વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧/૧ પાન ૨૩-૨૮
  • યહોવાહે “પરાક્રમની અધિકતા” પૂરી પાડી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહે “પરાક્રમની અધિકતા” પૂરી પાડી છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બીમાર છોકરી પાસે પુષ્કળ પ્રશ્નો
  • “આ પુસ્તકે તને બરબાદ કર્યો છે!”
  • નવું જીવન
  • ભાઈઓને મદદ કરી
  • જોખમી મુસાફરીઓ
  • યહોવાહની શક્તિથી હું સંતોષપ્રદ જીવન જીવી
  • આકરી કસોટીઓમાં પણ હું ટકી રહ્યો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧/૧ પાન ૨૩-૨૮

મારો અનુભવ

યહોવાહે “પરાક્રમની અધિકતા” પૂરી પાડી છે

હેલન માર્કના જણાવ્યા પ્રમાણે

વર્ષ ૧૯૮૬ના ઉનાળાના એ દિવસે સખત ગરમી હતી. હું યુરોપના એક એકદમ શાંત ઍરપોર્ટના કસ્ટમ વિભાગમાં રાહ જોઈ રહી હતી. એ આલ્બેનિયાની રાજધાની તિરાના હતી, જેણે પોતાને “દુનિયાનો પહેલો નાસ્તિક દેશ” જાહેર કર્યો હતો.

કસ્ટમ અધિકારી બંદૂક લઈને મારો સામાન તપાસવા લાગ્યો ત્યારે, હું ગભરાઈને તેને જોઈ રહી હતી. તેને શક થાય એવું કંઈક હું કહું કે કરું તો, હું એ દેશમાં જઈ શકવાની ન હતી. તેમ જ, કસ્ટમ ઑફિસની બહાર મારી રાહ જોઈ રહેલાઓને પણ જેલ અથવા આકરી મજૂરીની સજા થઈ શકતી હતી. જોકે, એ અધિકારીને ચૂઈંગમ અને કેકની ઑફર કરવાથી, તે મારી સાથે વધારે નિખાલસ બન્યા. એ સમયે મારી ઉંમર સાઠથી ઉપર હતી, છતાં હું એ પરિસ્થિતિમાં કેવી રીતે આવી ગઈ? સુખી જીવન છોડીને મેં કેમ એવા નાસ્તિક દેશમાં રાજ્ય હિતોને વધારવાનો પ્રયાસ કરવાનું જોખમ ખેડ્યું?

બીમાર છોકરી પાસે પુષ્કળ પ્રશ્નો

મારો જન્મ ૧૯૨૦માં લેરાપેટ્રા, ક્રિતમાં થયો હતો. એના બે વર્ષ પછી મારા પપ્પાને ન્યુમોનિયા થયો અને તે ગુજરી ગયા. મારી મમ્મી ગરીબ અને અભણ હતી. વળી, ચાર ભાઈ-બહેનોમાં હું સૌથી નાની હતી. મને કમળાનો રોગ થયો હોવાથી હું હંમેશાં ફિક્કી અને બીમાર દેખાતી હતી. પડોશીઓએ તો મારી મમ્મીને એમ પણ કહ્યું હતું કે તેની પાસે જે કંઈ થોડા પૈસા છે, એનાથી તેના ત્રણ તંદુરસ્ત બાળકોનું ધ્યાન રાખે અને મને મરી જવા દે. પરંતુ, હું બહું જ ખુશ છું કે મારી મમ્મીએ તેઓનું સાંભળ્યું નહિ.

મારા પપ્પા ગુજરી ગયા છે અને તે સ્વર્ગમાં છે એવું કહેવામાં આવ્યું હોવાથી, મારી મમ્મી ઘણી વાર કબ્રસ્તાને જતી. એ માટે ખાસ કરીને મારી મમ્મી ઑર્થોડૉક્સ પાદરીની મદદ લેતી હતી. એ સેવાઓ કંઈ સસ્તી ન હતી. મને હજુ પણ યાદ છે કે એક નાતાલના દિવસે કડકડતી ઠંડી હતી ત્યારે, હું અને મારી મમ્મી કબ્રસ્તાનથી પરાણે ચાલીને ઘરે ગયા હતા. એ વખતે અમારી પાસે જે કંઈ પૈસા હતા, એ મમ્મીએ પાદરીને આપી દેવા પડ્યા હતા. મમ્મી અમારા માટે થોડું શાક બનાવ્યા પછી બીજા રૂમમાં ચાલી ગઈ. તેના માટે ખાવાને કંઈ ન હતું, તેથી ભૂખી અને ખૂબ જ ઉદાસ હોવાથી તેનો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો હતો. થોડા સમય પછી, મેં હિંમત કરીને પાદરીને પૂછ્યું કે મારા પપ્પા કેમ ગુજરી ગયા છે અને મારી મમ્મી ગરીબ હોવા છતાં શા માટે તેમને પૈસા ચૂકવવા પડે છે. તેમણે એકદમ ધીમા અવાજે કહ્યું: “પરમેશ્વરે તેમને લઈ લીધા છે. જીવનમાં એમ જ ચાલ્યા કરે છે. થોડા દિવસમાં તું તારું દુઃખ ભૂલી જઈશ.”

તેમ છતાં, હું શાળામાં જે પ્રભુની પ્રાર્થના શીખી હતી, એ પ્રમાણે તેનો જવાબ ન હોવાથી એ માનવું સહેલું ન હતું. મને હજુ પણ એ પ્રાર્થનાના શબ્દો યાદ છે: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૯, ૧૦) પરમેશ્વર ઇચ્છતા હોય કે પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય તો, શા માટે આટલું દુઃખ સહન કરવું પડે છે?

મને એ પ્રશ્નનો જવાબ લગભગ ૧૯૨૯માં મળ્યો. ઈમાનુએલ લીઓનુડાકીસ, એક યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના પ્રચારક હતા. તે અમારા ઘરે પ્રચાર કરવા આવ્યા હતા.a મારી મમ્મીએ તેમને પૂછ્યું કે તમને શું જોઈએ છે ત્યારે, ઈમાનુએલ કંઈ જ બોલ્યા નહિ. પરંતુ, તેમના હાથમાં એક છાપેલો સંદેશો હતો એ તેમણે આપ્યો. મમ્મીએ મને એ વાંચવા માટે આપ્યો. હું ફક્ત નવ વર્ષની હોવાથી મને બહુ સમજ ન પડી. મારી મમ્મીને એવું લાગ્યું કે તે મૂંગા છે, તેથી તેણે કહ્યું: “બિચારા! તમે બોલી શકતા નથી અને હું વાંચી શકતી નથી.” પછી મમ્મીએ પ્રેમથી ઇશારો કરીને તેમને જવાનું કહ્યું.

થોડાં વર્ષો પછી મને મારા પ્રશ્નોના જવાબ મળ્યા. મારા મોટા ભાઈ, ઈમાનુએલ પાટેરકીસે એ જ પાયોનિયર પાસેથી મૂએલાઓ ક્યાં છે? પુસ્તિકા મેળવી, જે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત થઈ હતી.b એ પુસ્તિકા વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે મારા પપ્પાને પરમેશ્વરે લઈ લીધા ન હતા. મને એ પણ જાણવા મળ્યું કે મનુષ્ય અપૂર્ણ હોવાથી મરણ પામે છે અને સુખ શાંતિવાળી પૃથ્વી પર મારા પપ્પા ફરીથી સજીવન થશે.

“આ પુસ્તકે તને બરબાદ કર્યો છે!”

બાઇબલનું સત્ય શીખવાથી અમારી આંખો ખુલી ગઈ. અમે પપ્પાનું જૂનું બાઇબલ શોધી કાઢ્યું અને મીણબત્તીના પ્રકાશમાં બેસીને એને ઘણી વાર વાંચતા. અમારા વિસ્તારમાં હું એકલી સ્ત્રી હતી કે જેને બાઇબલમાં રસ હતો. તેથી, મને ત્યાંના યહોવાહના સાક્ષીઓના નાના જૂથની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મળતો ન હતો. થોડા સમય સુધી હું એમ જ માનતી કે આ ધર્મ ફક્ત પુરુષો માટે જ છે. પરંતુ, હું ખોટી હતી.

