વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૭/૧૫ પાન ૧૫-૨૦
  • કાપણીના કાર્યમાં લાગુ રહો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કાપણીના કાર્યમાં લાગુ રહો!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘તમારો દ્વેષ થશે’
  • જીવન બચાવનાર સંદેશ
  • સતાવણી છતાં આનંદ કરવો
  • કાપણીના કાર્યમાં લાગુ રહો
  • ફસલના આનંદી મજૂરો બનો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ખેતરો કાપણીને માટે તૈયાર છે
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સંદેશો બધે વાવીએ
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૭/૧૫ પાન ૧૫-૨૦

કાપણીના કાર્યમાં લાગુ રહો!

“જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.”—ગીતશાસ્ત્ર ૧૨૬:૫.

ઈસુ ખ્રિસ્તે ત્રીજી વાર ગાલીલીમાં પ્રચાર પૂરો કર્યો. પછી, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.” (માત્થી ૯:૩૭) યહુદાહમાં પણ એ જ હાલત હતી. (લુક ૧૦:૨) લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં જો એ હાલત હોય તો, આજના વિષે શું? ગયા સેવા વર્ષમાં ૬૦,૦૦,૦૦૦ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓએ જગતની ૬,૦૦,૦૦,૦૦,૦૦૦ની વસ્તીમાં કાપણીનું કાર્ય કર્યું. તેઓમાંના ઘણા “પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા” છે. તેથી, ‘ફસલને સારૂ મજૂરો મોકલવા ફસલના ધણીને પ્રાર્થના’ કરવાની ઈસુની સલાહ, પહેલાંની જેમ આજે પણ એટલી જ મહત્ત્વની છે.—માત્થી ૯:૩૬, ૩૮.

૨ કાપણીના ધણી, યહોવાહ પરમેશ્વરે વધારે મજૂરો મોકલવાની વિનંતી સાભળી છે. પરમેશ્વરે સોંપેલું આ કાપણીનું કાર્ય કરવાનો કેવો આનંદ! આપણે બીજી પ્રજાઓ કરતાં સંખ્યામાં થોડા જ છીએ. પરંતુ રાજ્ય પ્રચાર અને શિષ્યો બનાવવાના કાર્યમાં આપણો ઉત્સાહ લોકોના ધ્યાન બહાર રહેતો નથી. ઘણા દેશોના ટીવી, રેડિયો કે છાપામાં આપણો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ટીવીના કાર્યક્રમોમાં પણ બતાવવામાં આવે છે કે દરવાજાની ઘંટડી વાગતા જ તેઓ કહે છે કે યહોવાહના સાક્ષીઓ મુલાકાતે આવ્યા છે. હા, કાપણીના મજૂરો તરીકેનું આપણું કાર્ય આ ૨૧મી સદીમાં સારી રીતે જાણીતું છે.

૩ પ્રથમ સદીમાં પણ લોકોનું ધ્યાન રાજ્ય પ્રચારની પ્રવૃત્તિ પર ગયું અને તેઓએ પ્રચાર કરનારાઓની સતાવણી કરી. આથી, પ્રેષિત પાઊલે લખ્યું: “મને તો એમ ભાસે છે કે હવે દેવે સહુથી છેલ્લા અમો પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે; કેમકે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા થયા છીએ.” (૧ કોરીંથી ૪:૯) એવી જ રીતે, સતાવણીમાં પણ આપણે પ્રચાર કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે, આપણે લોકોના અને ખાસ કરીને દૂતોના ધ્યાન પર આવીએ છીએ. પ્રકટીકરણ ૧૪:૬ કહે છે, “મેં [પ્રેષિત યોહાને] બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી.” હા, આપણને કાપણીના કાર્યમાં, એટલે કે પ્રચાર કાર્યમાં દૂતોનો ટેકો છે.—હેબ્રી ૧:૧૩, ૧૪.

‘તમારો દ્વેષ થશે’

૪ ઈસુના પ્રેષિતોને કાપણીના મજૂરો તરીકે મોકલવામાં આવ્યા ત્યારે, તેઓએ “સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ” થવાની તેમની સલાહને ધ્યાન આપ્યું. ઈસુએ ઉમેર્યું: “તમે માણસોથી સાવધાન રહો; કેમકે તેઓ તમને ન્યાયસભામાં સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. . . . મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.”—માત્થી ૧૦:૧૬-૨૨.

૫ આજે આપણો “દ્વેષ” કરવામાં આવે છે, કારણ કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” તે દુષ્ટ શેતાન, ડેવિલ છે કે જે પરમેશ્વર અને તેમના લોકોનો કટ્ટર દુશ્મન છે. (૧ યોહાન ૫:૧૯) આપણા દુશ્મનો આપણી આત્મિક આબાદી જુએ છે પરંતુ તેઓ એને માટે યહોવાહને મહિમા આપતા નથી. આપણે કાપણીનું કાર્ય આનંદથી કરીએ છીએ, એ પણ આપણા વિરોધીઓના ધ્યાન બહાર જતું નથી. તેઓને આપણી એકતા જોઈને પણ આશ્ચર્ય થાય છે! હકીકતમાં, તેઓ એ ન છૂટકે પણ સ્વીકારે છે, કે તેઓ બીજા દેશોમાં જાય છે ત્યાં પણ યહોવાહના સાક્ષીઓને એ જ કામ કરતા જુએ છે. જોકે, આપણે જાણીએ છીએ કે આપણને ટેકો આપનાર અને આપણી એકતાના ઉદ્‍ભવ, યહોવાહ યોગ્ય સમયે આપણા દુશ્મનો આગળ પોતાને જરૂર પ્રગટ કરશે.—હઝકીએલ ૩૮:૧૦-૧૨, ૨૩.

૬ કાપણીના ધણીએ પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્તને “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર” આપ્યો છે. (માત્થી ૨૮:૧૮) આમ, યહોવાહ કાપણીના કાર્યમાં માર્ગદર્શન આપવા સ્વર્ગીય દૂતો અને પૃથ્વી પર ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનો’ ઈસુ દ્વારા ઉપયોગ કરે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; પ્રકટીકરણ ૧૪:૬, ૭) પરંતુ, કઈ રીતે આપણે દુશ્મનોનો વિરોધ સહન કરીને પણ, કાપણીના કાર્યમાં વ્યસ્ત રહીને આપણો આનંદ જાળવી રાખી શકીએ?

૭ આપણે વિરોધ કે સતાવણી સહેતા હોઈએ ત્યારે, યહોવાહની મદદ શોધીએ, જેથી આપણે પાઊલ જેવું વલણ રાખી શકીએ. તેમણે લખ્યું: “નિંદાએલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ; સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ; તુચ્છકારાએલા છતાં આજીજી કરીએ છીએ.” (૧ કોરીંથી ૪:૧૨, ૧૩) આપણા સેવાકાર્યમાં આવું વલણ જોઈને કેટલીક વખત આપણા વિરોધીઓ પણ પોતાનું વલણ બદલે છે.

૮ મરણની ધમકી પણ કાપણીના મજૂરો તરીકેના આપણા ઉત્સાહને ઠંડો પાડી શકતી નથી. આપણે નિર્ભયપણે રાજ્ય સંદેશ જાહેર કરીએ છીએ. આપણે ઈસુના ખાતરી આપનારા શબ્દોમાંથી ઉત્તેજન મેળવીએ છીએ: “શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.” (માત્થી ૧૦:૨૮) આપણે જાણીએ છીએ કે આપણા સ્વર્ગીય પિતા, યહોવાહ જીવન આપનાર છે. તે તેમના પ્રત્યે પ્રામાણિકતા જાળવી રાખનારા અને કાપણીના કાર્યમાં વિશ્વાસથી ટકી રહેનારાને બદલો આપે છે.

જીવન બચાવનાર સંદેશ

૯ પ્રબોધક હઝકીએલે ઈસ્રાએલ અને યહુદાહના રાજ્યો, ‘બંડખોર પ્રજાઓને’ હિંમતથી સંદેશો જાહેર કર્યો ત્યારે, કેટલાકને એ સાંભળીને આનંદ થયો. (હઝકીએલ ૨:૩) યહોવાહે કહ્યું, “જો, તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો લાગે છે.” (હઝકીએલ ૩૩:૩૨) તેઓને હઝકીએલના શબ્દો ગમ્યા હતા છતાં, તેઓએ એનો સ્વીકાર કર્યો નહિ. આજે શું બની રહ્યું છે? અભિષિક્ત શેષભાગ અને તેઓના સંગાથીઓ હિંમતથી યહોવાહનો સંદેશો જાહેર કરે છે ત્યારે, કેટલાકને રાજ્યમાં મળનાર આશીર્વાદો વિષે સાંભળવાનું ગમે છે. પરંતુ તેઓ એની કદર કરતા નથી અને શિષ્યો બનીને કાપણીના કાર્યમાં જોડાતા નથી.

૧૦ બીજી બાજુ, ઘણા લોકો કાપણીના કાર્યમાં ખુશીથી જોડાઈને પરમેશ્વરનો સંદેશો જાહેર કરે છે. દાખલા તરીકે, ૧૯૨૨થી ૧૯૨૮માં યોજાયેલા ખ્રિસ્તી મહાસંમેલનોમાં, શેતાનની દુષ્ટ વ્યવસ્થા વિરુદ્ધ ન્યાયના સંદેશાઓ જાહેર કરવામાં આવ્યા. મહાસંમેલનોમાં થયેલી આ જાહેરાતોને રેડિયો પરથી પણ પ્રસારિત કરવામાં આવી. ત્યાર પછી, પરમેશ્વરના લોકોએ એ વિષે છાપેલા સંદેશાની લાખો પ્રતો વહેંચી.

૧૧ વળી, ૧૯૩૦ના દાયકાના અંતે ઈન્ફૉર્મેશન માર્ચ નામની બીજી એક પ્રચાર પ્રવૃત્તિનો માર્ગ ખુલ્યો. શરૂઆતમાં, યહોવાહના લોકો જાહેર ભાષણની જાહેરાત કરતા પોસ્ટરો લટકાવીને ફરતા હતા. પછી તેઓ, “ધર્મ એક ફાંદો અને ધતિંગ છે” તથા “પરમેશ્વરની અને રાજા ખ્રિસ્તની સેવા કરો” જેવા વાંચી શકાય એવા સૂત્રો લઈને ફરતા હતા. તેઓ રસ્તાઓ પરથી પસાર થતા ત્યારે, એનાથી લોકોનું ધ્યાન ખેંચાતું હતું. લંડન, ઇંગ્લૅંડના વ્યસ્ત રસ્તાઓ પર આ રીતે નિયમિત કાર્ય કરતા એક ભાઈએ કહ્યું: ‘એના કારણે યહોવાહના સાક્ષીઓ જાણીતા થયા અને તેઓને હિંમત મળી.’

૧૨ આપણે પરમેશ્વરના ન્યાયચુકાદાના સંદેશાને જાહેર કરીએ છીએ તેમ, રાજ્ય સંદેશમાંના આશીર્વાદો પર પણ ધ્યાન દોરીએ છીએ. જગત ફરતે હિંમતપૂર્વક સાક્ષી આપવાથી આપણને યોગ્ય વ્યક્તિઓ શોધવામાં મદદ મળે છે. (માત્થી ૧૦:૧૧) અભિષિક્ત વર્ગના મોટા ભાગના છેલ્લા સભ્યોએ ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં કાપણીની જાહેરાત સાંભળીને એ પ્રમાણે પગલાં ભર્યાં. પછી, ૧૯૩૫ના મહાસંમેલનમાં, પારાદેશ પૃથ્વી પર ‘બીજાં ઘેટાંની’ ‘મોટી સભાને’ ભાવિમાં મળનારા આશીર્વાદોના અદ્‍ભુત સમાચાર જાણવા મળ્યા. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) તેઓએ પરમેશ્વરનો ન્યાયનો સંદેશો સાંભળ્યો અને અભિષિક્ત જનો સાથે જીવન બચાવનાર કાર્ય કરવા એકતામાં આવ્યા.

૧૩ યહોવાહના કાપણીના મજૂરો, ખાસ કરીને સતાવણી સહન કરનારાઓએ, ગીતશાસ્ત્ર ૧૨૬:૫, ૬માંથી ઘણો દિલાસો મેળવ્યો છે: “જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચીત આનંદભેર પાછો આવશે.” ગીતશાસ્ત્રના લેખકના વાવવા અને લણવા વિષેના શબ્દો, પ્રાચીન બાબેલોનના બંદીવાસમાંથી બચીને પાછા ફરેલા લોકોની યહોવાહે જે કાળજી રાખી અને આશીર્વાદો આપ્યા એને બતાવે છે. તેઓ પોતાના છુટકારા માટે ઘણા આનંદિત હતા. પરંતુ, ૭૦ વર્ષના બંદીવાસ દરમિયાન વેરાન પડેલી ભૂમિમાં બી વાવ્યા હશે ત્યારે, ખરેખર તેઓ રડ્યા હશે કેમ કે એ ખૂબ અઘરું હશે. તેમ છતાં, તેઓને ખેતી અને બાંધકામના કામમાં કરેલી મહેનતના ફળ મળ્યા તેમ, તેઓએ આનંદ માણ્યો અને સંતોષ મેળવ્યો.

૧૪ સતાવણીના સમયમાં અથવા આપણે કે આપણા સાથી વિશ્વાસુઓ ન્યાયીપણાના લીધે સહન કરતા હોઈએ ત્યારે, આપણે આંસુ પાડ્યા હોય શકે. (૧ પીતર ૩:૧૪) કાપણીના કાર્યમાં આપણને શરૂઆતમાં સફળતા ન મળવાના કારણે અઘરું લાગી શકે. પરંતુ, આપણે વાવવાનું અને પાણી પાવાનું ચાલુ રાખીએ તો, યહોવાહ આપણે ધાર્યું પણ નહિ હોય એટલી વૃદ્ધિ કરશે. (૧ કોરીંથી ૩:૬) આ આપણને બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનોના વિતરણનાં પરિણામોથી સારી રીતે જોવા મળે છે.

૧૫ જીમ નામની વ્યક્તિનો વિચાર કરો. તેની મમ્મી મરણ પામી ત્યારે, તેને તેના સામાનમાંથી જીવન—એની શરૂઆત કઈ રીતે થઈ? ઉત્ક્રાંતિથી કે ઉત્પત્તિથી? (અંગ્રેજી)a નામનું એક પુસ્તક મળી આવ્યું. તેણે ધ્યાનથી એ વાંચ્યું. પછી ફળિયાના પ્રચાર કાર્યમાં જીમને મળેલી એક સાક્ષી બહેન સાથેની ચર્ચામાં, તે ફરી મુલાકાત માટે સહમત થયો અને એનાથી બાઇબલ અભ્યાસ શરૂ થયો. જીમે ઝડપી આત્મિક પ્રગતિ કરી અને યહોવાહને પોતાનું સમર્પણ કરીને તે બાપ્તિસ્મા પામ્યો. પોતે જે શીખ્યો એ વિષે તેણે તેના કુટુંબના બીજા સભ્યોને પણ જણાવ્યું. પરિણામે, તેના મોટા ભાઈ અને બહેન યહોવાહના સાક્ષી બન્યા. પછી જીમે લંડન બેથેલમાં પૂરા સમયના સ્વયંસેવક તરીકે કાર્ય કરવાનો આનંદ માણ્યો.

સતાવણી છતાં આનંદ કરવો

૧૬ શા માટે કાપણીના કાર્યમાં આટલી સફળતા મળે છે? કેમ કે અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના સંગાથીઓએ ઈસુનાં સૂચનો પાળ્યાં છે: “હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.” (માત્થી ૧૦:૨૭) તેમ છતાં, આપણી સતાવણી થઈ શકે છે, કેમ કે ઈસુએ ચેતવણી આપી: “ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.” (માત્થી ૧૦:૨૧, ૩૪) જાણીજોઈને કુટુંબોમાં ભાગલા પડાવવાનો ઈસુનો કોઈ ઇરાદો ન હતો. પરંતુ અમુક સમયે એ સુસમાચારની અસર હતી. આજે યહોવાહના સેવકોમાં પણ એ સાચું છે. આપણે કુટુંબોની મુલાકાત લઈએ છીએ ત્યારે, એવો ઇરાદો રાખતા નથી કે તેઓના કુટુંબમાં ભાગલા પાડીએ. આપણી તો એવી ઇચ્છા છે કે દરેક વ્યક્તિ સુસમાચાર સ્વીકારે. એ કારણે, આપણે કુટુંબના દરેક સભ્ય સાથે માયાળુપણે અને નમ્રતાથી વાત કરીએ છીએ. જેથી, “અનંતજીવનને સારૂ જેટલા નિર્માણ થએલા” છે તેઓ આપણા સંદેશાને સ્વીકારે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

૧૭ પરમેશ્વરની સર્વોપરિતાને ટેકો આપનારાને રાજ્ય સંદેશો અલગ પાડે છે. દાખલા તરીકે, જર્મનીમાં રાષ્ટ્રીય સમાજવાદના સમયનો વિચાર કરો. ‘જે કાઈસારનાં છે તે કાઈસારને અને જે દેવનાં છે તે દેવને ભરી આપવાને કારણે’ આપણા સાથી ઉપાસકો એકદમ અલગ તરી આવ્યા. (લુક ૨૦:૨૫) ધર્મગુરુઓ અને ચર્ચના કહેવાતા ખ્રિસ્તીઓ કરતાં, યહોવાહના સેવકોએ મક્કમ સ્થાન લીધું અને બાઇબલ સિદ્ધાંતો તોડવાનો નકાર કર્યો. (યશાયાહ ૨:૪; માત્થી ૪:૧૦; યોહાન ૧૭:૧૬) નાત્ઝી સરકાર અને નવા ધર્મો (અંગ્રેજી) પુસ્તકની લેખિકા ક્રિષ્ટિનાએ કહ્યું: ‘ફક્ત યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ [નાત્ઝી] સરકાર નિષ્ફળ ગઈ. તેઓએ હજારોને મારી નાખ્યા છતાં, તેઓનું કાર્ય ચાલુ જ રહ્યું. મે, ૧૯૪૫માં યહોવાહના સાક્ષીઓની ચળવળ હજુ ચાલુ જ હતી ત્યારે, રાષ્ટ્રીય સમાજવાદ ક્યાંય દેખાતો ન હતો.”

૧૮ સતાવણીના સમયે યહોવાહના સાક્ષીઓએ બતાવેલું વલણ ખરેખર નોંધપાત્ર છે. ખરું, કે દુન્યવી અધિકારીઓ પર આપણા વિશ્વાસની ઊંડી અસર પડી હોય શકે, તોપણ તેઓ એ જોઈને મોંમાં આંગળા નાખી જાય છે કે આપણે કોઈ પણ પ્રકારનો ખાર રાખતા નથી. દાખલા તરીકે, મોટી કત્લેઆમમાંથી બચી ગયેલા સાક્ષીઓ પોતાના અનુભવો યાદ કરે છે ત્યારે, તેઓ આનંદ અને સંતોષ મેળવે છે. તેઓ જાણે છે કે યહોવાહે તેમને “પરાક્રમની અધિકતા” આપી હતી. (૨ કોરીંથી ૪:૭) આપણામાંના અભિષિક્ત જનોને ખાતરી છે કે તેઓનાં “નામ આકાશમાં લખેલાં છે.” (લુક ૧૦:૨૦) તેઓની ધીરજ આશા ઉત્પન્‍ન કરે છે અને એનાથી તેઓ નિરુત્સાહ થતા નથી. પૃથ્વી પરની આશા ધરાવતા કાપણીના વિશ્વાસુ મજૂરોને પણ એવો જ વિશ્વાસ છે.—રૂમી ૫:૪, ૫.

કાપણીના કાર્યમાં લાગુ રહો

૧૯ યહોવાહ આ કાપણીનું કાર્ય ક્યાં સુધી ચાલવા દેશે એ તો સમય જ બતાવશે. ત્યાં સુધી, આપણે યાદ રાખવું જોઈએ કે કાપણીના મજૂરો પોતાનું કાર્ય ખાસ રીતોએ કરે છે. એવી જ રીતે, આપણે ખાતરી રાખી શકીએ કે પ્રચાર કાર્યમાં અજમાવી જોયેલી રીતોનો ઉપયોગ કરવાથી એ અસરકારક પુરવાર થશે. પાઊલે સાથી ખ્રિસ્તીઓને કહ્યું: “હું તમને વિનંતી કરૂં છું, કે મારા અનુયાયી થાઓ.” (૧ કોરીંથી ૪:૧૬) પાઊલ, એફેસીના વડીલોને મીલેતસમાં મળ્યા ત્યારે, તેઓને યાદ દેવડાવ્યું કે પોતે તેઓને ‘પ્રગટ રીતે તથા ઘેરેઘેર’ શીખવ્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧) પાઊલના સંગાથી તીમોથી પ્રેષિતોની રીત શીખ્યા હતા. તેથી, તે કોરીંથીઓને એ વિષે શીખવી શક્યા. (૧ કોરીંથી ૪:૧૭) પરમેશ્વરે પાઊલની શીખવવાની રીતને આશીર્વાદ આપ્યો હતો. એ જ રીતે તે આપણને પણ સુસમાચાર પ્રગટ કરવામાં, ઘરઘરના કાર્યમાં, ફરી મુલાકાત લેવામાં અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં લાગુ રહેવા આશીર્વાદ આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૭.

૨૦ ઈસુએ ૩૦ સી.ઈ.માં સૈખાર નજીક સમરૂની સ્ત્રીને સાક્ષી આપ્યા પછી, આત્મિક કાપણી વિષે વાત કરી. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ, કે તેઓ કાપણીને સારૂ પાકી ચૂક્યાં છે. જે કાપે છે તે મુસારો પામે છે, અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે.” (યોહાન ૪:૩૪-૩૬) સમરૂની સ્ત્રીને મળ્યા પછી, ઈસુ એનું પરિણામ જોઈ શક્યા હશે, કેમ કે તે સ્ત્રીની સાક્ષીથી ઘણા લોકો ઈસુ પર વિશ્વાસ કરી રહ્યા હતા. (યોહાન ૪:૩૯) તાજેતરનાં વર્ષોમાં, ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અથવા તેઓના કાર્યને કાયદેસરની મંજૂરી આપવામાં આવી છે. આમ, કાપણીના કાર્ય માટેનો માર્ગ ખૂલ્યો છે. પરિણામે, વિપુલ પ્રમાણમાં આત્મિક કાપણીનું કાર્ય થઈ રહ્યું છે. હકીકતમાં, આખી દુનિયામાં આત્મિક કાપણીના કાર્યમાં આનંદથી આગળ વધવાથી ભરપૂર આશીર્વાદો મળી રહ્યા છે.

૨૧ પાક કાપણી માટે તૈયાર હોય છે ત્યારે, મજૂરો સખત મહેનત કરે છે. તેઓ જરાય મોડું કર્યા વગર મજૂરી કરે છે. આજે, આપણે પણ ખંતથી અને તાકીદે કાર્ય કરવાની જરૂર છે. કેમ કે આપણે ‘છેક અંતના સમયમાં’ જીવી રહ્યા છીએ. (દાનીયેલ ૧૨:૪) હા, આપણે સતાવણીનો સામનો કરીએ છીએ, પરંતુ પહેલાંના કરતાં હમણાં યહોવાહના ઉપાસકો માટે વધારે કાપણીનું કાર્ય રહેલું છે. તેથી, આ આનંદનો દિવસ છે. (યશાયાહ ૯:૩) તો પછી, ચાલો આપણે આનંદી મજૂરો તરીકે કાપણીના કાર્યમાં લાગુ રહીએ!

[ફુટનોટ]

a યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત અને વિતરણ થયેલું પુસ્તક.

તમે કેવો જવાબ આપશો?

• ફસલના ધણીએ કઈ રીતે વધારે મજૂરો માટેની વિનંતી સાંભળી છે?

• આપણો “દ્વેષ” કરવામાં આવે છતાં, આપણે કેવું વલણ રાખવું જોઈએ?

• સતાવણી છતાં શા માટે આપણે આનંદ કરીએ છીએ?

• શા માટે આપણે કાપણીના કાર્યમાં તાકીદે લાગુ રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. શા માટે આજે ‘ફસલના મજૂરો માટે ફસલના ધણીને પ્રાર્થના કરવી’ જોઈએ?

૨. લોકોનું ધ્યાન આપણા પર કેવી રીતે જાય છે?

૩. (ક) પ્રથમ સદીની રાજ્ય પ્રચાર પ્રવૃત્તિએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, એમ શા માટે કહી શકાય? (ખ) શા માટે આપણે કહી શકીએ કે દૂતો પ્રચાર કાર્યને ટેકો આપે છે?

૪, ૫. (ક) ઈસુએ પોતાના શિષ્યોને કઈ ચેતવણી આપી? (ખ) આજે શા માટે પરમેશ્વરના સેવકોનો “દ્વેષ” કરવામાં આવે છે?

૬. આપણે કાપણીના કાર્યમાં વ્યસ્ત રહીએ છીએ તેમ કઈ ખાતરી રાખી શકીએ, પરંતુ કયો પ્રશ્ન ઊભો થાય છે?

૭. વિરોધ કે સતાવણી આવે ત્યારે આપણે કેવું વલણ જાળવી રાખવું જોઈએ?

૮. માત્થી ૧૦:૨૮માંના ઈસુના શબ્દોમાંથી તમને કઈ ખાતરી મળે છે?

૯. હઝકીએલે જણાવેલા સંદેશાની કેટલાક પર કેવી અસર થઈ અને આજે પણ કઈ રીતે એવું જ બને છે?

૧૦, ૧૧. અડધી વીસમી સદી દરમિયાન, જીવન બચાવનાર સંદેશો કઈ રીતે જાહેર કરવામાં આવ્યો અને એનું શું પરિણામ આવ્યું?

૧૨. પરમેશ્વરના ન્યાયચુકાદાની સાથે, સેવાકાર્યમાં બીજો શાનો પ્રચાર થઈ રહ્યો છે અને હવે એ કાર્યમાં કોણ ભાગ લઈ રહ્યું છે?

૧૩, ૧૪. (ક) આપણે ગીતશાસ્ત્ર ૧૨૬:૫, ૬માંથી કયો દિલાસો મેળવી શકીએ? (ખ) આપણે વાવવાનું અને પાણી પાવાનું ચાલુ રાખીએ તો શું થશે?

૧૫. કાપણીના કાર્યમાં ખ્રિસ્તી પ્રકાશનો કઈ રીતે મદદરૂપ થાય છે એનું ઉદાહરણ આપો.

૧૬. (ક) શા માટે કાપણીના કાર્યમાં સફળતા મળે છે? (ખ) સુસમાચારની અસર વિષે ઈસુએ કઈ ચેતવણી આપી, પરંતુ આપણે કેવા વલણથી લોકોને મળીએ છીએ?

૧૭. પરમેશ્વરની સર્વોપરિતાને ટેકો આપનારા કઈ રીતે અલગ પડ્યા અને એનું એક ઉદાહરણ કયું છે?

૧૮. સતાવણી છતાં યહોવાહના લોકો કેવું વલણ બતાવે છે?

૧૯. ખ્રિસ્તી સેવાકાર્યમાં કઈ અસરકારક રીતોનો ઉપયોગ કરવામાં આવે છે?

૨૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે આત્મિક કાપણી ભરપૂર પ્રમાણમાં છે અને હાલમાં એ કઈ રીતે સાચું પડ્યું છે?

૨૧. શા માટે આપણે આનંદી મજૂરો તરીકે કાપણીનું કાર્ય ચાલુ રાખવું જોઈએ?

[પાન ૧૭ પર ચિત્રો]

આત્મિક કાપણીના મજૂરોને દૂતો મદદ કરે છે

[પાન ૧૮ પર ચિત્ર]

પોસ્ટર લઈને ફરનારાઓએ રાજ્ય સંદેશ તરફ ઘણાનું ધ્યાન દોર્યું

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે વાવીએ અને પાણી પાઈએ, પરંતુ વૃદ્ધિ તો પરમેશ્વર જ આપે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો