વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૬/૧ પાન ૭-૧૦
  • યહોવાહમાં તમારો ભરોસો દૃઢ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહમાં તમારો ભરોસો દૃઢ કરો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્વ-તપાસ કરો
  • યહોવાહ પર ભરોસો રાખવાનાં કારણો
  • યહોવાહમાં ભરોસો દૃઢ કરવાની રીતો
  • યહોવાહ પરના આપણા ભરોસાની સાબિતી આપવી
  • તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૬/૧ પાન ૭-૧૦

યહોવાહમાં તમારો ભરોસો દૃઢ કરો

એક ખૂની કાવતરાની યોજના થઈ રહી છે. દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ એક નવો નિયમ અમલમાં મૂકાવવા માટે ભેગા મળ્યા છે. તેઓ ઇચ્છે છે કે સરકારના નિયમ વિરુદ્ધની ઉપાસના જે કોઈ પણ કરશે તેને મરણની સજા કરવામાં આવે.

શું તમને આ અહેવાલ પરિચિત લાગે છે? ઇતિહાસ એવા લોકોનાં ઉદાહરણોથી ભરેલો છે કે જેઓએ કાયદાની આડમાં રહીને કાવતરાઓ ઘડ્યાં હતાં. ઉપર જણાવ્યા પ્રમાણેનો એક બનાવ પ્રબોધક દાનીયેલના દિવસોમાં ઇરાની સામ્રાજ્યમાં બન્યો હતો. ત્યારે રાજા દાર્યાવેશે એક કાયદો બહાર પાડયો: “જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના [રાજા] સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બીલમાં નાખવામાં આવે.”—દાનીયેલ ૬:૭-૯.

આવી ધમકી હેઠળ દાનીયેલે શું કર્યું હશે? શું તેમણે પોતાના પરમેશ્વર યહોવાહ પર ભરોસો મૂક્યો હશે કે પછી રાજાનો હુકમ પાળ્યો હશે? અહેવાલ બતાવે છે: “જ્યારે દાનીયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો; (તેના ઓરડાની બારીઓ તો યરૂશાલેમ તરફ ઊઘાડી રહેતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના દેવની ઉપકારસ્તુતિ કરી.” (દાનીયેલ ૬:૧૦) બાકીના અહેવાલથી આપણે સારી રીતે પરિચિત છીએ. દાનીયેલને પોતાના વિશ્વાસને લીધે સિંહોના બીલમાં નાખવામાં આવ્યા, પરંતુ યહોવાહે “સિંહોનાં મોં બંધ કરાવ્યાં” અને પોતાના વફાદાર સેવકને બચાવ્યા.—હેબ્રી ૧૧:૩૩; દાનીયેલ ૬:૧૬-૨૨.

સ્વ-તપાસ કરો

આજે યહોવાહના સેવકો દુષ્ટ જગતમાં જીવી રહ્યા છે. તેથી તેઓ શારીરિક અને આત્મિક રીતે ભયમાં છે. દાખલા તરીકે, અમુક દેશોમાં જાતિવાદને કારણે ઘણા યહોવાહના સાક્ષીઓને મારી નાખવામાં આવ્યા હતા. બીજી બાજું યહોવાહના સાક્ષીઓએ ખોરાકની અછત, આર્થિક મુશ્કેલીઓ, કુદરતી આફતો, ગંભીર બીમારીઓ અને જીવનને ભયમાં મૂકતી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. એ ઉપરાંત, તેઓએ સતાવણીનો, કામના સ્થળે સાથી કર્મચારીઓનાં દબાણોનો અને ખોટું કરવા માટેના પ્રલોભનોનો પણ સામનો કર્યો છે, જે તેઓની આત્મિક તંદુરસ્તીને ભયમાં મૂકી શકે છે. ખરેખર, મહાન શત્રુ શેતાન યહોવાહના સેવકોનો નાશ કરવા માગે છે અને એ માટે તે બધી જ રીતો અજમાવી રહ્યો છે.—૧ પીતર ૫:૮.

આવી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે આપણે શું કરી શકીએ? એ સ્વાભાવિક છે કે આપણું જીવન ખતરામાં હોય ત્યારે આપણે કદાચ ડરી જઈએ. પરંતુ આપણે પ્રેષિત પાઊલના ઉત્તેજનભર્યા શબ્દો યાદ રાખી શકીએ જે કહે છે: “તેણે [યહોવાહે] કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, કે પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ: માણસ મને શું કરનાર છે?” (હેબ્રી ૧૩:૫, ૬) તેથી, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે આજે પણ યહોવાહ પોતાના સેવકો માટે એવું જ અનુભવે છે. જોકે યહોવાહનાં વચનો વિષે જાણકાર હોવું અને તે આપણા હિતમાં કંઈ કરશે એવો ભરોસો હોવો એ બંનેમાં ઘણો ફરક છે. તેથી, એ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે કયા કારણથી યહોવાહ પર ભરોસો રાખીએ છીએ એની તપાસ કરીએ અને આ વિશ્વાસને દૃઢ કરવા આપણાથી બનતું બધું જ કરતા રહીએ. આપણે એમ કરીશું તો “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં [આપણાં] હૃદયોની તથા [આપણાં] મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૭) એ પછી, આપણા પર પરીક્ષણો આવે તોપણ આપણે સમજી વિચારીને સારી રીતે એનો હિંમતથી સામનો કરી શકીશું.

યહોવાહ પર ભરોસો રાખવાનાં કારણો

ખરેખર આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ પર ભરોસો મૂકવા આપણી પાસે ઘણાં કારણો છે. એમાંનું પહેલું કારણ એ છે કે યહોવાહ પ્રેમાળ પરમેશ્વર છે અને તે પોતાના સેવકોની ખરેખર કાળજી રાખે છે. બાઇબલમાં અસંખ્ય અહેવાલો જોવા મળે છે કે યહોવાહે પોતાના સેવકોની પ્રેમાળ રીતે કાળજી લીધી હતી. પોતાની પસંદ કરેલી પ્રજા, ઈસ્રાએલીઓ માટે યહોવાહે કેવાં કાર્યો કર્યાં એ વિષે જણાવતા મુસાએ લખ્યું: “તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યો; તે તેની આસપાસ કોટરૂપ રહ્યો, તેણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની પેઠે તેનું રક્ષણ કર્યું.” (પુનર્નિયમ ૩૨:૧૦) આજે પણ યહોવાહ પોતાના સેવકોની કાળજી રાખે છે. દાખલા તરીકે, બોસ્નિયામાં અંદરોઅંદર લડાઈ ચાલતી હતી ત્યારે અમુક યહોવાહના સાક્ષીઓએ ખોરાકની ખૂબ અછત ભોગવી. એ સમયે યહોવાહે ધ્યાન રાખ્યું કે તેઓ સુધી જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવે. પછી ક્રોએશિયા અને ઑસ્ટ્રિયાના ભાઈઓએ પોતાના જીવન જોખમમાં મૂકીને તેઓ સુધી ખોરાક અને મદદ પહોંચાડી અને એમાં યહોવાહનો હાથ હતો.a

યહોવાહ પરમેશ્વર સર્વશક્તિમાન હોવાથી, તે ગમે તેવા સંજોગોમાં પણ પોતાના સેવકોનું રક્ષણ કરવા સમર્થ છે. (યશાયાહ ૩૩:૨૨; પ્રકટીકરણ ૪:૮) એટલું જ નહિ, યહોવાહ પોતાના અમુક સેવકોને મરણ સુધી વિશ્વાસુ સાબિત થવાની પરવાનગી આપે છે ત્યારે, તે અંત સુધી તેઓને સાથ આપે છે. તેઓને વિશ્વાસમાં દૃઢ રહેવા, પોતાનો આનંદ જાળવી રાખવા અને અંત સુધી શાંતિ જાળવી રાખવા શક્તિ આપીને મદદ કરે છે. આપણે પણ ગીતશાસ્ત્રના લેખકની જેમ ભરોસો રાખી શકીએ: “દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે. માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય . . . તોપણ આપણે બીએ નહિ.”—ગીતશાસ્ત્ર ૪૬:૧-૩.

બાઇબલ એ પણ બતાવે છે કે યહોવાહ સત્યના પરમેશ્વર છે. એનો અર્થ એ થાય છે કે તે હંમેશા પોતાનાં વચનોને પરિપૂર્ણ કરશે. હકીકતમાં બાઇબલ તેમને ‘કદી જૂઠું બોલી શકતા નથી’ એવા પરમેશ્વર તરીકે વર્ણવે છે. (તીતસ ૧:૨) યહોવાહ વારંવાર ભાર મૂકીને જણાવે છે કે પોતાના સેવકોને બચાવવા તથા તેઓને રક્ષણ આપવા તે તૈયાર છે. તેથી, આપણે ખાતરી રાખી શકીએ કે તે એમ કરવા શક્તિમાન છે એટલું જ નહિ, પરંતુ પોતાનાં વચનોને પરિપૂર્ણ કરવા માટે પણ તૈયાર છે.—અયૂબ ૪૨:૨.

યહોવાહમાં ભરોસો દૃઢ કરવાની રીતો

યહોવાહ પર ભરોસો મૂકવાના આપણી પાસે ઘણાં કારણો છે. પરંતુ એનાથી આપણે એમ માની લેવું જોઈએ નહિ કે આપણો વિશ્વાસ ક્યારેય ડગમગશે નહિ. કેમ કે આજે સામાન્ય રીતે લોકોને પરમેશ્વરમાં બહુ ભરોસો નથી અને તેઓનું આ વલણ સહેલાઈથી આપણા ભરોસાને નબળો પાડી શકે છે. એ માટે આપણા ભરોસાને દૃઢ કરવા ખાસ પ્રયત્નો કરવા જોઈએ. યહોવાહ એનાથી સારી રીતે વાકેફ છે અને આપણે વિશ્વાસમાં દૃઢ રહીએ એ માટે તેમણે જોગવાઈ કરી છે.

સૌ પ્રથમ યહોવાહે આપણા માટે બાઇબલ પૂરું પાડ્યું છે, જેમાં તેમણે પોતાના સેવકોના હિતમાં કરેલાં અસંખ્ય મહાન કાર્યો વિષે અહેવાલ મળી આવે છે. જરા વિચાર કરો, તમે કોઈનું ફક્ત નામ જ જાણતા હોવ તો તેના પર કેટલો વિશ્વાસ કરશો? એમાં કોઈ શંકા નથી કે તમે ભાગ્યે જ વિશ્વાસ કરશો. તેના પર વિશ્વાસ મૂકતા પહેલાં તમે એ જરૂર જાણવા માગશો કે તેની વર્તણૂક અને કાર્યો કેવાં છે. શું તમે એમ નહિ કરો? આપણે બાઇબલના અહેવાલોને વાંચીએ અને એના પર મનન કરીએ છીએ તેમ, યહોવાહ અને તેમનાં અદ્‍ભુત કાર્યો વિષેનું આપણું જ્ઞાન વધે છે. એ જાણીને આપણી કદર વધે છે કે તે કેટલા ભરોસાપાત્ર છે. એનાથી આપણો તેમના પરનો વિશ્વાસ વધે છે. ગીતશાસ્ત્રના એક લેખકે પરમેશ્વરને કાલાવાલા કરીને પ્રાર્થનામાં જે કહ્યું એ આપણા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે: “હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.”—ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨.

આજે આપણી પાસે બાઇબલ સાથે, વિશાળ પ્રમાણમાં આત્મિક ખોરાક આપવા યહોવાહની સંસ્થાએ તૈયાર કરેલાં બાઇબલ આધારિત પ્રકાશનો છે. ઘણી વાર આ પ્રકાશનોમાં, આધુનિક સમયમાં યહોવાહે પોતાના સેવકોને ભયંકર સંજોગોમાં પણ કેવી રીતે રાહત અને મદદ પૂરી પાડી એના વિષે ઉત્તેજનભર્યા અનુભવો આવે છે. દાખલા તરીકે ભાઈ માર્ટિન પોઝીન્ગરનો વિચાર કરો, જે અમુક વર્ષો પછી યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય બન્યા. તે પહેલાં પોતાની જન્મભૂમિથી દૂર યુરોપમાં પાયોનિયરીંગ કરતી વખતે ગંભીર રીતે બીમાર પડ્યા હતા. ત્યારે તેમની પાસે પૈસા ન હોવાને કારણે કોઈ ડૉક્ટર તેમનો ઇલાજ કરવા તૈયાર ન હતા. પરંતુ યહોવાહ તેમને ભૂલી ગયા ન હતા. છેવટે, તે સ્થાનિક હૉસ્પિટલના એક સિનિયર ડૉક્ટરને મળ્યા. એ ડૉક્ટરને બાઇબલમાં પૂરો ભરોસો હતો, તેથી તેમણે ભાઈ પોઝીન્ગરની પોતાના દીકરાની જેમ પૈસા લીધા વગર સારવાર કરી. આવા અનુભવો વાંચવાથી ખરેખર યહોવાહ પરમેશ્વરમાં આપણો ભરોસો વધે છે.

આપણે વિશ્વાસમાં દૃઢ રહી શકીએ એ માટે યહોવાહે બીજું એક મહત્ત્વનું સાધન પૂરું પાડયું છે, એ છે પ્રાર્થના કરવાનો લહાવો. પ્રેષિત પાઊલ પ્રેમાળ રીતે આપણને કહે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો.” (ફિલિપી ૪:૬) “દરેક બાબતમાં” આપણી લાગણી, જરૂરિયાતો, ભય અને ચિંતાઓનો સમાવેશ થાય છે. આપણે જેટલી વાર હૃદયપૂર્વકની પ્રાર્થના કરશું એટલો યહોવાહમાં આપણો ભરોસો વધશે.

ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તે કેટલીક વાર પ્રાર્થના કરવા એકાંતમાં જતા હતા. (માત્થી ૧૪:૨૩; માર્ક ૧:૩૫) મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં તેમણે પોતાના પિતાને આખી રાત પ્રાર્થના કરી. (લુક ૬:૧૨, ૧૩) એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ઈસુને યહોવાહમાં ખૂબ ભરોસો હતો તેથી, તે મરણની કસોટીનો પણ સામનો કરી શક્યા. એવી કસોટી કોઈના પર પણ આવી શકે. વધઃસ્તંભ પર તેમના છેલ્લા શબ્દો આ હતા: “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.” આ શબ્દો બતાવે છે કે યહોવાહે તેમને મરણમાંથી બચાવ્યા નહિ છતાં, અંત સુધી તેમણે પોતાના પિતામાં ભરોસો રાખ્યો.—લુક ૨૩:૪૬.

યહોવાહમાં આપણો ભરોસો દૃઢ કરવાની બીજી એક રીત એ છે કે, તેમનામાં પૂરા હૃદયથી ભરોસો રાખનારાઓ સાથે નિયમિત રીતે સંગત રાખવી. યહોવાહે પોતાના લોકોને આજ્ઞા આપી કે તેઓ નિયમિત રીતે ભેગા મળીને તેમના વિષે શીખે અને એકબીજાને ઉત્તેજન આપે. (પુનર્નિયમ ૩૧:૧૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫) આવી સંગત રાખવાથી યહોવાહમાં તેઓનો ભરોસો દૃઢ થાય છે અને વિશ્વાસની કસોટીમાં ટકી રહેવા તેઓને મદદ મળે છે. આફ્રિકાના એક દેશમાં પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી ત્યાં યહોવાહના સાક્ષીઓને પોલીસ રક્ષણ, પાસપોર્ટ જેવા મુસાફરી કરવાના દસ્તાવેજો, લગ્‍ન સર્ટિફિકેટ, હૉસ્પિટલની સારવાર કે નોકરી આપવાનો નકાર કરવામાં આવ્યો. એક વિસ્તારમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી ત્યારે, નજીકના મંડળમાંથી બાળકો સહિત ૩૯ સભ્યો, પોતાના શહેરમાં થઈ રહેલા બોમ્બમારાથી બચવા એક ઉજ્જડ વિસ્તારમાં આવેલા પુલ નીચે ચાર મહિના જેટલું રહ્યાં. આવી કપરી પરિસ્થિતિમાં પણ દૈનિક વચનની ચર્ચા અને બીજી સભાઓ ભરવાથી તેઓને હિંમત મળી. આમ તેઓ આત્મિક પ્રવૃત્તિથી કપરા સમયમાં ટકી શક્યા અને તેઓનો ભરોસો દૃઢ થયો. આ અનુભવ આપણને સ્પષ્ટ બતાવે છે કે યહોવાહના લોકો સાથે નિયમિત સભાઓમાં જોડાવું કેટલું મૂલ્યવાન છે.

યહોવાહમાં આપણો ભરોસો દૃઢ કરવા માટેનો છેલ્લો ઉપાય એ છે કે, આપણે રાજ્યના પ્રચાર કાર્યમાં ઉત્સાહથી લાગુ રહેવું જોઈએ અને બીજાઓને સંદેશ જણાવવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. એ આપણને કૅનેડાના એક યુવાન અને ઉત્સાહી બહેનના ઉત્તેજનભર્યા અનુભવમાંથી જોવા મળે છે. તેને લોહીનું કૅન્સર (લ્યુકેમિયા) થયું હતું છતાં, તે નિયમિત પાયોનિયર બનવા માગતી હતી. તેની તબિયતમાં થોડો સુધારો થયો ત્યારે, તેણે એક મહિનો સહાયક પાયોનિયર કાર્ય કર્યું. પછી તેની બીમારી વધતી ગઈ અને અમુક મહીના બાદ તે મૃત્યુ પામી. તોપણ તે મરણપર્યંત આત્મિક રીતે મજબૂત હતી. યહોવાહ પર તેનો ભરોસો જરાય ડગમગ્યો ન હતો. તેની માતા યાદ કરતાં કહે છે: “મૃત્યુ સુધી તે પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા કરતી હતી. તે તેઓને બાઇબલ અભ્યાસ કરવા માટે ઉત્તેજન આપતી અને કહેતી કે, ‘પારાદેશમાં આપણે સાથે હોઈશું.’”

યહોવાહ પરના આપણા ભરોસાની સાબિતી આપવી

“જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.” (યાકૂબ ૨:૨૬) યાકૂબે કહ્યું કે પરમેશ્વરમાં વિશ્વાસ મૂકો, એનો એ પણ અર્થ થાય કે તેમના પર આપણે ભરોસો મૂકવો જોઈએ. આપણે ગમે તેટલું કહીએ કે આપણને યહોવાહમાં ભરોસો છે, પરંતુ કાર્યો વગરનો ભરોસો વ્યર્થ છે. ઈબ્રાહિમે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂક્યો અને એ ભરોસાને કારણે અચકાયા વિના તેમણે તેમની આજ્ઞાઓ પાળી, એટલે સુધી કે પોતાના એકના એક દીકરા, ઈસ્હાકનું બલિદાન આપવા માટે પણ તે તૈયાર હતા. આવા ભરોસા અને આજ્ઞાપાલનના કારણે ઈબ્રાહીમ, યહોવાહના મિત્ર તરીકે જાણીતા થયા.—હેબ્રી ૧૧:૮-૧૦, ૧૭-૧૯; યાકૂબ ૨:૨૩.

યહોવાહમાં પોતાનો ભરોસો બતાવવા આપણે એવી રાહ જોવાની જરૂર નથી કે આપણા પર અમુક ગંભીર કસોટીઓ આવશે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) એવી જ રીતે આપણે પણ આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં યહોવાહ પર ભરોસો મૂકતાં શીખવું જોઈએ અને નાની નાની બાબતોમાં પણ તેમને આજ્ઞાધીન રહેવું જોઈએ. જ્યારે આપણે આજ્ઞાધીન રહેવાથી શું લાભ થાય છે એ તપાસીએ છીએ ત્યારે, યહોવાહ પરનો આપણો ભરોસો વધશે અને એનાથી આપણે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું.

જગતનો અંત આવી રહ્યો છે તેમ, યહોવાહના લોકોને વધારે મુશ્કેલીઓ અને આફતોનો સામનો કરવો પડશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨; ૨ તીમોથી ૩:૧૨) અત્યારથી જ આપણે યહોવાહમાં પૂરો ભરોસો મૂકતાં શીખીશું તો, આપણે મહાન વિપત્તિમાંથી બચીને કે સજીવન થઈને તેમની નવી દુનિયામાં જવાની આશા રાખી શકીશું. (૨ પીતર ૩:૧૩) તેથી, ચાલો આપણે યહોવાહ પર ક્યારેય ભરોસો મૂકવાનું છોડીએ નહિ, જેનાથી તેમની સાથેનો આપણો કીમતી સંબંધ બગડી શકે છે. એમ કરીશું તો, સિંહોના બીલમાંથી દાનીયેલને છોડાવ્યા પછી જે કહેવામાં આવ્યું એવું જ આપણા માટે પણ કહેવામાં આવશે: “કોઈ પણ પ્રકારની ઈજાનાં ચિહ્‍ન માલૂમ પડ્યાં નહિ, કેમકે તેણે પોતાના દેવ પર શ્રદ્ધા રાખી હતી.”—દાનીયેલ ૬:૨૩.

[ફુટનોટ]

a વધુ માહિતી માટે નવેમ્બર ૧, ૧૯૯૪ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૨૩-૨૭ જુઓ.

[પાન ૯ પર ચિત્ર]

માર્ટિન પોઝીન્ગર જેવા યહોવાહના વિશ્વાસુ સેવકોના અનુભવ વાંચવાથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો