યહોવાહ સહનશીલ પરમેશ્વર છે
‘યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહથી ભરપૂર છે.’—નિર્ગમન ૩૪:૬.
નુહના સમયના લોકો, મુસાના માર્ગદર્શન હેઠળ અરણ્યમાં મુસાફરી કરતા ઈસ્રાએલીઓ અને ઈસુ પૃથ્વી પર હતા એ સમયના યહુદીઓ અલગ અલગ સંજોગોમાં જીવતા હતા. પરંતુ, તેઓ સર્વએ યહોવાહના પ્રેમાળ ગુણ, સહનશીલતામાંથી લાભ મેળવ્યો. કેટલાક લોકો માટે એ જીવન બચાવનાર હતી. આજે, યહોવાહની સહનશીલતા આપણા માટે પણ જીવન બચાવનાર બની શકે છે.
૨ સહનશીલતા શું છે? યહોવાહ એ ક્યારે બતાવે છે અને શા માટે? “‘સહનશીલતા,’ ખોટી કે ઉશ્કેરાઈ જવાય એવી સ્થિતિમાં ધીરજ બતાવવી, બીજા સાથે બગડેલા સંબંધમાં સુધારો થવાની આશા નહિ છોડવાને બતાવે છે.” આમ, આ ગુણનો ખાસ હેતુ છે. એ ખાસ કરીને ખરાબ પરિસ્થિતિ ઊભી કરનાર વ્યક્તિનું હિત જુએ છે. તેમ છતાં, સહનશીલ બનવાનો અર્થ એવો થતો નથી કે ખોટી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરવા. સહનશીલતાનો હેતુ સર કરવામાં આવે કે પરિસ્થિતિને સહન કરવાનો કંઈ અર્થ જ ન હોય ત્યારે, સહનશીલતાનો અંત આવે છે.
૩ માનવીઓ સહનશીલતા બતાવે છે પરંતુ, યહોવાહ તો આ ગુણનું સર્વોત્તમ ઉદાહરણ છે. વર્ષોથી માણસજાતે પાપ કરીને યહોવાહ સાથે સંબંધ બગાડ્યો છે તોપણ, આપણા ઉત્પન્નકર્તાએ ધીરજથી સહન કરીને પસ્તાવો કરનાર માનવીઓ તેમની સાથે પોતાનો સંબંધ સુધારી શકે એવી ગોઠવણ કરી છે. (૨ પીતર ૩:૯; ૧ યોહાન ૪:૧૦) તેમની સહનશીલતા એનો હેતુ સર કરશે ત્યારે, પરમેશ્વર જાણીજોઈને ખોટું કરનારાઓ વિરુદ્ધ પગલાં લઈને આ વર્તમાન દુષ્ટ વસ્તુવ્યવસ્થાનો અંત લાવશે.—૨ પીતર ૩:૭.
પરમેશ્વરના ગુણોમાં ભરોસો રાખવો
૪ હેબ્રી શાસ્ત્રવચનોમાં સહનશીલતાને બે હેબ્રી શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેનો શાબ્દિક અર્થ, “નાક ફુલાવવું” થાય છે. બીએસઆઈ બાઇબલમાં એનું ‘કોપ કરવામાં ધીમા’ ભાષાંતર કરવામાં આવ્યું છે.a પરમેશ્વરની સહનશીલતા વિષે પ્રબોધક નાહૂમે કહ્યું: “યહોવાહ કોપ કરવામાં ધીમો ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી.” (નાહૂમ ૧:૩) તેથી, યહોવાહની સહનશીલતા કંઈ નબળાઈ કે અમર્યાદિતપણાને લાગુ પડતી નથી. પરંતુ, સર્વશક્તિમાન પરમેશ્વર કોપ કરવામાં ધીમા અને શક્તિમાં સામર્થ્યવાન છે. એ બતાવે છે કે તે પોતાની સહનશીલતાને લીધે જાણીજોઈને ક્રોધ કરતા નથી. તેમની પાસે શિક્ષા કરવાની સત્તા છે. પરંતુ, તે ખોટું કરનારને તરત જ શિક્ષા કરવાને બદલે તેને સુધરવાની તક આપે છે. (હઝકીએલ ૧૮:૩૧, ૩૨) તેથી, યહોવાહની સહનશીલતા એ પ્રેમનું વક્તવ્ય છે. વળી, તે પોતાની શક્તિનો જે રીતે ડહાપણથી ઉપયોગ કરે છે એમાં પણ સહનશીલતા જોવા મળે છે.
૫ યહોવાહની સહનશીલતા પણ તેમના ન્યાયીપણાના સુમેળમાં છે. તે પોતાને મુસા સમક્ષ “દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, [અથવા “સહનશીલ”] અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર” તરીકે વર્ણવે છે. (નિર્ગમન ૩૪:૬) વર્ષો પછી, મુસાએ યહોવાહની સ્તુતિ કરતા ગાયું: “તેનું કામ સંપૂર્ણ છે; કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) હા, યહોવાહની દયા, સહનશીલતા, ન્યાય અને પ્રામાણિકતા એકબીજાના સુમેળમાં છે.
જળપ્રલય પહેલાં યહોવાહની સહનશીલતા
૬ આદમ અને હવાએ એદન બાગમાં બળવો પોકાર્યો ત્યારે, તેઓનો તેમના પ્રેમાળ ઉત્પન્નકર્તા, યહોવાહ સાથેનો મૂલ્યવાન સંબંધ કાયમ માટે તૂટી ગયો. (ઉત્પત્તિ ૩: ૮-૧૩, ૨૩, ૨૪) એની તેઓનાં બાળકો પર પણ ઊંડી અસર પડી અને તેઓએ વારસામાં પાપ, અપૂર્ણતા અને મરણ મેળવ્યા. (રૂમી ૫:૧૭-૧૯) પ્રથમ માનવ યુગલે જાણીજોઈને પાપ કર્યું હતું છતાં, યહોવાહે તેઓને બાળકો ઉત્પન્ન કરવા દીધા. પછીથી, પરમેશ્વરે કરેલી પ્રેમાળ જોગવાઈને લીધે આદમ અને હવાનાં બાળકો પરમેશ્વર સાથે સમાધાન કરી શક્યા. (યોહાન ૩:૧૬, ૩૬) પ્રેષિત પાઊલે સમજાવ્યું: “આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે [દેવના] કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! કેમકે જ્યારે આપણે શત્રુ હતા, ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણદ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.”—રૂમી ૫:૮-૧૦.
૭ યહોવાહની સહનશીલતા નુહના સમયમાં જોવા મળી. જળપ્રલય આવ્યો એની એક સદી પહેલાં, “દેવે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી; કેમકે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.” (ઉત્પત્તિ ૬:૧૨) તેમ છતાં, મર્યાદિત સમય પૂરતી, યહોવાહે માણસજાત પ્રત્યે સહનશીલતા બતાવી. તેમણે કહ્યું: “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમકે તે માંસનું છે; તથાપિ તેઓના દિવસ એક સો વીસ વર્ષ થશે.” (ઉત્પત્તિ ૬:૩) એ ૧૨૦ વર્ષોમાં વિશ્વાસુ નુહને તેમનું કુટુંબ વધારવા દેવામાં આવ્યું. વળી, થોડાં વર્ષો પછી યહોવાહે પોતે લાવનાર ન્યાયચુકાદા વિષે નુહને જણાવ્યું અને તેમને વહાણ બાંધવાનું તથા એ સમયના લોકોને આવનાર પૂર વિષે ચેતવણી આપવાનું પણ કહ્યું. પ્રેષિત પીતરે લખ્યું: “નુહના સમયમાં, જ્યારે વહાણ તૈયાર થતું હતું, અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણમાં થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં.” (૧ પીતર ૩:૨૦) હા, નુહના કુટુંબીજનો સિવાય બીજા કોઈ તેમના પ્રચારને “ન સમજ્યા.” (માત્થી ૨૪:૩૮, ૩૯) યહોવાહે નુહને વહાણ બાંધવાની આજ્ઞા આપી અને ઘણા દાયકાઓ સુધી “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે તેમને સેવા કરવા દીધી. આ રીતે, તેમણે નુહના સમયના લોકોને પુષ્કળ તક આપી જેથી તેઓ પોતાના હિંસક માર્ગમાંથી પાછા ફરીને તેમની સેવા કરે. (૨ પીતર ૨:૫; હેબ્રી ૧૧:૭) છેવટે, દુષ્ટ પેઢી પર યોગ્ય રીતે જ વિનાશ લાવવામાં આવ્યો.
ઈસ્રાએલીઓ પ્રત્યે સહનશીલતાનું ઉદાહરણ
૮ યહોવાહે ઈસ્રાએલીઓ પ્રત્યે ૧૨૦ કરતાં વધારે વર્ષો સુધી સહનશીલતા બતાવી. પરમેશ્વરના પસંદ કરેલા લોકો તરીકે, ૧,૫૦૦ કરતાં વધારે વર્ષોના તેઓના ઇતિહાસમાં, ફક્ત થોડો જ સમય એવો હતો કે જ્યારે ઈસ્રાએલીઓએ યહોવાહની સહનશીલતાની કસોટી કરી ન હતી. મિસરમાંથી તેઓને ચમત્કારિકપણે છોડાવ્યા પછી થોડાં જ અઠવાડિયામાં, તેઓએ મૂર્તિપૂજા તરફ ફરીને પોતાના બચાવનાર પ્રત્યે અનાદર બતાવ્યો. (નિર્ગમન ૩૨:૪; ગીતશાસ્ત્ર ૧૦૬:૨૧) ત્યાર પછીના દાયકાઓ દરમિયાન, યહોવાહ તેઓને ચમત્કારિકપણે અરણ્યમાં જે ખોરાક પૂરો પાડતા હતા એ વિષે તેઓએ ફરિયાદ કરી. તેઓએ મુસા અને હારૂન વિરુદ્ધ પણ કચકચ કરી. વધુમાં, તેઓએ વિદેશીઓ સાથે વ્યભિચાર કર્યો અને તેઓના બઆલ દેવની ઉપાસના પણ કરી. (ગણના ૧૧:૪-૬; ગણના ૧૪:૨-૪; ગણના ૨૧:૫; ૨૫:૧-૩; ૧ કોરીંથી ૧૦:૬-૧૧) યહોવાહ પરમેશ્વર યોગ્ય રીતે જ પોતાના લોકોનો સમૂળગો નાશ કરી શક્યા હોત, પરંતુ એના બદલે તેમણે સહનશીલતા બતાવી.—ગણના ૧૪:૧૧-૨૧.
૯ ન્યાયાધીશોના સમયમાં, ઈસ્રાએલીઓ વારંવાર મૂર્તિપૂજામાં સંડોવાયા. તેઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા ત્યારે, યહોવાહે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા. પરંતુ, તેઓએ પસ્તાવો કર્યો અને મદદ માટે વિનંતી કરી ત્યારે, યહોવાહે સહનશીલતા બતાવી. તેમણે તેઓને છોડાવવા માટે ન્યાયાધીશોને ઊભા કર્યા. (ન્યાયાધીશો ૨:૧૭, ૧૮) રાજાઓના શાસન દરમિયાન, ફક્ત થોડા રાજાઓ સાચા પરમેશ્વરની ઉપાસના કરતા હતા. વિશ્વાસુ રાજાઓના શાસન હેઠળ પણ લોકો હંમેશા સાચી ઉપાસનાને જૂઠી ઉપાસના સાથે મિશ્ર કરતા હતા. યહોવાહે તેઓના વિશ્વાસઘાત વિરુદ્ધ ચેતવણી આપવા માટે પ્રબોધકોને ઊભા કર્યા ત્યારે, લોકોએ સામાન્ય રીતે ભ્રષ્ટ યાજકો અને જૂઠા પ્રબોધકોને સાંભળવાનું પસંદ કર્યું. (યિર્મેયાહ ૫:૩૧; ૨૫:૪-૭) ખરેખર, ઈસ્રાએલીઓએ યહોવાહના વિશ્વાસુ પ્રબોધકોની સતાવણી કરી અને કેટલાકને તો તેઓએ મારી પણ નાખ્યા. (૨ કાળવૃત્તાંત ૨૪:૨૦, ૨૧; પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧, ૫૨) તેમ છતાં, યહોવાહે સહનશીલતા બતાવવાનું ચાલુ રાખ્યું.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૫.
યહોવાહની સહનશીલતાનો અંત આવ્યો નહિ
૧૦ તેમ છતાં, ઇતિહાસ બતાવે છે કે પરમેશ્વરની સહનશીલતાને પણ હદ હોય છે. તેમણે ૭૪૦ બી.સી.ઈ.માં આશ્શૂરને ઈસ્રાએલના દસ કૂળ પર ચઢાઈ કરવા દીધી અને એના રહેવાસીઓને બંદીવાસમાં લઈ જવા દીધા. (૨ રાજા ૧૭:૫, ૬) તેમણે બાબેલોનને યહુદાહના બે કૂળો પર ચઢાઈ કરવા દીધી અને ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમ અને એના મંદિરનો પણ નાશ કરવા દીધો.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૬-૧૯.
૧૧ તેમ છતાં, ઈસ્રાએલ અને યહુદાહ પર પોતાનો ન્યાયચુકાદો લાવ્યા પછી પણ, યહોવાહ સહનશીલતા બતાવવાનું ભૂલી ગયા ન હતા. યહોવાહે પોતાના પ્રબોધક યિર્મેયાહ દ્વારા પોતાના પસંદ કરેલા લોકો વિષે ભાખ્યું કે તે તેઓને ફરીથી પુનઃસ્થાપિત કરશે. તેમણે કહ્યું: “બાબેલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ, ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારૂં ઉત્તમ વચન હું પૂરૂં કરીશ. . . . હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, ને જે પ્રજાઓમાં તથા સર્વસ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે તે સર્વમાંથી હું તમને એકઠા કરીશ.”—યિર્મેયાહ ૨૯:૧૦, ૧૪.
૧૨ બંદીવાસમાં ગયેલા યહુદીઓનો શેષભાગ યહુદાહમાં પાછો ફર્યો અને યરૂશાલેમનું મંદિર ફરીથી બાંધીને તેઓએ યહોવાહની ઉપાસના શરૂ કરી. યહોવાહના હેતુઓ પૂરા કરવા આ શેષભાગ ‘યહોવાહે મોકલેલા ઓસ’ જેવા બની તાજગી અને સમૃદ્ધિ લાવવાના હતા. તેઓ “વનનાં પશુઓમાં સિંહના” જેવા હિંમતવાન અને બળવાન બનવાના હતા. (મીખાહ ૫:૭, ૮) આ છેલ્લા શબ્દો મક્કાબીઓનાં સમયગાળા દરમિયાન પૂરા થયા હોય શકે. મક્કાબીઓના કુટુંબો સાથે ભળેલા યહુદીઓએ પોતાના દુશ્મનોને વચનના દેશમાંથી કાઢી મૂક્યા અને ભ્રષ્ટ કરવામાં આવેલા મંદિરને પવિત્ર કરીને ફરીથી એનું સમર્પણ કર્યું. આમ, દેશ અને મંદિરને સાચવવામાં આવ્યું કે જેથી પરમેશ્વરના દીકરા, મસીહ તરીકે આવે ત્યારે બીજો વિશ્વાસુ શેષભાગ તેમને આવકારી શકે.—દાનીયેલ ૯:૨૫; લુક ૧:૧૩-૧૭, ૬૭-૭૯; લુક ૩:૧૫, ૨૧, ૨૨.
૧૩ યહુદીઓએ યહોવાહના દીકરા ઈસુને મારી નાખ્યા તોપણ, તેમણે સાડા ત્રણ વર્ષ સુધી સહનશીલતા બતાવી. કઈ રીતે? તેમણે તેઓને ઈબ્રાહીમના આત્મિક સંતાનનો ભાગ બનવાની ખાસ તક આપી. (દાનીયેલ ૯:૨૭)b વર્ષ ૩૬ સી.ઈ. પછી અને પહેલાં, કેટલાક યહુદીઓએ આ આમંત્રણને સ્વીકાર્યું. આ રીતે, પછીથી પાઊલે બતાવ્યું તેમ, યહોવાહે “કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા.”—રૂમી ૧૧:૫.
૧૪ યહુદીઓ કે ધર્માંતર પામેલા બિનયહુદીઓને ૩૬ સી.ઈ.માં પહેલી વાર ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવાનો અમૂલ્ય લહાવો આપવામાં આવ્યો. વળી, જેઓએ સાંભળ્યું તેઓએ પણ યહોવાહની અપાત્ર કૃપા અને સહનશીલતામાંથી લાભ મેળવ્યો. (ગલાતી ૩:૨૬-૨૯; એફેસી ૨:૪-૭) યહોવાહે પોતાની પ્રેમાળ સહનશીલતા પાછળ રહેલા ડહાપણ અને હેતુઓ દ્વારા, આત્મિક ઈસ્રાએલીઓની સંખ્યા પૂરી કરી એની ઊંડી કદર વ્યક્ત કરતાં પ્રેષિત પાઊલે લખ્યું: “આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે!”—રૂમી ૧૧:૨૫, ૨૬, ૩૩; ગલાતી ૬:૧૫, ૧૬.
પોતાના નામની ખાતર સહનશીલતા
૧૫ શા માટે યહોવાહ સહનશીલતા બતાવે છે? એનો મુખ્ય હેતુ, તેમના પવિત્ર નામને મહિમાવંત કરવાનો અને તેમની સર્વોપરિતાને દોષમુક્ત કરવાનો છે. (૧ શમૂએલ ૧૨:૨૦-૨૨) યહોવાહ પોતાની સર્વોપરિતાનો જે રીતે ઉપયોગ કરે છે એને લગતો નૈતિકતાનો વાદવિષય શેતાને ઊભો કર્યો ત્યારે, તેમણે કરેલી સર્વ ઉત્પત્તિ સમક્ષ યોગ્ય રીતે એ વાદવિષય હલ થાય એ માટે સમય જરૂરી છે. (અયૂબ ૧:૯-૧૧; અયૂબ ૪૨:૨, ૫, ૬) તેથી, પોતાના લોકોને મિસરમાં સતાવવામાં આવ્યા ત્યારે, યહોવાહે ફારૂનને કહ્યું: “નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારૂં પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારૂં નામ પ્રગટ કરાય.”—નિર્ગમન ૯:૧૬.
૧૬ યહોવાહે પોતાના પવિત્ર નામના મહિમા માટે બતાવેલી સહનશીલતા વિષે સમજાવતા પાઊલે, યહોવાહે ફારૂનને કહેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો. ત્યાર બાદ, પાઊલે લખ્યું: “જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને જોગ થએલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું; જો મહિમાને સારૂ આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર, એટલે આપણા પર જેઓને તેણે કેવળ યહુદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે [તેઓ પર], પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેની મરજી હતી તો તેમાં શું ખોટું? વળી, હોશીઆમાં પણ તે એમજ કહે છે, કે જે મારા લોક નહોતા તેઓને હું મારા લોક . . . કહીશ.” (રૂમી ૯:૧૭, ૨૨-૨૫) આમ, યહોવાહ સહનશીલતા બતાવીને, “પોતાના નામની ખાતર એક પ્રજાને” બહાર કાઢી લાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) તેઓના આગેવાન, ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ આ “પવિત્રોની પ્રજા” રાજ્યના વારસદારો છે. આ રાજ્યને યહોવાહ પોતાના મહાન નામને મહિમા આપવા અને પોતાની સર્વોપરિતાને દોષમુક્ત કરવા માટે ઉપયોગમાં લેશે.—દાનીયેલ ૨:૪૪; દાનીયેલ ૭:૧૩, ૧૪, ૨૭; પ્રકટીકરણ ૪:૯-૧૧; પ્રકટીકરણ ૫:૯, ૧૦.
યહોવાહની સહનશીલતામાંથી મળતું તારણ
૧૭ માણસજાતે પાપ કર્યું ત્યારથી લઈને આજ સુધી, યહોવાહે સહનશીલતા બતાવી છે. જળપ્રલય પહેલાં તેમણે બતાવેલી ધીરજને લીધે ચેતવણી આપવાનો અને બચાવ માટે વહાણ બાંધવાનો યોગ્ય સમય મળ્યો. પરંતુ, તેમની સહનશીલતાનો અંત આવ્યો ત્યારે જળપ્રલય આવ્યો. એવી જ રીતે, આજે યહોવાહ સહનશીલતા બતાવી રહ્યા છે અને એ કોઈએ ધાર્યું પણ નહિ હોય એના કરતાં વધારે સમય ટકી છે. તેમ છતાં, એનાથી કંઈ નાહિંમત થઈ જવાની જરૂર નથી. કેમ કે, નાહિંમત થવું એ યહોવાહની સહનશીલતા માટે ટીકા કરવા બરાબર છે. પાઊલે પૂછ્યું: “દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે?”—રૂમી ૨:૪.
૧૮ આપણા તારણ માટે અને પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવા તેમની કેટલી સહનશીલતાની જરૂર છે એ વિષે કોઈ જાણતું નથી. પાઊલ આપણને “ભય તથા કંપારીસહિત [આપણું] તારણ સાધી લેવાને યત્ન” કરવાની સલાહ આપે છે. (ફિલિપી ૨:૧૨) પ્રેષિત પીતરે ખ્રિસ્તીઓને લખ્યું: “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—૨ પીતર ૩:૯.
૧૯ આથી, બાબતો હલ કરવાની યહોવાહની રીતથી આપણે કદી અધીરા બનવું જોઈએ નહિ. એને બદલે, આપણે પીતરે આપેલી સલાહને અનુસરીએ અને ‘આપણા પ્રભુનું ધૈર્ય એ તારણ છે એમ માનીએ.’ કોનું તારણ? આપણું અને બીજા અસંખ્ય લોકોનું તારણ કે જેઓએ હજુ “રાજ્યની આ સુવાર્તા” સાંભળવાની બાકી છે. (૨ પીતર ૩:૧૫; માત્થી ૨૪:૧૪) એ આપણને યહોવાહ કેટલા ઉદારપણે સહનશીલતા બતાવી રહ્યા છે એની કદર કરવા મદદ કરશે. વળી, એનાથી આપણને બીજાઓ સાથે વ્યવહાર કરતી વખતે પણ સહનશીલ બનવાનું ઉત્તેજન મળે છે.
[ફુટનોટ્સ]
a હેબ્રીમાં, “નાક” કે “નસકોરાં” (આફ) શબ્દ ઘણી વાર શાબ્દિક ગુસ્સો વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વ્યક્તિ ગુસ્સામાં શ્વાસ લે છે અથવા ક્રોધથી લાલચોળ થઈ જાય છે ત્યારે એ બને છે.
b આ ભવિષ્યવાણી વિષે વધુ માહિતી મેળવવા યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પાન ૧૯૧-૪ પર જુઓ.
શું તમે સમજાવી શકો?
• બાઇબલમાં ‘સહનશીલતાનો’ શું અર્થ આપવામાં આવ્યો છે?
• યહોવાહે જળપ્રલય પહેલાં, બાબેલોનના બંદીવાસ પછી અને પ્રથમ સદી સી.ઈ.માં કઈ રીતે સહનશીલતા બતાવી?
• યહોવાહે કયા મહત્ત્વનાં કારણોસર સહનશીલતા બતાવી છે?
• યહોવાહની સહનશીલતાને આપણે કઈ દૃષ્ટિએ જોવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) પ્રાચીન સમયમાં યહોવાહની સહનશીલતામાંથી કોણે લાભ મેળવ્યો? (ખ) “સહનશીલતા” શબ્દનો શું અર્થ થાય છે?
૩. યહોવાહની સહનશીલતાનો હેતુ શું છે અને એનો અંત ક્યારે આવશે?
૪. (ક) હેબ્રી શાસ્ત્રવચનોમાં સહનશીલતાને કઈ રીતે વ્યક્ત કરવામાં આવી છે? (નિમ્નનોંધ પણ જુઓ.) (ખ) પ્રબોધક નાહૂમ યહોવાહનું કઈ રીતે વર્ણન કરે છે અને એ યહોવાહની સહનશીલતા વિષે શું બતાવે છે?
૫. કઈ રીતે યહોવાહની સહનશીલતા તેમના ન્યાયના સુમેળમાં છે?
૬. આદમ અને હવાના વંશજો પ્રત્યે યહોવાહે કઈ રીતે સહનશીલતા બતાવી?
૭. યહોવાહે કઈ રીતે જળપ્રલય પહેલાં સહનશીલતા બતાવી અને જળપ્રલય પહેલાંની પેઢીનો વિનાશ લાવવો શા માટે યોગ્ય જ હતું?
૮. કેવી રીતે યહોવાહે ઈસ્રાએલ રાષ્ટ્ર પ્રત્યે સહનશીલતા બતાવી?
૯. ન્યાયાધીશો અને રાજાઓના શાસન દરમિયાન યહોવાહ પરમેશ્વરે કઈ રીતે સહનશીલતા બતાવી?
૧૦. યહોવાહની સહનશીલતાનો ક્યારે અંત આવ્યો?
૧૧. યહોવાહે પોતાનો ન્યાયચુકાદો લાવ્યા પછી પણ કઈ રીતે સહનશીલતા બતાવી?
૧૨. ખ્રિસ્તના આવવા વિષે, શેષ યહુદીઓનું પોતાના દેશમાં પાછા ફરવું કઈ રીતે પરમેશ્વર તરફથી હતું?
૧૩. યહુદીઓએ યહોવાહના દીકરાને મારી નાખ્યા છતાં, તેમણે કઈ રીતે સહનશીલતા બતાવવાનું ચાલુ રાખ્યું?
૧૪. (ક) છત્રીસ સી.ઈ.માં ઈબ્રાહીમના આત્મિક સંતાન બનવાનો અમૂલ્ય લહાવો કોને આપવામાં આવ્યો? (ખ) યહોવાહે આત્મિક ઈસ્રાએલીઓની સંખ્યા પસંદ કરી એ વિષે પાઊલે કઈ રીતે કદર વ્યક્ત કરી?
૧૫. યહોવાહની સહનશીલતા માટેનું મુખ્ય કારણ શું છે અને કયા વાદવિષયને હલ કરવા માટે સમયની જરૂર છે?
૧૬. (ક) કઈ રીતે યહોવાહે સહનશીલતા બતાવીને પોતાના નામની ખાતર લોકોને તૈયાર કરવાનું શક્ય બનાવ્યું? (ખ) કઈ રીતે યહોવાહ પોતાનું નામ મહિમાવંત કરીને તેમની સર્વોપરિતા દોષમુક્ત કરશે?
૧૭, ૧૮. (ક) આપણે શું કરવાથી અજાણતા યહોવાહની સહનશીલતા માટે ટીકા કરી શકીએ? (ખ) આપણને યહોવાહની સહનશીલતાને કઈ રીતે જોવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે?
૧૯. યહોવાહની સહનશીલતામાંથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ?
[પાન ૯ પર ચિત્ર]
જળપ્રલય પહેલાં યહોવાહે બતાવેલી સહનશીલતાએ લોકોને પસ્તાવો કરવા ઘણી તકો આપી
[પાન ૧૦ પર ચિત્ર]
બાબેલોનના પતન પછી, યહુદીઓએ યહોવાહની સહનશીલતામાંથી લાભ મેળવ્યો
[પાન ૧૧ પર ચિત્ર]
પ્રથમ સદીમાં, યહુદીઓ અને બિનયહુદીઓને યહોવાહની સહનશીલતાનો લાભ મળ્યો
[પાન ૧૨ પર ચિત્રો]
આજે ખ્રિસ્તીઓ યહોવાહની સહનશીલતાનો લાભ ઉઠાવી રહ્યા છે