તમે આત્મિક હાર્ટ ઍટેકને ટાળી શકો
એક પ્રખ્યાત ખેલાડી, તેની કુશળતામાં બધી રીતે પારંગત હતો અને શારીરિક રીતે એકદમ તંદુરસ્ત હતો. પરંતુ, એક દિવસે પ્રૅક્ટિસ દરમિયાન તે અચાનક પડી ગયો અને મરણ પામ્યો. એ ખેલાડી સીરગી ગીનકૉફ હતો. તેણે બે વખત ઓલિમ્પિકમાં સ્કેટિંગમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. તેની કારકિર્દીની હજુ તો શરૂઆત જ થઈ હતી અને અંત આવી ગયો. એ સમયે તે ફક્ત ૨૮ વર્ષનો હતો. કેવી દુઃખદ ઘટના! શા માટે આમ થયું? તેને હાર્ટ ઍટેક આવ્યો હતો. લોકો કહેતા હતા કે તેનું મરણ અણધાર્યું હતું. કારણ કે તે કોઈ પ્રકારની હૃદયની બીમારીથી પીડાતો હોય એવું એક પણ ચિહ્ન જોવા મળ્યું ન હતું. તોપણ, તપાસ કરનારાઓને જાણવા મળ્યું કે તેનું હૃદય એનલાર્જ થયું હતું અને એની કેટલીક ધમનીઓ સખત જામ થઈ ગઈ હતી.
એવું લાગી શકે કે ઘણા હાર્ટ ઍટેક કોઈ જાતની ચેતવણી વિના આવે છે અને તબીબી ડૉક્ટરો કહે છે તેમ, એ ભાગ્યે જ બને છે. પરંતુ, હકીકત તો એ છે કે ચેતવણીનાં ચિહ્નો અને એમાં ફાળો આપતા પાસાઓ, જેમ કે શ્વાસ ચઢવો, વધુ પડતું વજન અને છાતીના દુઃખાવાને અવારનવાર અવગણવામાં આવે છે. પરિણામે, હાર્ટ ઍટેક આવે ત્યારે, તેમનું મરણ ન થાય તોપણ, ઘણાને પોતાનું બાકીનું જીવન ગંભીર અપંગતામાં પસાર કરવું પડે છે.
તાજેતરમાં મોટા ભાગના ડૉક્ટરો સહમત થાય છે કે હાર્ટ ઍટેકને અટકાવવા માટે વ્યક્તિએ પોતાના ખોરાક અને જીવન-ઢબ વિષે સતત કાળજી રાખવાની તથા નિયમિત તબીબી તપાસ કરાવતા રહેવાની જરૂર છે.a આ બાબતો સાથે વ્યક્તિ સ્વેચ્છાએ જરૂરી ફેરફારો કરશે તો, હાર્ટ ઍટેકની ભયંકર અસરોમાંથી બચવામાં તેને ઘણી મદદ મળશે.
તેમ છતાં, આપણા હૃદયનું બીજું એક પાસું એનાથી પણ વધારે ધ્યાન માંગી લે છે. બાઇબલ આપણને ચેતવણી આપે છે, “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) જોકે, આ કલમ ખાસ કરીને રૂપકાત્મક હૃદયનો ઉલ્લેખ કરે છે. તેથી, જો આપણાં હૃદયોની સંભાળ રાખવા સાવધાની રાખવાની જરૂર પડતી હોય તો, આત્મિક રીતે મરણ તરફ દોરી જતી બીમારીઓનો ચેપ ન લાગે માટે આપણા રૂપકાત્મક હૃદયની સંભાળ રાખવી એનાથી પણ વધારે જરૂરી છે.
આત્મિક હાર્ટ ઍટેકનાં કારણો તપાસવાં
શારીરિક હાર્ટ ઍટેકની જેમ, આત્મિક હાર્ટ ઍટેક થતા અટકાવવાની સૌથી મહત્ત્વની રીત, એના માટે જવાબદાર કારણો જાણવાં અને ત્યાર પછી એને અટકાવવા જરૂરી પગલાં ભરવા છે. તેથી, ચાલો આપણે શાબ્દિક અને રૂપકાત્મક હૃદયની મુશ્કેલીઓ માટે જવાબદાર અમુક પાયારૂપ પાસાઓને તપાસીએ.
ખોરાક. હવે લોકો એ સ્વીકારવા લાગ્યા છે કે આચરકૂચર ખોરાક ભલે ગમે તેટલો સ્વાદિષ્ટ હોય છતાં, એનાથી બિલકુલ લાભ થતો નથી. એવી જ રીતે, માનસિક આચરકૂચર ખોરાક આજે સહેલાઈથી મળે છે અને એ આપણી ઇંદ્રિયોને ઉત્તેજિત કરે છે, પરંતુ એ વ્યક્તિના આત્મિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજે સમાચાર માધ્યમો ચતુરાઈથી ઘણી માહિતીનું વેચાણ કરે છે કે જેમાં, ગેરકાયદેસર જાતીયતા અને ડ્રગ્સ, હિંસા અને મંત્રતંત્રને લગતી બાબતો જોવા મળે છે. આ પ્રકારનો ખોરાક વ્યક્તિના રૂપકાત્મક હૃદય માટે પ્રાણઘાતક છે. પરમેશ્વરનો શબ્દ ચેતવણી આપે છે: “જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૬, ૧૭.
સામાન્ય રીતે, આચરકૂચર ખોરાક લેવાની આદતવાળી વ્યક્તિને ફળ અને લીલાં શાકભાજી જેવો પૌષ્ટિક ખોરાક ગમતો નથી. એવી જ રીતે, જેને દુન્યવી માહિતીથી પોતાના મન અને હૃદયને ભરવાની આદત પડી હોય એવી વ્યક્તિને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સારો આત્મિક ખોરાક ભાવતો નથી. થોડા સમય માટે તે પરમેશ્વરના શબ્દના “દૂધ”થી ચલાવી શકે છે. (હેબ્રી ૫:૧૩) પરંતુ, લાંબા સમયે તે ખ્રિસ્તી મંડળ અને સેવાકાર્યની જરૂરી આત્મિક જવાબદારીઓને નિભાવવા આત્મિક પરિપક્વતા કેળવી શકતી નથી. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯; હેબ્રી ૧૦:૨૪, ૨૫) એવી પરિસ્થિતિમાં કેટલાક લોકો ધીમે ધીમે આત્મિક રીતે એટલા નબળા પડી જાય છે કે છેવટે તેઓ નિષ્ક્રિય સાક્ષી બની જાય છે!
બીજું એક જોખમ, બહારનો છેતરામણો દેખાવ છે. ખ્રિસ્તી ફરજો બજાવવાનો દેખાડો, હૃદયની વધતી જતી બીમારીઓને ઢાંકી દે છે. આ હૃદય ખાનગીમાં ભૌતિક ફિલસૂફી અથવા અનૈતિક, હિંસક કે મંત્રતંત્રને લગતા મનોરંજનમાં રચ્યાપચ્યા રહેવાથી નબળું પડે છે. આવો ખરાબ આત્મિક ખોરાક લેવાથી પોતાની આત્મિકતાને કોઈ અસર નહિ થાય એવું વ્યક્તિને લાગી શકે, પરંતુ જેમ આચરકૂચર આહાર લેવાથી રક્તવાહિની જામ થઈ જાય છે અને હૃદયને નુકસાન કરે છે તેમ, એનાથી આત્મિક હૃદયને નુકસાન થઈ શકે. વ્યક્તિના હૃદયમાં અયોગ્ય ઇચ્છાઓ ઊભી કરવા વિરુદ્ધ ઈસુએ ચેતવણી આપતા કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) હા, આત્મિક રીતે નુકસાનકારક ખોરાક લેવાથી વ્યક્તિને આત્મિક હાર્ટ ઍટેક આવી શકે. જોકે, એ માટે બીજા પાસાઓ પણ જવાબદાર છે.
કસરત. એ જાણીતું છે કે બેઠાડું જીવન વ્યક્તિના હાર્ટ ઍટેકમાં ફાળો આપી શકે. એવી જ રીતે, આત્મિક રીતે બેઠાડું જીવન જીવવાથી પણ ગંભીર પરિણામો આવી શકે. દાખલા તરીકે, એક વ્યક્તિ ખ્રિસ્તી સેવાકાર્યમાં અમુક સમય ભાગ લેતી હોય તોપણ, તે પોતાને અનુકૂળ હોય એવા જ વિસ્તારમાં કાર્ય કરતી હોય શકે. તે “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને” બિલકુલ પ્રયત્ન કરતી ન હોય. (૨ તીમોથી ૨:૧૫) અથવા વ્યક્તિ અમુક ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપતી હોય પણ એમાં ભાગ લેવા તૈયારી કરતી ન હોય. તેનો કોઈ આત્મિક ધ્યેય ન હોય, આત્મિક ભૂખ લાગતી ન હોય અથવા આત્મિક બાબતો માટે કોઈ ઉત્સાહ ન હોય. આમ, આત્મિક કસરતની ખામીથી વ્યક્તિ વિશ્વાસમાં નબળી પડે છે અને મરી પણ જાય છે. (યાકૂબ ૨:૨૬) પ્રેષિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે આ જોખમ વિષે લખ્યું. દેખીતી રીતે જ, તેઓમાંના અમુક લોકો આત્મિક રીતે કસરત કરતા ન હતા. નોંધ લો કે તેમણે તેઓની આત્મિકતા પર થઈ શકે એવી ખરાબ અસરની કઈ રીતે ચેતવણી આપી. “હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય; પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો, કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હૃદયનો] ન થાય.”—હેબ્રી ૩:૧૨, ૧૩.
તણાવ. શારીરિક હાર્ટ ઍટેકનું બીજું એક ખાસ પાસું વધારે પડતો તણાવ છે. એવી જ રીતે તણાવ કે “સંસારી ચિંતા” આત્મિક રીતે હૃદય માટે વિનાશક સાબિત થઈ શકે. અરે, એનાથી વ્યક્તિ પરમેશ્વરની સેવા કરવાનું પૂરેપૂરું બંધ પણ કરી દઈ શકે. આ બાબતમાં ઈસુની ચેતવણી સમયસરની છે: “પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.” (લુક ૨૧:૩૪) ખાનગીમાં કરેલા પાપને લીધે આપણે લાંબા સમય સુધી દુઃખી રહ્યા કરીએ તો, એના તણાવથી પણ આપણા હૃદય પર અસર પડે છે. દુઃખ આ પ્રકારના નુકસાનકારક તણાવ સાથે સંકળાયેલું છે એ પોતાના અનુભવમાંથી શીખ્યા પછી રાજા દાઊદે કહ્યું: “મારા પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી. કેમકે મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્યા છે.”—ગીતશાસ્ત્ર ૩૮:૩, ૪.
વધુ પડતો આત્મવિશ્વાસ. હાર્ટ એટૅકનો ભોગ બનનાર ઘણા હાર્ટ ઍટેક આવ્યા પહેલાં પોતાના સ્વાસ્થ્ય વિષે વધારે પડતો વિશ્વાસ રાખતા હતા. તેઓ નિયમિત શારીરિક તપાસ કરાવતા ન હતા અથવા એને બિનજરૂરી ગણીને ઉપેક્ષા કરતા હતા. એવી જ રીતે, કેટલાક લોકોને લાગી શકે કે તેઓ વર્ષોથી ખ્રિસ્તીઓ હોવાથી તેઓને કંઈ થશે નહિ. તેઓ કોઈ જોખમ ન આવે ત્યાં સુધી પોતાની આત્મિક રીતે તપાસ કરવાની કે સ્વ-તપાસ કરવાની અવગણના કરી શકે. તેથી, પ્રેષિત પાઊલે વધુ પડતા આત્મવિશ્વાસ વિષે આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખવી ખૂબ મહત્ત્વનું છે, તે કહે છે: “કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” તેથી, આપણે પોતાની અપૂર્ણતાને સ્વીકારીએ અને વખતોવખત આપણી આત્મિકતાને તપાસતા રહીએ એ સારું છે.—૧ કોરીંથી ૧૦:૧૨; નીતિવચનો ૨૮:૧૪.
ચેતવણીનાં ચિહ્નોની અવગણના ન કરો
સારા કારણસર બાઇબલ રૂપકાત્મક હૃદયની સ્થિતિને વધારે મહત્ત્વ આપે છે. યિર્મેયાહ ૧૭:૯, ૧૦માં આપણને વાંચવા મળે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે? હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંતઃકરણને પારખું છું, કે હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.” પરંતુ, આપણા હૃદયની તપાસ કરવા ઉપરાંત યહોવાહે, જરૂરી તપાસ માટે મદદ કરવા પ્રેમાળ જોગવાઈ પણ કરી છે.
“વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ દ્વારા આપણને સમયસર સૂચનાઓ આપવામાં આવે છે. (માત્થી ૨૪:૪૫) દાખલા તરીકે, આપણું હૃદય આપણને કાલ્પનિક દુનિયામાં સંડોવીને એક ખાસ રીતે છેતરી શકે છે. એમાં અવાસ્તવિક કલ્પનાઓ, દિવાસ્વપ્નો કે ભટકતા મનનો સમાવેશ થાય છે. ખાસ કરીને અશુદ્ધ વિચાર ઊભા થાય છે ત્યારે આવી અસરો જોખમકારક બની શકે. તેથી, આપણે એઓને સંપૂર્ણ રીતે નકારવા જોઈએ. જો આપણે પણ ઈસુની જેમ નિયમવિહીનતાને ધિક્કારીશું તો, આપણે કાલ્પનિક દુન્યવી વિચારો સામે આપણા હૃદયનું રક્ષણ કરી શકીશું.—હેબ્રી ૧:૮, ૯.
વધુમાં, આપણી પાસે ખ્રિસ્તી મંડળોમાં પ્રેમાળ વડીલોની મદદ છે. તેઓ બીજાઓની કાળજી રાખે છે એની આપણે ખરેખર કદર કરીએ છીએ. તોપણ, આપણા રૂપકાત્મક હૃદયની કાળજી રાખવી એ દરેકની વ્યક્તિગત જવાબદારી છે. “સઘળાંની પારખ” કરવી અને ‘આપણામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા’ કરવી આપણા પોતાના પર આધારિત છે.—૧ થેસ્સાલોનીકી ૫:૨૧; ૨ કોરીંથી ૧૩:૫.
હૃદયની સંભાળ રાખો
“કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે,” બાઇબલનો આ સિદ્ધાંત આપણા હૃદયને પણ લાગુ પડે છે. (ગલાતી ૬:૭) ઘણી વાર એવું લાગે કે વ્યક્તિ આત્મિકતામાં અચાનક પડી ગઈ છે, પરંતુ ખરેખર તો એ ઘણાં વર્ષો પહેલાં આત્મિક રીતે નુકસાન કરતી અશ્લીલ બાબતો જોવામાં, વધારે પડતી ભૌતિક બાબતોની ચિંતા કરવામાં અથવા સત્તા કે હોદ્દો મેળવવામાં રચ્યાપચ્યા રહેવા જેવી બાબતોનું પરિણામ હોય છે.
તેથી, હૃદયનું રક્ષણ કરવા માટે વ્યક્તિ આત્મિક ખોરાક લેવા પર ધ્યાન આપે એ જરૂરી છે. પરમેશ્વરના શબ્દથી મન અને હૃદયનું પોષણ કરવું જોઈએ. માનસિક રીતે આચરકૂચર ખોરાક લેવાનું ટાળો જે સહેલાઈથી પ્રાપ્ય છે અને દેહને આકર્ષક લાગે છે પરંતુ, એના પરિણામે હૃદય લાગણીશૂન્ય બની જાય છે. ગીતકર્તા યોગ્ય રીતે જ, દાખલા સાથે ચેતવણી આપે છે: “તેઓનું અંતઃકરણ સ્થૂળ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૭૦.
જો લાંબા સમયથી તમે કોઈ ખોટું કામ કરી રહ્યા હોવ તો, એ તમારી આત્મિક રક્તવાહિનીઓને જામ કરી દે એ પહેલાં એને કાઢી નાખવાનો સખત પ્રયત્ન કરો. જગતની બાબતો વધારે આકર્ષક લાગવા માંડે અને એમાં વધારે સુખ તથા આનંદ જોવા મળતો હોય તો, પ્રેષિત પાઊલે આપેલી યોગ્ય સલાહને ધ્યાન આપો. તેમણે લખ્યું: ‘પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે; માટે જગતના વહેવારમાં તલ્લીન થઈ ગએલા જેવા ન થાઓ; કેમકે આ જગતનો ડોળદમાક જતો રહે છે.’ (૧ કોરીંથી ૭:૨૯-૩૧) એ જ રીતે, જો ભૌતિક સંપત્તિનું આકર્ષણ વધવા લાગે તો અયૂબના શબ્દોને ધ્યાન આપો: “જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય; તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત; કેમકે ઉચ્ચસ્થાનમાં રહેનાર દેવનો મેં ઈનકાર કર્યો હોત.”—અયૂબ ૩૧:૨૪, ૨૮; ગીતશાસ્ત્ર ૬૨:૧૦; ૧ તીમોથી ૬:૯, ૧૦.
બાઇબલ આધારિત સલાહની વારંવાર અવગણના કરવાની ગંભીરતા વિષે નોંધતા બાઇબલ ચેતવણી આપે છે: “જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત્ નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.” (નીતિવચનો ૨૯:૧) એનાથી ભિન્ન, આપણા રૂપકાત્મક હદયની સારી રીતે કાળજી રાખવાથી આપણે સાદું અને સ્વસ્થ જીવન જીવીને સુખ અને મનની શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. આ હંમેશા સાચા ખ્રિસ્તીઓએ કરેલી ભલામણની રીતો છે. પ્રેષિત પાઊલ લખવા પ્રેરાયા: “પણ સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે; કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૬-૮.
હા, આપણે પોતાના હૃદયને પરમેશ્વરના માર્ગમાં ચાલવાની તાલીમ આપીને ખાતરી રાખી શકીએ કે આપણી પાસે તંદુરસ્ત અને મજબૂત રૂપકાત્મક હૃદય છે. આપણે આત્મિક ખોરાક લેવા પર ધ્યાન આપીને, આપણી આત્મિકતાને નુકસાન પહોંચાડતી જગતની વિનાશકારી રીતો અને વિચારોથી દૂર રહીશું. સૌથી મહત્ત્વનું એ છે કે યહોવાહે તેમના સંગઠન દ્વારા કરેલી જોગવાઈને સ્વીકારીને આપણે આપણા હૃદયની નિયમિત તપાસ કરી શકીશું. આપણે ખંતપૂર્વક આ પ્રમાણે કરીશું તો, આત્મિક હાર્ટ ઍટેકનાં ખરાબ પરિણામોને ટાળવામાં આપણને પુષ્કળ મદદ મળશે.
[ફુટનોટ]
a વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત જાન્યુઆરી ૮, ૧૯૯૭ના સજાગ બનો!ના “હાર્ટ ઍટેક—શું કરી શકાય?” લેખોની શૃંખલા જુઓ.
[પાન ૧૦ પર બ્લર્બ]
પોષણ વગરનો ખોરાક રક્તવાહિનીઓને જામ કરીને હૃદયને નુકસાન કરે છે તેમ, ખામીયુક્ત આત્મિક ખોરાક લેવાથી રૂપકાત્મક હૃદયને નુકસાન થઈ શકે
[પાન ૧૦ પર બ્લર્બ]
આત્મિક રીતે બેઠાડું જીવન જીવવાથી ગંભીર પરિણામો આવી શકે
[પાન ૧૧ પર બ્લર્બ]
“સંસારી ચિંતા” સહેલાઈથી હૃદય માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે
[પાન ૧૧ પર ચિત્ર]
આપણા આત્મિક સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી એ ઘણાં દુઃખોમાં પરિણમી શકે
[પાન ૧૩ પર ચિત્રો]
સારી આત્મિક ટેવો કેળવીને આપણે હૃદયની સંભાળ રાખીએ છીએ
[પાન ૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
AP Photo/David Longstreath