વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૯/૧ પાન ૨૫-૨૯
  • “હું બદલાઈશ નહીં!”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “હું બદલાઈશ નહીં!”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • માણસના ભયનો સામનો કરવો
  • ક્વિબેકમાં સેવા આપવા તૈયાર
  • યહોવાહે બધી રીતે મદદ કરી
  • નવા પડકારોનો સામનો કરવો
  • એક ઑપ્ટિસ્યને સત્યનું બી વાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યહોવા વિશે શીખીને અને શીખવીને મને ખુશી મળી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • પૂરાઈ સંબંધોમાં પડેલી તિરાડ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સુખી કુટુંબોની ઝલક પહેલો ભાગ
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૯/૧ પાન ૨૫-૨૯

મારો અનુભવ

“હું બદલાઈશ નહીં!”

ગ્લેડ્‌સ એલનના જણાવ્યા પ્રમાણે

ઘણી વખતે મને પૂછવામાં આવે છે કે, “જો તમને આ જ જીવન ફરીથી જીવવા મળે તો, તમે કયા ફેરફારો કરશો?” હકીકત કહું તો, “હું બદલાઈશ નહીં!” ચાલો હું સમજાવું કે શા માટે એમ કહી રહી છું.

વર્ષ ૧૯૨૯ના ઉનાળામાં હું બે વર્ષની હતી ત્યારે, મારા પપ્પા મેથ્યુ એલનને એક સરસ અનુભવ થયો. તેમણે કરોડો અત્યારે જીવે છે એ ક્યારેય મરશે નહિ! (અંગ્રેજી) નામની એક નાની પુસ્તિકા મેળવી. એ પુસ્તિકા બાઇબલ વિદ્યાર્થીઓએ જે હવે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે બહાર પાડી હતી. એના અમુક પાના ઘણાં જ ઉત્સાહથી વાંચ્યા પછી મારા પપ્પાએ કહ્યું, “મેં મારા જીવનમાં આટલું સરસ ક્યારેય વાંચ્યું નથી!”

એના થોડાંક સમય પછી તેમણે બીજા પ્રકાશનો પણ મંગાવ્યા. તે જે શીખ્યા, એ તરત જ પાડોશીઓને જણાવવા લાગ્યા. અમે જે ગામડામાં રહેતા હતા ત્યાં ખ્રિસ્તી મંડળ ન હતું. તેથી, અમે ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે વારંવાર હળીમળીને ઉત્તેજન મેળવી શકીએ એ માટે કૅનેડાના ઑન્ટેરીઓમાં, ઑરેનજવીલ શહેરમાં રહેવા ગયા.

એ સમયે મંડળની સભાઓમાં બાળકોને સાથે બેસાડવામાં આવતા ન હતા. તેથી, ફક્ત મોટા લોકો જ સભામાં બેસતા અને સભા પતી જાય ત્યાં સુધી બાળકો બહાર રમતા. આ મારા પપ્પાને ન ગમ્યું. તેમણે કહ્યું, “સભાઓથી મને તો લાભ થાય છે, મારા બાળકોને પણ એમાંથી લાભ મળવો જોઈએ.” તેથી, મારા પપ્પા નવા નવા જ યહોવાહના સાક્ષી થયા હોવા છતાં, મારા મોટા ભાઈ બોબ, મારી બે મોટી બહેનો એલા, રૂબી અને મને સભામાં જોડે બેસાડવા લાગ્યા. તરત જ, બીજા બાળકો પણ સભામાં બેસવા લાગ્યા. આમ સભાઓમાં જવું અને એમાં ભાગ લેવો એ અમારા જીવનમાં સૌથી મહત્ત્વનું બની ગયું.

મારા પપ્પાને બાઇબલ ઘણું જ ગમતું હોવાથી, બાઇબલ વાર્તાઓને અમે સહેલાઈથી સમજી શકીએ એ રીતે વર્ણન કરતા. આમ, તેમણે અમારા દિલ પર ઊંડી અસર કરે એવા મહત્ત્વના બોધપાઠો શીખવ્યા જે હજી પણ હું ભૂલી નથી. એમાંનો એક બોધપાઠ મને યાદ છે કે યહોવાહ પરમેશ્વરની આજ્ઞા પાળનારાઓને તે આશીર્વાદ આપે છે.

પપ્પાએ અમને શીખવ્યું કે બાઇબલનો ઉપયોગ કરીને આપણે જે માનીએ છીએ એને કઈ રીતે સાબિત કરી શકીએ. તેથી, અમે એક રમત રમતાં. રમતમાં પપ્પા અમને કહેતાં, “હું એમ માનું છું કે હું મરી જઈશ ત્યારે સ્વર્ગમાં જઈશ. હવે તમારે એ ખોટું સાબિત કરી આપવું પડશે.” તેથી, એ ખોટું સાબિત કરવા હું અને રૂબી, ઈન્ડેક્ષમાંથી બારાખડી પ્રમાણે બાઇબલની કલમો શોધી કાઢતા. પછી એ કલમો અમે પપ્પાને વાંચી સંભળાવતા. પરંતુ, તે કહેતા કે “હા, એ ખરું છે પણ મને હજી તમારા જવાબથી સંતોષ નથી.” તેથી, અમે ફરી ઈન્ડેક્ષમાંથી કલમો શોધતા. પપ્પા અમારા જવાબોથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી આમ કરવામાં કલાકો પસાર થઈ જતા. આમ હું અને રૂબી અમારી માન્યતા તથા વિશ્વાસને સાબિત કરવામાં બરાબર પાકા થઈ ગયા.

માણસના ભયનો સામનો કરવો

મને ઘરે તેમ જ મંડળની સભાઓમાંથી સારી તાલીમ મળી હતી. તેમ છતાં, એક ખ્રિસ્તી હોવાને લીધે મારે ઘણા અઘરા સમયોમાંથી પસાર થવું પડ્યું. દાખલા તરીકે, હું બીજા યુવાનો અને ખાસ કરીને મારી સાથે ભણતા શાળાના વિદ્યાર્થીઓ સાથે ભળવા માંગતી હતી. તેથી, મેં ઈન્ફોર્મેશન માર્ચીસ નામના પ્રચાર કાર્યમાં ભાગ લીધો ત્યારે મારા વિશ્વાસની કસોટી થઈ.

આ પ્રચાર કાર્યનો હેતુ, ભાઈબહેનોનું ટોળું સૂત્રો લખેલાં બોર્ડ લઈને શહેરની મુખ્ય ગલીઓમાં ચાલે એ હતો. હવે અમારા શહેરમાં ફક્ત ૩,૦૦૦ લોકોની વસ્તી હોવાથી દરેક લોકો એકબીજાને ઓળખતા હતા. એક વખતે હું પ્રચારમાં, “ધર્મ એક ફાંદો અને ધતિંગ છે” સૂત્રવાળું બોર્ડ લઈને ચાલતી હતી. એ જ સમયે મારી સાથે ભણતા વિદ્યાર્થીઓએ મને જોઈ અને મારી પાછળ આવીને કૅનેડાનું રાષ્ટ્રગીત “પરમેશ્વર રાજાને બચાવે” ગાવા લાગ્યા. મેં આ બાબતને કઈ રીતે હાથ ધરી? મેં મદદ માટે યહોવાહને સતત પ્રાર્થના કરી. છેવટે, પ્રચાર કર્યા પછી હું રાજ્ય ગૃહમાં બોર્ડ મૂકીને ઘરે જવા ઉતાવળ કરતી હતી. એટલામાં જ મને કહેવામાં આવ્યું કે બીજા ગ્રુપનું પ્રચાર કાર્ય શરૂ થવાનું છે અને એમાં એક વ્યક્તિની જરૂર છે. તેથી, હું જવા તૈયાર તો થઈ ગઈ પરંતુ પહેલાં કરતાં વધારે પ્રાર્થના કરવા લાગી. ત્યાં સુધીમાં તો મારી શાળાના વિદ્યાર્થીઓ થાકીને ઘરે જતા રહ્યા હતા. ખરેખર, મદદ માટે કરેલી પ્રાર્થના આભાર સ્તુતિમાં બદલાઈ ગઈ!​—⁠નીતિવચનો ૩:⁠૫.

પૂરા સમયના સેવકો માટે અમારું ઘર હંમેશાં ખુલ્લું રહેતું. તેઓની સાથે અમને ઘણી મજા આવતી હતી. મને યાદ છે કે નાનપણથી જ અમારા માબાપ પૂરા સમયની સેવાને પ્રથમ મૂકવા અમને ઉત્તેજન આપતા હતા.

તેથી, મારા માબાપનું કહેવું માનીને મેં ૧૯૪૫માં પૂરા સમયની સેવા શરૂ કરી. થોડા સમય પછી હું મારી બહેન એલા સાથે પાયોનિયરીંગ કરવા ગઈ. તે ઑન્ટેરીયોના લંડન શહેરમાં રહેતી હતી. હવે એ શહેરમાં બેસીને દારૂ પી શકાય એવા ઘણા બાર હતા. તેથી, ત્યાંના ભાઈબહેનો એ બારમાં ટેબલે-ટેબલે જઈને લોકોને ચોકીબુરજ અને કોન્સોલેશન (હવે સજાગ બનો!) મેગેઝિનો આપતા હતા. પ્રચારની આ નવી રીત મારા માટે ઘણી અઘરી હતી અને હું એ કરી શકીશ એમ મને લાગતું ન હતું. પરંતુ, આ પ્રચાર શનિવારે બપોરે હોવાથી આખું અઠવાડિયું હિંમત માટે હું પ્રાર્થના કરતી હતી. ખરું કે આ કામ મારા માટે સહેલું ન હતું પરંતુ, એનાથી મને ઘણા આશીર્વાદ મળ્યા.

નાઝી જુલમી છાવણીમાં ભાઈઓ પર થયેલી સતાવણીને લગતા કોન્સોલેશનના ખાસ અંકો બહાર પાડવામાં આવ્યા હતા. હવે આ અંકો લોકોને અને ખાસ કરીને કૅનેડાના વેપારીઓ તથા કંપનીના માલિકોને કઈ રીતે આપવા એ મારે શીખવાનું હતું. પરંતુ, આટલા વર્ષોમાં મને એ અનુભવ થયો કે હિંમત માટે યહોવાહને વિનંતી કરવાથી તે ચોક્કસ આપણને મદદ કરે છે. મારા પપ્પા કહેતા કે, યહોવાહની આજ્ઞા પાળનારાઓને તે ચોક્કસ આશીર્વાદ આપે છે.

ક્વિબેકમાં સેવા આપવા તૈયાર

કૅનેડામાં જુલાઈ ૪, ૧૯૪૦માં યહોવાહના સાક્ષીઓના કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. થોડા સમય પછી આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. તેમ છતાં, એ સમયે ક્વિબેકમાં રોમન કૅથલિકોનો ઘણો પ્રભાવ હોવાથી અમારી ઘણી સતાવણી થઈ. એને લોકોના ધ્યાનમાં લાવવા માટે એક ખાસ ઝુંબેશ રાખવામાં આવી, જ્યાં અમે કડક શબ્દોમાં છાપેલી પત્રિકા લોકોને વહેંચી. એનો વિષય હતો, “પરમેશ્વર, ઈસુ અને સ્વતંત્રતા વિરુદ્ધ ક્વિબેકમાં નફરતની જ્વાળા—કૅનેડાવાસીઓ માટે કલંક સમાન છે.” વધુમાં, યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય ભાઈ નાથાન એચ. નૉરે, મૉંટ્રિઑલ શહેરમાં હજારો પાયોનિયરોને આ ખાસ ઝુંબેશનો હેતુ જણાવ્યો અને એમ પણ કહ્યું કે આ ઝુંબેશમાં ભાગ લેવાથી કદાચ જેલ પણ થઈ શકે. અને એમ જ બન્યું. આ ઝુંબેશ દરમિયાન મને ૧૫ વાર જેલ થઈ. તેથી, અમે પ્રચારમાં અમારું ટુથબ્રશ અને કાંસકો લઈને નીકળતા જેથી રાત જેલમાં કાઢવી પડે તો વાંધો ન આવે.

પહેલાં તો અમે પોલીસોની નજરમાં ન આવી જઈએ એ માટે રાતના કામ કરતા. હું વધારાની પત્રિકાઓ મારી બેગમાં મૂકીને લઈ જતી. હું ગળે બેગ ભરાવીને ઉપર કોટ પહેરી લેતી. બેગ ઘણી ભારે થઈ જવાથી હું સગર્ભા દેખાતી હતી. એનાથી મને બીજો એક ફાયદો પણ થયો. ટ્રામમાં ગિરદી હોય તોપણ મને બેસવા માટે તરત જ જગ્યા મળી જતી. ઘણી વાર તો માણસો ઊભા થઈને મને જગ્યા આપતા.

સમય જતા, અમે દિવસે પણ પત્રિકાઓ વહેંચવા લાગ્યા. અમે બે કે ત્રણ ઘરે પત્રિકા આપીને બીજા વિસ્તારમાં જતા. એમાં અમને ઘણી સફળતા મળી. પરંતુ, અમે અમુક વિસ્તારમાં કામ કરીએ છીએ એવી કૅથલિક પાદરીને ખબર પડે તો, અમે મુશ્કેલીમાં આવી પડતા. એક વખતે પાદરીએ, પ૦થી ૬૦ લોકોના ટોળાને અમારા પર ટામેટા અને ઈંડા નાખવા ઉશ્કેર્યા હતા. અમે તેઓથી બચવા એક ખ્રિસ્તી બહેનના ઘરે ગયા અમે આખી રાત નીચે જમીન પર સૂઈને ગાળી હતી.

ક્વિબેકમાં ફ્રેંચ ભાષા બોલનારા ઘણા લોકો હતા. એ ભાષા બોલી શકે એવા પાયોનિયરની ત્યાં ખૂબ જરૂર હતી. તેથી, ડિસેમ્બર ૧૯૫૮માં મેં અને મારી બહેન રૂબીએ ફ્રેંચ ભાષા શીખવાનું શરૂ કર્યું. એ કારણે અમને ઘણા ફ્રેંચ વિસ્તારોમાં પ્રચાર કામ સોંપવામાં આવ્યું. અમને અજોડ અનુભવો થયા. એક વિસ્તારમાં તો અમે બે વર્ષ સુધી દિવસના આઠ કલાક ઘરે-ઘરે પ્રચાર કર્યો. તોપણ, કોઈએ અમારું સાંભળ્યું નહિ! લોકો બારી પાસે આવતા અને ડોકિયું કરીને બંધ કરી દેતા. પરંતુ, અમે હિંમત હાર્યા નહિ. અમે અમારી સેવા ચાલુ જ રાખી અને આજે એ શહેરમાં બે સરસ મંડળો છે.

યહોવાહે બધી રીતે મદદ કરી

અમે ૧૯૬૫માં ખાસ પાયોનિયર તરીકે સેવા શરૂ કરી. આ સેવામાં અમે ૧ તીમોથી ૬:૮ના પાઊલના શબ્દોનો અર્થ બરાબર સમજ્યા જે કહે છે, “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” અમારે જોઈ-વિચારીને ખર્ચ કરવાનો હતો. તેથી અમે હીટર, ભાડું, લાઈટ બીલ અને ખોરાક માટે અલગ પૈસા કાઢી મૂકતા. આ બધો ખર્ચ બાદ કર્યા પછી, અમારી પાસે આખો મહિનો વાપરવા માટે ફક્ત ૨૫ સેન્ટ (૮ રૂપિયા) રહેતા.

આવક ઓછી હોવાથી અમે ફક્ત રાતના અમુક જ કલાક હીટર ચલાવતા. તેથી, અમારા બેડરૂમનું તાપમાન ફક્ત ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહેતું અને ઘણી ઠંડી લાગતી. એક દિવસે, રૂબી બાઇબલ શીખવતી હતી એ સ્ત્રીનો દીકરો તેમના ઘરે મળવા આવ્યો. પછી, અમારા ઘરમાં ખૂબ જ ઠંડી લાગે છે એમ તેણે તેની મમ્મીને જણાવ્યું હશે. ત્યારથી તેની મમ્મી અમને દર મહિને ૧૦ ડૉલર (૩૨૦ રૂપિયા) મોકલવા લાગી, જેથી અમે હીટર ચાલુ રાખવા તેલ ખરીદી શકીએ. પરંતુ, અમને કદી એવું ન લાગ્યું કે અમે ગરીબ છીએ. અમે અમીર પણ ન હતા છતાં, અમારી પાસે દરેક જીવન જરૂરી વસ્તુઓ હતી. તેથી, જે કંઈ વધારાની વસ્તુઓ મળતી તે અમારા માટે ભેટ સમાન હતી. ખરેખર, બાઇબલના આ શબ્દો કેટલા સાચા છે જે કહે છે: “પ્રભુ ઉપર પ્રેમ કરનારને પ્રભુ તરછોડી દે એવું મેં કદી જ જોયું નથી; અને તેના સંતાનોને મેં કદી જ ભૂખે મરતાં જોયા નથી”!​—⁠ગીતશાસ્ત્ર ૩૭:​૨૫, IBSI.

અમે ઘણા વિરોધનો સામનો કર્યો હોવા છતાં, મેં બાઇબલ શીખવ્યું હતું તેઓમાંના ઘણાંને ખરું જ્ઞાન સ્વીકારતા જોઈને મને ખરેખર આનંદ થાય છે. અમુકે તેઓના જીવનમાં પૂરા સમયની સેવા સ્વીકારી ત્યારે તો મને સૌથી વધારે આનંદ થયો.

નવા પડકારોનો સામનો કરવો

વર્ષ ૧૯૭૦માં ઑન્ટેરીઓના કૉર્નવલ શહેરમાં અમને નવી સોંપણી મળી. કૉર્નવલ આવ્યાને એક જ વર્ષમાં મારી મમ્મી બીમાર થઈ ગઈ. અમારા પપ્પા ૧૯૫૭માં મૃત્યુ પામ્યા ત્યારથી હું અને મારી બન્‍ને બહેનો મમ્મીની વારાફરતી સેવા કરતા હતા. તે ૧૯૭૨માં મરણ પામી. એ સમયે અમારી સાથે એલા લીઝીટ્‌સા અને આન કોવાલેન્કો પાયોનિયરીંગ કરતા હતા. એલાએ અમને ઘણી જ મદદ કરી. અમારી ગેરહાજરીમાં તેઓ અમારા બાઇબલ અભ્યાસો ચલાવતા તેમ જ બીજી જવાબદારીઓ પણ નિભાવતા હતા. આ સમયે આ શબ્દો કેટલા સાચા પડ્યા કે “એક મિત્ર એવો છે જે સગાભાઈ કરતાં પણ વધારે નિકટનો સંબંધ રાખે છે”!—નીતિવચનો ૧૮:૨૪, IBSI.

જીવન ખરેખર મુશ્કેલીઓથી ભરેલું છે. પરંતુ યહોવાહની પ્રેમાળ મદદથી હું એ બધાનો સામનો કરી શકી છું. હું આજે પણ આનંદથી પૂરા સમયની સેવા કરી રહી છું. મારા ભાઈ બોબે ૨૦ વર્ષ પાયોનિયરીંગ સેવા કરી. દસ વર્ષ તેની પત્ની ડૉલ સાથે પાયોનિયરીંગ કર્યા પછી તે ૧૯૯૩માં મરણ પામ્યો. મારી મોટી બહેન એલાએ ૩૦ વર્ષ પાયોનિયરીંગ કર્યું અને તે ઑક્ટોબર ૧૯૯૮માં મરણ પામી. તેણે હંમેશાં પાયોનિયરીંગને પ્રથમ રાખ્યું હતું. પછી ૧૯૯૧માં મારી બીજી બહેન રૂબીને ખબર પડી કે તેને કૅન્સર થયું છે. તેમ છતાં, તે પોતાની બચેલી શક્તિનો પ્રચારમાં ઉપયોગ કરતી હતી. સપ્ટેમ્બર ૨૬, ૧૯૯૯ની સવારે તે મરણ પામી ત્યાં સુધી, ખૂબ જ ખુશ અને રમૂજી સ્વભાવની હતી. હવે મારી એક પણ બહેન રહી નથી તોપણ, મારા કુટુંબ જેવા જ મંડળના ભાઈ-બહેનો મને ખુશ રહેવામાં મદદ કરે છે.

હું મારા જીવન પર પાછી એક નજર નાખું તો, મને બદલાવા જેવું કંઈ લાગ્યું નથી. મેં લગ્‍ન કર્યા નથી તોપણ, મને પ્રેમાળ મા-બાપ, બહેનો અને એક ભાઈ મળ્યા હતા કે જેઓએ તેમના જીવનમાં પરમેશ્વરની સેવાને પ્રથમ મૂકી હતી. યહોવાહ પરમેશ્વર તેઓ બધાને સજીવન કરશે ત્યારે, હું તેઓને મળવાની આશા રાખું છું. આ આશા મારા માટે એટલી સાચી છે કે મને જાણે હમણાં મારા પપ્પા-મમ્મી આવીને ભેટે છે એવું લાગે છે. એલા, રૂબી અને બોબ પણ ત્યારે આનંદથી કેવા નાચી ઊઠશે!

એ સમય સુધી હું મારી પાસે જે કંઈ શક્તિ છે એનાથી બની શકે એટલી યહોવાહની સેવા કરવા ઇચ્છું છું. પૂરા સમયની સેવા જીવનમાં ઘણા આશીર્વાદ લાવે છે. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું તેમ, યહોવાહના માર્ગમાં ચાલે છે “તેઓ સુખી થશે અને તેઓનું કલ્યાણ થશે.”​—⁠ગીતશાસ્ત્ર ૧૨૮:૧, ૨.

[પાન ૨૬ પર ચિત્રો]

મારા પપ્પાને બાઇબલ ખૂબ ગમતું અને તેમણે અમારો વિશ્વાસ સાબિત કરવા એનો ઉપયોગ કરતા શીખવ્યું

[પાન ૨૮ પર ચિત્ર]

ડાબેથી જમણે: રૂબી, હું, બોબ, એલા, મમ્મી અને પપ્પા ૧૯૪૭માં

[પાન ૨૮ પર ચિત્ર]

આગળની હરોળમાં, ડાબેથી જમણે: હું, રૂબી અને એલા, ૧૯૯૮ના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો