વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૬/૧ પાન ૩-૪
  • મરણને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મરણને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • મરણની મૂંઝવતી સમસ્યા
  • મરણ સમયે એકલવાયાપણું
  • વિચારવા જેવો વિષય
  • મરણ વિષેની અમુક દંતકથાઓને નજીકથી તપાસવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • તમે કઈ રીતે મરણના ડર પર જીત મેળવી શકો?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મૃત્યુ પર વિજય—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૬/૧ પાન ૩-૪

મરણને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો?

આપણે ગમે તેટલા તંદુરસ્ત કે ધનવાન હોઈએ છતાં, રોજિંદાં કાર્યોમાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે મરણની છાયા આપણા પર હંમેશાં મંડરાતી હોય છે. એ ગમે ત્યારે આવી શકે પછી આપણે રસ્તો ઓળંગતા હોઈએ કે સૂતા હોઈએ. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧માં ન્યૂયૉર્ક શહેર અને વૉશિંગ્ટન, ડી.સી.માં આતંકવાદીઓના વિનાશક હુમલા જેવા બનાવોથી આપણને જોવા મળ્યું કે “છેલ્લો શત્રુ” મરણ, દરેક સમાજ અને જાતના લોકોનો ભોગ લઈ રહ્યો છે. અમુક વખતે તો એ ફક્ત થોડી મિનિટોમાં હજારોના જીવ લઈ લે છે.​—⁠૧ કોરીંથી ૧૫:૨૬.

મરણ આટલું આઘાતજનક હોવા છતાં, લોકો એમાં ખૂબ જ જિજ્ઞાસા ધરાવે છે. મરણ અને એમાંય ખાસ કરીને કોઈ ભયંકર ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મરી ગયા હોય ત્યારે, એ વિષે વધારે જાણવા વધુને વધુ લોકો છાપા વાંચે છે કે ટીવી પર એના અહેવાલો જુએ છે. લોકો મરણના સમાચાર સાંભળવાથી ક્યારેય થાકતા નથી, પછી ભલે એ યુદ્ધમાં, કુદરતી આફતથી, ગુનામાં કે બીમારીથી થયું હોય. પરંતુ કોઈ નામાંકિત કે પ્રખ્યાત વ્યક્તિ મૃત્યુ પામી હોય ત્યારે, લોકો ઊંડો શોક પ્રદર્શિત કરતા હોય છે જેનાથી મરણ વિષેની આ બાબત વધારે ગૂંચવાય છે. આમ, લોકો મરણ માટે જુદી જુદી રીતે વર્તતા હોય છે.

હા, મરણ પ્રત્યે લોકો ભિન્‍ન પ્રતિક્રિયાઓ બતાવતા હોય છે. બીજાઓના મરણમાં તેઓ વધારે જિજ્ઞાસા બતાવે છે. તેમ છતાં, પોતાના મરણની વાત આવે છે ત્યારે, તેઓ એના વિચાર માત્રથી કંપી ઊઠે છે. આપણું પોતાનું મરણ એક એવો વિષય છે કે જેના વિષે આપણામાંના મોટા ભાગના વિચારવા પણ માગતા નથી.

મરણની મૂંઝવતી સમસ્યા

પોતાના મરણ વિષે વિચારવું કોઈને પણ ગમતું નથી અને કોઈ એવું ઇચ્છશે પણ નહિ. શા માટે? કેમ કે પરમેશ્વરે આપણને હંમેશ માટે જીવવાની ઇચ્છા સાથે બનાવ્યા છે. બાઇબલ કહે છે કે ‘તેમણે તેઓનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.’ (સભાશિક્ષક ૩:૧૧) પરંતુ, મરણ એવી બાબત છે કે જેને આપણે ટાળી શકતા નથી. એટલે જ એનાથી લોકોના હૃદયમાં ગડમથલ થતી હોય છે. આ ગડમથલને દૂર કરવા અને હંમેશ માટે જીવવાની કુદરતી ઇચ્છાને સંતોષવા મનુષ્યોએ અમર આત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓ ઊભી કરી છે.

તેઓની માન્યતા ગમે તે હોય, પરંતુ મરણ એક ભયાનક અને ઊંડો આઘાત આપનારી ઘટના છે અને મરણનો ભય દરેક જગ્યાએ જોવા મળે છે. આથી, મરણનું નામ સાંભળતા જ લોકો નાસીપાસ થઈ જાય તો આપણને આશ્ચર્ય થવું ન જોઈએ. એક રીતે મરણ તેઓને બતાવે છે કે જીવનમાં ધનદોલત અને માનમરતબો પાછળ જ મંડ્યા રહેવું નિરર્થક છે.

મરણ સમયે એકલવાયાપણું

અગાઉના સમયમાં, જીવલેણ બીમારીથી પીડાતી કે કોઈ ગંભીર ઈજા પામેલી વ્યક્તિ પોતાના ઘરમાં જ સ્નેહીઓ વચ્ચે છેલ્લા શ્વાસ લે એવી ગોઠવણ કરવામાં આવતી હતી. બાઇબલ સમયમાં આવું ઘણી વાર બન્યું હતું અને આજે પણ અમુક સંસ્કૃતિમાં એ જોવા મળે છે. (ઉત્પત્તિ ૪૯:૧, ૨, ૩૩) આવા કિસ્સાઓમાં, કુટુંબના સભ્યો ભેગા થાય છે અને બાળકોને પણ વાતચીતમાં સામેલ કરવામાં આવે છે. એનાથી કુટુંબની દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે ફક્ત તે એકલી જ દુઃખી નથી અને બધા સાથે હોવાથી, જવાબદારી તથા શોકમાં સહભાગી થાય છે જેનાથી વ્યક્તિને દિલાસો મળે છે.

આજે સમાજમાં એનાથી ભિન્‍ન પરિસ્થિતિ જોવા મળે છે. એમાં મરણ વિષે ચર્ચા કરવાની મનાઈ છે તથા એને અયોગ્ય ગણવામાં આવે છે. વળી, બાળકો “લાગણીમય રીતે વધારે તાણ” અનુભવશે એમ માનીને તેઓને સામેલ કરવામાં આવતા નથી. આજે લોકો ઘણા સંજોગોમાં મરણ પામે છે. મોટા ભાગે તો, તેઓ જીવનની છેલ્લી ઘડીઓમાં એકલા જ હોય છે. મોટા ભાગના લોકોને ઘરમાં કુટુંબીજનો વચ્ચે શાંતિથી અને પ્રેમાળ દેખરેખ હેઠળ મરવાનું ગમે છે. પરંતુ હકીકતમાં, મોટા ભાગના લોકો હૉસ્પિટલમાં રિબાઈ રિબાઈને મરતા હોય છે અને એ વખતે તેઓ એકલા જ હોય છે. કેટલાક તો મરણ દરમિયાન, ઉચ્ચ-ટેકનિકલ સાધનોથી ઘેરાયેલા હોય છે. બીજી બાજુ, લાખો લોકો જાતિસંહાર અને દુકાળ, એઈડ્‌સ, આંતરવિગ્રહ કે દારુણ ગરીબીનો ભોગ બનીને અનામી રીતે મૃત્યુ પામતા હોય છે.

વિચારવા જેવો વિષય

જોકે, બાઇબલ એમ જણાવતું નથી કે આપણે મરણ વિષે વિચારવું ન જોઈએ. હકીકતમાં સભાશિક્ષક ૭:૨ કહે છે: “ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે; કેમકે સર્વ મનુષ્યોની જિંદગીનું પરિણામ એજ છે.” મરણની વાસ્તવિકતાનો સામનો કરીએ ત્યારે, આપણે આપણા રોજિંદાં કાર્યોમાંથી પાછા ફરીને આપણું જીવન કેટલું ટૂંકું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય શકીએ. એ આપણને આપણા જીવનનાં કીમતી વર્ષોને કોઈ પ્રયોજન વિના વ્યર્થ વેડફી દેવાને બદલે વધારે અર્થપૂર્ણ રીતે જીવવા મદદ કરી શકે.

મરણ વિષે તમે શું વિચારો છો? શું તમે તમારા જીવનના અંત વિષે તમારી લાગણીઓ, માન્યતાઓ, આશાઓ અને ભય વિષે તપાસ કરી છે?

જીવન અને મરણ વિષે સમજવું એ મનુષ્યની ક્ષમતા બહારની વાત છે. આ વિષે ફક્ત આપણા ઉત્પન્‍નકર્તા જ આપણને ભરોસાપાત્ર માહિતી આપી શકે છે. કેમ કે તેમની પાસે “જીવનનો ઝરો” અને “મરણથી છૂટવાના માર્ગો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; ૬૮:૨૦) તેમ છતાં, પરમેશ્વરના શબ્દ બાઇબલ સાથે મરણ વિષેની અમુક પ્રખ્યાત માન્યતાઓને તપાસવાથી, એ દિલાસો અને ઉત્તેજન આપશે. એનાથી આપણને જોવા મળશે કે મરણ કંઈ સર્વ બાબતોનો અંત નથી.

[પાન ૪ પર બ્લર્બ]

મરણની શક્યતા આપણને અર્થપૂર્ણ જીવન જીવવા મદદ કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો