા. યહોવાહથી સ્વતંત્ર રીતે રાજ કરવાનું પરિણામ સ્વાર્થ, ધિક્કાર, નિર્દયતા, હિંસા, યુદ્ધ અને મરણમાં જ પરિણમ્યું હોત, જે આજે આપણે જોઈએ છીએ. એક ‘માણસે બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવી હોત.’—સભાશિક્ષક ૮:૯.
૧૫ દુઃખદપણે આપણા પ્રથમ માબાપે પરમેશ્વરથી સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. તેઓએ પરમેશ્વરની વિરુદ્ધ જઈને તેમના શાસનને નકાર્યું. પરિણામે, તેઓ સંપૂર્ણ રહ્યા નહિ. તેમના શાસનનો નકાર કરીને, તેઓ વીજળીથી ચાલતા એવા સાધન જેવા થઈ ગયા જેને વિજળી પ્રવાહ મળતો બંધ થઈ જાય છે. પછી વીજળી વગર સાધન ધીમું પડીને બંધ થઈ જાય છે તેમ, પરમેશ્વરથી દૂર જવાથી સમય જતા તેઓ પણ મરણ પામ્યા. તેઓ ખામીવાળાં બીબાં જેવા બન્યા, અને એ ખામી તેઓના જન્મેલા બાળકોને પણ વારસામાં મળી. (રૂમી ૫:૧૨) “તે [યહોવાહ] તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. . . . તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેનાં છોકરાં રહ્યા નથી, એ તેઓની એબ છે.” (પુનર્નિયમ ૩૨:૪, ૫) ખરું કે આદમ અને હવાને બંડખોર શેતાને ખોટા માર્ગે ચડાવ્યા. પરંતુ, તેઓ પાસે સંપૂર્ણ મન હતું, એટલે તેઓ તેના ખોટાં સૂચનો નકારી શક્યા હોત.—ઉત્પત્તિ ૩:૧-૧૯; યાકૂબ ૪:૭.
૧૬ પરમેશ્વરથી સ્વતંત્ર થવાનું પરિણામ ઇતિહાસ સારી રીતે બતાવે છે. હજારો વર્ષોથી, લોકોએ દરેક પ્રકારની સરકારો અને રીતો અજમાવી જોઈ છે. તોપણ, દિવસે દિવસે દુષ્ટતા વધતી જ જાય છે. (૨ તીમોથી ૩:૧૩) વીસમી સદીએ એ પુરવાર કર્યું છે. એ સદી અતિશય ધિક્કાર, હિંસા, યુદ્ધ, ભૂખમરો, ગરીબી અને બીજા દુઃખોથી ભરેલી હતી. વળી, મેડિકલ દુનિયામાં ગમે તેટલી પ્રગતિ થઈ હોય, છતાં દરેક વ્યક્તિ મરે છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦) મનુષ્યોએ સ્વતંત્ર બનીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. હવે તેઓ શેતાન અને તેના ભૂતોની જાળમાં ફસાયા છે. તેથી, બાઇબલ શેતાનને આ ‘જગતનો દેવ’ કહે છે.—૨ કોરીંથી ૪:૪.
સ્વતંત્ર ઇચ્છાની ભેટ
૧૭ શા માટે યહોવાહ મનુષ્યોને મન ફાવે એમ કરવા દે છે? કેમ કે, તેમણે માણસને સ્વતંત્ર ઇચ્છા, પસંદગી કરવાની ભેટ આપી છે. પ્રેષિત પાઊલે કહ્યું કે, “જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.” (૨ કોરીંથી ૩:૧૭) કોઈને પણ એવું ન ગમે કે ડગલે ને પગલે કોઈ બીજું તેમના માટે પસંદગી કરે. પરંતુ યહોવાહ પરમેશ્વર ચાહતા હતા કે મનુષ્યો એ સ્વતંત્ર ઇચ્છાની ભેટનો સમજદારીથી ઉપયોગ કરે. તેઓ તેમની ઇચ્છા પ્રમાણે કરે અને તેમને આધીન રહે. (ગલાતી ૫:૧૩) આમ, તેઓને પૂરેપૂરી સ્વતંત્રતા ન હતી, જેનાથી ધાંધલ-ધમાલ થઈ જાય. પરંતુ એ સ્વતંત્રતા પરમેશ્વરે બનાવેલા લાભદાયી નિયમોની મર્યાદામાં હતી.
૧૮ મનુષ્યોને કુટુંબને પોતાનો માર્ગ પસંદ કરવા દઈને, પરમેશ્વરે સાબિત કરી આપ્યું કે આપણને તેમના શાસનની જરૂર છે. તેમનું શાસન અને તેમની સર્વોપરિતા એ જ એક માત્ર ખરો માર્ગ છે. એનાથી આનંદ, સુખ-શાંતિ અને સફળતા મળે છે. યહોવાહ પરમેશ્વરે આપણને એ રીતે જ બનાવ્યા છે કે, તેમના નિયમો પ્રમાણે જીવવાથી સુખી થઈએ. “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) પરમેશ્વરના નિયમોની મર્યાદામાં રહીને પસંદગી કરવી બોજરૂપ ન હતું, પણ એનાથી જુદાં જુદાં સ્વાદિષ્ટ ભોજન, સુંદર ઘર, કળા અને સંગીતનો આનંદ જેવું ખરું સુખ મળવાનું હતું. એ સ્વતંત્ર ઇચ્છાનો યોગ્ય ઉપયોગ થયો હોત તો, મનુષ્યોને એ સુંદર બગીચા જેવી પૃથ્વી પર જીવવાનો મહાન આશીર્વાદ મળવાનો હતો.
૧૯ પરંતુ, ખોટી પસંદગીને કારણે મનુષ્યો પોતે પરમેશ્વરની વિરુદ્ધ જઈને અપૂર્ણ બન્યા. તેઓની હાલત બગડી ગઈ અને છેવટે મરણ પામવા લાગ્યા. તેથી, તેઓને એમાંથી છુટકારાની જરૂર પડી જેથી તેઓ પરમેશ્વર સાથે તેમના બાળકો તરીકે લાયક બને. એ માટે પરમેશ્વરે પોતાનું રાજ્ય અને મનુષ્યને પાછા ખરીદનાર તરીકે ઈસુ ખ્રિસ્તની ગોઠવણ કરી. (યોહાન ૩:૧૬) ઉડાઉ દીકરાના ઈસુના દૃષ્ટાંતની જેમ, એ ગોઠવણથી ખરો પસ્તાવો કરનારાઓ પરમેશ્વર સાથે સારો સંબંધ બાંધી શકે છે અને યહોવાહ તેઓને પોતાના બાળકો તરીકે સ્વીકારશે.—લુક ૧૫:૧૧-૨૪; રૂમી ૮:૨૧; ૨ કોરીંથી ૬:૧૮.
૨૦ યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થશે, એમાં કોઈ જ શંકા નથી. (યશાયાહ ૧૪:૨૪, ૨૭; ૫૫:૧૧) ઈસુ ખ્રિસ્તના રાજ્ય દ્વારા પરમેશ્વર આપણા સર્વોપરી તરીકે પોતાનો હક્ક પૂરેપૂરી રીતે દોષમુક્ત (સાબિત) કરશે. ઈસુનું એ રાજ્ય પૃથ્વી પરથી માનવ અને શેતાનના શાસનનો અંત લાવશે અને ફક્ત એ જ સ્વર્ગમાંથી હજાર વર્ષ સુધી શાસન કરશે. (રૂમી ૧૬:૨૦; પ્રકટીકરણ ૨૦:૧-૬) પરંતુ એ કઈ રીતે બતાવશે કે, શાસન કરવાની યહોવાહની રીત સૌથી સારી છે? હજાર વર્ષ પછી, ઈસુના રાજ્યનું શું થશે? હવે પછીનો લેખ એ પ્રશ્નોની ચર્ચા કરશે.
ફરીથી યાદ કરો
• બાઇબલનો વિષય શું છે?
• પૃથ્વીનું નવું શાસન કોનું છે?
• શા માટે પરમેશ્વરથી સ્વતંત્ર રહીને મનુષ્યો કદી સફળ થશે નહિ?
• સ્વતંત્ર ઇચ્છાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આપણે બાઇબલમાં કેવો ભરોસો રાખી શકીએ?
૨. ઈસુએ કઈ રીતે બાઇબલના મુખ્ય વિષય પર ભાર મૂક્યો?
૩. પરમેશ્વરનું રાજ્ય આપણા માટે કેમ મહત્ત્વનું છે?
૪, ૫. (ક) શા માટે ઈસુ રાજા તરીકે એકદમ યોગ્ય છે? (ખ) જલદી જ ઈસુને કઈ જવાબદારી સોંપવામાં આવશે?
૬. નવા રાજાનું રાજ કેવું હશે?
૭. માત્થી ૨૪:૧૪ આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?
૮, ૯. (ક) ઈસુ સાથે રાજ કરનારા ક્યાંથી પસંદ થયા છે? (ખ) રાજા અને તેમના સાથી શાસકો વિષે આપણે કેવી ખાતરી રાખી શકીએ?
૧૦. શા માટે સ્વર્ગનું રાજ્ય યહોવાહના મૂળ હેતુનો ભાગ ન હતું?
૧૧. મનુષ્યને કેવી શરૂઆત મળી હતી?
૧૨, ૧૩. સંપૂર્ણ મનુષ્યોની વધતી સંખ્યા સાથે પરમેશ્વરને વાતચીત કરવામાં કેમ કોઈ મુશ્કેલી પડી ન હોત?
૧૪. શા માટે મનુષ્યને હમેશાં પરમેશ્વરના શાસનની જરૂર રહેશે?
૧૫. આપણા પ્રથમ માબાપે કરેલી ખોટી પસંદગીથી શું બન્યું?
૧૬. પરમેશ્વરથી સ્વતંત્ર થવાનું પરિણામ શું આવ્યું છે?
૧૭. પરમેશ્વરે આપેલી સ્વતંત્ર ઇચ્છાની ભેટનો કેવી રીતે ઉપયોગ કરવાનો હતો?
૧૮. પરમેશ્વરે મનુષ્યોને સ્વતંત્ર ઇચ્છા આપીને શું સાબિત કર્યું?
૧૯. પરમેશ્વરે કઈ ગોઠવણ કરી છે, જેનાથી મનુષ્યો તેમની સાથે સારો સંબંધ બાંધી શકે?
૨૦. રાજ્ય દ્વારા કઈ રીતે પરમેશ્વરનો હેતુ પૂરો થશે?
[પાન ૧૦ પર ચિત્ર]
ઈસુએ પોતાના શિક્ષણમાં સ્વર્ગીય રાજ્ય દ્વારા પરમેશ્વરના શાસન પર ભાર મૂક્યો
[પાન ૧૨ પર ચિત્રો]
યહોવાહના લોકો આ રાજ્ય વિષે દરેક દેશમાં શીખવે છે
[પાન ૧૪ પર ચિત્રો]
ઇતિહાસ બતાવે છે કે પરમેશ્વરથી સ્વતંત્ર થવાના શું પરિણામો આવે છે
[ક્રેડીટ લાઈન્સ]
WWI soldiers: U.S. National Archives photo; concentration camp: Oświęcim Museum; child: UN PHOTO 186156/J. Isaac