વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૪/૧ પાન ૧૪-૧૯
  • સત્યની જીત થાય છે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્યની જીત થાય છે!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • આપણા સમયમાં વૃદ્ધિ
  • આજે પવિત્ર આત્માનું કામ
  • યહોવાહનો સંદેશ અને ઉત્સાહી સેવકો
  • યહોવાહના પ્રેમની જીત
  • ‘યહોવાહની વાત પ્રસરતી ગઈ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સર્વ પ્રજાઓને રાજ્યનો સંદેશ જણાવતા સાક્ષીઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • સાચા ખ્રિસ્તીઓ શુભસંદેશ આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૪/૧ પાન ૧૪-૧૯

સત્યની જીત થાય છે!

“પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦.

પવિત્ર આત્માથી પ્રેરણા પામીને શરૂઆતના ખ્રિસ્તીઓએ યહોવાહ પરમેશ્વરના સંદેશનો ઉત્સાહથી પ્રચાર કર્યો. તેઓના ઉત્સાહને કોઈ પણ બાબત ઠંડો પાડી શકે એમ ન હતી. એક ઇતિહાસકારે લખ્યું: “રૂમી જગતમાં ખ્રિસ્તી ધર્મ માની ન શકાય એટલી ઝડપે ફેલાઈ ગયો. એકસોની સાલ સુધીમાં તો, ભૂમધ્યની સરહદે આવેલા દરેક વિસ્તારમાં ખ્રિસ્તી સમાજ હતો.”

૨ શરૂઆતના ખ્રિસ્તીઓને શેતાન પણ ચૂપ કરી શક્યો નહિ. તેથી, તેણે પરમેશ્વરના સંદેશને દબાવી દેવા બીજા સાધનનો ઉપયોગ કર્યો, જે ધર્મત્યાગ હતો. ઈસુએ ઘઉં અને કડવાં દાણાંનું દૃષ્ટાંત આપીને એ વિષે ભાખ્યું હતું. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) પ્રેષિત પીતરે પણ ચેતવણી આપી હતી કે મંડળમાં જૂઠા ઉપદેશકો ઊભા થશે, જેઓ વિનાશક શિક્ષણનો ફેલાવો કરશે. (૨ પીતર ૨:૧-૩) એ જ રીતે, પ્રેષિત પાઊલે પણ ખાસ ચેતવણી આપી હતી કે યહોવાહનો દિવસ આવ્યા પહેલાં ધર્મત્યાગીઓ ઊભા થશે.—૨ થેસ્સાલોનીકી ૨:૧-૩.

૩ પ્રેષિતોના મરણ પછી, જૂઠાં શિક્ષણો અને ફિલસૂફીનાં વાદળોથી સત્ય સંદેશ ઢંકાઈ ગયો. ભાખવામાં આવ્યું હતું તેમ, જૂઠા ઉપદેશકોએ સત્યના શુદ્ધ સંદેશમાં મીઠું-મરચું ભભરાવીને એને ભ્રષ્ટ કરી નાખ્યો. ધીમે ધીમે સાચા ખ્રિસ્તી ધર્મ પર એની નકલ કરનાર ખ્રિસ્તી રાષ્ટ્રનું ગ્રહણ લાગ્યું. એવા ધર્મગુરુઓ ઊભા થયા, જેઓએ સામાન્ય લોકોના હાથમાંથી બાઇબલ ઝૂંટવી લીધું. તેથી, ભલે ખ્રિસ્તી લોકોની સંખ્યામાં વધારો થયો, પણ તેઓની ભક્તિ શુદ્ધ ન હતી. ખ્રિસ્તી રાષ્ટ્રનો ઘણા દેશોમાં ફેલાવો થયો. પશ્ચિમી દેશોમાં એ શક્તિશાળી સંગઠન અને મુખ્ય સત્તા બન્યું. પરંતુ, એના પર યહોવાહનો આશીર્વાદ કે તેમનો પવિત્ર આત્મા ન હતો.

૪ જોકે, યહોવાહના હેતુઓને નિષ્ફળ કરવાની શેતાનની યોજના પર પાણી ફરી વળ્યું. ધર્મત્યાગ ફૂલ્યો ફાલ્યો હતો ત્યારે પણ, કેટલાક લોકો સાચા ખ્રિસ્તી તરીકે જીવતા હતા. જે માણસોએ બાઇબલની નકલ કરી, તેઓએ એમ ચોક્સાઈથી કરવા ખૂબ મહેનત કરી. આમ, ભલે બાઇબલનું શિક્ષણ આપવાની સત્તા હોવાનો દાવો કરનારા ઘણાએ એનો સંદેશો મચકોડ્યો, છતાં બાઇબલ શુદ્ધ રહ્યું. સદીઓ દરમિયાન જેરોમ અને ટીંડેલ જેવા બાઇબલના વિદ્વાનોએ હિંમતથી એનું ભાષાંતર કરીને એની વહેંચણી કરી. કરોડો લોકો બાઇબલથી અને અમુક પ્રકારના ખ્રિસ્તી ધર્મથી પરિચિત થયા, ભલે એ નકલી હતો.

૫ છેવટે, જેમ દાનીયેલના પુસ્તકમાં ભાખવામાં આવ્યું હતું તેમ, સાચા ‘જ્ઞાનની વૃદ્ધિ થઈ.’ એ ‘અંતના સમયમાં’ બન્યું, જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ. (દાનીયેલ ૧૨:૪) પવિત્ર આત્માએ આખા જગતમાંથી સત્ય ચાહનારા લોકોને સાચા પરમેશ્વર અને તેમના હેતુઓ વિષે ખરું જ્ઞાન લેવા દોર્યા છે. આમ, સદીઓથી ચાલ્યા આવતા ધર્મત્યાગ છતાં, પરમેશ્વરના સંદેશની જીત થઈ! આજે એ સંદેશાનો બધી બાજુ પ્રચાર કરવામાં આવે છે, જેથી લોકોને નવી દુનિયાની અદ્‍ભુત આશા મળે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) હવે પરમેશ્વરનાં વચનોનો આજના સમયમાં જે ફેલાવો થયો છે, એ આપણે જોઈએ.

આપણા સમયમાં વૃદ્ધિ

૬ ઓગણીસમી સદીના અંતે, બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે જાણીતા એક નાના વૃંદમાં બાઇબલ સત્યથી ઉત્સાહ જાગ્યો. તેઓ આજે યહોવાહના સાક્ષીઓ તરીકે જાણીતા છે. તેઓ માટે ૧૯૧૪ સુધીમાં તો બાઇબલ જાણે જીવંત બની ઊઠ્યું હતું. તેઓ યહોવાહના હેતુઓ વિષેનું અદ્‍ભુત સત્ય સમજ્યા. યહોવાહે પોતાના પુત્રને પૃથ્વી પર મોકલીને જે પ્રેમ બતાવ્યો અને હંમેશ માટેના જીવનનો માર્ગ ખોલ્યો, એની તેઓ પર ઊંડી અસર થઈ. તેઓને પરમેશ્વરનું નામ અને તેમના ગુણો વિષે જાણવા મળ્યું. એની તેઓએ ખૂબ જ કદર કરી. તેમ જ, તેઓએ જોયું કે “વિદેશીઓના સમયો” પૂરા થઈ ગયા હતા. એ નિશાની બતાવતી હતી કે હવે યહોવાહનું રાજ્ય મનુષ્યો માટે આશીર્વાદો લઈ આવે એ સમય નજીક હતો. (લુક ૨૧:૨૪) એ કેવા ખુશીના સમાચાર છે! લોકોનું જીવન જોખમમાં છે, એટલે આ સત્ય દરેકને, દરેક જગ્યાએ જણાવવું જ જોઈએ!

૭ યહોવાહે પોતાના પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા એ થોડાક ખ્રિસ્તીઓને આશીર્વાદ આપ્યો. આજે, સાચો ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારા લોકોની સંખ્યા ૬૦ લાખથી વધારે છે. યહોવાહનો સંદેશ જુદા જુદા દેશોમાં પણ ફેલાયો છે, કેમ કે આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં છે. એ ઉપરાંત બાઇબલ સત્ય શક્તિશાળી સાબિત થયું છે. ધાર્મિક કે બીજી કોઈ પણ મુશ્કેલીઓ પર એની જીત થઈ છે. આખી દુનિયામાં થઈ રહેલું પ્રચાર કાર્ય બીજી એક ચોક્કસ સાબિતી છે કે ઈસુ રાજ કરે છે.—માત્થી ૨૪:૩, ૧૪.

૮ ઇતિહાસકારોએ પ્રથમ સદીના ખ્રિસ્તીઓના ઝડપી વધારા વિષે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એ જ રીતે, આજે પણ ઘણા વિદ્વાનોએ યહોવાહના લોકોમાં થયેલી વૃદ્ધિ વિષે કહ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્‌સના બે વિદ્વાનોએ લખ્યું: “ગયા ૭૫ વર્ષોમાં યહોવાહના સાક્ષીઓમાં નવાઈ પમાડે એ રીતે વધારો થયો છે . . . અને એ પણ એક જગ્યાએ નહિ, પણ આખી દુનિયામાં થયો છે.” પૂર્વ આફ્રિકાનું એક મેગેઝિન યહોવાહના સાક્ષીઓના ધર્મ વિષે કહે છે કે એ “દુનિયામાં સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલા ધર્મોમાંનો એક છે. તેમ જ, તેઓ દરેક રીતે બાઇબલના શિક્ષણને વળગી રહેવા સારી રીતે જાણીતા છે.” યુરોપમાં છપાતા, એક ચુસ્ત કૅથલિક મેગેઝિને “યહોવાહના સાક્ષીઓના દંગ કરી નાખતા વધારા” વિષે વાત કરી. આ વૃદ્ધિનું કારણ શું છે?

આજે પવિત્ર આત્માનું કામ

૯ પ્રથમ સદીની જેમ જ, યહોવાહના સંદેશનો ફેલાવો તેમના પવિત્ર આત્માની શક્તિને આભારી છે. ઈસુએ કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) આ શબ્દો બતાવે છે કે યહોવાહ સત્ય ચાહનારાઓને ધીમે ધીમે પોતાના સંદેશ તરફ આકર્ષે છે. પોતાના સેવકોના પ્રચાર કાર્યથી, યહોવાહ “સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ,” એટલે કે પૃથ્વીના નમ્ર લોકોને પોતાની સેવા માટે ભેગા કરે છે.—હાગ્ગાય ૨:૬, ૭.

૧૦ યહોવાહનો પવિત્ર આત્મા પોતાના સેવકોને ફક્ત પૃથ્વીના ખૂણે-ખાંચરે સંદેશો ફેલાવવા જ મદદ કરતો નથી. પરંતુ, એ હરેક પ્રકારના લોકોને પોતાના સંદેશ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા પણ મદદ કરે છે. ખરેખર, યહોવાહનાં સત્ય વચનો સ્વીકારનાર “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકો છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) એ લોકોમાં ગરીબ અને ધનવાન, અભણ અને ભણેલા પણ છે. કેટલાકે યુદ્ધ કે સખત સતાવણીમાં, તો બીજાઓએ શાંતિ અને સમૃદ્ધિના સમયમાં એ સંદેશનો સ્વીકાર કર્યો છે. દરેક પ્રકારની સરકારના સમયમાં, સર્વ સમાજમાં, મોતની છાવણીઓમાં કે મહેલમાં, સ્ત્રી હોય કે પુરુષ, સર્વએ યહોવાહના સંદેશને સારી રીતે સ્વીકાર્યો છે.

૧૧ યહોવાહના લોકો અલગ અલગ જાતિમાંથી આવતા હોવા છતાં, તેઓ સર્વ એકબીજા સાથે સંપીને રહે છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) એ સાબિતી આપે છે કે યહોવાહની સેવા કરી રહેલા સેવકોમાં પવિત્ર આત્માની શક્તિ છે. તેમનો પવિત્ર આત્મા એ શક્તિ છે, જે તેઓમાં પ્રેમ, આનંદ, શાંતિ, માયાળુપણું અને બીજા સદ્‍ગુણો કેળવવા મદદ કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આજે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે પ્રબોધક માલાખીના કહેવાનો અર્થ શું હતો: “ત્યારે તમે . . . સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”—માલાખી ૩:૧૮.

યહોવાહનો સંદેશ અને ઉત્સાહી સેવકો

૧૨ યહોવાહના સાક્ષીઓ કંઈ ચર્ચના લોકો જેવા નથી, જેઓ નામના જ ખ્રિસ્તીઓ હોય છે. યહોવાહના લોકો તો પ્રચાર કાર્યમાં ખૂબ મહેનત કરે છે. શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા કંઈ પણ કરવા તૈયાર છે. તેઓ બીજાઓને યહોવાહના રાજ્યના આશીર્વાદો વિષે શીખવવા તૈયાર છે. તેઓ યહોવાહના પવિત્ર આત્માની સુમેળમાં કામ કરીને લોકોને તેમની સેવા કરવા માટે ભેગા કરી રહ્યા છે. આમ કરીને તેઓ સર્વ મનુષ્યો માટે યહોવાહનો પ્રેમ બતાવે છે. ભલે લોકો ન સાંભળે, મશ્કરી કરે કે સતાવણી પણ કરે છતાં, તેઓ એમ કરવાનું ચાલુ જ રાખે છે. ઈસુએ પોતાના શિષ્યોને એવા સંજોગો માટે અગાઉથી તૈયાર કર્યા હતા. તેમણે કહ્યું હતું: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી, જો એ લોકોએ મને દુઃખ આપ્યું, તો તેઓ તમને પણ દુઃખ આપશે; જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.’—યોહાન ૧૫:૨૦, પ્રેમસંદેશ.

૧૩ આજે યહોવાહના સાક્ષીઓ અને પ્રથમ સદીના સાચા ખ્રિસ્તીઓમાં સરખાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે. એ જ રીતે, યહોવાહના સાક્ષીઓ અને ખ્રિસ્તી રાષ્ટ્રનાં ચર્ચો વચ્ચે ચોખ્ખો તફાવત પણ જોવા મળે છે. શરૂઆતના ખ્રિસ્તીઓ કેવા ઉત્સાહથી પ્રચાર કરતા હતા, એ વિષે જણાવ્યા પછી એક વિદ્વાને દુઃખ વ્યક્ત કર્યું: “હાલનાં ચર્ચોની રીતભાતમાં ફેરફારો કરવાની જરૂર છે. દરેક બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તીએ સુવાર્તા પ્રચાર કરવાની ફરજ બજાવવી જોઈએ. વળી, તેઓએ એ જ પ્રમાણે જીવવું પણ જોઈએ જેથી, બીજાઓથી જુદા તરી આવે. જો એમ કરવામાં ન આવે તો પ્રગતિની કોઈ આશા દેખાતી નથી.” હા, ખ્રિસ્તી રાષ્ટ્રનાં ચર્ચોમાં જે બાબતોની કમી છે, એ યહોવાહના સાક્ષીઓમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે! તેઓનો વિશ્વાસ જીવંત અને ખરો છે. એટલું જ નહિ પણ એ બાઇબલ સત્ય પર આધારિત છે, જે વિષે બીજાઓને જણાવવા એ તેઓને પ્રેરણા આપે છે.—૧ તીમોથી ૨:૩, ૪.

૧૪ ઈસુએ સેવા કાર્યને હંમેશા જીવનમાં પ્રથમ મૂકીને અતિ મહત્ત્વનું ગણ્યું. તેમણે પીલાતને કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) યહોવાહના સેવકો પણ ઈસુની જેમ જ અનુભવે છે. બાઇબલ સત્ય તેઓના હૃદયમાં છે અને તેઓ બની શકે એટલા વધારે લોકોને એ જણાવવા અલગ અલગ રીતોનો ઉપયોગ કરે છે. એમાંની અમુક રીતો નવાઈ પમાડે એવી છે.

૧૫ દક્ષિણ અમેરિકાના એક દેશમાં, સાક્ષીઓ લોકોને સત્યનો પ્રચાર કરવા એમેઝોન નદીના એક ફાંટામાં મુસાફરી કરીને જતા હતા. જોકે, ૧૯૯૫માં ત્યાં અંદરોઅંદર કોમી લડાઈ ફાટી નીકળી ત્યારે, એ તરફની અવરજવર બંધ કરી દેવામાં આવી. યહોવાહના સાક્ષીઓ સત્ય જાણવા ચાહનારાને બાઇબલનો સંદેશો પહોંચાડવા કંઈ પણ કરવા તૈયાર હતા. તેથી, તેઓએ સંદેશો પાણીમાં વહેતો મોકલવાનો નિર્ણય કર્યો. તેઓએ પત્ર લખીને વૉચટાવર અને અવેક! મેગેઝિનો સાથે ખાલી પ્લાસ્ટિકની બાટલીઓમાં મૂક્યા. પછી, તેઓએ બાટલીઓને પાણીમાં વહેતી મૂકી. આમ તેઓએ સાડા ચાર વર્ષ સુધી કર્યું. પછી નદીનો માર્ગ ફરીથી લોકોની અવરજવર માટે ખુલ્લો થયો. નદી કિનારે રહેતા લોકોએ યહોવાહના સેવકોનો ખૂબ આભાર માન્યો. બાઇબલ અભ્યાસ કરતી એક સ્ત્રીએ તેઓને ભેટી પડીને રડતા રડતા કહ્યું કે, “મને તો થયું કે હું તમને ફરીથી મળીશ જ નહિ. પરંતુ, મને બાટલીઓમાં સાહિત્ય મળવા લાગ્યું ત્યારે, શાંતિ થઈ કે તમે મને ભૂલી ગયા નથી!” નદી કિનારે રહેતા બીજા ઘણા લોકોએ કહ્યું કે તેઓએ મેગેઝિનો વારંવાર વાંચ્યા હતા. ઘણી જગ્યાઓએ “પોસ્ટ ઑફિસ” બનાવવામાં આવી હતી, જ્યાં પાણીમાં તરતી વસ્તુઓ ભેગી કરવામાં આવતી હતી. સત્ય જાણવા ચાહનારા લોકો ત્યાં જઈને નિયમિત રીતે તપાસ કરતા કે કંઈ “ટપાલ” આવી છે કે નહિ.

૧૬ ખરેખર, પ્રચાર કાર્યને માર્ગદર્શન અને પૂરો ટેકો યહોવાહ અને તેમના શક્તિશાળી સ્વર્ગદૂતો દ્વારા મળે છે. (પ્રકટીકરણ ૧૪:૬) આપણે તૈયાર હોઈએ તો, અમુક વખત શિષ્યો બનાવવાની અણધારી તકો મળી જાય છે. કેન્યાના નાઇરોબીમાં બે ખ્રિસ્તી બહેનોએ પોતાને સોંપેલા ઘરોમાં પ્રચાર કરવાનું પૂરું કર્યું. એવામાં જ એક યુવતી ઝડપથી તેઓની પાસે આવી અને કહેવા લાગી કે, “હું તમને મળવા માટે જ પ્રાર્થના કરતી હતી.” પછી બહેનોને પોતાને ઘરે આવવા તે કાલાવાલા કરવા લાગી. એ જ દિવસે તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ થયો. એ યુવતી આપણી બહેનો પાસે શા માટે એટલી ઝડપે દોડી ગઈ? લગભગ બે અઠવાડિયાં પહેલાં તેની બાળકીનું મરણ થયું હતું. તેથી, તેણે જ્યારે એક છોકરાને “મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?” પત્રિકા લઈને જતા જોયો ત્યારે, તેણે તેની પાસે આજીજી કરીને એ માંગી. પેલા છોકરાએ પત્રિકા આપી નહિ, પણ બહેનો તરફ બતાવતા જણાવ્યું કે એ તેઓ પાસેથી તેને મળી હતી. જલદી જ, એ યુવતી પ્રગતિ કરવા માંડી. એનાથી પોતાની બાળકીના મરણનું દુઃખ સહન કરવા તેને ઘણી મદદ મળી.

યહોવાહના પ્રેમની જીત

૧૭ આખી પૃથ્વી પર થતો યહોવાહના સંદેશનો ફેલાવો ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાન સાથે જોડાયેલો છે. ખંડણીની જેમ, પ્રચાર કાર્ય પણ સર્વ લોકો માટે યહોવાહનો પ્રેમ બતાવે છે. પ્રેષિત યોહાનને આમ લખવાની પ્રેરણા મળી: “દેવે જગત [મનુષ્યો] પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”—યોહાન ૩:૧૬.

૧૮ યહોવાહે ખંડણી ચૂકવવા જે પ્રેમ બતાવ્યો એનો જરા વિચાર કરો. યુગોથી યહોવાહ પોતાના પ્રથમ સર્જન, પોતાના એકના એક પ્રિય પુત્ર સાથે ગાઢ સંબંધનો આનંદ માણે છે. (પ્રકટીકરણ ૩:૧૪) ‘જગતનો પાયો નાખ્યા અગાઉથી’ યહોવાહ પોતાના પુત્રને ચાહે છે અને ઈસુ પણ પોતાના પિતાને ખૂબ ચાહે છે. (યોહાન ૧૪:૩૧; ૧૭:૨૪) વિચારો કે યહોવાહે પોતાના આ વહાલા પુત્રને મરણ સહન કરવા દીધું, જેથી મનુષ્યો હંમેશ માટેનું જીવન મેળવી શકે. ખરેખર, મનુષ્યો માટે તેમણે કેવો મહાન પ્રેમ બતાવ્યો!

૧૯ યોહાન ૩:૧૭ જણાવે છે કે, “જગતનો ન્યાય કરવા સારૂ નહિ, પણ તેનાથી જગતનું તારણ થાય, તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.” આમ, યહોવાહે પોતાના પુત્રને મનુષ્યોનો બચાવ કરવાના પ્રેમાળ કાર્ય માટે મોકલ્યા, ન્યાય કરીને સજા ફટકારવા નહિ. એની સાથે પીતર સહમત થતા કહે છે કે, “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ [યહોવાહ] તમારે વિષે ધીરજ રાખે છે.”—૨ પીતર ૩:૯.

૨૦ યહોવાહે પોતે આટલી મોટી કિંમત ચૂકવીને કાયદેસર બચાવ પૂરો પાડ્યો છે. તેથી, તે ચાહે છે કે બને એટલા વધારે લોકો એનો લાભ ઊઠાવે. પ્રેષિત પાઊલે લખ્યું: “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?”—રૂમી ૧૦:૧૩, ૧૪.

૨૧ આ પ્રચાર અને શિક્ષણનું કાર્ય કરવાનો આપણી પાસે કેવો મોટો લહાવો છે! એ સહેલું કામ નથી. છતાં, જ્યારે યહોવાહ પોતાના લોકોને સત્ય પ્રમાણે જીવતા અને બીજાઓને એ જણાવતા જુએ છે, ત્યારે તેમને કેટલો બધો આનંદ થાય છે! તેથી, ભલે તમારા સંજોગો ગમે એવા હોય, આ કાર્ય કરવા યહોવાહના પવિત્ર આત્મા અને પ્રેમથી તમારા હૃદયને પ્રેરાવા દો. હંમેશા યાદ રાખો કે, દુનિયામાં જે કાર્ય થતું આપણે જોઈએ છીએ, એ સાબિતી આપે છે કે યહોવાહ જલદી જ ભવ્ય “નવાં આકાશ તથા નવી પૃથ્વી” લાવીને પોતાનું વચન પૂરું કરશે, “જેમાં ન્યાયીપણું વસે છે.”—૨ પીતર ૩:૧૩.

શું તમને યાદ છે?

• ધર્મત્યાગીઓ કેમ યહોવાહના સંદેશનો પ્રચાર બંધ કરી શક્યા નહિ?

• આપણા સમયમાં યહોવાહના સંદેશની કઈ રીતે જીત થઈ?

• આજે યહોવાહનો પવિત્ર આત્મા કઈ રીતે કાર્ય કરે છે?

• ખંડણી અને યહોવાહના સંદેશનો પ્રચાર કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. પ્રથમ સદીમાં થયેલા ખ્રિસ્તી ધર્મના ફેલાવાનું વર્ણન કરો.

૨. પરમેશ્વરના સંદેશને દબાવી દેવા શેતાને કયા સાધનનો ઉપયોગ કર્યો અને એ વિષે શું ભાખવામાં આવ્યું હતું?

૩. પ્રેષિતોના મરણ પછી શું થયું?

૪. શેતાન શા માટે યહોવાહના હેતુઓને નિષ્ફળ કરી શક્યો નહિ?

૫. સાચા જ્ઞાનની વૃદ્ધિ વિષે દાનીયેલ પ્રબોધકે શું ભાખ્યું હતું?

૬. બાઇબલ વિદ્યાર્થીઓ ૧૯૧૪ સુધીમાં કયું સત્ય સમજ્યા હતા?

૭. આપણા સમયમાં બાઇબલ સત્યની કઈ રીતે જીત થઈ છે?

૮. યહોવાહના સાક્ષીઓમાં થયેલા વધારા વિષે કેટલાકે શું કહ્યું છે?

૯. (ક) આજે યહોવાહના સંદેશાનો ફેલાવો વધવાનું મુખ્ય કારણ શું છે? (ખ) કઈ રીતે યહોવાહ લોકોને પોતાના તરફ ખેંચે છે?

૧૦. યહોવાહનો સંદેશો કેવા પ્રકારના લોકોએ સ્વીકાર્યો છે?

૧૧. યહોવાહના સેવકોના જીવન પર પવિત્ર આત્માની કેવી અસર થાય છે અને કયો ભેદ દેખાઈ આવે છે?

૧૨. પ્રચાર કરવા વિષે યહોવાહના સાક્ષીઓનું વલણ કેવું છે અને કેવું પરિણામ મળી શકે છે?

૧૩. ખ્રિસ્તી રાષ્ટ્રમાં જેની કમી છે, એવી કઈ બાબતો યહોવાહના સાક્ષીઓમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

૧૪. ઈસુને પોતાના સેવાકાર્ય વિષે કેવું લાગ્યું અને આજે તેમના શિષ્યોનું વલણ કેવું છે?

૧૫. યહોવાહના સંદેશનો પ્રચાર કરવા માટે કેટલાકે શું કર્યું છે?

૧૬. આપણે તૈયાર હોઈએ તો, શિષ્યો બનાવવાની કેવી અણધારી તકો ઘણી વાર મળે છે?

૧૭-૧૯. યહોવાહે ખંડણી દ્વારા મનુષ્યોને કેવો પ્રેમ બતાવ્યો?

૨૦. કઈ રીતે યહોવાહના સંદેશના પ્રચાર સાથે લોકોનું જીવન જોડાએલું છે?

૨૧. આપણને પ્રચાર કાર્ય વિષે કેવું લાગવું જોઈએ?

[ગ્રાફ/પાન ૧૬ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વીસમી સદીમાં રાજ્ય પ્રચારકોની સંખ્યામાં વધારો

સરેરાશ પ્રકાશકો (લાખમાં)

૬.૦

૫.૫

૫.૦

૪.૫

૪.૦

૩.૫

૩.૦

૨.૫

૨.૦

૧.૫

૧.૦

૦.૫

૧૯૦૦ ૧૯૧૦ ૧૯૨૦ ૧૯૩૦ ૧૯૪૦ ૧૯૫૦ ૧૯૬૦ ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૯૦ ૨૦૦૦

[પાન ૧૫ પર ચિત્રો]

જેરોમ

ટીંડેલ

ગુટેનબર્ગ

હસ

[ક્રેડીટ લાઈન]

ગુટેનબર્ગ અને હસ: From the book The Story of Liberty, 1878

[પાન ૧૫ પર ચિત્ર]

બાઇબલ વિદ્યાર્થીઓ ૧૯૨૦ના વર્ષોમાં પ્રચાર કાર્ય કરી રહ્યા છે

[પાન ૧૭ પર ચિત્રો]

દુનિયા ફરતે લોકો યહોવાહનો સંદેશ સ્વીકારે છે

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનની જેમ, પ્રચાર કાર્ય યહોવાહનો મહાન પ્રેમ બતાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો