મારો અનુભવ
મધ્ય પૂર્વમાં આત્મિક પ્રકાશ ચમકે છે
નેગીબ સેલમના જણાવ્યા પ્રમાણે
પહેલી સદી સી.ઈ.માં, પરમેશ્વરના શબ્દનો પ્રકાશ મધ્ય પૂર્વથી પ્રકાશ્યો અને પૃથ્વીના દૂર દૂરના ખૂણા સુધી ફેલાયો હતો. વીસમી સદીમાં એ પ્રકાશ, ફરીથી પૃથ્વીના એ ભાગમાં ચમકવા લાગ્યો છે. ચાલો, એ કઈ રીતે થયું એ હું તમને જણાવું.
મારો જન્મ ૧૯૧૩માં ઉત્તર લેબનનના આમ્યુનના એક શહેરમાં થયો હતો. એ જગત શાંતિ અને સ્થિરતાનું છેલ્લું વર્ષ હતું, કેમ કે એ પછીના વર્ષે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. વર્ષ ૧૯૧૮માં એ યુદ્ધ પૂરું થયું ત્યારે, મધ્ય પૂર્વનું મોતી તરીકે ઓળખાતું લેબનન આર્થિક અને રાજકીય રીતે ભાંગી પડ્યું હતું.
વર્ષ ૧૯૨૦માં લેબનનમાં ટપાલ સેવા ફરીથી શરૂ થઈ ત્યારે, વિદેશમાં રહેતા લેબનનના લોકો તરફથી પત્રો મળવા લાગ્યા. વિદેશમાં અબ્દુલ્લા અને જ્યોર્જ ગાન્ટુસ નામે મારા બે મામા રહેતા હતા. તેઓએ તેમના પિતા, એટલે કે મારા નાના હબીબ ગન્ટ્યુસને પત્ર દ્વારા પરમેશ્વરના રાજ્ય વિષે જણાવ્યું. (માત્થી ૨૪:૧૪) મારા નાનાએ તેમના દીકરાઓએ પત્રમાં જે લખ્યું હતું એ વિષે શહેરના કેટલાક લોકોને જણાવ્યું, અને એના લીધે તેમની ઠઠ્ઠામશ્કરી કરવામાં આવી. શહેરના લોકોએ એવી અફવા ફેલાવી કે હબીબના પુત્રો પોતાના પિતાને જમીન વેચીને ગધેડું ખરીદવાનું અને પ્રચાર કરવાનું ઉત્તેજન આપે છે.
શરૂઆતમાં પ્રકાશ ફેલાયો
એ પછી, વર્ષ ૧૯૨૧માં યુ.એસ.એ., ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં રહેતા મિશેલ આબુદ લેબનનના ટ્રિપોલીમાં પાછા ફર્યા. તે ત્યાં બાઇબલ વિદ્યાર્થી બન્યા હતા, જેઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. ભાઈ આબુદના મોટા ભાગના મિત્રો અને સગા-સંબંધીઓએ બાઇબલ સંદેશાને સ્વીકાર્યો ન હતો. તેમ છતાં, બે પ્રખ્યાત વ્યક્તિઓ, પ્રાધ્યાપક ઈબ્રાહિમ આટિયા અને દાંતના ડૉક્ટર હાન્ના સામાસે સત્ય સ્વીકાર્યું હતું. ડૉ. સામાસે પોતાનું ઘર અને દવાખાનું પણ ખ્રિસ્તી સભાઓ માટે આપ્યું હતું.
ભાઈ આબુદ અને સામાસ આમ્યુનમાં આવ્યા ત્યારે હું ઘણો નાનો હતો. તેઓની મુલાકાતની મારા પર ઊંડી અસર પડી અને મેં ભાઈ આબુદ સાથે પ્રચાર કાર્યમાં જોડાવાનું શરૂ કર્યું. ભાઈ આબુદ ૧૯૬૩માં મરણ પામ્યા ત્યાં સુધી, એટલે કે ૪૦ વર્ષ સુધી અમે બંનેએ સેવાકાર્યમાં નિયમિત સાથે કામ કર્યું હતું.
વર્ષ ૧૯૨૨થી ૧૯૨૫ સુધીમાં ઉત્તર લેબનનના ઘણાં ગામડાંઓમાં બાઇબલ સત્યનો પ્રકાશ ફેલાયો હતો. કંઈક ૨૦થી ૩૦ લોકો ખાનગી ઘરોમાં બાઇબલની ચર્ચા કરવા ભેગા મળતા હતા, જેમાંનું એક આમ્યુનમાં આવેલું અમારું ઘર પણ હતું. પાદરીઓ અમારી સભાઓમાં ખલેલ પહોંચાડવા, કેટલાંક બાળકોને ખાલી ડબ્બા સાથે મોકલતા હતા, જેઓ લાકડીથી એના પર અવાજ કરીને બૂમો અને ચીસો પાડતા હતા. તેથી, ઘણી વાર અમે દેવદારનાં જંગલોમાં સભાઓ ભરતા હતા.
હું બાળપણથી જ સેવાકાર્ય માટે ખૂબ ઉત્સાહી હતો અને દરેક ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપતો હતો. તેથી, મારું લાડલું નામ તીમોથી પાડવામાં આવ્યું. શાળાના સંચાલકે મને “સભાઓમાં” નહિ જવાનો હુકમ કર્યો હતો. મેં એનો નકાર કર્યો ત્યારે મને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો.
બાઇબલ પ્રદેશોમાં સાક્ષી આપવી
વર્ષ ૧૯૩૩માં બાપ્તિસ્મા લીધા પછી તરત જ મેં પાયોનિયરીંગ શરૂ કર્યું, જેને યહોવાહના સાક્ષીઓ પૂરા સમયનું સેવાકાર્ય કહે છે. એ સમયે અમારી સંખ્યા ઓછી હોવા છતાં, અમે લેબનનના ઉત્તર ભાગમાં આવેલા ઘણાં ગામડાંઓની સાથે, બૈરુત અને એના ઉપનગરો તથા દક્ષિણ લેબનનના સર્વ માર્ગોમાં પણ પ્રચાર કર્યો હતો. એ શરૂઆતનાં વર્ષોમાં ઈસુ ખ્રિસ્ત અને પ્રથમ સદીના તેમના અનુયાયીઓની જેમ, અમે ખાસ કરીને ચાલીને અથવા ગધેડા પર મુસાફરી કરતા હતા.
વર્ષ ૧૯૩૬માં ઘણાં વર્ષોથી અમેરિકામાં રહેતા લેબનનના સાક્ષી યુસફ રાખાલ લેબનનની મુલાકાતે પાછા આવ્યા હતા. તે પોતાની સાથે માઈક અને બે ફોનોગ્રાફ પણ લાવ્યા હતા. અમે એને ફૉર્ડ મોટરગાડીની ઉપર લગાવીને લેબનન અને સીરિયાના દૂર દૂરના વિસ્તારોમાં મુસાફરી કરીને રાજ્યનો સંદેશો પહોંચાડ્યો. એ માઈકથી દસ કિલોમીટરના અંતર સુધી પણ લોકો સાંભળી શકતા હતા. ઘણા લોકો તો એને સાંભળવા પોતાના ઘરની અગાશી પર પહોંચી ગયા હતા, જેનું તેઓ આકાશમાંથી આવતા અવાજ તરીકે વર્ણન કરતા હતા. ખેતરમાં કામ કરનારા પોતાનું કામ છોડીને સાંભળવા માટે નજીક આવતા હતા.
વર્ષ ૧૯૩૭ના શિયાળામાં સીરિયાના અલેપ્પો શહેરમાં યુસફ રાખાલ સાથે મેં છેલ્લી મુસાફરી કરી. તે અમેરિકા પાછા જાય એ પહેલાં અમે પેલેસ્ટાઈન પણ ગયા. ત્યાં અમે હૈફા અને જેરુસલેમનાં શહેરો તેમ જ દેશના ગામડાંઓની પણ મુલાકાત લીધી. ત્યાં અમે ઈબ્રાહિમ શિહાદીને મળ્યા, જેમને હું અગાઉ પત્રવ્યવહારથી ઓળખતો હતો. ઈબ્રાહીમે બાઇબલ જ્ઞાનમાં એટલી બધી પ્રગતિ કરી હતી કે અમારી મુલાકાત દરમિયાન, તેમણે ઘર ઘરના સેવાકાર્યમાં અમારી સાથે સહભાગી થવાનું પણ શરૂ કરી દીધું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦.
હું પ્રાધ્યાપક ખાલીલ કોબ્રોસીસને મળવા ખૂબ આતુર હતો. તે એક ચુસ્ત કૅથલિક હતા અને યહોવાહના સાક્ષીઓ સાથે પત્રવ્યવહારથી બાઇબલ અભ્યાસ કરતા હતા. તેમણે કઈ રીતે લેબનનના સાક્ષીઓનું સરનામું મેળવ્યું હતું? હૈફાની એક દુકાનમાંથી ખાલીલે અમુક વસ્તુઓ લીધી હતી, જેને દુકાનદારે યહોવાહના સાક્ષીઓનાં પ્રકાશનોમાંથી એક કાગળ ફાડીને એમાં બાંધી આપી હતી. એ કાગળ પર આપણું સરનામું હતું. તેમની સાથેની અમારી મુલાકાત ખૂબ આનંદદાયી રહી હતી. પછી ૧૯૩૯માં તે ટ્રિપોલીમાં બાપ્તિસ્મા લેવા આવ્યા હતા.
વર્ષ ૧૯૩૭માં પેટ્રોસ લાગાકોસ અને તેમના પત્ની ટ્રિપોલીમાં આવ્યા. પછીના થોડાં વર્ષોમાં અમે ત્રણેવે સાથે મળીને લેબનન અને સીરિયાના મોટા ભાગના વિસ્તારોમાં લોકોને તેઓના ઘરે મળીને રાજ્યનો સંદેશો આપ્યો હતો. ભાઈ લાગાકોસ ૧૯૪૩માં મરણ પામ્યા ત્યાં સુધીમાં તો, લેબનન, સીરિયા તથા પેલેસ્ટાઈનના મોટા ભાગનાં શહેરો અને ગામડાઓમાં સાક્ષીઓએ આત્મિક પ્રકાશ પહોંચાડ્યો હતો. એ સમયે અમે લગભગ ૩૦ જણ દૂર દૂરના વિસ્તારમાં પહોંચવા માટે સવારે ૩:૦૦ વાગ્યે કાર અથવા બસમાં મુસાફરી શરૂ કરતા હતા.
વર્ષ ૧૯૪૦ના દાયકામાં ઈબ્રાહિમ આત્યાએ અરબી ભાષામાં ચોકીબુરજનું ભાષાંતર કરવાનું ચાલુ કર્યું. ત્યાર પછી, હું એ સામયિકની હાથથી લખીને ચાર નકલો બનાવતો હતો અને એને પેલેસ્ટાઈન, સીરિયા અને ઇજિપ્તના સાક્ષીઓને મોકલતો હતો. એ દિવસોમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમારા પ્રચાર કાર્યનો ઘણો વિરોધ થતો હતો. તોપણ, અમે મધ્ય પૂર્વના બાઇબલ સત્યને ચાહનારા સર્વ લોકોનો સંપર્ક સાધ્યો. હું જાતે જ શહેરો અને એની નજીકનાં ગામડાંઓના નકશા બનાવતો અને અમે સુસમાચાર સાથે તેઓને મળવાની યોજના કરતા હતા.
વર્ષ ૧૯૪૪માં મેં મારા પાયોનિયર સાથી મિશેલ આબુદની પુત્રી ઈવલીન સાથે લગ્ન કર્યું, જે સમયે બીજું વિશ્વયુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. પછી અમે એક પુત્રી અને બે પુત્રોના માબાપ બન્યાં.
મિશનરિઓ સાથે કાર્ય
યુદ્ધ પૂરું થયું કે તરત જ ગિલયડ શાળાના પહેલા વર્ગમાંથી સ્નાતક થયેલા મિશનરિઓ લેબનનમાં આવ્યા. પરિણામે, લેબનનમાં પ્રથમ વાર મંડળ સ્થપાયું અને મને કંપની સેવક તરીકે નીમવામાં આવ્યો. પછી ૧૯૪૭માં ભાઈ નાથાન એચ. નોર અને તેમના સેક્રેટરી મિલ્ટન જી. હેન્શલે લેબનનની મુલાકાત લીધી અને ભાઈબહેનોને ઘણું ઉત્તેજન આપ્યું. જલદી જ વધારે મિશનરિઓ આવ્યા અને અમારા સેવાકાર્યને વધારવા તથા મંડળની સભાઓ હાથ ધરવામાં ખૂબ જ મદદરૂપ થયા.
સીરિયાના દૂર દૂરના વિસ્તારોની મુલાકાતોમાં એક વખત સ્થાનિક બિશપે અમારો ખૂબ વિરોધ કર્યો. તેણે અમારા પર યહુદીવાદનાં પ્રકાશનોનું વિતરણ કરવાનો આરોપ મૂક્યો. કટાક્ષપૂર્ણ રીતે, વર્ષ ૧૯૪૮ પહેલાં પાદરીઓ વારંવાર અમને “સામ્યવાદીઓ” તરીકે બોલાવતા હતા. આ પ્રસંગે, અમારી ધરપકડ કરીને બે કલાક પૂછપરછ કરવામાં આવી અને એ સમય દરમિયાન અમે ઉત્તમ સાક્ષી આપી.
છેવટે, અમારો કેસ સાંભળનાર ન્યાયાધીશે કહ્યું: “હું તમારી વિરુદ્ધ આરોપ મૂકવા બદલ તેમની [બિશપનો ઉલ્લેખ કરતા] નિંદા કરું છું પરંતુ સાથે સાથે તેમનો આભાર પણ માનું છું. કેમ કે એના લીધે મને તમને મળવાની અને તમારા શિક્ષણ વિષે સાંભળવાની તક મળી છે.” પછી તેમણે અમારી સાથે જે થયું એ માટે દિલગીરી વ્યક્ત કરી.
દસ વર્ષ પછી, હું બૈરુત જવા માટે બસમાં મુસાફરી કરતો હતો ત્યારે, મેં મારી સાથે બેઠેલા કૃષિ એન્જિનિયર સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે થોડો સમય અમારી માન્યતાઓ વિષે સાંભળ્યા પછી કહ્યું કે તેણે આવું જ સીરિયામાં પોતાના મિત્ર પાસેથી સાંભળ્યું હતું. એ મિત્ર કોણ હતા? તે એ જ ન્યાયાધીશ હતા જેમણે દસ વર્ષ અગાઉ અમારો કેસ સાંભળ્યો હતો!
વર્ષ ૧૯૫૦ના દાયકા દરમિયાન, મેં ઇરાકના સાક્ષીઓની મુલાકાત લીધી અને તેઓ સાથે ઘર-ઘરના પ્રચાર કાર્યમાં સહભાગી થયો. હું જોર્ડન અને વેસ્ટ બેન્કમાં પણ ઘણી વખત ગયો હતો. વર્ષ ૧૯૫૧માં અમે ચાર સાક્ષીઓ બેથલેહેમ ગયા. ત્યાં અમે પ્રભુના સાંજના ભોજનમાં હાજરી આપી. એ દિવસે સવારે પ્રસંગમાં હાજર રહેનારાઓ બસમાં યરદન નદીએ ગયા અને ત્યાં ૨૨ વ્યક્તિઓએ યહોવાહને પોતાનું સમર્પણ કરી બાપ્તિસ્મા લીધું. એ વિસ્તારમાં અમે જ્યારે પણ લોકોના વિરોધનો સામનો કરતા ત્યારે, અમે તેઓને કહેતા: “અમે તમને એ કહેવા આવ્યા છીએ કે તમારા જ દેશનો એક પુત્ર આખી પૃથ્વી પર રાજા થશે! તમે શા માટે વ્યાકુળ થાઓ છો? તમારે તો ખુશ થવું જોઈએ!”
સતાવણીમાં પણ પ્રચાર કાર્ય
સામાન્ય રીતે મધ્ય પૂર્વના લોકો નેક દિલના, પ્રામાણિક અને પરોણાગત બતાવનારા છે. તેથી, ઘણા લોકો પરમેશ્વરના રાજ્યનો સંદેશો ધ્યાનથી સાંભળે છે. ખરેખર, આ બાઇબલ વચન જલદી જ પરિપૂર્ણ થશે એ જાણવા સિવાય બીજું કંઈ તાજગી આપનારું નથી: “દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો [પોતાના લોકોનો] દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
મને જોવા મળ્યું છે કે અમારા કાર્યનો વિરોધ કરતા મોટા ભાગના લોકો ખરેખર અમારા કાર્ય અને સંદેશાને બરાબર સમજ્યા નથી. ખ્રિસ્તી રાષ્ટ્રના પાદરીઓએ અમને ખોટી રીતે રજૂ કર્યા છે! તેથી, ૧૯૭૫માં લેબનનમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી ત્યારથી, ૧૫ કરતાં વધારે વર્ષ સુધી સાક્ષીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
એક વખતે ચર્ચમાં ઉત્સાહથી જનારા એક કુટુંબ સાથે હું બાઇબલ અભ્યાસ ચલાવતો હતો. તેઓ બાઇબલ સત્યમાં સારી પ્રગતિ કરતા હતા એ જોઈને પાદરીઓ ખિજાઈ ગયા હતા. પરિણામે, એક રાતે સ્થાનિક ધાર્મિક જૂથે પોતાના સભ્યોને એ કુટુંબની દુકાનને બાળી નાખવા ઉશ્કેર્યા અને એમાં લગભગ ૪,૫૦,૦૦૦ રૂપિયાની ચીજવસ્તુઓ બળી ગઈ. એ જ રાત્રે તેઓએ મારું પણ અપહરણ કર્યું. તેમ છતાં, હું તેઓના આગેવાનને સમજાવી શક્યો કે તેઓ ખરેખર સાચા ખ્રિસ્તીઓ હોત તો આવું જંગલી વર્તન કદી પણ કર્યું ન હોત. પછી તેણે કાર ઊભી રાખવાનો હુકમ કર્યો અને મને બહાર છોડી મૂક્યો.
બીજા એક પ્રસંગે, ચાર લશ્કરી માણસોએ મારું અપહરણ કર્યું. ઘણી ધમકીઓ આપ્યા બાદ, તેઓના આગેવાને કહ્યું કે તે મને ગોળીથી ઉડાવી દેશે. પછી અચાનક તેણે પોતાનું મન બદલ્યું અને મને છોડી મૂક્યો. એમાંના બે માણસો ખૂન અને લૂંટફાટના ગુના હેઠળ અત્યારે જેલમાં છે અને બીજા બેને મૃત્યુદંડની સજા થઈ છે.
સાક્ષી આપવાની બીજી તકો
મને ઘણી વાર હવાઈ માર્ગે એક દેશમાંથી બીજા દેશોમાં જવાની તક મળી છે. એક વખત હું વિમાનમાં બૈરુતથી અમેરિકા જતો હતો ત્યારે, લેબનનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ચાર્લ્સ મેલેક મારી સાથે બેઠા હતા. તેમણે મારું ધ્યાનથી સાંભળ્યું અને બાઇબલમાંથી હું જે કલમ તેમને વાંચીને બતાવતો હતો એની કદર કરી. છેવટે, તેમણે કહ્યું કે તે ટ્રિપોલીની શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના શિક્ષક ઈબ્રાહિમ આત્યાએ બાઇબલનો આદર કરવાનું શીખવ્યું હતું. આ એ જ શિક્ષક હતા જેમને મારા સસરાએ સત્ય આપ્યું હતું.
બીજી એક મુસાફરી દરમિયાન, હું વિમાનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પેલેસ્ટાઈનના એક પ્રતિનિધિ સાથે બેઠો હતો. મેં તેમને રાજ્યના સુસમાચાર જણાવવાની તક ઝડપી લીધી. તેમણે મને ન્યૂ યૉર્કમાં રહેતા તેમના નાના ભાઈનો પરિચય કરાવ્યો. હું અવારનવાર તેઓની ત્યાં મુલાકાત લેતો હતો. ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇમારતમાં મારા એક સગા પણ કામ કરતા હતા. એક વખતે મેં તેમની ઑફિસમાં ત્રણ કલાકની મુલાકાત લીધી અને એ સમયે હું તેમને પરમેશ્વરના રાજ્ય વિષે સાક્ષી આપી શક્યો.
અત્યારે હું ૮૮ વર્ષનો છું અને હજુ પણ મંડળની જવાબદારીઓને સારી રીતે સંભાળી શકું છું. મારી પત્ની ઈવલીન હજુ પણ મારી સાથે યહોવાહની સેવા કરે છે. અમારી પુત્રીએ યહોવાહના સાક્ષીઓના પ્રવાસી નિરીક્ષક સાથે લગ્ન કર્યું છે જે અત્યારે બૈરુતના મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. તેમની પુત્રી પણ સત્યમાં છે. અમારો નાનો પુત્ર, તેની પત્ની અને તેમની પુત્રીએ પણ સત્ય અપનાવ્યું છે. અમારા પ્રથમ દીકરાને અમે ખ્રિસ્તી વિશ્વાસમાં ઉછેર્યો હતો અને હું આશા રાખું છું કે સમય જતા તે પણ સત્ય સ્વીકારશે.
વર્ષ ૧૯૩૩માં મને પાયોનિયર તરીકે નિયુક્ત કરીને સૌ પ્રથમ મધ્ય પૂર્વમાં સોંપણી આપવામાં આવી હતી. મારા જીવનમાં છેલ્લા ૬૮ વર્ષોથી મેં પાયોનિયર તરીકે યહોવાહની સેવા કરી છે. આટલા વર્ષોમાં મેં જે કંઈ પણ મેળવ્યું છે એનાથી વધુ સારું કંઈ હોય એવું હું વિચારી પણ શકતો નથી. યહોવાહ જે આત્મિક પ્રકાશ આપે છે એમાં ચાલવાનો મેં નિર્ણય લીધો છે.
[પાન ૨૩ પર ચિત્ર]
વર્ષ ૧૯૩૫માં નેગીબ
[પાન ૨૪ પર ચિત્ર]
વર્ષ ૧૯૪૦માં લેબનનના પહાડો પર માઈક લગાવેલી મોટરગાડી સાથે
[પાન ૨૫ પર ચિત્રો]
ઉપર ડાબેથી જમણી બાજુ; ૧૯૫૨માં નેગીબ, ઈવલીન, તેઓની પુત્રી, ભાઈ આબુદ અને નેગીબનો પ્રથમ પુત્ર
નીચે (પ્રથમ હરોળમાં): ૧૯૫૨માં નેગીબના ઘરે ટ્રિપોલીમાં ભાઈ સામાસ, નોર, આબુદ અને હેન્શલ
[પાન ૨૬ પર ચિત્ર]
નેગીબ અને તેમના પત્ની ઈવલીન