પ્રચાર કાર્ય માટે મારા ભાઈનો ઉત્સાહ મને ઉત્તેજન આપતો હતો. થોડા સમય પછી પોલીસ અમારા કુટુંબ પર ખાસ નજર રાખવા લાગી. તેઓ ઈમાનુએલ અને સાહિત્યને શોધવા અમારા ઘરે મન ફાવે ત્યારે આવી ચઢતા. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે પાદરી અમને ચર્ચમાં પાછા જવા માટે ઉત્તેજન આપવા આવ્યા હતા. પછી ઈમાનુએલે તેને બાઇબલમાંથી બતાવ્યું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. ત્યારે, પાદરીએ બાઇબલ છીનવી લીધું અને મારા ભાઈના મોં પર ફેંકીને બરાડતા કહ્યું, “આ પુસ્તકે તને બરબાદ કર્યો છે.”

વર્ષ ૧૯૪૦માં ઈમાનુએલે લશ્કરી સેવા આપવાની ના પાડી ત્યારે, તેની ધરપકડ થઈ અને તેને આલ્બેનિયન મોરચે મોકલવામાં આવ્યો. પછી તેનો અમારી સાથે કોઈ સંપર્ક રહ્યો નહિ. અમને લાગ્યું કે નક્કી તે માર્યો ગયો હશે. તેમ છતાં, બે વર્ષ પછી જેલમાંથી અમારા પર તેનો પત્ર આવ્યો. અમને હાશ થઈ કે તે સાજોસમો અને જીવતો હતો. તેણે પત્રમાં બાઇબલની જે કલમ ટાંકી હતી એ મારા મનમાં ઠસી ગઈ, જે કહે છે: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળવૃત્તાંત ૧૬:૯) ખરેખર અમને આવા ઉત્તેજનની ખૂબ જ જરૂર હતી!

જેલમાં હોવા છતાં ઈમાનુએલે ગોઠવણ કરી કે ભાઈઓ મારી મુલાકાત લે. તરત જ, શહેરની બહાર એક વાડીના ઘરમાં કોઈને ખબર ન પડે એવી રીતે ખ્રિસ્તી સભાઓની ગોઠવણ કરવામાં આવી. અમને જરાય ખબર ન હતી કે પોલીસ અમારા પર જાસૂસી કરી રહી છે! એક રવિવારે હથિયારધારી પોલીસોએ આવીને અમને ઘેરી લીધા. તેઓએ અમને ટ્રકમાં ભર્યા અને લોકો જોવે એમ શહેરમાંથી લઈ ગયા. લોકો જે રીતે અમારી હાંસી ઉડાવતા હતા એ હજુ પણ મને યાદ છે. પરંતુ, યહોવાહે તેમના પવિત્ર આત્માથી અમને મનની શાંતિ આપી હતી.

પછી તેઓ અમને બીજા એક શહેરની જેલમાં લઈ ગયા અને ધક્કો મારીને ગંદી તેમ જ અંધારી ઓરડીઓમાં પૂરી દીધા. મારી ઓરડીમાં ટોઇલેટની જગ્યાએ ફક્ત ડોલ હતી. એને દિવસમાં એક વાર ખાલી કરવામાં આવતી. મને આઠ મહિનાની સજા થઈ કારણ કે તેઓ મને એ જૂથની “શિક્ષક” સમજતા હતા. તેમ છતાં, અમારી સાથે કેદમાં એક ભાઈ હતા જેમણે પોતાનો વકીલ અમારા માટે રોક્યો જેથી તે અમને છોડાવી શકે.

નવું જીવન

મારો ભાઈ ઈમાનુએલ જેલમાંથી છૂટ્યો ત્યારે, પ્રવાસી નિરીક્ષક તરીકે ઍથેન્સનાં મંડળોની મુલાકાત લેવા લાગ્યો. વર્ષ ૧૯૪૭માં હું પણ ત્યાં રહેવા ગઈ. ત્યારે હું પ્રથમ વાર મોટી સંખ્યામાં યહોવાહના સાક્ષીઓને મળી જેઓમાં ફક્ત પુરુષો જ નહિ, પરંતુ સ્ત્રીઓ અને બાળકો પણ હતા. છેવટે, જુલાઈ ૧૯૪૭માં મેં યહોવાહને મારું સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. ઘણી વાર હું મિશનરિ બનવાનું સ્વપ્ન જોતી હોવાથી, અંગ્રેજી શીખવા માટે રાત્રે હું ટ્યુશન લેવા લાગી. વર્ષ ૧૯૫૦માં મેં પૂરા સમયની સેવા શરૂ કરી. પછી મમ્મી મારી સાથે રહેવા આવી અને તેણે પણ બાઇબલનું સત્ય શીખીને એ અપનાવ્યું. તે યહોવાહની સાક્ષી બન્યા પછી ૩૪ વર્ષ સુધી જીવી અને મરણ સુધી વિશ્વાસમાં અડગ રહી.

એ જ વર્ષે હું અમેરિકાથી આવેલા જોન માર્ક (માર્કોપોલોસ)ને મળી જે વિશ્વાસમાં દૃઢ હતા. જોકે, જોન દક્ષિણ આલ્બેનિયામાં જન્મ્યા હતા પરંતુ, અમેરિકામાં રહેવા ગયા પછી તે ત્યાં જ યહોવાહના સાક્ષી બન્યા હતા. વર્ષ ૧૯૫૦માં તે ગ્રીસમાં હતા અને આલ્બેનિયા જવા માટે વિઝા મેળવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ, ત્યારે બહારથી કોઈને એ દેશમાં આવવાની પરવાનગી ન હતી. વર્ષ ૧૯૩૬માં જોન પોતાના કુટુંબને છેલ્લી વાર મળ્યા હતા છતાં, તેમને આલ્બેનિયામાં આવવાની રજા ન મળી. યહોવાહની સેવા માટે માર્કનો ઉત્સાહ અને ભાઈબહેનો માટે તેમનો ઊંડો પ્રેમ જોઈને, હું તેમના પ્રેમમાં પડી અને અમે એપ્રિલ ૩, ૧૯૫૩માં લગ્‍ન કર્યા. પછી હું તેમની સાથે અમારા નવા ઘરે ન્યૂ જર્સી, અમેરિકા રહેવા ગઈ.

અમે બંને જણ પૂરો સમય પ્રચાર કરવા લાગ્યા અને જીવન જરૂરિયાત પૂરી કરવા ન્યૂ જર્સીના દરિયા કિનારે માછીમારો માટે સવારે નાસ્તો બનાવી વેચતા. એ કામ અમે ફક્ત ઉનાળાની ઋતુમાં પરોઢિયેથી સવારના નવ વાગ્યા સુધી કરતા. આમ, સાદું જીવન હોવાથી અમે અમારા જીવનમાં પ્રચાર કાર્યને પ્રથમ મૂકી શક્યા અને અમારો મોટા ભાગનો સમય એ કામમાં જ વાપરતા. અમુક વર્ષો પછી, પ્રચાર કરવાની વધુ જરૂર હતી એવાં શહેરોમાં અમને જવાનું કહેવામાં આવ્યું. ત્યાં બાઇબલમાં રસ ધરાવતી વ્યક્તિઓને યહોવાહની મદદથી સત્ય શીખવા અમે મદદ કરી, મંડળો સ્થાપ્યાં અને સભા માટે હૉલ બાંધવા ભાઈબહેનોને મદદ પણ કરી.

ભાઈઓને મદદ કરી

જોકે, અમને જલદી જ વધુ જવાબદારી સંભાળવાની તક મળી. જવાબદાર ભાઈઓ બાલ્કન દેશોના ખ્રિસ્તી ભાઈઓ સાથે સંપર્ક બાંધવા પ્રયત્ન કરી રહ્યા હતા. કારણ કે ત્યાં આપણા પ્રચાર કાર્ય પર વર્ષોથી પ્રતિબંધ હતો. તેથી, એ દેશોમાં યહોવાહના સાક્ષીઓનો બહારના દેશના ખ્રિસ્તી ભાઈબહેનો સાથે વર્ષોથી સંબંધ કપાઈ ગયો હતો. તેઓને એકદમ ઓછા પ્રમાણમાં આત્મિક ખોરાક મળતો હતો અને તેઓને ક્રૂર સતાવણીનો સામનો કરવો પડતો હતો. ભાઈબહેનો પર પોલીસ કડક નજર રાખતી હોવાથી તેઓમાંના ઘણા જેલમાં કે જુલમી છાવણીઓમાં હતા. તેથી, તેઓને તાત્કાલિક બાઇબલ અને એને લગતાં પ્રકાશનો, માર્ગદર્શન અને ઉત્તેજનની જરૂર હતી. દાખલા તરીકે, આલ્બેનિયાથી અમે એક છૂપી રીતે સંદેશો મેળવ્યો: “અમારા માટે પ્રભુને પ્રાર્થના કરો. દરેક ઘરેથી સાહિત્ય જપ્ત કરવામાં આવે છે. અમે અભ્યાસ કરી શકતા નથી. ત્રણ ભાઈઓ જેલમાં છે.”

તેથી, નવેમ્બર ૧૯૬૦માં અમે અમુક દેશોની છ મહિનાની લાંબી મુલાકાત લેવાની શરૂઆત કરી. દેખીતી રીતે જ, અમને પરમેશ્વરે આપેલી ‘પરાક્રમની અધિકતાની’ જરૂર હતી. તેમ જ, અમારા કાર્યને પૂરું કરવા હિંમત અને ચતુરાઈની પણ જરૂર હતી. (૨ કોરીંથી ૪:૭) અમારે પ્રથમ આલ્બેનિયા જવાનું હતું. તેથી, અમે પૅરિસમાં કાર ખરીદી અને મુસાફરીની શરૂઆત કરી. અમે રોમ પહોંચ્યા પછી જ જોન આલ્બેનિયા જવા માટે વિઝા મેળવી શક્યા. મારે ઍથેન્સ, ગ્રીસ જઈને તેમની રાહ જોવાની હતી.

ફેબ્રુઆરી, ૧૯૬૧ના અંતમાં જોન આલ્બેનિયા ગયા અને માર્ચના અંત સુધી ત્યાં રહ્યા. તે તિરાનામાં ૩૦ ભાઈઓને મળ્યા. અરે, તેઓને સાહિત્યની ખૂબ જ જરૂર હતી અને એ મેળવવાથી તેઓનો આનંદ સમાતો ન હતો! બીજા દેશમાંથી તેઓની ૨૪ વર્ષોમાં કોઈએ મુલાકાત લીધી ન હતી.

જોન એ ભાઈઓનો વિશ્વાસ અને ધીરજ જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને જાણવા મળ્યું કે ઘણા ભાઈઓએ સામ્યવાદી રાજ્યની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ન હોવાથી તેઓએ નોકરી ગુમાવી અને જેલમાં છે. ખાસ કરીને ૮૦ વર્ષના બે ભાઈઓએ જ્યારે તેમને લગભગ ૧૦૦ ડોલરનું પ્રદાન કર્યું ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેઓએ પોતાના થોડા પેન્શનમાંથી વર્ષોથી કરકસર કરીને એ પૈસા બચાવ્યા હતા.

જોન માટે આલ્બેનિયામાં માર્ચ ૩૦, ૧૯૬૧ છેલ્લો દિવસ હતો. એ ઈસુના મરણની યાદગીરીનો દિવસ હતો. જોને ૩૭ શ્રોતાઓને સ્મરણ પ્રસંગનું પ્રવચન આપ્યું. પ્રવચન પૂરું થયું કે ઝડપથી ભાઈઓ જોનને પાછલા દરવાજેથી દુરિસ બંદરે લઈ ગયા અને ત્યાં તુર્કીના વ્યાપારી જહાજમાં બેસાડી દીધા જે ઊપડવાની તૈયારીમાં જ હતું.

તેમને સલામત પાછા આવેલા જોઈને હું ઘણી ખુશ થઈ હતી. જોકે આ તો અમારી જોખમી મુસાફરીની શરૂઆત જ હતી. અમારે બીજા ત્રણ બાલ્કન દેશોમાં થઈને મુસાફરી કરવાની હતી, જ્યાં આપણા પ્રચાર કાર્ય પર વર્ષોથી પ્રતિબંધ હતો. ત્યાં જવું જોખમી હોવા છતાં, અમે બાઇબલ આધારિત સાહિત્ય, ટાઈપરાઈટર અને બીજી વસ્તુઓ લઈ ગયા. અમે એવા ભાઈબહેનોને મળી શક્યા કે જેઓ યહોવાહ માટે પોતાની નોકરી, સ્વતંત્રતા અને પોતાનું જીવન પણ જોખમમાં મૂકવા તૈયાર હતા. તેઓનો ઉત્સાહ અને સાચો પ્રેમ જોઈને અમને ખૂબ ઉત્તેજન મળ્યું. તેઓને યહોવાહે “પરાક્રમની અધિકતા” પૂરી પાડી હતી એ જોઈને અમે ઘણા પ્રભાવિત થયા.

સારી રીતે અમારી મુસાફરી પૂરી કર્યા પછી અમે અમેરિકામાં પાછા ફર્યા. એ પછી વર્ષો સુધી અમે આલ્બેનિયામાં સાહિત્યો મોકલવાં અને તેઓ વિષે જાણવા માટે અનેક રીતો વાપરતા.

જોખમી મુસાફરીઓ

વર્ષો પસાર થતાં ગયાં અને જોન ૭૬ વર્ષની ઉંમરે, ૧૯૮૧માં ગુજરી ગયા. મારી ભત્રીજી ઈવેન્જીલીઓ અને તેનો પતિ જ્યોર્જ ઑર્ફાન્ડીસ મને પ્રેમથી તેઓના ઘરે લઈ ગયા. ત્યારથી તેઓએ મને દરેક રીતે પૂરતી મદદ અને સહારો આપ્યો છે. તેઓએ પણ સુદાનમાં પ્રતિબંધ હેઠળ પ્રચાર કર્યો હતો અને એ કામ પાછળ યહોવાહનો હાથ હતો એનો અનુભવ કર્યો હતો.c

આખરે, આલ્બેનિયાના ભાઈઓ સાથે સંપર્કમાં રહેવા ફરીથી પ્રયત્ન કરવામાં આવ્યો. મારા પતિના સગાસંબંધીઓ ત્યાં રહેતા હોવાથી, મને સ્વેચ્છાએ આલ્બેનિયા જવાનું પૂછવામાં આવ્યું. મેં પણ ખુશીથી હા પાડી!

વિઝા માટે અમુક મહિનાઓ સુધી સખત પ્રયત્નો કર્યા પછી, ૧૯૮૬માં હું ઍથેન્સમાં આવેલી આલ્બેનિયાની એમ્બેસીમાંથી એ મેળવી શકી. આલ્બેનિયન એમ્બેસીના અધિકારીઓએ મને ચેતવણી આપી હતી કે કંઈ પણ તકલીફ થાય તો તું બહારના દેશો પાસેથી મદદની આશા રાખતી નહિ. પછી જ્યારે હું ટ્રાવેલ એજન્ટ પાસે આલ્બેનિયાની ટિકિટ લેવા ગઈ ત્યારે તે મૂંઝવણમાં પડી ગયો. જરાય ગભરાયા વગર હું મારું કામ પૂરું કરવા ઍથેન્સથી તિરાના જતા વિમાનમાં બેસી ગઈ. એ વિમાનમાં મોટી ઉંમરના ફક્ત ત્રણ આલ્બેનિયન પુરુષો જ હતા જેઓ તબીબી સારવાર માટે ગ્રીસ આવ્યા હતા. સારવાર પછી તેઓ એ ફ્લાઈટમાં આલ્બેનિયા પાછા જતા હતા, જે અઠવાડિયામાં એક જ વાર જતી હતી.

વિમાન જેવું ઊતર્યું કે તરત મને કસ્ટમ ઑફિસમાં લઈ જવામાં આવી. મારા દિયર અને નણંદ યહોવાહના સાક્ષીઓ ન હોવા છતાં, ત્યાંના ભાઈઓનો સંપર્ક કરવા મને મદદ કરવા તૈયાર હતા. નિયમ પ્રમાણે તેઓને મારા વિષે પોલીસને જાણ કરવાની જરૂર હતી. તેથી, પોલીસ મારા પર કડક નજર રાખતી હતી. મારા સગાઓએ મને સલાહ આપી કે તેઓ તિરાનામાં રહેતા બે ભાઈઓને શોધીને મારી પાસે લાવે અને હું ઘરે જ રહું.

એ સમયે, આખા આલ્બેનિયામાં ફક્ત નવ યહોવાહના સાક્ષીઓ હતા. વર્ષોથી પ્રતિબંધ, સતાવણી અને પોલીસ તેઓ પર કડક નજર રાખતી હોવાથી તેઓ ખૂબ સાવચેત રહેતા. તેઓના ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. ચોકસાઈ માટે એ બે ભાઈઓએ મારી સાથે વાતો કરી અને તેઓને ખાતરી થઈ પછી મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો: “ચોકીબુરજ ક્યાં છે?” વર્ષોથી તેઓ પાસે જૂનાં પુસ્તકોની ફક્ત બે પ્રતો હતી અને બાઇબલ તો હતું જ નહિ.

સરકારે તેઓ વિરુદ્ધ જે ક્રૂર પગલાં ભર્યાં હતાં એ વિષે તેઓએ ઘણી વાત કરી. તેઓએ એક એવા વહાલા ભાઈ વિષે પણ જણાવ્યું કે જેમણે આવી રહેલી ચૂંટણીમાં પોતે કોઈને પણ મત આપવાના નથી એવો નિર્ણય કર્યો હતો. સરકારનો બધી જ બાબતો પર કડક અંકુશ હોવાથી, તેમનાં કુટુંબને હવે રાશન પર કોઈ ખોરાક મળવાનો ન હતો. તેમના બાળકો જે પરણેલા છે, પણ યહોવાહના સાક્ષીઓ નથી, છતાં તેઓને કુટુંબ સહિત જેલની સજા થઈ. જોકે અહેવાલ પ્રમાણે, આ ભાઈના કુટુંબીજનોએ બીકને કારણે ચૂંટણીની આગલી રાતે જ આપણા ભાઈને મારી નાખ્યા અને તેમની લાશ કૂવામાં ફેંકી દીધી. પછીથી તેઓએ એમ કહ્યું કે તે ગભરાઈ ગયા હોવાથી, તેમણે આપઘાત કરી લીધો.

એ ખ્રિસ્તી ભાઈઓની ગરીબાઈ જોઈને મને ઘણું દુઃખ થયું હતું. તેમ છતાં, મેં દરેકને ૨૦ ડોલર આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે, તેઓએ ના પાડી અને કહ્યું કે “અમને ફક્ત આત્મિક ખોરાક જોઈએ છે.” આ વહાલા ભાઈઓ વર્ષોથી જુલમી સરકાર હેઠળ જીવતા આવ્યા છે. તેઓએ એ પણ જોયું છે કે એ સરકારે કઈ રીતે મોટા ભાગના લોકોને નાસ્તિક બનાવી દીધા હતા. પરંતુ, બીજા દેશોના યહોવાહના સાક્ષીઓની જેમ આ ભાઈઓ પણ પોતાના વિશ્વાસમાં દૃઢ હતા. યહોવાહ સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ “પરાક્રમની અધિકતા” પૂરી પાડી શકે છે, એની ખાસ કરીને આલ્બેનિયામાં બે અઠવાડિયાં રહ્યા પછી, મારા પર ઊંડી અસર થઈ.

વર્ષ ૧૯૮૯ અને ૧૯૯૧માં મને આલ્બેનિયા જવાની ફરી તક મળી હતી. એ દેશમાં ધીરે ધીરે ધાર્મિક સ્વતંત્રતા મળવા લાગી. તેથી યહોવાહના સાક્ષીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થવા લાગ્યો. વર્ષ ૧૯૮૬માં ત્યાં ફક્ત થોડાક જ બાપ્તિસ્મા પામેલા યહોવાહના સાક્ષીઓ હતા અને આજે વધીને ૨,૨૦૦ કરતાં પણ વધારે ખ્રિસ્તી ભાઈબહેનો છે. એમાં મારા પતિની નાની બહેન પણ છે જેનું નામ માલ્પો છે. ખરેખર, એમાં શું કોઈ પણ શંકા કરી શકે કે એ વિશ્વાસુ ભાઈ-બહેનો પર યહોવાહનો આશીર્વાદ ન હતો?

યહોવાહની શક્તિથી હું સંતોષપ્રદ જીવન જીવી

વીતી ગયેલાં વર્ષો યાદ કરું છું ત્યારે, હું કહી શકું છું કે મારી અને જોનની મહેનત નકામી નથી ગઈ. અમે અમારી યુવાનીનો સૌથી સારો ઉપયોગ કર્યો છે. અમે કોઈ પણ નોકરી-ધંધો કરીને આનંદ મેળવી શક્યા હોત, એના કરતાં પૂરા સમયના પ્રચાર કાર્યમાં ભાગ લેવાથી અમને વધારે આનંદ મળ્યો છે. અમે ઘણા લોકોને બાઇબલ સત્ય શીખવામાં મદદ કરી શક્યા અને તેઓ હજુ પણ સત્યમાં દૃઢ છે એનાથી મને ઘણો જ આનંદ થાય છે. હવે, ઢળતી ઉંમરે હું સાચા દિલથી યુવાનોને ઉત્તેજન આપવા ચાહું છું કે ‘તમારી યુવાનીમાં તમારા સરજનહારને ભૂલશો નહિ.’​—⁠સભાશિક્ષક ૧૨:૧.

હું ૮૧ વર્ષની થઈ છું છતાં હજુ પણ પૂરા સમયના સેવક તરીકે યહોવાહના રાજ્યનો પ્રચાર કરું છું. વહેલી સવારે હું ઊઠીને બસ સ્ટેન્ડ પર, ગાડી પાર્ક કરવાના વિસ્તારમાં, રસ્તા પર, દુકાનોમાં અને બગીચાઓમાં પ્રચાર કરું છું. જોકે જેમ ઉંમર વધે છે તેમ મને ઘણી તકલીફો પડે છે. તેમ છતાં, મારા પ્રિય ખ્રિસ્તી ભાઈબહેનો અને મારી ભત્રીજી મને ખરેખર ખૂબ મદદ આપી રહ્યા છે. એનાથી પણ વધારે તો હું એ જોઈ શકી કે “પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી.”​—⁠૨ કોરીંથી ૪:૭.

[ફુટનોટ્‌સ]

a ચોકીબુરજ સપ્ટેમ્બર ૧, ૧૯૯૯ પાન ૨૫થી ૨૯ પર ઈમાનુએલ લીઓનુડાકીસનો અનુભવ જુઓ.

b ચોકીબુરજ નવેમ્બર ૧, ૧૯૯૬ના પાન ૨૨-૭ પર ઈમાનુએલ પાટેરકીસનો અનુભવ જુઓ.

c યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક ૧૯૯૨ (અંગ્રેજી)માં પાન ૯૧-૨ જુઓ.

[પાન ૨૫ પર ચિત્ર]

ઉપર: ઍથેન્સમાં ૧૯૫૦માં બેથેલના ભાઈઓ સાથેનો ફોટો. એમાં (ડાબી બાજુ) જોન, (વચ્ચે) હું, જમણી બાજુ મારો ભાઈ ઈમાનુએલ અને તેની ડાબી બાજુ મારી મમ્મી

[પાન ૨૫ પર ચિત્ર]

ડાબે: ૧૯૫૬માં જોન સાથે ન્યૂ જર્સીના દરિયાકાંઠે અમારી નાની દુકાન

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૯૫માં તિરાના, આલ્બેનિયામાં મહાસંમેલન

[પાન ૨૬ પર ચિત્ર]

તિરાના, આલ્બેનિયાનું બેથેલ, જે ૧૯૯૬માં પૂરું થયું

[પાન ૨૬ પર ચિત્ર]

મારી ભત્રીજી ઈવેન્જીલીઓ ઑર્ફાન્ડીસ (જમણે) અને તેના પતિ જ્યોર્જ

[પાન ૨૬ પર ચિત્ર]

ઉપર: ૧૯૪૦માં “ચોકીબુરજ” લેખ ખાનગીમાં આલ્બેનિયનમાં ભાષાંતર થયો હતો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો