વાચકો તરફથી પ્રશ્નો
તબીબી સારવાર સમયે પોતાના જ લોહીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે, યહોવાહના સાક્ષીઓ બાઇબલની આજ્ઞાને કઈ રીતે ધ્યાનમાં રાખે છે?
પોતાનો વ્યક્તિગત અભિપ્રાય કે ડૉકટરોની ભલામણને આધારે નિર્ણય કરવાને બદલે દરેક ખ્રિસ્તીએ બાઇબલ શું કહે છે એનો ગંભીરપણે વિચાર કરવો જ જોઈએ. કેમ કે એ યહોવાહ પરમેશ્વર અને વ્યક્તિ વચ્ચેની બાબત છે.
આપણા ઉત્પન્નકર્તા યહોવાહે નિયમ આપ્યો કે લોહી લેવું જોઈએ નહિ. (ઉત્પત્તિ ૯:૩, ૪) પ્રાચીન ઈસ્રાએલના નિયમોમાં પરમેશ્વરે લોહીનો મર્યાદિત ઉપયોગ કરવાનું કહ્યું કારણ કે એમાં જીવન સમાયેલું છે. તેમણે કહ્યું: “શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર બળિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે.” માણસ ખોરાક માટે પ્રાણીને મારી નાખે તો શું? પરમેશ્વરે કહ્યું: “તેણે તેનું રક્ત પાડીને તેને ધૂળથી ઢાંકી દેવું.”a (લેવીય ૧૭:૧૧, ૧૩) યહોવાહ પરમેશ્વરે આ આજ્ઞા વારંવાર દોહરાવી. (પુનર્નિયમ ૧૨:૧૬, ૨૪; ૧૫:૨૩) યહુદી સીનો ચુમૉશ નોંધે છે: “લોહીનો સંગ્રહ કરવો જોઈએ નહિ પરંતુ એને જમીન પર ઢોળી દેવું જોઈએ.” કોઈ પણ ઈસ્રાએલી માટે બીજા પ્રાણીના લોહીનો સંગ્રહ કરવો કે એનો ઉપયોગ કરવો યોગ્ય ન હતું.
મસીહ મરણ પામ્યા ત્યારે મુસાના નિયમનો અંત આવ્યો. તોપણ, પરમેશ્વરની દૃષ્ટિએ લોહીની પવિત્રતા હજુ પણ એવી જ છે. પરમેશ્વરના પવિત્ર આત્માથી પ્રેરાઈને પ્રેષિતોએ ખ્રિસ્તીઓને ‘લોહીથી દૂર રહેવાનું’ કહ્યું. એ આજ્ઞાને હળવી ગણી લેવી જોઈએ નહિ. એનું પણ જાતીય અનૈતિકતા અને મૂર્તિપૂજાથી દૂર રહેવા જેટલું જ મહત્વ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૨૧:૨૫) વીસમી સદીથી લોહી લેવું કે એનું દાન કરવું એકદમ સામાન્ય થઈ ગયું છે. તોપણ યહોવાહના સાક્ષીઓ સમજ્યા છે કે લોહી લેવું દેવના નિયમની વિરુદ્ધ છે.b
અમુક સમયે, ડૉક્ટર સર્જરી (પીએડી) કરવાના અમુક સપ્તાહ પહેલા દરદીને પોતાનું લોહી આપવાની વિનંતી કરે છે, જેથી જરૂર પડે ત્યારે તેને એ લોહી પાછું આપી શકાય. તોપણ, આ રીતે પોતાનું લોહી આપવું, એનો સંગ્રહ કરવો તથા એને પાછું લેવું એ લેવીય અને પુનર્નિયમમાં આપવામાં આવેલા નિયમની વિરુદ્ધ છે. લોહી સંગ્રહ કરવા માટે નથી; પરંતુ એને જમીન પર ઢોળી દેવું જોઈએ અર્થાત્ પરમેશ્વરને પાછું આપી દેવું. ખરું કે આજે મુસાના નિયમો નથી તોપણ, યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરે આપેલા નિયમોનો આદર કરે છે અને તેઓએ ‘લોહીથી દૂર રહેવાનો’ નિર્ણય કર્યો છે. તેથી આપણે લોહીનું દાન કરવું જોઈએ નહિ, તેમ જ ફરીથી પાછું લેવા આપણા લોહીનો સંગ્રહ પણ કરવો જોઈએ નહિ, એને ‘ઢોળી દેવું’ જોઈએ. કેમ કે એ પરમેશ્વરના નિયમની વિરુદ્ધ છે.
પરંતુ સારવાર અને ચકાસણી માટે વ્યક્તિનું લોહી લેવામાં આવે એ પરમેશ્વરના નિયમની વિરુદ્ધ નથી. દાખલા તરીકે, ઘણા ખ્રિસ્તીઓ ચકાસણી માટે પોતાનું થોડું લોહી લેવાની પરવાનગી આપે છે, એ પછી નમૂનાના લોહીને ઢોળી દેવામાં આવે છે. બીજી કેટલીક જટિલ સારવાર માટે પણ વ્યક્તિને પોતાનું લોહી આપવાની ભલામણ કરવામાં આવે છે.
દાખલા તરીકે, ઑપરેશનની કેટલીક પ્રક્રિયામાં શરીરમાંથી અમુક લોહી કાઢી લેવામાં આવે છે જેને હેમોડાઈલ્યુશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં દરદીમાં રહેલા લોહીને પાતળું કરવામાં આવે છે. પછી, દરદીને તેનું પોતાનું લોહી પાછું આપવામાં આવે છે, જેથી તેનું લોહીનું પ્રમાણ ઊંચું આવે. એ જ પ્રમાણે, ઘામાંથી નીકળતું લોહી ભેગું કરી શુદ્ધ કરવામાં આવે છે, જેથી એના લાલ રક્તકણો દરદીને પાછા આપવામાં આવી શકે; આ રીતને સેલ સેલ્વેજ, એટલે કે લોહી બચાવવાની રીત કહેવામાં આવે છે. બીજી રીતોમાં, એવા મશીનોમાં લોહી ભેગું કરવામાં આવે છે, જે કામચલાઉ તરીકે શરીરના અંગો (દાખલા તરીકે, હૃદય, ફેફસાં, અથવા મૂત્રપિંડો) જેવું કામ કરે છે. પછી, એ લોહી દરદીને પાછું આપવામાં આવે છે. બીજી એક રીતમાં લોહીને જુદું પાડવા સેન્ટ્રિફ્યુજ મશીનમાંથી પસાર કરવામાં આવે છે, જેથી એમાંના ખરાબ ભાગો કાઢી નાખવામાં આવે. અથવા તો લોહીના અમુક ભાગ જુદા પાડવામાં આવે જે શરીરના બીજા ભાગને આપી શકાય. લોહીના એવા બીજા ટેસ્ટ પણ હોય છે કે જેમાં લોહી લઈને એમાં દવા ઉમેરવામાં આવે છે, પછી એ દરદીને પાછું આપવામાં આવે છે.
વિગતો જુદી જુદી હોય શકે અને ભવિષ્યમાં નવી સારવાર, પ્રક્રિયા અને ચકાસણીમાં ચોક્કસ વિકાસ થશે. પરંતુ એ તફાવતોને બારીકાઈથી તપાસીને નિર્ણય કરવાનું કામ આપણું નથી. એક ખ્રિસ્તીએ સર્જરી, તબીબી ચકાસણી અને ઉપચાર કરતી વખતે પોતે નિર્ણય કરવાની જરૂર છે કે પોતાના લોહીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે. તેણે ડૉક્ટર અને નિષ્ણાત પાસેથી જાણવાની જરૂર છે કે આગળ જતા સારવાર દરમિયાન પોતાના લોહીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે. પછી તેણે પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય કરવો જોઈએ. (બૉક્સ જુઓ.)
ખ્રિસ્તીઓએ યાદ રાખવું જોઈએ કે તેમણે પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યું છે. તેમણે પરમેશ્વરને ‘પૂરા હૃદયથી, જીવથી, સામર્થ્યથી અને મનથી પ્રેમ’ કરવો જોઈએ. (લુક ૧૦:૨૭) દુનિયાના લોકોથી ભિન્ન યહોવાહના સાક્ષીઓ પરમેશ્વર સાથેના પોતાના ગાઢ સંબંધનો આનંદ માણે છે. ઉત્પન્નકર્તા આપણ દરેકને ઈસુના લોહીમાં વિશ્વાસ કરવાની વિનંતી કરે છે. તે કહે છે: “એના [ઈસુ ખ્રિસ્તના] લોહીદ્વારા, તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.”—એફેસી ૧:૭.
[ફુટનોટ્સ]
a પ્રાધ્યાપક ફ્રેન્ક એચ. ગોરમન લખે છે: “લોહીને જમીન પર ઢોળી દેવું એ ડહાપણભર્યું છે કારણ કે એ પ્રાણીના જીવન પ્રત્યે આદર બતાવે છે અને જીવનની કાળજી રાખનાર પરમેશ્વર પ્રત્યે પણ આદર બતાવે છે.”
b લોહી લેવું કે એનું દાન કરવું શા માટે યોગ્ય નથી એ વિષે જુલાઈ ૧, ૧૯૫૧નું ચોકીબુરજ (અંગ્રેજી) જવાબ આપે છે.
[પાન ૩૧ પર બોક્સ/ચિત્રો]
પોતાને પૂછો
મારા શરીરમાંથી લોહી કાઢવામાં આવે અને એને વહેતું અટકાવવામાં આવે તો, શું મારું અંતઃકરણ એ લોહીને મારા શરીરના ભાગ તરીકે જોશે કે એને જમીનમાં ઢોળી દેશે?
સારવાર કે પ્રક્રિયા દરમિયાન મારા શરીરમાંથી થોડું લોહી કાઢીને એને શુદ્ધ કરીને પાછું મારા શરીરમાં નાખવામાં આવે તો બાઇબલ આધારિત મારું અંતઃકરણ શું મને એમ કરવાની પરવાનગી આપશે?