વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૮/૧૫ પાન ૧૫-૨૦
  • ‘કાયમ મારી પાછળ ચાલો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘કાયમ મારી પાછળ ચાલો’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • સત્ય માટે પ્રેમ વધારો
  • આપણે શીખવતા હોય એ સત્ય માટે પ્રેમ બતાવો
  • લોકો માટે પ્રેમ બતાવવો
  • પ્રેમ બતાવવા નમ્ર રહેવું ખૂબ જરૂરી છે
  • ઈસુની જેમ પ્રેમથી શીખવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • “મેં તમને નમૂનો આપ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૮/૧૫ પાન ૧૫-૨૦

‘કાયમ મારી પાછળ ચાલો’

“એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમકે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.”​—⁠૧ પીતર ૨:૨૧.

ઈસુ આ પૃથ્વી પર સૌથી મહાન શિક્ષક હતા. એ ઉપરાંત, તેમણે આખા જીવન દરમિયાન કોઈ પાપ કે ભૂલ કરી ન હતી. (૧ પીતર ૨:૨૨) પણ શું એનો મતલબ એમ થાય કે ઈસુના પગલે ચાલવું આપણા માટે બહુ જ અઘરું છે? ના, જરાય નહિ.

૨ ગયા લેખમાં આપણે જોઈ ગયા તેમ, ઈસુ જે કંઈ શીખવતા એ પ્રેમથી શીખવતા હતા. આપણે બધા પણ એવો પ્રેમ બતાવતા શીખી શકીએ છીએ. બાઇબલ આપણને ઘણી રીતોએ એકબીજાને વધુ પ્રેમ બતાવવા ઉત્તેજન આપે છે. (ફિલિપી ૧:૯; કોલોસી ૩:૧૪) યહોવાહ કદી આપણા પર બોજો નાખતા નથી. યહોવાહ ખુદ “પ્રેમ છે,” અને તેમણે આપણામાં પણ તેમના ગુણો મૂક્યા છે. તેથી, આપણે પણ જરૂર પ્રેમ બતાવી શકીએ છીએ. (૧ યોહાન ૪:૮; ઉત્પત્તિ ૧:૨૭) તો પછી, આપણે ૧ પીતર ૨:૨૧ વાંચીએ છીએ ત્યારે, આપણને હિંમત મળે છે કે આપણે પણ ઈસુના પગલે ચાલી શકીએ. આપણે ઈસુ “પાછળ” ચાલવાની આજ્ઞા પણ પાળી શકીએ છીએ. (લુક ૯:૨૩) ચાલો આપણે જોઈએ કે ઈસુની જેમ આપણે પણ કઈ રીતે સત્ય માટે પ્રેમ બતાવી શકીએ. પછી એ જોઈએ કે આપણે લોકો પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ.

સત્ય માટે પ્રેમ વધારો

૩ જો આપણે બીજા લોકોને સત્ય શીખવતા હોય તો, પહેલાં આપણને એ શીખવાનું ખૂબ ગમવું જોઈએ. આજ કાલ એવો શીખવાનો શોખ બહુ ઓછો જોવા મળે છે. એના ઘણા કારણો હોય શકે. દાખલા તરીકે, કોઈ બહુ ઓછું ભણ્યું હોય કે નાનપણથી જ ભણવામાં ધ્યાન ચોંટતું ન હોય તો, તેઓને શીખવાનું જરાય ગમતું નથી. તેમ છતાં, આપણે યહોવાહ પાસેથી શીખીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. નીતિવચનો ૨:​૧-૫ જણાવે છે: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રૂપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.”

૪ નોંધ કરો કે પહેલી ચાર કલમો આપણને વારંવાર પ્રયત્ન કરવા ઉત્તેજન આપે છે. એ વચનો ફક્ત એક જ વાર સાંભળવા અને “પાળવા” માટે નથી. એને તો આપણે કાયમ માટે ‘ઢૂંઢવાના’ અને ‘શોધવાના’ છે. એમ કરવા માટે આપણે કઈ રીતે ઉત્તેજન મેળવી શકીએ? નોંધ કરો, એ કહે છે કે “બુદ્ધિમાં તારૂં મન પરોવ.” આ કલમ પર એક સંશોધન જણાવે છે કે, “એ ફક્ત સાંભળવા પર જ પ્રોત્સાહન આપતું નથી, પણ શીખવા માટે આપણું મન તૈયાર કરે છે, જેથી આપણે રાજી-ખુશીથી શીખવા તૈયાર થઈ જઈએ.” તો પછી, આપણે કઈ રીતે રાજી-ખુશીથી શીખવા માટે તૈયાર થઈ શકીએ? એ માટે આપણને “દેવનું જ્ઞાન” “રૂપા” જેવું અને “દાટેલા દ્રવ્ય” જેવું લાગવું જોઈએ.

૫ એમ વિચારવું અઘરું નથી. કેમ કે તમે ખજાના જેવા યહોવાહના જ્ઞાન વિષે ઘણું શીખ્યા હશો. દાખલા તરીકે, તમે એક સત્ય શીખ્યા કે યહોવાહના ભક્તો સુંદર પૃથ્વી પર કાયમ માટે રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯) તમે આ સત્ય શીખ્યા ત્યારે, શું તમને એ એક ખજાના જેવું લાગ્યું ન હતું? ખરેખર, એનાથી તમારું દિલ આશાથી ભરપૂર થઈ ગયું હશે અને તમને ખૂબ જ આનંદ મળ્યો હશે. પરંતુ હવે, શું એ સોના-ચાંદી જેવા સત્યની ચમક કે કદર તમારા માટે ઓછી થઈ ગઈ છે? જો એમ હોય તો, તમે બે બાબતો અજમાવો. સૌ પ્રથમ, તમે યહોવાહ પાસેથી અત્યાર સુધી જે સત્ય શીખ્યા એની દરરોજ કદર કરો અને એને ખજાના જેવું ગણો.

૬ બીજું, તમારા સત્યના ખજાનામાં વધુને વધુ રત્નો ઉમેરતા જાઓ. જો તમને ખબર પડે કે ફલાણી જગ્યાએ ખજાનો દાટેલો છે, તો શું તમે ત્યાં થોડું ખોદીને જરાક જ ખજાનો લેશો? ના. એના બદલે તમે વધારે ખજાનો મેળવવા હોંશથી વધારે ખોદશો. એ જ રીતે, બાઇબલ ખરેખર એક સુંદર ખજાનો છે, જેમાં સોના-રૂપાનો પાર નથી. ભલે તમને એમાંથી ગમે તેટલો ખજાનો મળ્યો હોય, તોપણ તમને વધુને વધુ મળ્યા જ કરશે. (રૂમીઓને પત્ર ૧૧:૩૩) તમને ખજાના જેવું કોઈ નવું સત્ય જાણવા મળે ત્યારે પોતાને પૂછો: ‘આ કેમ એક ખજાના જેવું છે? શું આમાંથી મને યહોવાહ અને તેમના ગુણો વિષે વધુ શીખવા મળે છે? ઈસુના પગલે ચાલવા માટે શું આમાંથી મને વધારે સલાહ મળે છે?’ આવા પ્રશ્નો પર વિચાર કરવાથી, યહોવાહે જે સત્ય શીખવ્યું છે એ માટેનો આપણો પ્રેમ વધશે.

આપણે શીખવતા હોય એ સત્ય માટે પ્રેમ બતાવો

૭ આપણે બીજાઓને સત્ય શીખવીએ ત્યારે, તેઓને કઈ રીતે બતાવી શકીએ કે આપણને પણ એ સત્ય ખૂબ વહાલું છે? જો આપણે ઈસુને પગલે ચાલવું હોય તો, પ્રચાર કામમાં અને કોઈની સાથે અભ્યાસ કરવામાં, આપણે પણ બાઇબલનો સારો ઉપયોગ કરીશું. તાજેતરમાં યહોવાહના સેવકોને પ્રચાર કામમાં બાઇબલ વાપરવાનું ખૂબ ઉત્તેજન મળ્યું છે. તમે એમ કરવાનું ચાલુ રાખો. વધુમાં, તમે લોકો સાથે વાત કરો ત્યારે, તેઓને એ પણ જણાવો કે શા માટે તમને પોતાને એ બાઇબલ સત્ય ખૂબ વહાલું છે.​—⁠માત્થી ૧૩:⁠૫૨.

૮ દાખલા તરીકે, ગયા વર્ષે ન્યુ યૉર્કમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. એ સમયે એક ખ્રિસ્તી બહેન લોકોને ગીતશાસ્ત્ર ૪૬:​૧, ૧૧ વાંચી આપતા હતા. પહેલાં તે પૂછતા હતા કે હુમલા પછી હવે તેઓની હાલત કેવી છે. પછી તે ધ્યાનથી તેઓનો જવાબ સાંભળતા અને કહેતા કે, “શું હું તમને એક કલમ વાંચી આપું, જેનાથી મને પોતાને આ દુઃખદ સમયે ખૂબ દિલાસો મળ્યો છે?” આ રીતે, મોટા ભાગના લોકો સાથે તે સરસ ચર્ચા કરી શક્યા. યુવાનો સાથે વાત કરતી વખતે, આ બહેન તેઓને જણાવે છે કે, “હું બાઇબલ વિષે ૫૦ વર્ષથી શીખવી રહી છું. અને શું તમને ખબર છે કે મેં અત્યાર સુધી એવી કોઈ મુશ્કેલી જોઈ નથી કે જેનો ઉકેલ બાઇબલમાં ન મળતો હોય.” આવી રીતે ઉત્સાહ બતાવીને આપણે લોકોને બતાવી શકીએ છીએ કે આપણને બાઇબલ સત્ય માટે ઊંડી કદર છે.⁠—​ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭, ૧૦૫.

૯ લોકો આપણને આપણા ધર્મ વિષે કંઈક પૂછે ત્યારે, આપણે એ તકને ઝડપી લઈને બાઇબલનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. એમ કરવાથી આપણે ઈસુના પગલે ચાલી શકીશું અને આપણું પોતાનું મનમાન્યું નહિ કરીએ. (નીતિવચનો ૩:૫, ૬) એ માટે આપણે જવાબ આપતી વખતે બાઇબલનો ઉપયોગ કરીશું. પણ જો કોઈ એવો પ્રશ્ન પૂછે કે જેનો તમે જવાબ આપી શકતા નથી તો શું? શું તમે ડરી જાઓ છો? એમ હોય તો, તમે નીચેના બે પગલાં લઈને સારો જવાબ આપી શકો.

૧૦ તમારાથી થાય એટલી તૈયારી કરો. પ્રેષિત પીતરે જણાવ્યું: “ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.” (૧ પીતર ૩:૧૫) શું તમે સત્યને જાહેર કરવા તૈયાર છો? દાખલા તરીકે, જો કોઈ તમને પૂછે કે શા માટે તમે ફલાણા તહેવારમાં કે રીતિ-રિવાજમાં ભાગ લેતા નથી, ત્યારે એમ ન કહેતા કે, “અમે એમાં માનતા નથી.” એમ કહેવાથી તેઓને કદાચ એવું લાગે કે કોઈ બીજું તમારા માટે નક્કી કરે છે કે તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. એનાથી તેઓને એવું પણ લાગી શકે કે તમારો ધર્મ વિચિત્ર છે. એને બદલે આમ કહેવું સારું લાગશે કે, “પવિત્ર બાઇબલમાં એમ કરવાની મનાઈ છે,” અથવા “એનાથી મારા પરમેશ્વર નારાજ થશે.” અને પછી તમે વાજબી રીતે તેઓને સમજાવી શકો.⁠—​રૂમીઓને પત્ર ૧૨:૧.

૧૧ જો તમને એમ લાગે કે તમે સારો જવાબ નહિ આપી શકો તો, તમે બાઇબલ ચર્ચા કઈ રીતે શરૂ કરવી અને ચાલુ રાખવી પુસ્તિકાનો અભ્યાસ કરી શકો.a એમાંથી અમુક એવા વિષયોનો અભ્યાસ કરો કે જેના વિષે લોકો વધારે પૂછપરછ કરતા હોય છે. એ વિષયોમાં જે કલમો આપી હોય એ પણ યાદ રાખવા પ્રયત્ન કરો. તમારી બાઇબલ ચર્ચા પુસ્તિકા અને બાઇબલ હાથવગા રાખો. એ બન્‍નેનો ઉપયોગ કરતા અચકાઓ નહિ. તમે કહી શકો કે તમારી પાસે એક પુસ્તિકા છે જેમાંથી અનેક પ્રશ્નોના બાઇબલના જવાબો મળી શકે છે.

૧૨ ખોટી ચિંતા ન કરો. કોઈ પણ માણસ પાસે બધા પ્રશ્નોના જવાબો નથી હોતા. તમે જવાબ ન આપી શકો એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો, તમે આ રીતે કહી શકો: “હા, તમે સરસ પ્રશ્ન પૂછયો, પણ અત્યારે મને એનો જવાબ આવડતો નથી. મને ખબર છે કે પવિત્ર બાઇબલમાં એનો જવાબ આપેલો છે. મને એના વિષે બાઇબલમાં વધારે સંશોધન કરવું ગમશે અને બીજી વખતે આપણે એની ચર્ચા કરી શકીએ.” જો આપણે આવી રીતે નમ્રતાથી જવાબ આપીએ તો, સારી રીતે ચર્ચા આગળ વધી શકે.⁠—​નીતિવચનો ૧૧:૨.

લોકો માટે પ્રેમ બતાવવો

૧૩ ઈસુને લોકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. આ વિષે આપણે પણ કઈ રીતે તેમના પગલે ચાલી શકીએ? આપણે જાણીએ છીએ કે યહોવાહનો “મહાન દિવસ” આંગણે આવીને ઊભો છે અને એમાં ઘણા લોકો મરી થશે. પરંતુ આપણે કદી પણ લોકો પ્રત્યે નિર્દય બનવું ન જોઈએ. (પ્રકટીકરણ ૧૬:૧૪; યિર્મેયાહ ૨૫:૩૩) આપણે એ જાણતા નથી કે કોણ જીવશે અને કોણ મરશે. યહોવાહે નીમેલા રાજા ઈસુ ખ્રિસ્ત ભાવિમાં તેઓનો ન્યાય કરશે. એ ન્યાય કરવામાં ન આવે ત્યાં સુધી, આપણે દરેક લોકોને યહોવાહના સેવકો બની શકે, એ રીતે જોવા જોઈએ.⁠— માત્થી ૧૯:૨૪-૨૬; ૨૫:૩૧-૩૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.

૧૪ ઈસુની જેમ આપણે પણ લોકો પ્રત્યે દયા રાખવી જોઈએ. આપણે પોતાને પૂછી શકીએ: ‘શું આપણને એ લોકો માટે દયા આવે છે જેઓને આ જગતના ધર્મો, વ્યાપારીઓ અને નેતાઓ મીઠી મીઠી વાતો બોલીને છેતરે છે? આ લોકોને આપણો સંદેશો સાંભળવો ન ગમે તો, શું હું એના કારણો સમજી શકું છું? શું મને કે યહોવાહના બીજા સેવકોને પણ એક દિવસ એમ જ લાગ્યું ન હતું? શું હું મારી પ્રચારની રીત બદલી શકું? કે પછી હું લોકો પ્રત્યે બેપરવા છું અથવા મને કંઈ પડી જ નથી?’ (પ્રકટીકરણ ૧૨:૯) લોકો આપણામાં ખરેખર દયાભાવ જુએ છે ત્યારે, તેઓને આપણો શુભસંદેશો સાંભળવો ગમે છે. (૧ પીતર ૩:૮) પ્રચાર કામમાં આપણે દયા બતાવીને લોકોના જીવનમાં વધુ રસ લઈ શકીશું. આપણે કદાચ તેઓના પ્રશ્નોની અથવા ચિંતાઓની ટૂંકી નોંધ લખી શકીએ. આપણે તેઓને પાછા મળીએ ત્યારે, તેઓને જણાવી શકીએ કે આપણે તેઓ સાથે જે ચર્ચા કરી હતી એને યાદ કરતા હતા. અને તમે એ પણ જણાવી શકો કે જો તેઓને કોઈ તાત્કાલિક મદદની જરૂર હોય તો, તમે કદાચ બનતી મદદ કરી શકો છો.

૧૫ ઈસુની જેમ આપણે પણ બીજા લોકોના સારા ગુણો જોવા જોઈએ. કદાચ કોઈ એકલે હાથે બાળકોનો ઉછેર કરતું હોય શકે. અથવા કોઈ પુરુષ કે પિતા પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા તનતોડ મહેનત કરતો હોય. કોઈ વૃદ્ધ વ્યક્તિ સત્યમાં રસ બતાવવા લાગે. આવા સંજોગોવાળા લોકોને મળીએ છીએ ત્યારે, શું આપણે તેઓની પ્રશંસા કરીએ છીએ? એમ કરવાથી આપણે બતાવીએ છીએ કે તેઓને જેમાં રસ છે એમાં આપણને પણ રસ છે. પછી આપણને કદાચ યહોવાહના રાજ્ય વિષે શિક્ષણ આપવાની સારી તક મળી શકે.⁠—​પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૩.

પ્રેમ બતાવવા નમ્ર રહેવું ખૂબ જરૂરી છે

૧૬ લોકોને પ્રેમ કરતા હોઈશું તો, આપણે જરૂર બાઇબલની આ ચેતવણી યાદ રાખીશું: “જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રીતિ તેની ઉન્‍નતિ કરે છે.” (૧ કોરીંથી ૮:⁠૧) ઈસુ પાસે બહુ જ જ્ઞાન હતું તોપણ તેમણે એની બડાઈ ન મારી. તમે પણ સત્ય વિષે લોકોને સમજાવો ત્યારે, તેઓ પર ગુસ્સે ન થાઓ કે ડંફાસ ન મારો. આપણો ધ્યેય સત્યથી લોકોના દિલ જીતવાનો છે. (કોલોસી ૪:૬) પીતરે ખ્રિસ્તીઓને સત્યના બચાવમાં તૈયાર રહેવા કહ્યું ત્યારે, “નમ્રભાવે આદરસહિત જવાબ” આપવાનું પણ જણાવ્યું હતું. (૧ પીતર ૩:​૧૫, IBSI) જો આપણે નમ્ર રહીશું અને આદર બતાવીશું તો, લોકો ખરેખર યહોવાહ વિષે શીખવા આવશે.

૧૭ આપણે ભણેલા-ગણેલા કે બહુ જ્ઞાની હોય શકીએ. પરંતુ આપણે લોકો પર એની છાપ પાડવાની જરૂર નથી. તમારા પ્રચાર વિસ્તારમાં અમુક એવા લોકો મળે કે જેઓ ફક્ત ધર્મગુરુઓ કે પાદરીઓ જેવા ભણેલાનું જ સાંભળતા હોય તો, નારાજ ન થઈ જતા. ઈસુના સમયમાં ધર્મગુરુઓ ઈસુ સામે મોટો વાંધો ઉઠાવતા હતા, કેમ કે તે ધર્મની કોઈ પ્રખ્યાત શાળામાં ગયા ન હતા. પરંતુ ઈસુએ આવા લોકોનું કંઈ સાંભળ્યું નહિ. તેમની પાસે એટલું તો જ્ઞાન હતું કે તેઓને તરત જ ચુપ કરી શકતા હતા. પણ તેમણે એવું કંઈ કર્યું નહિ.⁠—​યોહાન ૭:૧૫.

૧૮ કોઈ પણ જાતના ઉચ્ચ શિક્ષણ કરતાં, ખ્રિસ્તીઓ માટે નમ્રતા અને પ્રેમ વધારે મહત્ત્વના છે. યહોવાહ જે સૌથી મહાન શિક્ષક છે તે આપણને તેમની સેવા માટે તૈયાર કરે છે. (૨ કોરીંથી ૩:૫, ૬) પંડિતો ભલેને ગમે તે કહે, આપણે બાઇબલનું સત્ય શીખવવા માટે એની કોઈ મૂળ ભાષાઓ શીખવાની જરૂર નથી. યહોવાહે આપેલું બાઇબલ એવી રીતે લખવામાં આવ્યું છે કે જે સમજવામાં સાવ સહેલું છે, અને મોટા ભાગના બધા લોકો એમાં આપેલા સુંદર સત્યને સમજી શકે છે. એનું ભાષાંતર કરવામાં આવે છે ત્યારે પણ, એ સત્ય હજારો ભાષાઓમાં ટકી રહે છે. તેથી, મૂળ ભાષા શીખવાથી એ અમુક અંશે કામ આવી શકે, પરંતુ સત્ય શીખવા એ મહત્ત્વનું નથી. એ ઉપરાંત, જો આપણે એવી ભાષાઓ સારી રીતે શીખ્યા હોય અને એના પર જ ભાર મૂકતા હોય તો, આપણે અભિમાની બની શકીએ, અને લોકોને સારી રીતે શીખવી શકીશું નહિ.⁠—​૧ તીમોથી ૬:૪.

૧૯ એમાં કોઈ જ શંકા નથી કે પ્રચાર કાર્ય કરવા માટે નમ્રતા ખૂબ જરૂરી છે. લોકો ઘણી વાર આપણને કંઈ જ ગણકારતા નથી. તેઓ આપણો વિરોધ અને સતાવણી પણ કરે છે. (યોહાન ૧૫:૨૦) તેમ છતાં, પ્રચાર કામમાં લાગુ રહીને આપણે ખાસ સેવા આપી રહ્યા છીએ. જો આપણે આ કામ નમ્રતાથી કરતા રહીએ, તો આપણે પણ ઈસુની જેમ બીજાઓને પ્રેમ બતાવીએ છીએ. દાખલા તરીકે, જો હજાર વિરોધી લોકોમાં કોઈ એક નમ્ર વ્યક્તિ સત્ય સાંભળવા આતુર હોય તો, શું આપણે તેને શોધવા પ્રયત્ન નહિ કરીએ? જરૂર કરીશું! તો પછી, પ્રચાર કામમાં આપણે ક્યારેય ઢીલા ન પડીએ. એમાં મંડ્યા રહીને, આપણે આ નમ્ર લોકોને સત્ય શીખવીશું તો તેઓ પોતાનું જીવન બચાવી શકશે. એમાં કોઈ શંકા નથી કે અંત આવે એ પહેલાં, યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત, હજુ બીજા ઘણા લોકોને જીવનનો રસ્તો બતાવશે.—હાગ્ગાય ૨:૭.

૨૦ આપણે આપણી રહેણી-કરણીથી પણ બીજા લોકોને શીખવી શકીએ છીએ. દાખલા તરીકે, આપણે લોકોને શીખવીએ છીએ કે યહોવાહ ‘આનંદી પરમેશ્વર’ છે અને તેમની સેવા કરવાથી જીવનમાં ખૂબ જ સંતોષ મળે છે. (૧ તીમોથી ૧:૧૧) તેથી, બીજા લોકો આપણને જોશે કે, આપણે સ્કૂલે, કામધંધા પર અને પાડોશીઓ સાથે હંમેશાં આનંદી હોઈએ છીએ. તેમ જ, આપણે બાઇબલ વિદ્યાર્થીઓને શીખવીએ છીએ કે આ પ્રેમ વગરના જગતમાં, આપણા મંડળમાં ખરી શાંતિ અને પ્રેમ મળી શકે છે. શું વિદ્યાર્થી જોઈ શકે છે કે આપણે મંડળમાં એકબીજા સાથે હળીમળીને રહેવા ખૂબ કોશિશ કરીએ છીએ?—૧ પીતર ૪:૮.

૨૧ આપણે રાજીખુશીથી સેવા કરતા હોઈશું તો, આપણે વધારે શું કરી શકીએ એ વિચાર કરવા લાગીશું. આપણે ખુલ્લા દિલથી વિચારીને કદાચ પાયોનિયરીંગ કરી શકીએ અથવા વધારે જરૂર હોય એવી બીજી જગ્યાએ જઈને સેવા કરી શકીએ. કેટલાક જુદી જુદી ભાષાઓ શીખે છે જેથી બીજા દેશમાંથી આવેલા, અનેક લોકોને મદદ કરી શકે. જો તમે પણ એવી કોઈ રીતે મદદ કરી શકતા હોવ તો, એના પર વિચાર કરીને પ્રાર્થના કરો. ખરેખર, જીવનભર આ રીતે બીજાઓની સેવા કરવાથી આપણને ખરો આનંદ, સંતોષ અને શાંતિ મળે છે.—સભાશિક્ષક ૫:૧૨.

૨૨ તો ચાલો આપણે પણ ઈસુની જેમ સત્ય માટે અને લોકો માટે પ્રેમ વધારીએ. એમ કરીને આપણે પણ ઈસુની જેમ બીજા લોકોને સારી રીતે શીખવી શકીશું. આપણે એ ઉપરાંત બીજું શું કરી શકીએ? હવે પછીના ચોકીબુરજના અંકમાં આપણે ઈસુની શીખવવાની ખાસ કળાઓ જોઈશું.

[ફુટનોટ]

a યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલી.

તમારો જવાબ શું છે?

• શા માટે આપણે કહી શકીએ કે ઈસુ ખ્રિસ્તને પગલે ચાલવું અઘરું નથી?

• આપણે કઈ રીતે બતાવી શકીએ કે બાઇબલમાંથી જે શીખ્યા એ આપણને ગમે છે?

• ભલે આપણે જ્ઞાની હોઈએ તોપણ, શા માટે નમ્ર રહેવું જોઈએ?

• કઈ રીતોથી આપણે લોકોને સત્ય શીખવીને પ્રેમ બતાવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. ઈસુના પગલે ચાલવું શા માટે અઘરું નથી?

૩. અમુક લોકોને શા માટે શીખવું અઘરું લાગે છે અને નીતિવચનો ૨:​૧-૫ કેવી રીતે મદદ કરી શકે?

૪. “બુદ્ધિમાં મન” પરોવવાનો શું અર્થ થાય છે અને એમ કરવા માટે આપણે પહેલાં શું કરવું જોઈએ?

૫, ૬. (ક) સમય જતાં, બાઇબલમાંથી મળેલા ખજાનાનું શું થઈ શકે, અને આપણે એ કેવી રીતે રોકી શકીએ? (બ) શા માટે આપણે બાઇબલમાંથી સત્યનો ખજાનો શોધવો જોઈએ?

૭, ૮. આપણે લોકોને કેવી રીતે બતાવી શકીએ કે આપણને બાઇબલનું સત્ય ખૂબ ગમે છે? ઉદાહરણ આપો.

૯, ૧૦. આપણી માન્યતાને સમજાવતી વખતે શા માટે બાઇબલ વાપરવું જોઈએ?

૧૧. સત્ય વિષે બાઇબલમાંથી સારો જવાબ આપવા આપણે બીજું શું વાપરી શકીએ?

૧૨. જો આપણે તરત જ બાઇબલમાંથી જવાબ ન આપી શકતા હોય તો, આપણે શું કરી શકીએ?

૧૩. આપણે જે લોકોને પ્રચાર કરતા હોઈએ તેઓ વિષે કેમ સારું વિચારવું જોઈએ?

૧૪. (ક) બીજા લોકો પ્રત્યે આપણને દયા છે કે નહિ એ કેવી રીતે જાણી શકીએ? (ખ) આપણે કઈ રીતે તેઓમાં રસ બતાવીને મદદ કરી શકીએ?

૧૫. આપણે શા માટે લોકોમાં સારા ગુણો જોવા જોઈએ અને આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૬. પ્રચાર કરતા હોઈએ ત્યારે, આપણે શા માટે માયાળુ અને નમ્ર રહેવું જોઈએ?

૧૭, ૧૮. (ક) અમુક લોકો આપણને કંઈ જ ગણતા ન હોય તો, આપણે શું કરવું જોઈએ? (ખ) શા માટે બાઇબલના વિદ્યાર્થીઓને એની મૂળ ભાષાઓ શીખવાની જરૂર નથી?

૧૯. આપણું પ્રચાર કામ કઈ રીતે એક ખાસ પ્રકારની સેવા છે?

૨૦. અમુક રીતો કઈ છે કે જેમાં આપણે સારો દાખલો બેસાડી શકીએ?

૨૧, ૨૨. (ક) આપણી સેવા વિષે ખુલ્લા દિલથી વિચારીને એમાં વધારે કરવા આપણે શું કરી શકીએ? (ખ) ચોકીબુરજના આવતા અંકમાં શાની ચર્ચા કરવામાં આવશે?

[પાન ૧૬ પર ચિત્રો]

તૈયારી કરવા બનતી બધી કોશિશ કરો

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

જો તમે પરમેશ્વરના “જ્ઞાનને” ખજાના જેવું ગણતા હોવ તો, એનો સારો ઉપયોગ કરી શકશો

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે લોકોને શુભ સંદેશો જણાવીને પ્રેમ કરીએ છીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો