વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧૧/૧૫ પાન ૨૪-૨૭
  • પ્રથમ યુગલ પાસેથી બોધપાઠ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રથમ યુગલ પાસેથી બોધપાઠ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • “તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં”
  • “દેવના સ્વરૂપ પ્રમાણે”
  • હવા પાપમાં પડી
  • આદમે પોતાની પત્નીનું સાંભળ્યું
  • પાપના પરિણામો
  • આપણા માટે બોધપાઠ
  • આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • શરૂઆતમાં જીવન કેવું હતું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • ઈશ્વરે પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી બનાવ્યાં
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧૧/૧૫ પાન ૨૪-૨૭

પ્રથમ યુગલ પાસેથી બોધપાઠ

પરમેશ્વરે માનવ વસવાટ માટે પૃથ્વી બનાવી. તેમણે જોયું કે પોતે બનાવેલી દરેક વસ્તુઓ સારી હતી. વાસ્તવમાં, સર્વ ઉત્પત્તિ બાદ તેમણે જણાવ્યું કે એ “ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૧૨, ૧૮, ૨૧, ૨૫, ૩૧) પરમેશ્વરે બનાવેલી દરેક વસ્તુઓ સંપૂર્ણ હતી. તેમ છતાં, આખરી નિષ્કર્ષ પર આવતા પહેલા, પરમેશ્વરે કંઈક બાબત જણાવી જે ‘સારી નહોતી.’ કેમ કે તેમનું ઉત્પત્તિ કાર્ય હજુ પૂરું થયું ન હતું. આથી યહોવાહે કહ્યું: “માણસ એકલો રહે તે સારૂં નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.”—ઉત્પત્તિ ૨:૧૮.

માનવીઓ બગીચા જેવી પૃથ્વી પર તંદુરસ્તી, સુખ અને સમૃદ્ધિમાં હંમેશ માટે જીવે એવો યહોવાહનો હેતુ હતો. આદમ સર્વ માણસજાતનો પિતા હતો. અને તેની પત્ની હવા “સર્વ સજીવની મા” બની. (ઉત્પત્તિ ૩:૨૦) પૃથ્વી હવે તેમના સંતાનોથી ભરપૂર થઈ હોવા છતાં, આજે માનવો કંઈ સંપૂર્ણ નથી.

આદમ અને હવાના અહેવાલથી તો બધા લોકો પરિચિત છે. પરંતુ એનાથી આપણને કયા વ્યવહારુ લાભ મળે છે? પ્રથમ માનવ યુગલના અનુભવો પરથી આપણે કયા બોધપાઠ શીખી શકીએ?

“તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં”

આદમ પ્રાણીઓને નામ આપી રહ્યો હતો ત્યારે, તેણે જોયું કે દરેક પ્રાણીઓને સાથી હતા પરંતુ પોતાને કોઈ સાથી નહોતું. એથી જ્યારે યહોવાહે તેની પાંસળીમાંથી એક સુંદર સ્ત્રી બનાવી ત્યારે તે ખૂબ જ ખુશ થયો. તે સ્ત્રી પોતાની અર્ધાંગીની હોવાથી, આદમે આશ્ચર્યથી જણાવ્યું: “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમકે તે નરમાંથી લીધેલી છે.”—ઉત્પત્તિ ૨:૧૮-૨૩.

માણસને “એક સહાયકારી”ની જરૂર હતી. હવે તેની પાસે એક યોગ્ય એવી સહાયકારી હતી. હવા તેમના બગીચા જેવા ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવા, બાળકોને જન્મ આપવા અને યોગ્ય બાબતો માટે પ્રેરણા પૂરી પાડવા તથા સાચા સાથી તરીકે ટેકો આપવા માટે પૂરેપૂરી રીતે આદમની પૂરક હતી.—ઉત્પત્તિ ૧:૨૬-૩૦.

એક યુગલને જે કંઈ બાબતોની જરૂર હોય છે એ સર્વ યહોવાહે પૂરું પાડ્યું હતું. પરમેશ્વરે આદમ અને હવાનું લગ્‍ન કરાવી આપ્યું, અને લગ્‍ન તથા કુટુંબની સ્થાપના કરી જેનાથી સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે. ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” યહોવાહે તેમને સફળ થવા અને વધવાનું જણાવ્યું ત્યારે, તે ઇચ્છતા હતા કે કુટુંબ દરેક બાળકની સંભાળ રાખે, પિતા અને માતા તેમની કાળજી લે.—ઉત્પત્તિ ૧:૨૮; ૨:૨૪.

“દેવના સ્વરૂપ પ્રમાણે”

આદમ પરમેશ્વરનો સંપૂર્ણ પુત્ર હતો, જેને તેમના “સ્વરૂપ તથા પ્રતિમા” પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. પરંતુ “દેવ આત્મા છે” એથી તેમને કંઈ આપણા જેવું શરીર નથી. (ઉત્પત્તિ ૧:૨૬; યોહાન ૪:૨૪) તેથી પ્રતિમા એ ગુણોને બતાવે છે જે માણસને પશુઓ કરતાં ઉચ્ચ બનાવે છે. હા, શરૂઆતથી જ માણસમાં પ્રેમ, ડહાપણ, શક્તિ અને ન્યાય જેવા ગુણો મૂકવામાં આવ્યા છે. તેઓ સ્વતંત્ર હતા અને આત્મિકતા માટેની ક્ષમતા સાથે ઉત્પન્‍ન કરવામાં આવ્યા હતા. આથી, અંતઃકરણને કારણે, તેઓ ખરા ખોટાંનો ભેદ પારખી શકતા હતા. માણસ બુદ્ધિશાળી છે. આથી તે પોતાના અસ્તિત્વ માટેના કારણ પર મનન કરવા, સર્જનહાર વિષેનું જ્ઞાન મેળવીને તેમની સાથે ગાઢ સંબંધ વિકસાવી શકતો હતો. આમ પરમેશ્વરે બનાવેલી પૃથ્વી પરની સર્વ વસ્તુઓ પર અમલ ચલાવવા માટે આદમ પાસે જરૂરી બધું જ હતું.

હવા પાપમાં પડી

નિઃશંક, યહોવાહે મના કરેલી બાબત વિષે, આદમે તરત જ હવાને જણાવ્યું હશે: તેઓ પોતાના બગીચા જેવા ઘરમાંના સર્વ વૃક્ષોમાંથી ફળ ખાઈ શકતા હતા પરંતુ ભલુંભૂંડું જાણવાના વૃક્ષમાંથી તેઓએ ફળ ખાવાનું નહોતું. તેઓ જે દિવસે એને ખાય એ દિવસે તેઓ મરવાના હતા.—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭.

પરંતુ થોડા જ સમયમાં મના કરેલા ફળ વિષે વિવાદ ઊભો થયો. એક અદૃશ્ય આત્માએ સર્પનો ઉપયોગ કરીને હવા સાથે વાત કરી. એકદમ નિર્દોષ હોવાનો ઢોંગ કરીને સર્પે પૂછ્યું: “શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” હવાએ જવાબ આપ્યો કે વાડીના એક વૃક્ષ સિવાય દરેક વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે. પછી સર્પે જણાવ્યું કે પરમેશ્વર તો ખોટું બોલે છે: “તમે નહિજ મરશો; કેમકે દેવ જાણે છે કે તમે ખાશો તેજ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” સ્ત્રીએ મના કરેલા વૃક્ષને અવલોકવાનું શરૂ કર્યું. “તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારૂં, ને જોવામાં સુંદર” હતું. હવા છેતરાઈ ગઈ અને પરમેશ્વરના નિયમને તોડ્યો.—ઉત્પત્તિ ૩:૧-૬; ૧ તીમોથી ૨:૧૪.

શું હવાનું પાપ ટાળી શકાય એવું હતું? બિલકુલ નહિ! તમે પોતાને તેને સ્થાને મૂકી જુઓ. સર્પે મૂકેલો આરોપ, પરમેશ્વર અને આદમે કહેલી બાબત કરતાં એકદમ વિપરીત હતો. તમે જેને ચાહતા હોવ અને વિશ્વાસ મૂકતા હોવ તેમના પર એક અજાણી વ્યક્તિ અપ્રમાણિકપણે આરોપ મૂકે તો તમને કેવું લાગશે? હવાએ ઘૃણા અને ગુસ્સો બતાવીને, સાંભળવાનો પણ નકાર કરીને ભિન્‍ન રીતે પ્રત્યાઘાત પાડવો જોઈતો હતો. છેવટે, પરમેશ્વરના ન્યાયીપણા અને તેના પતિના શબ્દ પર પ્રશ્ન ઊભો કરનાર સર્પ કોણ હતો? શિરપણાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, હવાએ કોઈ પણ નિર્ણય લેવા માટે સલાહ લેવાની જરૂર હતી. તેથી પરમેશ્વરે આપેલી માહિતીની વિરુદ્ધમાં કંઈ પણ કહેવામાં આવે તો આપણે પણ સલાહ મેળવવાની જરૂર છે. પરંતુ, હવાએ લલચામણીભર્યા શબ્દો પર વિશ્વાસ મૂક્યો અને ભલુંભૂંડું શું છે એનો નિર્ણય પોતે કરવાની ઇચ્છા રાખી. તેણે એના પર જેટલું વધારે મન પરોવ્યું એટલું જ તેને એ આકર્ષક લાગવા માંડ્યું. ખોટી ઇચ્છાઓને પોતાના મનમાંથી કાઢી નાખવા અથવા પોતાના કુટુંબના શિર સાથે એની ચર્ચા કરવાને બદલે એને મનમાં ભરી રાખીને તેણે કેવી ભૂલ કરી!—૧ કોરીંથી ૧૧:૩; યાકૂબ ૧:૧૪, ૧૫.

આદમે પોતાની પત્નીનું સાંભળ્યું

હવાએ આદમને પણ પોતાના પાપનો ભાગીદાર બનાવ્યો. પરંતુ શા માટે આદમ તેના પાપમાં સહભાગી થયો? (ઉત્પત્તિ ૩:૬, ૧૭) આદમે વફાદારીના પડકારનો સામનો કર્યો. શું તે પોતાના સર્જનહારને આધીન રહ્યો જેમણે તેને તેની વહાલી પત્ની સમેત બધું જ આપ્યું હતું? શું આદમે પરમેશ્વરનું માર્ગદર્શન લીધું કે આવી પરિસ્થિતિમાં પોતે શું કરવું જોઈએ કે પછી તે પોતાની પત્નીની વાતમાં આવી ગયો? આદમ સારી રીતે જાણતો હતો કે મના કરેલું ફળ ખાવાથી હવા શું મેળવવાની આશા રાખતી હતી. પ્રેષિત પાઊલે લખ્યું: “આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી.” (૧ તીમોથી ૨:૧૪) એથી આદમે જાણીજોઈને યહોવાહનો અનાદર કરવાનું પસંદ કર્યું. તેને પરમેશ્વરની બાબતો હલ કરવાની ક્ષમતા પર વિશ્વાસ કરવા કરતાં પોતાની પત્નીથી અલગ થવાનો ભય વધારે હતો.

આદમનું કૃત્ય આત્મઘાતક હતું. વધુમાં સર્વ સંતાનોના મરણ માટે તે જવાબદાર બન્યો. કઈ રીતે? તેના પાપના કારણે સર્વ સંતાનો જન્મથી જ પાપી બન્યા હોવાથી તેઓ પર પણ મરણની સજા આવી. (રૂમી ૫:૧૨) સ્વાર્થી બનીને આજ્ઞા નહિ પાળવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી!

પાપના પરિણામો

પાપ કર્યા પછી, પરમેશ્વર સાથે વાત કરવાના બદલે તેઓને દોષિતપણાની લાગણી થવા લાગી અને તેઓ શરમના લીધે તેમની સામે પણ જઈ શક્યા નહિ. એ પાપની ત્વરિત અસર હતી. (ઉત્પત્તિ ૩:૮) પરમેશ્વર સાથેની તેઓની મિત્રતા ધૂળધાણી થઈ ગઈ હતી. તેઓને ખબર હતી કે પોતે પરમેશ્વરનો નિયમ તોડ્યો છે છતાં, તેઓએ જે કર્યું હતું એ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કોઈ પસ્તાવો ન બતાવ્યો. મના કરેલું ફળ ખાઈને, તેઓએ યહોવાહની કૃપાનો અસ્વીકાર કર્યો.

પરિણામે, પરમેશ્વરે જણાવ્યું કે હવા દુઃખે બાળક જણશે. તેનો પતિ તેના પર ધણીપણું કરશે. તેઓએ સ્વતંત્ર થવાનો પ્રયાસ કર્યો પણ એનું એકદમ વિપરીત પરિણામ આવ્યું. આદમે હવે દુઃખથી ભૂમિના ફળ ખાવાના હતા. એદનમાં તે મહેનત કર્યા વગર ભરપેટ ભોજન કરી શકતો હતો, પરંતુ હવે તેણે પોતે મરણ પામે ત્યાં સુધી તનતોડ મહેનત કરવાની હતી.—ઉત્પત્તિ ૩:૧૬-૧૯.

છેવટે, આદમ અને હવાને એદન વાડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. યહોવાહે કહ્યું: “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂંડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે . . .” “વાક્ય અધૂરું છોડવામાં આવ્યું છે,” તજજ્ઞ ગોર્ડન વેનહામ નોંધે છે, પરમેશ્વરનું વાક્ય પૂરું કરવા માટે એ આપણા પર છોડવામાં આવ્યું છે. એ આ રીતે પૂરું થઈ શકે, “એ પહેલા ચાલ હું તેઓને વાડીમાંથી બહાર હાંકી કાઢું.” સામાન્ય રીતે, બાઇબલ લેખકે પરમેશ્વરના પૂરા કથનો નોંધ્યા છે. પરંતુ અહીં વેનહામ કહેવાનું ચાલુ રાખે છે કે “અધૂરું વાક્ય પરમેશ્વરે લીધેલા ત્વરિત પગલાં વિષે સૂચવે છે. તે પોતાના શબ્દો પૂરા કરે એ પહેલાં તો તેઓને વાડીની બહાર કાઢી મૂકવામાં આવ્યા.” (ઉત્પત્તિ ૩:૨૨, ૨૩) એ પછી યહોવાહ અને પ્રથમ યુગલ સાથેનો વાતચીત વ્યવહાર સદંતર બંધ થયો.

આદમ અને હવા કંઈ ૨૪-કલાકના દિવસ દરમિયાન શારીરિક રીતે મરણ પામ્યા નહિ. તેમ છતાં, તેઓ આત્મિક અર્થમાં જરૂર મરણ પામ્યા. છેવટે જીવનદાતા સાથેનો તેઓનો સંબંધ તૂટી ગયો અને તેઓ મરણના સકંજામાં આવવા માંડ્યા. પોતાના બીજા પુત્ર હાબેલનું પ્રથમ પુત્ર કાઈને ખૂન કરી નાખ્યું છે એવા પ્રથમ વાર જ મરણના સમાચાર સાંભળીને તેઓ કેટલા દુઃખી થયા હશે!—ઉત્પત્તિ ૪:૧-૧૬.

ત્યાર બાદ, પ્રથમ માનવ યુગલ વિષે થોડું જ જણાવવામાં આવ્યું છે. આદમ ૧૩૦ વર્ષનો થયો ત્યારે તેઓને ત્રીજો પુત્ર શેથ થયો. આદમને ૮૦૦ વર્ષ બાદ એટલે કે ૯૩૦ વર્ષની વયે “દીકરાદીકરીઓ થયાં” પછી તે મૃત્યુ પામ્યો.—ઉત્પત્તિ ૪:૨૫; ૫:૩-૫.

આપણા માટે બોધપાઠ

આજે માનવ સમાજની કફોડી હાલત માટે જવાબદાર પ્રથમ યુગલ પાસેથી આપણને મહત્ત્વનો બોધપાઠ મળે છે. યહોવાહ પરમેશ્વરથી સ્વતંત્ર થવાના પ્રયાસો મૂર્ખતાભર્યા છે. જેઓ ખરેખર ડહાપણવાળા છે તેઓ પોતાના જ્ઞાન પર જ નહિ પરંતુ યહોવાહ અને તેમના શબ્દ બાઇબલમાં ભરોસો મૂકે છે. યહોવાહને ખરા ખોટાંની ખબર છે અને ખરી બાબત એ છે કે આપણે તેમને આધીન રહીએ. ખોટું કરવાનો અર્થ તેમના નિયમો અને સિદ્ધાંતોની અવગણના કરવી થાય છે.

પરમેશ્વર હજુ પણ ઇચ્છે છે કે આપણે હંમેશનું જીવન, સ્વતંત્રતા, સંતોષ, સુખ, સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સફળતા મેળવીએ તથા નવી નવી શોધખોળો કરતા રહીએ. તેમ છતાં, આ સર્વ બાબતો માટે જરૂરી છે કે આપણે આપણા સ્વર્ગીય પિતા યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખીએ.—સભાશિક્ષક ૩:૧૦-૧૩; યશાયાહ ૫૫:૬-૧૩.

[પાન ૨૬ પર બોક્સ/ચિત્ર]

આદમ અને હવા—શું કેવળ કાલ્પનિક પાત્રો છે?

પ્રાચીન બાબેલોનીઓ, આશ્શૂરીઓ, મિસરીઓ અને અન્યોમાં પણ એ માન્યતા સામાન્ય હતી કે પહેલા એક પારાદેશ હતો જે પાપને કારણે ગુમાવવામાં આવ્યો. એક જીવનના વૃક્ષનું ફળ ખાવાથી સદાકાળ માટે જીવી શકાય એ અહેવાલ અન્ય ઘણા અહેવાલો સાથે મળતો આવે છે. એથી એદનમાં બનેલી અજુગતી બાબતથી માણસજાત પરિચિત છે.

આજે, ઘણા લોકો આદમ અને હવાના બાઇબલ અહેવાલને દંતકથા માને છે. છતાં, મોટા ભાગના વૈજ્ઞાનિકો કબૂલે છે કે માનવજાતિ એક જ કુટુંબમાંથી આવી છે. ઘણા ધર્મશાસ્ત્રીઓ પણ કબૂલે છે કે આપણા પૂર્વજ દ્વારા આચરવામાં આવેલું પહેલું પાપ માણસજાતમાં ઉતરી આવ્યું છે. માણસ એક કરતાં વધારે ઉદ્‍ભવમાંથી આવ્યો છે એ માન્યતા તેઓને એમ માનવા ફરજ પાડે છે કે પહેલું પાપ અનેક પૂર્વજો દ્વારા આચરવામાં આવ્યું હતું. વધુમાં, એનાથી તેઓ માણસજાતને છોડાવનાર ખ્રિસ્ત ‘છેલ્લા આદમ’ હતા એનો પણ નકાર કરે છે. પરંતુ ઈસુ અને તેમના શિષ્યોને એવા પ્રશ્નો ઉપસ્થિત થયા નહિ. તેઓને ખબર હતી કે ઉત્પત્તિનો અહેવાલ એકદમ સાચો છે.—૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫; ઉત્પત્તિ ૧:૨૭; ૨:૨૪; માત્થી ૧૯:૪, ૫; રૂમી ૫:૧૨-૧૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો