વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧૦/૧ પાન ૯-૧૧
  • ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરતા યુવાનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરતા યુવાનો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • મા-બાપના સંસ્કાર માટે આભારી
  • સભાઓની કદર
  • પોતાનો નિર્ણય
  • મંડળ તરફથી મદદ
  • યહોવાહ આપણને દોરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • યુ
    સજાગ બનો!—૧૯૯૮
  • પૂરા સમયના સેવકોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧૦/૧ પાન ૯-૧૧

ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરતા યુવાનો

ગીતશાસ્ત્રના એક લેખકે હજારો વર્ષ પહેલાં પૂછ્યું, “યુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?” (ગીતશાસ્ત્ર ૧૧૯:​૯, IBSI) એ પ્રશ્ન યોગ્ય જ છે, કેમ કે આજે પણ યુવાનો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. દાખલા તરીકે, અનૈતિક જીવનને લીધે જે યુવાનોને એઈડ્‌સનો રોગ થયો છે, એમાંના લગભગ અડધાથી વધારે ૧૫થી ૨૪ વર્ષના છે. ડ્રગ્સના વ્યસની થવાને કારણે પણ તેઓ પર અનેક મુશ્કેલીઓ આવે છે અને ઘણા તો નાની ઉંમરે જ મોતનો કોળિયો બની જાય છે. આજે ટીવી-વિડીયો કે ફિલ્મોમાં હિંસા અને અનૈતિક દૃશ્યો, ઇંટરનેટ પર પોર્નોગ્રાફી કે ગંદા ચિત્રો જોવા મળે છે. તેમ જ, અમુક ખરાબ સંગીત યુવાનોને બગાડી રહ્યું છે. તેથી, ગીતશાસ્ત્રના એક લેખકે આ લેખની શરૂઆતમાં જે પ્રશ્ન કર્યો હતો, એના વિષે આજે ઘણા મા-બાપ તથા યુવાનોને ચિંતા થાય છે.

પછી એ લેખકે પોતાના જ પ્રશ્નનો જવાબ આપ્યો: પરમેશ્વરના “વચનો વાંચીને તથા તેમના નિયમો પાળીને.” ખરેખર, બાઇબલમાં યુવાનો માટે ઉત્તમ સલાહ આપવામાં આવી છે. ઘણા યુવાનોએ એને લાગુ પાડી છે અને આજે સુખી જીવન જીવી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) હવે ચાલો આપણે અમુક યુવાનોના અનુભવો જોઈએ, જેઓએ મોજ-શોખ તથા પૈસાની પાછળ પડવાને બદલે, પરમેશ્વરની સેવા કરવા પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે.

મા-બાપના સંસ્કાર માટે આભારી

મૅક્સિકોમાં યાકોબ ઈમાનુએલ નામનો એક ભાઈ અમુક વર્ષો સુધી પૂરા સમયના પ્રચારક કે પાયોનિયર તરીકે સેવા આપતો હતો. પછી તે યહોવાહના સાક્ષીઓના બેથેલમાં સેવા આપવા ગયો. પરમેશ્વરની સેવા કરવા માટે તેને કેવી રીતે ઉત્તેજન મળ્યું હતું એ વિષે યાદ કરતા તે કહે છે: “મારા મમ્મી-પપ્પાએ મને ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. તેમ જ, ખ્રિસ્તી મંડળમાં અમુક ભાઈઓ સાથે મેં દોસ્તી બાંધી હોવાથી, તેઓ પાસેથી પણ મને મદદ મળી. તેઓએ મને પ્રચાર કરવા અને કોઈ દબાણ કર્યા વગર યહોવાહની સેવા કરવા માટે ઉત્તેજન આપ્યું હતું.”

દાવીદ પણ અમુક વર્ષોથી પૂરા સમયની સેવા આપી રહ્યો છે. તેમના મા-બાપ ખાસ પાયોનિયર તરીકે સેવા કરી રહ્યા હોવાથી, તે અને તેના નાના ભાઈ પર નાનપણથી જ સારી છાપ પડી હતી. દાવીદના પિતા ગુજરી ગયા પછી પણ તેની મમ્મી ખાસ પાયોનિયર તરીકે સેવા આપતી હતી. તેણે બાળકોનું ભરણ-પોષણ પૂરું પાડવાની સાથે પ્રચાર કાર્ય પણ ચાલુ રાખ્યું. દાવીદ કહે છે: “તેઓએ કદી પણ મને પાયોનિયરીંગ કરવાનું દબાણ કર્યું ન હતું. અમારું કુટુંબ મંડળના ભાઈબહેનો સાથે પૂરા સમયની સેવામાં આનંદ માણતું હતું. એનાથી મને પણ યહોવાહની સેવા કરવાનું ઉત્તેજન મળ્યું.” મા-બાપનું માર્ગદર્શન કેટલું મહત્ત્વનું છે એ વિષે દાવીદે કહ્યું: “મારી મમ્મી દરરોજ રાત્રે ફ્રોમ પેરેડાઈસ લૉસ્ટ ટુ પેરેડાઈસ રીગેઈન્ડa પુસ્તકમાંથી અમને વાર્તા વાંચી સંભળાવતી હતી. તે જે રીતે અમને શીખવતી એનાથી અમને બાઇબલ વિષે વધારે શીખવાની પ્રેરણા મળી.”

સભાઓની કદર

સભાઓ કેટલી મહત્ત્વની છે એ સમજવું અમુક યુવાનો માટે અઘરું છે. તેઓનાં મા-બાપ તેઓને સભામાં લઈ જાય એટલે તેઓ જાય છે. તેમ છતાં, સભામાં જવાનું તેઓ ચાલુ રાખે તો સમય જતા સભા માટે તેઓની કદર વધી શકે. દાખલા તરીકે, આલ્ફ્રેથોનો વિચાર કરો. તે અગિયાર વર્ષનો હતો ત્યારે, પૂરા સમયની સેવા શરૂ કરી હતી. તે કબૂલે છે કે પોતે પાંચ વર્ષનો હતો ત્યારે સભામાં તેને ખૂબ ઊંઘ આવતી. એ કારણે તેને સભામાં જવાનું ગમતું નહિ. પરંતુ તેના મા-બાપ તેને સભામાં લઈ જતાં અને ઊંઘવા દેતા નહિ. તે યાદ કરતા કહે છે: “હું મોટો થતો ગયો તેમ, મને સભાઓ વધારે ગમવા લાગી અને ખાસ કરીને હું લખતા-વાંચતા શીખ્યો ત્યારે મારી મેળે જવાબો આપતો.”

હવે સિન્ટીઆનો વિચાર કરો, જે ૧૭ વર્ષની છે અને નિયમિત પાયોનિયર તરીકે સેવા આપી રહી છે. તે જણાવે છે કે સારી સોબત રાખવાથી તેને યહોવાહ પરમેશ્વરની સેવામાં ખૂબ જ ઉત્તેજન મળ્યું હતું. તે કહે છે: “નિયમિત સભામાં જવાથી અને ભાઈ-બહેનો સાથે સારી દોસ્તી બાંધવાથી, મને દુનિયાના યુવાનોની જેમ મિત્રો સાથે હરવા ફરવાનું અને ક્લબોમાં જવાનું મન થતું ન હતું. સભાઓમાં ભાઈ-બહેનોના ઉત્તેજનભર્યા જવાબો અને અનુભવો સાંભળીને મને પણ યહોવાહની સેવા કરવાની ઇચ્છા થતી હતી. મને લાગ્યું કે હું પણ મારી યુવાનીમાં યહોવાહની સેવા સારી રીતે કરી શકું છું. તેથી, મેં મારી યુવાનીના દિવસો તેમની સેવામાં વાપરવાનું નક્કી કર્યું.”

તેમ છતાં તે કબૂલે છે: “મેં બાપ્તિસ્મા લીધું એ પહેલાં, સભાઓમાં જવું ન પડે એ માટે હું બહાના કાઢતી કે મારે સ્કૂલની પ્રવૃત્તિઓમાં જવાનું છે અથવા લેસન કરવાનું છે. આ રીતે હું અનેક સભાઓ ચૂકી જતી અને મારો વિશ્વાસ પણ નબળો પડી ગયો હતો. પછી હું એક છોકરા સાથે દોસ્તી બાંધવા લાગી જેને બાઇબલમાં કંઈ રસ ન હતો. છેવટે હું યહોવાહની મદદથી બાબતો થાળે પાડી શકી.”

પોતાનો નિર્ણય

પાબ્લો પણ યહોવાહની પૂરા સમયની સેવા કરી રહ્યો છે. તેને પૂછવામાં આવ્યું કે બાઇબલનો પ્રેમ કેળવવા માટે સૌથી મહત્ત્વનું શું છે. તેણે કહ્યું: “મને લાગે છે કે એમાં બે બાબતો સમાયેલી છે: નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રચાર કાર્ય માટે ઉત્સાહ હોવો જોઈએ. યહોવાહ પરમેશ્વર વિષે મારા માબાપે મને સત્ય શીખવ્યું એ માટે હું તેઓનો આભાર માનું છું. એનાથી વધુ તેઓ મને શું આપી શકે? તેમ છતાં, હું શા માટે યહોવાહની સેવા કરવા ચાહું છું એનો મારે વિચાર કરવાની જરૂર હતી. એ માટે બાઇબલ સત્યનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. ફક્ત આ જ રીતે યહોવાહના વચન માટે આપણામાં ભૂખ જાગશે, જેનાથી આપણે બીજા લોકોને ‘બળતા અગ્‍નિની’ જેમ ઉત્સાહથી સત્ય જણાવીશું. આમ, પ્રચાર કાર્ય માટે આપણો ઉત્સાહ જ આપણને સત્ય માટે કદર કરવા મદદ કરી શકે.”​—⁠એફેસી ૩:૧૮; યિર્મેયાહ ૨૦:⁠૯.

અગાઉ ઉલ્લેખ કરેલ યાકોબ ઈમાનુએલ, યહોવાહની સેવા કરવાનો નિર્ણય કેટલો મહત્ત્વનો છે એ જાણે છે. તે કહે છે કે તેનાં માબાપે કદી તેને બાપ્તિસ્મા લેવા દબાણ કર્યું ન હતું. “હું એના સારા પરિણામો જોઈ શકું છું. દાખલા તરીકે, મારા ઘણા યુવાન મિત્રોએ સંપીને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે એમ કરવું કંઈ ખોટું નથી. પરંતુ, અમુકે સાચા દિલથી બાપ્તિસ્મા લીધું ન હતું એ હું જોઈ શકતો હતો. કેમ કે થોડા વખત પછી અમુકનો સત્ય પ્રત્યેનો ઉત્સાહ ઓછો થઈ ગયો. મારાં માબાપે મને બાપ્તિસ્મા લેવા અને યહોવાહની સેવા કરવા કદી દબાણ કર્યું ન હતું. એ મારો પોતાનો નિર્ણય હતો.”

મંડળ તરફથી મદદ

અમુક યુવાનો, પોતાના માબાપની મદદ વિના બાઇબલમાંથી યહોવાહ વિષે શીખ્યા છે. ખરેખર, એવા સંજોગો હેઠળ ખરું પારખવું અને પરમેશ્વરના માર્ગે ચાલવું કંઈ રમત વાત નથી.

નોએ યાદ કરે છે કે પરમેશ્વરના સત્યથી તેને કેટલો લાભ થયો છે. તેને નાનપણથી જ ગુસ્સે થવાની અને મારામારી કરવાની આદત હતી. પછી તે ચૌદ વર્ષનો હતો ત્યારે, યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યો. તેથી તેના સ્વભાવમાં સુધારો થવા લાગ્યો. એ સમયે તેના માબાપને બાઇબલમાં જરાય રસ ન હતો છતાં, દીકરામાં થયેલા ફેરફારથી તેઓ ખૂબ જ ખુશ થયા. નોએ સત્ય શીખતો ગયો તેમ, તે યહોવાહની સેવામાં વધારે ઉત્સાહી બન્યો. આજે તે યહોવાહની પૂરા સમયની સેવા કરી રહ્યો છે.

એવી જ રીતે, આલેકાન્દ્રો પણ નાનપણથી જ બાઇબલ સત્ય શીખી રહ્યો હતો. પરંતુ, તેના માબાપને બાઇબલમાં જરાય રસ ન હતો. બાઇબલ સત્ય માટે તે કદર વ્યક્ત કરતા કહે છે: “હું ચુસ્ત કૅથલિક ધર્મમાં મોટો થયો હતો. પરંતુ, નાનપણથી જ મારા મનમાં જે પ્રશ્નો હતા, એના જવાબો પાદરીઓ આપી શક્યા ન હતા. તેથી, હું પણ સામ્યવાદી લોકોને સાથ આપવા લાગ્યો જેઓ પરમેશ્વરમાં માનતા ન હતા. યહોવાહના સંગઠને મને પરમેશ્વર વિષે સત્ય શીખવા મદદ કરી. સાચું કહું તો, એમ કરવાથી હું આજે જીવતો છું, નહિતર હું મોટા ભાગે દારુડિયો થઈ ગયો હોત અથવા અનૈતિક જીવન કે ડ્રગ્સના પંજામાં ફસાઈ ગયો હોત. અથવા હું ક્રાંતિકારી બની ગયો હોત અને એનાથી ઘણા ખરાબ પરિણામો આવ્યા હોત.”

માબાપને બાઇબલ સત્યમાં રસ ન હોય, તોપણ યુવાનો કઈ રીતે પરમેશ્વરનું સત્ય શોધીને એ માર્ગને વળગી રહી શકે? એમ કરવામાં મંડળના વડીલો અને ખ્રિસ્તી ભાઈ-બહેનો મહત્ત્વનો ભાગ ભજવે છે. નોએ યાદ કરતા કહે છે: “યહોવાહ મારી સાથે હોવાથી, હું એકલો છું એવું મેં કદી અનુભવ્યું નથી. એ ઉપરાંત, મંડળના ભાઈબહેનોએ કુટુંબની જેમ મને ખરું કરવા હિંમત આપી.” આજે નોએ, બેથેલમાં યહોવાહની સેવા કરીને પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યો છે. આલેકાન્દ્રો પણ કહે છે: “હું સોળ વર્ષનો હતો ત્યારે બાઇબલમાંથી શીખતો હતો. ઘણા યુવાનોની જેમ મારા પર પણ મુશ્કેલીઓ આવતી ત્યારે, મંડળના વડીલો પ્રેમથી મને મદદ કરતા અને મારી કાળજી રાખતા. એ ઉપરાંત, મંડળના ભાઈ-બહેનોએ મને ક્યારેય ત્યજી દીધો ન હતો. મને ભોજન માટે કે પોતાની સાથે રહેવા માટે મંડળમાંથી કોઈને કોઈ હંમેશાં બોલાવતા. ઘણી વાર મારી સાથે વાતચીત કરવા તેઓ સમય પણ કાઢતા હતા. ખરેખર, હું ખ્રિસ્તી મંડળ માટે ખૂબ જ આભારી છું.” આજે આલેકાન્દ્રો તેર વર્ષથી પૂરા સમયની સેવા કરી રહ્યો છે.

અમુક લોકોને લાગે છે કે ધર્મ ફક્ત ઘરડા લોકો માટે જ છે. તેમ છતાં, ઘણા યુવાનો નાની ઉંમરે યહોવાહ પરમેશ્વર વિષે સત્ય શીખીને સાચા દિલથી તેમની સેવા કરી રહ્યા છે. ખરેખર, આવા યુવાનોને ગીતશાસ્ત્ર ૧૧૦:૩માં મળી આવતા દાઊદના શબ્દો લાગુ પડે છે, જે કહે છે: “તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે, તારી પાસે તારી યુવાવસ્થાનો ઓસ છે.”

જોકે યહોવાહનું સત્ય શીખીને તેમના માર્ગે ચાલવું, યુવાનો માટે હંમેશાં સહેલું નથી. તેમ છતાં, ઘણા યુવાનોને યહોવાહના સંગઠન સાથે ચાલતા, નિયમિત સભાઓમાં જતા અને બાઇબલનો અભ્યાસ કરતા જોઈને આપણને કેટલો આનંદ થાય છે! આમ કરીને તેઓ યહોવાહની સેવામાં અને તેમના વચન માટે સાચો પ્રેમ કેળવી શક્યા છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫, ૧૬.

[ફુટનોટ]

a યહોવાહના સાક્ષીઓ દ્વારા ૧૯૫૮માં પ્રકાશિત થઈ હતી; આજે પ્રાપ્ય નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો