વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૩/૧૫ પાન ૧૩-૧૮
  • ઈસુ મંડળની આગેવાની લે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ મંડળની આગેવાની લે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • માલિક અને વિશ્વાસુ ચાકર
  • ‘આજ્ઞાઓ પાળીને આધીન રહો’
  • વડીલો ખ્રિસ્તની આગેવાની સ્વીકારે છે
  • ખ્રિસ્તનું કહેવું માનતા રહો
  • ઈસુ ખ્રિસ્તને પગલે ચાલતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પ્રેમાળ વડીલોને આધીન રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવા કઈ રીતે મંડળોને ઈસુ દ્વારા ચલાવે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૩/૧૫ પાન ૧૩-૧૮

ઈસુ મંડળની આગેવાની લે છે

“જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”​—⁠માત્થી ૨૮:⁠૨૦.

ઈસુ ખ્રિસ્ત, આપણા આગેવાન સ્વર્ગમાં ચડી જતાં પહેલાં, પોતાના શિષ્યો સાથે ભેગા મળ્યા. તેમણે તેઓને કહ્યું: “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”​—⁠માત્થી ૨૩:૧૦; ૨૮:૧૮-૨૦.

૨ ઈસુએ શિષ્યોને ફક્ત એમ કહ્યું નહિ કે જાઓ, શિષ્યો બનાવો અને લોકોને જીવનને માર્ગે લાવો. પરંતુ, એવું વચન આપ્યું કે પોતે તેઓને મદદ કરશે. પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં, શરૂઆતના ખ્રિસ્તીઓનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ વિષે જાણીએ તો કોઈ જ શંકા રહેતી નથી કે નવા નવા મંડળને દોરવણી આપવા ઈસુએ બધું જ કર્યું હતું. તેમણે પોતાના વચન પ્રમાણે “સહાયક” તરીકે પવિત્ર આત્મા મોકલ્યો. જેથી, શિષ્યોને હિંમત અને માર્ગદર્શન મળે. (યોહાન ૧૬:​૭, પ્રેમસંદેશ; પ્રેરિતોનાં કૃત્યો ૨:૪, ૩૩; ૧૩:૨-૪; ૧૬:૬-૧૦) પોતાની આગેવાની હેઠળના સ્વર્ગદૂતોને મોકલીને, ઈસુએ શિષ્યોને મદદ આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૯; ૮:૨૬; ૧૦:૩-૮, ૨૨; ૧૨:૭-૧૧; ૨૭:૨૩, ૨૪; ૧ પીતર ૩:૨૨) તેમ જ, આપણા આગેવાને મંડળને માર્ગદર્શન આપવા અભિષિક્ત જનોના એક નિયામક જૂથની ગોઠવણ કરી.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧:૨૦, ૨૪-૨૬; ૬:૧-૬; ૮:૫, ૧૪-૧૭.

૩ ‘જગતના અંતે’ એટલે આપણા સમય વિષે શું? ઈસુ આજે સાચા ખ્રિસ્તીઓને કઈ રીતે દોરવણી આપી રહ્યા છે? વળી, આપણે તેમની આગેવાની સ્વીકારીએ છીએ, એમ કઈ રીતે બતાવી શકીએ?

માલિક અને વિશ્વાસુ ચાકર

૪ ઈસુએ પોતાની હાજરી વિષે નિશાની આપતા ભાખ્યું: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે. હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માત્થી ૨૪:૪૫-૪૭) “ધણી” અથવા માલિક, આપણા આગેવાન ઈસુ ખ્રિસ્ત છે. તેમણે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” એટલે કે પૃથ્વી પર અભિષિક્ત ખ્રિસ્તીઓના જૂથને નીમ્યું છે, જેથી તેઓ ઈસુની પૃથ્વી પરની પ્રજાની દેખરેખ રાખે.

૫ બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને સીધેસીધું માર્ગદર્શન આપે છે. ‘પ્રભુના દહાડાના’ સંદર્શનમાં, પ્રેષિત યોહાને ‘સોનાની સાત દીવી જોઈ; તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને જોયા, . . . તેના જમણા હાથમાં સાત તારા હતા.’ ઈસુએ એ સંદર્શન યોહાનને સમજાવતા કહ્યું: “મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.”​—⁠પ્રકટીકરણ ૧:૧, ૧૦-૨૦.

૬ ‘પ્રભુનો દહાડો’ જેની શરૂઆત ૧૯૧૪માં થઈ, એ સમયના સર્વ સાચા ખ્રિસ્તીઓના મંડળોને “સોનાની જે સાત દીવી છે,” એ વર્ણવે છે. પરંતુ, “સાત તારા” વિષે શું? સૌ પ્રથમ એ “સાત તારા” પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા સર્વ ભાઈઓને દર્શાવે છે, જેઓ પહેલી સદીના મંડળોની દેખરેખ કરતા હતા.a એ ભાઈઓ ઈસુના જમણા હાથમાં હતા, એટલે કે તેમની આગેવાની હેઠળ માર્ગદર્શન પામતા હતા. ખરેખર, ઈસુ ખ્રિસ્તે એ ચાકર વર્ગને દોરવણી આપી હતી. જો કે હવે અભિષિક્ત ભાઈઓ સંખ્યામાં ઓછા છે. તો પછી, આખી પૃથ્વી પર યહોવાહના સાક્ષીઓના ૯૩,૦૦૦ મંડળોને, આજે ખ્રિસ્ત કઈ રીતે માર્ગદર્શન આપે છે?

૭ પ્રથમ સદીની જેમ, આજે પણ અભિષિક્ત વડીલોમાંથી અમુક ભાઈઓ નિયામક જૂથ તરીકે સેવા કરે છે, જેઓ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને રજૂ છે. આપણા આગેવાન ઈસુ, આ નિયામક જૂથનો ઉપયોગ કરી મંડળોમાં વડીલોની પસંદગી કરે છે, ભલે તેઓ અભિષિક્ત વર્ગના હોય કે ન હોય. એમ કરવામાં યહોવાહ પરમેશ્વરે ઈસુને આપેલો પવિત્ર આત્મા, બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨, ૩૩) પવિત્ર આત્માના માર્ગદર્શનથી બાઇબલમાં જણાવેલી લાયકાતો, આ ભાઈઓએ પહેલા કેળવવાની હોય છે. (૧ તીમોથી ૩:૧-૭; તીતસ ૧:૫-૯; ૨ પીતર ૧:૨૦, ૨૧) તેઓની પસંદગી અને નિમણૂક પ્રાર્થના કરીને તથા પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ થાય છે. તેમ જ, જે ભાઈને નીમવામાં આવે, તે વાણી અને વર્તનથી બતાવી આપે છે કે પોતે પવિત્ર આત્માના ફળ કેળવી રહ્યા છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આમ, ભલે વડીલો અભિષિક્ત વર્ગના હોય કે ન હોય, પાઊલની આ સલાહ તેઓને પણ લાગુ પડે છે: “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આ નીમાયેલા ભાઈઓ નિયામક જૂથ પાસેથી માર્ગદર્શન મેળવે છે અને પૂરા દિલથી મંડળની દેખરેખ રાખે છે. આ રીતે, હમણાં ઈસુ આપણી સાથે છે અને આપણા મંડળની આગેવાની લઈ રહ્યા છે.

૮ ઈસુ આજે પોતાના શિષ્યોને માર્ગદર્શન આપવા પણ પોતાના સ્વર્ગદૂતોની મદદ લે છે. બી અને કડવા દાણાના ઉદાહરણ પ્રમાણે, કાપણીનો સમય ‘જગતના અંતે’ આવશે. કાપણીનો ધણી કોનો ઉપયોગ કરશે? ખ્રિસ્તે કહ્યું: “કાપનારા દૂતો છે. . . . માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાંઓને તેના રાજ્યમાંથી એકઠાં કરશે.” (માત્થી ૧૩:૩૭-૪૧) અગાઉના સમયમાં હબશી ખોજાને શોધી કાઢવા દૂતે ફિલિપને માર્ગદર્શન આપ્યું હતું. એ જ રીતે, આજે પણ ખરા દિલના લોકોને શોધી કાઢવા ખ્રિસ્ત સ્વર્ગદૂતો દ્વારા સાચા ખ્રિસ્તીઓને દોરવણી આપે છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬, ૨૭; પ્રકટીકરણ ૧૪:⁠૬.

૯ ખરેખર, એ જાણવું કેટલો દિલાસો આપે છે કે ઈસુ ખ્રિસ્ત આજે પોતાના શિષ્યોને નિયામક જૂથ, પવિત્ર આત્મા અને દૂતો દ્વારા માર્ગદર્શન આપે છે! એમ બની શકે કે સતાવણીને લીધે યહોવાહના કોઈક સેવકો થોડા સમય માટે નિયામક જૂથના માર્ગદર્શનથી અલગ પડી જાય. તોપણ, પવિત્ર આત્મા અને દૂતોની મદદથી ખ્રિસ્ત તેઓની આગેવાની લેવાનું ચાલુ રાખશે. પરંતુ, જો તેમની આગેવાની સ્વીકારીએ, તો જ આપણને એના લાભો થઈ શકે. આપણને ખ્રિસ્તની આગેવાની જ પસંદ છે, એ કઈ રીતે બતાવી શકીએ?

‘આજ્ઞાઓ પાળીને આધીન રહો’

૧૦ આપણા આગેવાન, ઈસુએ મંડળોમાં “માણસોને દાન” તરીકે “કેટલાએક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા” છે. (એફેસી ૪:૮, ૧૧, ૧૨) આપણે તેઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એના પરથી જણાઈ આવશે કે આપણે ખ્રિસ્તની આગેવાની સ્વીકારીએ છીએ કે નહિ. આપણે ખૂબ આભારી છીએ કે ખ્રિસ્તે આપણને એ ભાઈઓની ભેટ આપી છે. (કોલોસી ૩:૧૫) તેથી, તેઓને આપણે માન આપવું જ જોઈએ. પ્રેષિત પાઊલે લખ્યું કે “જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય . . . તેઓને બમણા માનને પાત્ર ગણવા જોઈએ.” (૧ તીમોથી ૫:​૧૭, પ્રેમસંદેશ) મંડળના આપણા વડીલોની કદર અને માન આપણે કઈ રીતે બતાવી શકીએ? પાઊલે જવાબ આપ્યો: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો.” (હેબ્રી ૧૩:૧૭) હા, આપણે તેઓને ખુશીથી આધીન રહીને સહકાર આપીએ.

૧૧ આપણા આગેવાન ઈસુ સંપૂર્ણ છે, પણ તેમણે ભેટ આપેલા ભાઈઓ સંપૂર્ણ નથી. તેથી, જેમ માણસ માત્ર ભૂલને પાત્ર, તેમ તેઓ અમુક સમયે ભૂલ પણ કરશે. તોપણ, એ બહુ જ મહત્ત્વનું છે કે આપણે ખ્રિસ્તની ગોઠવણને ખુશીથી વળગી રહીએ. ખરું જોતાં, આપણા સમર્પણ અને બાપ્તિસ્મા પ્રમાણે જીવવાનો અર્થ એ જ થાય છે કે આપણે પવિત્ર આત્માથી નીમાયેલા ભાઈઓને આધીન થઈએ અને ખુશીથી તેઓને સહકાર આપીએ. ‘પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા’ પામવાનો અર્થ એ છે કે આપણે પવિત્ર આત્મા છે એમ માનીએ. તેમ જ, યહોવાહના હેતુઓમાં એનું કામ સ્વીકારીએ. (માત્થી ૨૮:૧૯) એવી રીતે બાપ્તિસ્મા પામવાનો અર્થ થાય કે આપણે પવિત્ર આત્માની સુમેળમાં વર્તીએ. વળી, ખ્રિસ્તના શિષ્યોને એ જે દોરવણી આપે એને રોકીએ નહિ. વડીલોની પસંદગી અને નિમણૂક કરવામાં પવિત્ર આત્મા મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી, મંડળમાં વડીલોને સહકાર ન આપીએ તો, શું ખરેખર કહી શકીએ કે આપણે સમર્પણ પ્રમાણે જીવીએ છીએ?

૧૨ બાઇબલમાં એવા ઉદાહરણો છે, જે આપણને આધીન રહીને ખુશીથી સહકાર આપવાનું મહત્ત્વ સમજાવે છે. મંડળમાં નીમાયેલા ભાઈઓ વિરુદ્ધ મન ફાવે એવું બોલ્યા હોય, એવા ચેતવણી આપતા ત્રણ ઉદાહરણો શિષ્ય યહુદા આપણને આપે છે. તે કહે છે: “તેઓને અફસોસ! કેમકે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા; તેમ જ દ્રવ્યલાલસાને માટે બલઆમની ભૂલમાં ધસી ગયા, અને કોરાહના બંડમાં નાશ પામ્યા.” (યહુદા ૧૧) યહોવાહની પ્રેમભરી સલાહને, કાઈને એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી મૂકી અને જાણીજોઈને ખૂની બન્યો. (ઉત્પત્તિ ૪:૪-૮) યહોવાહ પાસેથી વારંવાર ચેતવણી મળ્યા છતાં, બલઆમે પૈસાના પ્રેમી બનીને પરમેશ્વરના લોકોને શાપ આપવાનો પ્રયત્ન કર્યો. (ગણના ૨૨:૫-૨૮, ૩૨-૩૪; પુનર્નિયમ ૨૩:૫) કોરાહ પાસે ઈસ્રાએલમાં ખૂબ જ મહત્ત્વની જવાબદારી હતી, પણ એનાથી તેને સંતોષ ન હતો. તેથી, તેણે પૃથ્વીના સૌથી નમ્ર માણસ, યહોવાહના સેવક મુસા વિરુદ્ધ લોકોને ચડાવ્યા. (ગણના ૧૨:૩; ૧૬:૧-૩, ૩૨, ૩૩) કાઈન, બલઆમ અને કોરાહે જાણીજોઈને પોતાના પગ પર કુહાડો માર્યો અને પોતાનો વિનાશ લાવ્યા. આ આપણને સ્પષ્ટ રીતે જણાવે છે કે યહોવાહ જેઓને જવાબદારી સોંપે છે, તેઓનું આપણે સાંભળીએ અને તેઓને માન આપીએ!

૧૩ સાચું પૂછો તો એવું કોણ છે, જે મંડળની દેખરેખ કરવા ઈસુએ કરેલી સુંદર ગોઠવણથી લાભ મેળવવા ચાહતું નથી? એનાથી મળનાર આશીર્વાદો વિષે ઈશ્વરભકત યશાયાહે ભાખ્યું: “જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઈન્સાફથી અધિકાર ચલાવશે. તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.” (યશાયાહ ૩૨:૧, ૨) દરેક વડીલ શાંતિ અને સલામતીની “જગા” બને છે. તેથી, ભલે એ સ્વીકારવું અઘરું લાગે તોપણ, આપણે પ્રાર્થનાથી મદદ માંગીને, મંડળના નીમેલા ભાઈઓને આધીન રહીએ. તેમ જ, ખુશીથી તેઓને સહકાર આપીએ.

વડીલો ખ્રિસ્તની આગેવાની સ્વીકારે છે

૧૪ ઈસુની આગેવાનીને દરેક ખ્રિસ્તીએ, ખાસ કરીને વડીલોએ અનુસરવી જોઈએ. મંડળમાં વડીલો અમુક હદે સત્તા ધરાવે છે. પરંતુ, તેઓ કંઈ પોતાના ખ્રિસ્તી ભાઈ-બહેનોના માલિક બનીને, તેઓના ‘વિશ્વાસ પર અધિકાર ચલાવવા’ ચાહતા નથી. (૨ કોરીંથી ૧:૨૪) એના બદલે, વડીલો ઈસુના શબ્દોનું પાલન કરે છે: “તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય.” (માત્થી ૨૦:૨૫-૨૭) વડીલો પોતાની જવાબદારી નિભાવે છે તેમ, તેઓ દિલથી બીજાની સેવા કરવાનો પ્રયત્ન કરે છે.

૧૫ ખ્રિસ્તીઓને અરજ કરવામાં આવી છે: ‘તમારા આગેવાનોનું સ્મરણ કરો; અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.’ (હેબ્રી ૧૩:૭) આનો અર્થ એવો નથી કે વડીલો આપણા ગુરુ છે, કેમ કે ઈસુએ કહ્યું કે “તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.” (માત્થી ૨૩:​૧૦, પ્રેમસંદેશ) આપણે વડીલોના સરસ ઉદાહરણનું અનુકરણ કરવું જોઈએ, કેમ કે તેઓ આપણા આગેવાન, ખ્રિસ્તને અનુસરે છે. (૧ કોરીંથી ૧૧:૧) હવે, અમુક રીતોનો વિચાર કરીએ, જેમાં વડીલો મંડળના ભાઈ-બહેનો સાથે ખ્રિસ્તની જેમ વર્તવાનો પ્રયત્ન કરી શકે.

૧૬ ખરું કે ઈસુ દરેક રીતે મનુષ્યો કરતાં ચડિયાતા હતા. વળી, તેમને પોતાના પિતા યહોવાહ પાસેથી પુષ્કળ સત્તા મળી હતી. તેમ છતાં, તે પોતાના શિષ્યો સાથે ખૂબ જ નમ્રતાથી વર્ત્યા. તેમણે લોકોને પોતાના જ્ઞાનનો દેખાડો કર્યો નહિ. ઈસુએ મનુષ્યોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને, પોતાના શિષ્યો પર પ્રેમભાવ રાખ્યો. (માત્થી ૧૫:૩૨; ૨૬:૪૦, ૪૧; માર્ક ૬:૩૧) પોતાના શિષ્યો પાસેથી વધારે પડતી આશા રાખી નહિ, પણ તેઓ સમજી શકે એટલું જ તેમણે જણાવ્યું. (યોહાન ૧૬:૧૨) ઈસુ નમ્ર દિલના હતા. તેથી, ઘણાને તેમનાથી તાજગી મળતી હતી.​—⁠માત્થી ૧૧:૨૮-૩૦.

૧૭ ઈસુ, આપણા આગેવાન નમ્ર હોય તો, મંડળના વડીલોએ પણ એવો જ સ્વભાવ રાખવો જોઈએ! ખરેખર, આપણા ભાઈઓ ખૂબ ધ્યાન રાખે છે કે પોતાની સત્તાનો ખોટી રીતે ઉપયોગ ન કરે. તેઓ એ પણ ધ્યાનમાં રાખે છે કે બીજાઓ પર પ્રભાવ પાડવા પોતાના જ્ઞાનનો દેખાડો ન કરે. (૧ કોરીંથી ૨:૧, ૨) એના બદલે, તેઓ બાઇબલનું સાચું જ્ઞાન સાદી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. તેમ જ, વડીલો બીજાઓ પાસેથી વધારે માંગતા નથી અને બીજાઓની લાગણીઓ ધ્યાનમાં રાખે છે. (ફિલિપી ૪:૫) તેઓ જાણે છે કે દરેક જણ ભૂલ કરે છે, એટલે તેઓ સમજી-વિચારીને એકબીજા સાથે વર્તે છે. (૧ પીતર ૪:૮) ખરેખર, સારા સ્વભાવના વડીલોથી આપણને તાજગી મળે છે.

૧૮ ઈસુ પાસે બધા જ અચકાયા વગર પહોંચી જતા હતા. લોકો ઈસુની પાસે બાળકો લાવ્યા ત્યારે, “શિષ્યોએ તેઓને ધમકાવ્યા.” એ જોઈને ઈસુએ શું કર્યું? “તેણે તેઓને કહ્યું, કે બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” પછી, “તેણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુ કોઈને પણ ગમી જાય એવા હતા, એટલે જ તો લોકો તેમની આસપાસ રહેતા હતા. તેઓ ઈસુથી બીતા ન હતા. અરે બાળકોને પણ ઈસુ ગમતા હતા. વડીલો પણ એવા જ સ્વભાવના હોય છે, એટલે તેઓ પ્રેમભાવથી વર્તે છે તેમ, નાના-મોટા બધા જ તેઓની સાથે હળીમળી જાય છે.

૧૯ વડીલો જેટલી સારી રીતે ખ્રિસ્તને જાણે, એટલી જ સારી રીતે તેમને અનુસરી શકે છે. પાઊલે પૂછ્યું કે “પ્રભુનું મન કોણે જાણ્યું છે, કે તે તેને બોધ કરે?” પછી તેમણે જણાવ્યું કે “પણ અમને તો ખ્રિસ્તનું મન છે.” (૧ કોરીંથી ૨:૧૬) ખ્રિસ્ત જેવું મન રાખવામાં તેમના વિચારો અને સ્વભાવથી એટલી સારી રીતે જાણકાર થવાનો સમાવેશ થાય છે કે, આપણે કહી શકીએ કે તે કેવા સંજોગમાં કઈ રીતે વર્તશે. આપણા આગેવાનને એટલી સારી રીતે જાણીએ તો કેવું સરસ! એના માટે જરૂરી છે કે માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોથી વધારેને વધારે જાણકાર થઈએ. તેમ જ, આપણું મન ઈસુના જીવનની સમજણથી હંમેશા ભરતા રહીએ. વડીલો જ્યારે ખ્રિસ્તની આગેવાની અનુસરવા મહેનત કરશે, ત્યારે મંડળના બીજા પણ તેમનું અનુકરણ ખુશીથી કરશે. ખરેખર, મંડળના ભાઈ-બહેનોને ખુશીથી આપણા આગેવાનને પગલે ચાલતા જોઈને વડીલોને ઊંડો સંતોષ મળશે.

ખ્રિસ્તનું કહેવું માનતા રહો

૨૦ આપણે સર્વ ખ્રિસ્તની આગેવાની હેઠળ ચાલતા રહીએ એ મહત્ત્વનું છે. આપણે જગતના અંતના સમયમાં છીએ, એ સમય ૧૪૭૩ બી.સી.ઈ.માં મોઆબના મેદાનમાં ઈસ્રાએલીઓ હતા, એને મળતો આવે છે. તેઓ વચનના દેશને આંગણે આવીને ઊભા હતા ત્યારે, યહોવાહ પરમેશ્વરે પોતાના સેવક મુસા દ્વારા કહ્યું: “જે દેશ આ લોકોને આપવાને યહોવાહે તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તું [યહોશુઆ] તેઓની સાથે જશે.” (પુનર્નિયમ ૩૧:૭, ૮) યહોશુઆને આગેવાન નીમવામાં આવ્યો. તેથી, વચનના દેશમાં જવા માટે, લોકોએ યહોશુઆની આગેવાનીને આધીન થવાનું હતું.

૨૧ બાઇબલ આપણને કહે છે: “તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.” ફક્ત ખ્રિસ્ત આપણને માર્ગદર્શન આપીને ન્યાયીપણું વસશે, એ નવી દુનિયામાં લઈ જશે. (૨ પીતર ૩:૧૩) તેથી, ચાલો આપણે પાકો નિર્ણય કરીએ કે આપણા જીવનના દરેક પાસામાં તેમની જ આગેવાની સ્વીકારીએ.

[ફુટનોટ]

a અહીં “તારા” સ્વર્ગદૂતોને દર્શાવતા નથી. ઈસુ સ્વર્ગદૂતો માટેનાં સૂચનો કોઈ મનુષ્ય પાસે લખાવશે નહિ. તેથી, “તારા” મંડળમાં ઈસુના પ્રતિનિધિ ગણાતા વડીલોને જ સૂચવતા હોય શકે. તેમ જ, સાતની સંખ્યા યહોવાહના ધોરણ પ્રમાણે સંપૂર્ણતા દર્શાવે છે.

તમને યાદ છે?

• ઈસુએ શરૂઆતના મંડળને કઈ રીતે માર્ગદર્શન આપ્યું હતું?

• આજે ઈસુ પોતાના મંડળને કઈ રીતે દોરે છે?

• વડીલોને શા માટે આધીન રહેવું જોઈએ?

• વડીલો કઈ રીતે બતાવી શકે કે ખ્રિસ્ત પોતાના આગેવાન છે?

[Questions]

૧, ૨. (ક) ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે જઈને શિષ્યો બનાવો ત્યારે, તેઓને કયું વચન આપ્યું? (ખ) ઈસુ શરૂઆતના ખ્રિસ્તીઓને કઈ રીતે માર્ગદર્શન આપતા રહ્યા?

૩. આ લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે?

૪. (ક) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે? (ખ) ધણી અથવા માલિકે પોતાના ચાકરને કઈ જવાબદારી સોંપી છે?

૫, ૬. (ક) પ્રેષિત યોહાનને થયેલા સંદર્શનમાં “સોનાની સાત દીવી” અને “સાત તારા” શું છે? (ખ) “સાત તારા” ઈસુના જમણા હાથમાં છે, એ શું દર્શાવે છે?

૭. (ક) ઈસુ મંડળોમાં આગેવાની પૂરી પાડવા, નિયામક જૂથનો કઈ રીતે ઉપયોગ કરે છે? (ખ) શા માટે એમ કહી શકાય કે વડીલો પવિત્ર આત્માથી નીમાયા છે?

૮. ખ્રિસ્ત કઈ રીતે સ્વર્ગદૂતોની મદદથી શિષ્યોને દોરે છે?

૯. (ક) ઈસુ ખ્રિસ્ત આજે ખ્રિસ્તી મંડળને કઈ રીતે દોરવણી આપે છે? (ખ) ખ્રિસ્તની આગેવાનીથી લાભ પામવો હોય તો, આપણે કયો પ્રશ્ન વિચારવો જોઈએ?

૧૦. મંડળના વડીલોને આપણે કઈ રીતે માન આપી શકીએ?

૧૧. શા માટે વડીલોને માન આપવું, એ આપણા સમર્પણ અને બાપ્તિસ્મા સાથે જોડાયેલું છે?

૧૨. સત્તા વિરુદ્ધ થનારા લોકોના કયા ઉદાહરણો યહુદાએ જણાવ્યા અને એ આપણને શું શીખવે છે?

૧૩. વડીલોને ખુશીથી આધીન થવાથી મળતા કયા આશીર્વાદો વિષે ઈશ્વરભકત યશાયાહે ભાખ્યું?

૧૪, ૧૫. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ ખ્રિસ્તની આગેવાનીને આધીન છે?

૧૬. ઈસુ પાસે સત્તા હતી તેમ છતાં, તે શિષ્યો સાથે કઈ રીતે વર્ત્યા?

૧૭. ખ્રિસ્તની જેમ, વડીલો કઈ રીતે મંડળના ભાઈ-બહેનો સાથે નમ્રતાથી વર્તી શકે?

૧૮. ઈસુ બાળકો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી વડીલો શું શીખી શકે?

૧૯. “ખ્રિસ્તનું મન” હોવાનો શું અર્થ થાય અને એ માટે શું જરૂરી છે?

૨૦, ૨૧. આપણે નવી દુનિયાની રાહ જોઈએ છીએ તેમ, કયો નિર્ણય કરવો જોઈએ?

[પાન ૧૫ પર ચિત્ર]

ખ્રિસ્ત મંડળને દોરવણી આપે છે અને વડીલોને જમણા હાથમાં રાખે છે

[પાન ૧૬ પર ચિત્રો]

“તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો”

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસુનો સ્વભાવ ખૂબ સારો હતો. વડીલો એવા જ બનવાનો પ્રયત્ન કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો