પરમેશ્વરના વચન શીખવનારાઓને તેઓનું કાર્ય પૂરું કરવાની અરજ કરવામાં આવી
તાજેતરના મહિનાઓમાં લાખો શિક્ષકો શિક્ષણ લેવા માટે એકઠા થયા હતા. મે ૨૦૦૧થી શરૂ કરીને, તેઓ આખા જગત ફરતે ભરાયેલા યહોવાહના સાક્ષીઓના “પરમેશ્વરના વચન શીખવનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં એકઠા થયા હતા. એમાં પ્રતિનિધિઓને શીખવાની, સારી લાયકાત કેળવવાની અને પછી શિક્ષકો તરીકે પોતાનું કાર્ય પૂરું કરવાની અરજ કરવામાં આવી હતી.
શું તમે આમાંના કોઈ મહાસંમેલનમાં હાજરી આપી છે? જો તમે એમાં હાજર રહ્યા હશો તો, સાચા પરમેશ્વર યહોવાહની ઉપાસના માટે ભરવામાં આવેલા આ મેળાવડામાં પીરસાયેલા સુંદર આત્મિક ખોરાકની તમે ચોક્કસ કદર કરી હશે. ચાલો આપણે આ મહાસંમેલનના કાર્યક્રમમાં મેળવેલી સૂચનાઓની સમીક્ષા કરીએ.
પ્રથમ દિવસ—પ્રેરિત શાસ્ત્રવચનો શિક્ષણને અર્થે ઉપયોગી છે
મહાસંમેલનના સભાપતિએ પ્રતિનિધિઓનો “પરમેશ્વરના વચન શીખવનારાઓ તમે પણ શીખો” વિષય સાથે ઉષ્માભર્યો આવકાર કર્યો હતો. “ભવ્ય શિક્ષક” યહોવાહ પાસેથી શીખીને ઈસુ ખ્રિસ્ત મહાન શિક્ષક બન્યા. (યશાયાહ ૩૦:૨૦, NW; માત્થી ૧૯:૧૬) આપણે પરમેશ્વરના વચનના શિક્ષકો તરીકે પ્રગતિ કરવી હોય તો, આપણે પણ યહોવાહ પાસેથી શીખવું જ જોઈએ.
ત્યાર પછીના વાર્તાલાપનો વિષય “રાજ્યનું શિક્ષણ આપવાથી સારાં ફળ મળે છે” હતો. એમાં પરમેશ્વરના વચનના અનુભવી શિક્ષકોના ઇન્ટર્વ્યૂં દ્વારા શિષ્યો બનાવવામાં જે આનંદ અને આશીર્વાદો મળ્યા છે એના પર ભાર મૂકવામાં આવ્યો.
ત્યાર પછી, “‘દેવનાં મોટાં કામોથી’ પ્રેરણા મેળવવી” વિષય પર ઉત્તેજનકારક વાર્તાલાપ આપવામાં આવ્યો. પ્રથમ સદીમાં, પરમેશ્વરના રાજ્યને લગતા “મોટાં કામો”થી લોકો પરમેશ્વરની સેવા કરવા પ્રેરાયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧) આપણે ખંડણી, પુનરુત્થાન અને નવો કરાર જેવા બાઇબલ શિક્ષણોને “મોટાં કામો” તરીકે જાહેર કરીને લોકોને પરમેશ્વરની સેવા કરવા પ્રેરી શકીએ.
ત્યાર પછીના વાર્તાલાપે બધાને ‘યહોવાહના ન્યાયીપણામાંથી આનંદ મેળવવા’ ઉત્તેજન આપ્યું. (ગીતશાસ્ત્ર ૩૫:૨૭) ન્યાયી છે એને પ્રેમ કરીને અને ખરાબનો ધિક્કાર કરવાનું શીખીને, બાઇબલનો અભ્યાસ કરીને, આત્મિકતાને નુકસાન કરતી અસરોનો સક્રિય રીતે સામનો કરીને અને નમ્રતા વિકસાવીને આપણને ન્યાયીપણું આચરવા મદદ કરવામાં આવી છે. આ બાબતો આપણને ખરાબ સંગતથી, જગતની ભૌતિકવાદી દૃષ્ટિથી તથા અનૈતિક અને હિંસક મનોરંજનથી રક્ષણ મેળવવા મદદ કરશે.
“પરમેશ્વરના શબ્દ શીખવનારા તરીકે પૂરેપૂરા સજ્જ” વિષયવાળા ચાવીરૂપ સંબોધને આપણને એ યાદ કરાવ્યું કે યહોવાહ પોતાના શબ્દ બાઇબલ, પવિત્ર આત્મા અને સંગઠન દ્વારા આપણને યોગ્ય સેવકો બનાવે છે. પરમેશ્વરના શબ્દ બાઇબલનો ઉપયોગ કરવા સંબંધી વક્તાએ સલાહ આપી: “આપણો ધ્યેય બાઇબલ સંદેશાની આપણા સાંભળનારાઓના હૃદય પર ઊંડી અસર પાડવાનો હોવો જોઈએ.”
મહાસંમેલનના પ્રથમ પરિસંવાદનો વિષય આ હતો, “બીજાઓને શીખવતી વખતે પોતે પણ શીખો.” શરૂઆતના ભાગમાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો કે આપણે બીજાઓને ખ્રિસ્તી નૈતિકતા શીખવીએ છીએ ત્યારે, આપણે પોતે પણ એ જ ઉચ્ચ ધોરણો પાળવાં જોઈએ. ત્યાર પછીના ભાગે આપણને ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવવા’ સલાહ આપી. (૨ તીમોથી ૨:૧૫) ભલે આપણે ગમે તેટલા વર્ષોથી પરમેશ્વરની સેવા કરતા હોઈએ છતાં, પોતાને શીખવવા માટે નિયમિત રીતે અને ખંતથી બાઇબલ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પરિસંવાદના છેલ્લા ભાગે બતાવ્યું કે શેતાન આપણું નિરીક્ષણ કરી રહ્યો છે અને આપણામાં અભિમાન, સ્વતંત્રતાની ઇચ્છા, સ્વ-મહત્તા, ઈર્ષા, અદેખાઈ, કડવાશ, રોષ અને દોષ શોધનાર જેવી ખામીઓ શોધી રહ્યો છે. તેમ છતાં, જો આપણે શેતાનનો દૃઢતાથી વિરોધ કરીશું તો, તે આપણી પાસેથી નાસી જશે. તેનો વિરોધ કરવા માટે, આપણે પરમેશ્વરની નજીક જવાની જરૂર છે.—યાકૂબ ૪:૭, ૮.
“જગતની મરકી અશ્લીલતાને ધિક્કારો,” આ સમયસરના વાર્તાલાપે આપણને બતાવ્યું કે આપણી આત્મિકતા માટે ભયજનક હોય એવી બાબતોનો આપણે કઈ રીતે સફળતાથી સામનો કરી શકીએ. પ્રબોધક હબાક્કૂકે યહોવાહ વિષે કહ્યું: “તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી.” (હબાક્કૂક ૧:૧૩) આપણે ‘જે ભૂંડું છે એને ધિક્કારવું’ જોઈએ. (રૂમી ૧૨:૯) માબાપોને, તેઓનાં બાળકો ટીવી જોતા હોય કે ઇંટરનેટનો ઉપયોગ કરતા હોય ત્યારે, તેઓ શું જુએ છે એ પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી હતી. વક્તાએ કહ્યું કે જેઓ અશ્લીલ બાબતોમાં ફસાઈ ગયા છે તેઓએ એમાંથી બહાર નીકળવા આત્મિક રીતે પરિપક્વ મિત્રની મદદ લેવી જોઈએ. અમુક શાસ્ત્રવચનોને યાદ રાખીને એના પર મનન કરવું પણ મદદરૂપ થશે, જેવાં કે ગીતશાસ્ત્ર ૯૭:૧૦; માત્થી ૫:૨૮; ૧ કોરીંથી ૯:૨૭; એફેસી ૫:૩, ૧૨; કોલોસી ૩:૫; અને ૧ થેસ્સાલોનીકી ૪:૪, ૫.
“પરમેશ્વરની શાંતિ તમારું રક્ષણ કરે,” ત્યાર પછીના આ વાર્તાલાપે આપણને એ ખાતરી સાથે દિલાસો આપ્યો કે આપણે ચિંતાઓથી દબાઈ જઈએ ત્યારે, આપણો બોજો યહોવાહ પર નાખી દઈ શકીએ. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આપણે પ્રાર્થનામાં બધી બાબતો તેમને જણાવીશું તો, “શાંતિના દેવ” યહોવાહ આપણને મનની શાંતિ અને સ્વસ્થતા આપશે જેનાથી આપણે તેમની સાથે મૂલ્યવાન સંબંધ બાંધી શકીશું.—ફિલિપી ૪:૬, ૭.
“યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારે છે,” પ્રથમ દિવસના આ અંતિમ વાર્તાલાપમાં યશાયાહના ૬૦માં અધ્યાયની પરિપૂર્ણતા વિષે સમજાવવામાં આવ્યું. આજના જગતના અંધકાર મધ્યેથી, “પરદેશીઓ,” ઘેટાં જેવા નમ્ર લોકોનો મોટો સમુદાય બહાર નીકળીને અભિષિક્ત જનો સાથે યહોવાહના પ્રકાશનો એકતામાં આનંદ માણે છે. કલમ ૧૯ અને ૨૦નો ઉલ્લેખ કરીને, વક્તાએ સમજાવ્યું: “યહોવાહ સૂર્યની જેમ ‘અસ્ત’ થશે નહિ અથવા ચંદ્રની જેમ ક્યારેય ‘જતા’ રહેશે નહિ. તે પોતાના લોકોને સતત પ્રકાશ આપીને તેઓની શોભા વધારશે. આપણે આ અંધકારમય જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ ત્યારે, આપણને કેવી અદ્ભુત ખાતરી મળે છે!” વાર્તાલાપને અંતે, વક્તાએ યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ, ગ્રંથ ૨ બહાર પાડવાની જાહેરાત કરી. શું તમે આ નવું પુસ્તક વાંચી નાખ્યું?
બીજો દિવસ—બીજાઓને શીખવવા યોગ્ય થયેલા
બીજા દિવસે દૈનિક વચનની ચર્ચા પછી, આપણે મહાસંમેલનના બીજા પરિસંવાદને રસપૂર્વક સાંભળ્યો, જેનો વિષય હતો, “સેવકો, જેમના દ્વારા બીજાઓ વિશ્વાસુ બને છે.” આ ત્રણ ભાગના પરિસંવાદના વક્તાઓએ, રાજ્ય સંદેશ ફેલાવીને, તેઓનો રસ વધારીને અને રસ ધરાવનાર લોકોને ખ્રિસ્તની આજ્ઞા પાળવાનું શીખવીને વિશ્વાસુ બનવામાં મદદ કરતા ત્રણ તબક્કાઓના દરેક ભાગ પર ભાર મૂક્યો. ઈન્ટર્વ્યૂં અને અનુભવો દ્વારા આપણે ખાસ જોઈ શક્યા કે આપણે શિષ્યો બનવામાં બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ.
ત્યાર પછીના વાર્તાલાપનો વિષય, “ધીરજ રાખીને પરમેશ્વરની સેવામાં વધતા જવું,” હતો. વક્તાએ બતાવ્યું કે આપણે ‘અંત સુધી ટકીશું’ તો જ તારણને યોગ્ય બનીશું. (માત્થી ૨૪:૧૩) દૈવી ભક્તિભાવ કેળવવા આપણે પ્રાર્થના, વ્યક્તિગત અભ્યાસ, સભાઓ અને સેવાકાર્ય જેવી પરમેશ્વરની જોગવાઈઓનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. યહોવાહ પરમેશ્વર પ્રત્યેના આપણા ભક્તિભાવ વચ્ચે આડે આવતી કે ભક્તિભાવનો નાશ કરતી જગતની ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓથી આપણે બચવાની જરૂર છે.
સખત પરિશ્રમ કરનારા અને ભારથી લદાયેલાઓ આજે કઈ રીતે તાજગી મેળવી શકે? “ખ્રિસ્તની ઝૂંસરી હેઠળ તાજગી મેળવવી” વાર્તાલાપે એ પ્રશ્નનો જવાબ આપ્યો. ઈસુએ દયાળુ રીતે પોતાના અનુયાયીઓને તેમની ઝૂંસરી હેઠળ આવીને તેમની પાસેથી શીખવા આમંત્રણ આપ્યું. (માત્થી ૧૧:૨૮-૩૦) આપણે ઈસુના સાદા અને સમતોલ જીવનનું અનુકરણ કરીને તેમની ઝૂંસરી હેઠળ આવી શકીએ. આ વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓમાં, પોતાનું જીવન સાદું બનાવ્યું હોય એવી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂંએ ફાળો આપ્યો હતો.
યહોવાહના સાક્ષીઓના મોટા મેળાવડાનું એક મુખ્ય આકર્ષણ, પરમેશ્વરના નવા સમર્પિત સેવકોનું બાપ્તિસ્મા છે. “બાપ્તિસ્મા લેવાથી બીજાઓને શીખવવાનો વધારે લહાવો મળે છે,” આ વાર્તાલાપ આપનાર ભાઈએ બાપ્તિસ્મા લેનાર ભાઈબહેનોનો ઉષ્માભર્યો આવકાર કર્યો અને તેઓને સેવાના વધારે લહાવાઓ સ્વીકારવા આમંત્રણ આપ્યું. શાસ્ત્રીય લાયકાત પૂરી કરનારા આ નવા બાપ્તિસ્મા પામેલાઓ, પરમેશ્વરના વચન શીખવનારા મંડળોમાં જુદી જુદી જવાબદારીઓને સંભાળી શકે.
બપોરબાદના પ્રથમ વાર્તાલાપનો વિષય હતો, “મહાન શિક્ષકને અનુસરો.” યુગોથી સ્વર્ગમાં રહેતા ઈસુ પોતાના પિતાને કાળજીપૂર્વક અવલોકીને તેમનું અનુકરણ કરતા હતા, તેથી તે મહાન શિક્ષક બન્યા. તે પૃથ્વી પર હતા ત્યારે, તેમણે શીખવવાની અસરકારક રીતોનો ઉપયોગ કર્યો, જેમ કે તેમણે વેધક પ્રશ્નો અને સાદાં છતાં અલગ અલગ પ્રકારનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો. ઈસુનું શિક્ષણ પરમેશ્વરના શબ્દ બાઇબલ પર આધારિત હતું અને તેમણે ઉત્સાહથી, ઉષ્માભરી રીતે અને પૂરા અધિકારથી શીખવ્યું. શું આપણે પણ આ મહાન શિક્ષકનું અનુકરણ કરવા પ્રેરાયા ન હતા?
“શું તમે બીજાઓની સેવા કરવા તૈયાર છો?” આ ઉત્તેજનકારક વાર્તાલાપે બીજાઓની સેવા કરવામાં ઈસુના ઉદાહરણનું અનુકરણ કરવા ઉત્તેજન આપ્યું. (યોહાન ૧૩:૧૨-૧૫) વક્તાએ લાયકાત ધરાવતા ભાઈઓને, તીમોથીની જેમ બીજાઓને સહાય કરવાની તકો શોધવા સીધેસીધી અરજ કરી. (ફિલિપી ૨:૨૦, ૨૧) પોતાનાં બાળકોને પૂરા સમયની સેવામાં જોડાવામાં મદદ કરવા, માબાપોને એલ્કાનાહ અને હાન્નાના ઉદાહરણને અનુસરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. યુવાનોને ઈસુ ખ્રિસ્ત અને યુવાન તીમોથીના ઉદાહરણને અનુસરવાની સલાહ આપવામાં આવી કે જેઓએ સ્વેચ્છાથી પોતાને સેવામાં અર્પ્યા હતા. (૧ પીતર ૨:૨૧) બીજાઓની સેવા કરવાની તકોનો જેઓએ લાભ ઉઠાવ્યો છે તેઓના ઉત્તેજનભર્યા શબ્દોથી પણ આપણને ઉત્તેજન મળ્યું હતું.
ત્રીજા પરિસંવાદનો વિષય હતો, “પરમેશ્વરના શિક્ષણમાંથી પૂરેપૂરો લાભ મેળવો.” પ્રથમ વક્તાએ ધ્યાન આપવાની આપણી ક્ષમતામાં વધારો કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો. એ ધ્યેયને પહોંચી વળવા, આપણે શરૂઆતમાં આપણા વ્યક્તિગત અભ્યાસમાં થોડો જ સમય ફાળવવો જોઈએ, પછી ધીમે ધીમે એ સમયને વધારી શકીએ. તેમણે શ્રોતાઓને સભાઓ દરમિયાન બાઇબલમાં જોવાનું અને નોંધ લેવાનું પણ ઉત્તેજન આપ્યું. ત્યાર પછીના વક્તાએ ‘વચનના ખરા સ્વરૂપને’ વળગી રહેવાની જરૂર વિષે સતર્ક કર્યા. (૨ તીમોથી ૧:૧૩, ૧૪) ટીવી જેવા જાહેર માધ્યમોમાં આવતા અનૈતિક કાર્યક્રમો, માનવ ફિલસૂફીઓ, બાઇબલના ઉચ્ચતર ટીકાકારો અને ધર્મભ્રષ્ટ શિક્ષણથી પોતાનું રક્ષણ કરવા માટે, આપણે વ્યક્તિગત અભ્યાસ અને સભાઓમાં હાજરી આપવા સમય કાઢવો જોઈએ. (એફેસી ૫:૧૫, ૧૬) પરિસંવાદના છેલ્લા વક્તાએ, શીખેલી બાબતોને અમલમાં મૂકવાની જરૂર પર ભાર મૂક્યો જેથી આપણે દેવશાહી શિક્ષણમાંથી પૂરો લાભ મેળવી શકીએ.—ફિલિપી ૪:૯.
“આપણી આત્મિક પ્રગતિ માટે નવી નવી જોગવાઈઓ” વાર્તાલાપ સાંભળવા આપણે કેવા આતુર હતા! આપણને એ જાણીને આનંદ થયો કે બહુ જલદી જ દેવશાહી સેવા શાળાના શિક્ષણમાંથી લાભ મેળવવો પુસ્તક બહાર પડશે. વક્તાએ પુસ્તકની અનુક્રમણિકાના વિષયો જણાવ્યા ત્યારે આપણે પુસ્તક મેળવવા કેવા ઉત્સુક થઈ ગયા હતા! આ પુસ્તકના સ્પીચ કાઉન્સલના મુદ્દાઓ સમાવતા વિભાગ સંબંધી તેમણે કહ્યું હતું: “આ નવું પાઠ્યપુસ્તક દુન્યવી પુસ્તકની જેમ લખવામાં આવ્યું નથી. એમાં સારું વાંચન, વાણી અને શિક્ષણ વિષેના જે ૫૩ પાસાઓ આપવામાં આવ્યાં છે એ બાઇબલ આધારિત છે.” આ પુસ્તક બતાવશે કે કઈ રીતે પ્રબોધકો, ઈસુ અને તેમના શિષ્યોએ સારા શીખવનાર તરીકે પોતાની કુશળતા બતાવી. ખરેખર, આ પાઠ્યપુસ્તક અને દેવશાહી સેવા શાળાના નવા પાસાઓ આપણને પરમેશ્વરના વચનના સારા શિક્ષકો બનવા ચોક્કસ મદદ કરશે.
ત્રીજો દિવસ—સમયને ધ્યાનમાં રાખીને શિક્ષકો બનો
છેલ્લા દિવસે દૈનિક વચનની ચર્ચા પૂરી કર્યા પછી, દરેકનું ધ્યાન મહાસંમેલનના છેલ્લા પરિસંવાદ પર હતું, જેનો વિષય હતો, “માલાખીની ભવિષ્યવાણી આપણને યહોવાહના દિવસ માટે તૈયાર કરે છે.” યહુદીઓ બાબેલોનથી પાછા ફર્યા એના લગભગ સો વર્ષ પછી માલાખીએ આ ભાખ્યું હતું. તેઓએ ફરીથી ધર્મભ્રષ્ટતા અને દુષ્ટતા આચરવાનું શરૂ કર્યું હતું. પરમેશ્વરના ન્યાયી નિયમોની અવગણના કરીને તેઓએ આંધળા, લંગડા અને રોગિષ્ઠ પ્રાણીઓનું બલિદાન ચઢાવ્યું અને એ રીતે તેમના નામનો અનાદર કર્યો હતો. તેઓએ પોતાની જુવાનીની પત્નીઓને છોડી દઈને પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.
માલાખીની ભવિષ્યવાણીનો પહેલો અધ્યાય, આપણને પોતાના લોકો માટેના યહોવાહના પ્રેમની ખાતરી આપે છે. એ પરમેશ્વરનો આદરયુક્ત ભય રાખવા તથા પવિત્ર બાબતોની કદર કરવાની જરૂર પર ભાર મૂકે છે. યહોવાહ આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે આપણાથી બનતું બધું જ તેમને આપીએ અને નિઃસ્વાર્થ પ્રેમથી તેમની ઉપાસના કરીએ. આપણે ફક્ત નામ પૂરતી પવિત્ર સેવા કરવી જોઈએ નહિ કેમ કે એ માટે આપણે પરમેશ્વરને હિસાબ આપવો પડશે.
માલાખીના બીજા અધ્યાયને આપણા દિવસમાં લાગુ પાડતા, પરિસંવાદના બીજા વક્તાએ પૂછ્યું હતું: “શું આપણે વ્યક્તિગત રીતે એ ધ્યાનમાં રાખીએ છીએ કે ‘આપણા હોઠોમાં અધર્મ જોવા ન મળે’?” (માલાખી ૨:૬) શીખવવામાં આગેવાની લેનારાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ જે કંઈ પણ શીખવે એ પૂરેપૂરું બાઇબલ પર આધારિત હોવું જોઈએ. શાસ્ત્રીય કારણ વિના છૂટાછેડા આપવા જેવા વિશ્વાસઘાતને આપણે ધિક્કારવો જોઈએ.—માલાખી ૨:૧૪-૧૬.
પરિસંવાદના છેલ્લા વક્તાએ “યહોવાહના દિવસથી કોણ બચશે?” વિષય પર વાર્તાલાપ આપીને આપણને યહોવાહના દિવસ માટે તૈયાર કરવામાં મદદ કરી. “યહોવાહના સેવકોને એ જાણીને કેટલો આનંદ થાય છે કે માલાખીના ત્રીજા અધ્યાયની ૧૭મી કલમ મોટા પાયા પર તેઓ પર જ પરિપૂર્ણ થઈ રહી છે! એ કહે છે: “સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે તેઓ મારા થશે; જે દિવસે હું આ કરીશ, તે દિવસે તેઓ મારૂં ખાસ દ્રવ્ય થશે; અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.”
મહાસંમેલનનું બીજું એક મુખ્ય આકર્ષણ, પ્રાચીન ઢબના પોષાકથી ભરેલું નાટક “યહોવાહની સત્તાને માન આપો” હતું, જેમાં કોરાહના પુત્રોને ચિત્રિત કરવામાં આવ્યા. મુસા અને હારૂન પ્રત્યે પોતાના પિતાનું બળવાખોર વલણ હોવા છતાં, તેઓ યહોવાહ અને તેમના પ્રતિનિધિઓને વફાદાર રહ્યા. પરિણામે, કોરાહ અને તેને સાથ આપનારાઓ માર્યા ગયા ત્યારે, કોરાહના પુત્રો બચી ગયા. ત્યાર પછી, “વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો” વાર્તાલાપે, નાટકનો વિષય આપણ દરેકને કઈ રીતે લાગુ પડે છે એ બતાવ્યું. વક્તાએ આપણને છ વિસ્તારો બતાવ્યા કે જેમાં કોરાહ અને તેને સાથ આપનારાઓ નિષ્ફળ ગયા હતા: તેઓએ વફાદારીથી યહોવાહની સત્તાને સાથ ન આપ્યો; અભિમાન, અહંકાર અને ઈર્ષામાં તેઓ આંધળા થઈ ગયા હતા; યહોવાહથી નિયુક્ત થયેલા સેવકોની ખામીઓ પર તેઓએ વધારે ધ્યાન આપ્યું; તેઓને ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ હતી; સેવા કરવાના તેઓને જે લહાવા મળ્યા હતા એનાથી તેઓ સંતુષ્ટ ન હતા અને; તેઓ યહોવાહથી વધારે પોતાના મિત્રો અને કુટુંબીજનોને વફાદાર રહ્યા.
જાહેર ભાષણનો વિષય હતો, “આજે કોણ સર્વ દેશના લોકોને સત્ય શીખવી રહ્યું છે?” ત્યાં જે સત્ય વિષે ચર્ચા કરવામાં આવી એ સામાન્ય સત્ય નહિ, પરંતુ ઈસુ ખ્રિસ્ત જેના આંખે દેખ્યા સાક્ષી હતા એ યહોવાહના હેતુઓ વિષેનું સત્ય હતું. વક્તાએ માન્યતાઓ સાથે, ઉપાસના કરવાની રીતો સાથે અને આપણી વર્તણૂક સાથે જોડાયેલા સત્ય વિષે બતાવ્યું. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સાથે આજના યહોવાહના સાક્ષીઓની સરખામણી કરીને, ‘ખરેખર આપણી મધ્યે દેવ છે’ એવી ખાતરી રાખવી સાચે જ દૃઢ કરનારું હતું.—૧ કોરીંથી ૧૪:૨૫.
એ સપ્તાહના ચોકીબુરજના અભ્યાસ લેખની સમીક્ષા કર્યા પછી, હાજર રહેલા પરમેશ્વરના વચનના બધા શિક્ષકો, “તાકીદના સમયે શીખવવાની આપણી જવાબદારી પૂરી કરવી” સમાપ્તિ વાર્તાલાપથી કાર્ય કરવા પ્રેરાયા હતા. કાર્યક્રમની ટૂંકી સમીક્ષાએ, શીખવવામાં શાસ્ત્રવચનોનો ઉપયોગ કરવાના મહત્ત્વ પર, યોગ્ય શિક્ષકો બનવાની રીતો પર અને બીજાઓને જે સત્ય શીખવીએ છીએ એમાં ભરોસો રાખવાની જરૂર પર ભાર મૂક્યો. વક્તાએ આપણને ‘આપણી પ્રગતિ જણાવવા’ અને ‘આપણા પોતાના વિષે તથા આપણા ઉપદેશ વિષે સાવધ રહેવાની’ સલાહ આપી.—૧ તીમોથી ૪:૧૫, ૧૬.
“પરમેશ્વરના વચન શીખવનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં આપણે કેવી સુંદર આત્મિક મિજબાનીનો આનંદ માણ્યો! ચાલો આપણે બીજાઓને પરમેશ્વરના વચન શીખવવામાં આપણા ભવ્ય શિક્ષક, યહોવાહ અને આપણા મહાન શિક્ષક ઈસુ ખ્રિસ્તને અનુસરીએ.
[પાન ૨૮ પર બોક્સ/ચિત્રો]
નવાં પ્રકાશનો ખાસ જરૂરિયાતો પૂરી કરે છે
“પરમેશ્વરના વચન શીખવનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક બે પ્રકાશનો આવકાર્યાં. એ જગતના અમુક ભાગોમાં લોકોને બાઇબલ આધારિત સત્ય શીખવવામાં ખૂબ મદદરૂપ થશે. શું તમને અમર આત્મા છે? (અંગ્રેજી) પત્રિકા, એવા લોકો સાથે વાતચીત શરૂ કરવામાં ખૂબ મદદરૂપ થશે કે જેઓની ભાષાઓમાં “જીવ” અને “આત્મા” શબ્દો વચ્ચે કોઈ તફાવત નથી. નવી પત્રિકા સ્પષ્ટ રીતે બતાવે છે કે આત્મિક બળ આત્મિક પ્રાણીથી એકદમ અલગ છે અને માણસ મરી જાય છે ત્યારે તે આત્મિક પ્રાણી બનતો નથી.
સંતોષપ્રદ જીવન—કઈ રીતે મેળવવું (અંગ્રેજી) આ મોટી પુસ્તિકા મહાસંમેલનના બીજા દિવસના અંતે બહાર પાડવામાં આવી. આ મોટી પુસ્તિકા એવા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં કામ આવશે કે જેઓને વ્યક્તિત્વવાળા પરમેશ્વર વિષે અને પરમેશ્વરના પ્રેરિત પુસ્તક વિષે કંઈ જ ખબર નથી. શું તમે તમારા પ્રચાર કાર્યમાં આ નવાં પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે?
[પાન ૨૬ પર ચિત્રો]
મિલાન, ઇટાલીમાં અને જગત ફરતેનાં મહાસંમેલનોમાં સેંકડો લોકો બાપ્તિસ્મા પામ્યા
[પાન ૨૯ પર ચિત્રો]
શ્રોતાઓને “યહોવાહની સત્તાને માન આપો” નાટક ખૂબ ગમ્યું હતું