છેલ્લા દિવસોમાં જગતની કોઈ બાબતોમાં ભાગ ન લો
“હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.”—યોહાન ૧૭:૧૬.
સંપૂર્ણ માણસ ઈસુએ તેમના જીવનની છેલ્લી રાત્રે શિષ્યોના સાંભળતા લાંબી પ્રાર્થના કરી હતી. તેમણે પ્રાર્થનામાં જે કહ્યું હતું એ બધા જ સાચા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. ઈસુએ તેમના શિષ્યો વિષે કહ્યું: “તારૂં વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.”—યોહાન ૧૭:૧૪-૧૬.
૨ ઈસુએ બે વાર કહ્યું કે તેમના શિષ્યો આ જગતના નથી. એનાથી તેમના શિષ્યો જગતના લોકોથી અલગ પડે છે અને જગત તેઓને ધિક્કારશે. પરંતુ ખ્રિસ્તીઓએ હિંમત હારવાની નથી; યહોવાહ તેઓની સંભાળ રાખશે. (નીતિવચનો ૧૮:૧૦; માત્થી ૨૪:૯, ૧૩) ઈસુએ જે કહ્યું એને ધ્યાનમાં રાખીને આપણે પોતાને પૂછી શકીએ: ‘શા માટે સાચા ખ્રિસ્તીઓ આ જગતના નથી? જગત સાથે કોઈ સંબંધ ન રાખવાનો શું અર્થ થાય છે? જગતના લોકો આપણને સાચા ખ્રિસ્તીઓ તરીકે ધિક્કારતા હોય તો, આપણે તેઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? જગતની સરકારોને આપણે કઈ રીતે જોવી જોઈએ?’ આ પ્રશ્નો આપણ બધાને અસર કરતા હોવાથી, બાઇબલમાંથી એના જવાબ મેળવવા ખૂબ મહત્ત્વના છે.
“આપણે ઈશ્વરના બાળકો છીએ”
૩ પરમેશ્વર સાથે આપણો ગાઢ સંબંધ હોવાથી, આપણે જગત સાથે કોઈ સંબંધ રાખતા નથી. પ્રેષિત યોહાને લખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના બાળકો છીએ અને બાકીનું આખું જગત શેતાનની સત્તા હેઠળ છે.” (૧ યોહાન ૫:૧૯, IBSI) યોહાનના આ શબ્દો આજના જગત માટે પણ કેટલા સાચા છે! આજે જ્યાં જુઓ ત્યાં, ગુનાઓ, ક્રૂરતા, સતાવણી, બેઇમાની અને અનૈતિકતા જોવા મળે છે. એ બધા પાછળ પરમેશ્વરનો નહીં પણ શેતાનનો હાથ છે. (યોહાન ૧૨:૩૧; ૨ કોરીંથી ૪:૪; એફેસી ૬:૧૨) તેથી, કોઈ વ્યક્તિ યહોવાહની સાક્ષી બને છે ત્યારે, તે બધા જ ખરાબ આચરણો છોડી દે છે. એ બતાવે છે કે હવે તેને આ જગત સાથે કોઈ સંબંધ નથી.—રૂમીઓને પત્ર ૧૨:૨; ૧૩:૧૨-૧૪; ૧ કોરીંથી ૬:૯-૧૧; ૧ યોહાન ૩:૧૦-૧૨.
૪ યોહાને કહ્યું કે ખ્રિસ્તીઓ જગતના લોકોથી એકદમ અલગ છે, તેઓ ‘ઈશ્વરના બાળકો છે.’ જેઓએ યહોવાહની સેવામાં પોતાનું સમર્પણ કર્યું છે, તેઓ સર્વ તેમના બાળકો છે. પ્રેષિત પાઊલે કહ્યું: “જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.” (રૂમીઓને પત્ર ૧૪:૮; ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫) આમ, આપણે યહોવાહના હોવાથી, ફક્ત તેમની જ ભક્તિ કરીએ છીએ. (નિર્ગમન ૨૦:૪-૬) તેથી, આપણે આ જગતની ધનદોલત કે માન-મોભા પાછળ પોતાનું જીવન વેડફતા નથી. આપણે દેશના રાષ્ટ્રીય પ્રતીકોને માન આપીએ છીએ પરંતુ, કોઈ પણ રીતે એની ઉપાસના કરતા નથી. આપણે કોઈ રમતના હીરો કે જગતની બાબતોને મહત્ત્વ આપતા નથી. જોકે બીજાઓ તેઓની ઇચ્છા પ્રમાણે કરે તો, આપણે તેઓને માન આપીએ છીએ. પરંતુ આપણે ઉપાસના તો ફક્ત પરમેશ્વરની જ કરીએ છીએ. (માત્થી ૪:૧૦; પ્રકટીકરણ ૧૯:૧૦) આ રીતે આપણે જગતથી અલગ પડીએ છીએ.
“મારું રાજ્ય આ જગતનું નથી”
૫ આપણે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ છીએ અને પરમેશ્વરના રાજ્યના રહેવાસીઓ છીએ. આ બાબત પણ આપણને જગતથી અલગ પાડે છે. પંતિયસ પીલાત આગળ ઈસુનો મુકદમો ચાલતો હતો ત્યારે તેમણે કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી; જો મારૂં રાજ્ય આ જગતનું હોત, તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારૂં રાજ્ય તો અહીંનું નથી.” (યોહાન ૧૮:૩૬) આ રાજ્ય દ્વારા યહોવાહનું નામ મહાન થશે અને એ સાબિત થઈ જશે કે તે એકલા જ આખા વિશ્વ પર રાજ કરવા હકદાર છે. તેમ જ, એનાથી સ્વર્ગની જેમ પૃથ્વી પર પણ તેમની ઇચ્છા પૂરી થશે. (માત્થી ૬:૯, ૧૦) ઈસુએ તેમના સેવાકાર્ય દરમિયાન આ રાજ્યના સુસમાચારનો પ્રચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ જગતનો અંત આવે એ પહેલાં, તેમના અનુયાયીઓ આખા જગતમાં એ રાજ્યનો સંદેશો પ્રગટ કરશે. (માત્થી ૪:૨૩; ૨૪:૧૪) વર્ષ ૧૯૧૪માં પ્રકટીકરણ ૧૧:૧૫ની ભવિષ્યવાણી પૂરી થઈ: “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે; તે સદાસર્વકાળ રાજ કરશે.” હવે જલદી જ એ સ્વર્ગનું રાજ્ય આખી માનવજાત પર શાસન કરશે. (દાનીયેલ ૨:૪૪) પછી જગતની સરકારોએ પણ અમુક રીતે એ સત્તાને સ્વીકારવી પડશે.—ગીતશાસ્ત્ર ૨:૬-૧૨.
૬ આ હકીકતને ધ્યાનમાં રાખીને, આપણે પરમેશ્વરના રાજ્યના રહેવાસીઓ તરીકે ઈસુની સલાહ પાળીએ છીએ. અને ‘પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીએ છીએ.’ (માત્થી ૬:૩૩) એમ કરીને આપણે જે દેશમાં રહેતા હોય એની સાથે બેવફાઈ કરતા નથી, પરંતુ ફક્ત પરમેશ્વરની જ સેવા કરવા જગતથી અલગ થઈએ છીએ. આજે આપણી મહત્ત્વની જવાબદારી, પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ ‘દેવના રાજ્ય વિષે સાક્ષી આપવાની છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૩) દુનિયાની કોઈ પણ સરકારને પરમેશ્વરના આ કાર્યને અટકાવવાનો હક્ક નથી.
૭ યહોવાહના સાક્ષીઓએ ૨૦મી અને ૨૧મી સદીમાં ચાલેલી કોઈ પણ લડાઈઓમાં ભાગ લીધો નથી. કેમ કે તેઓએ યહોવાહને પોતાનું સમર્પણ કર્યું છે; તેઓ ઈસુના અનુયાયીઓ અને પરમેશ્વરના રાજ્યના રહેવાસી બન્યા છે. તેઓએ લડાઈમાં કોઈનો પક્ષ લીધો નથી અને કોઈની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવ્યા નથી. તેઓએ લોકોને ઉશ્કેરે એવી કોઈ ખોટી અફવાઓ ફેલાવી નથી. વર્ષ ૧૯૩૪માં જર્મનીની નાત્ઝી સરકારે તેઓની ઘણી ક્રૂર સતાવણી કરી હતી. તોપણ તેઓ પરમેશ્વરને પૂરા વફાદાર રહ્યા હતા અને નાત્ઝી સરકારને જે કહ્યું હતું એ જ કર્યું: “અમને રાજકીય બાબતોમાં કોઈ રસ નથી, કેમ કે અમે પરમેશ્વરના રાજ્યને પોતાનું જીવન આપ્યું છે, કે જેના રાજા ખ્રિસ્ત છે. તેથી અમે કોઈને કંઈ પણ ઈજા કે દુઃખ થાય એવું કરીશું નહીં. અમે શાંતિમાં રહેવા ઇચ્છીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં બધા લોકોનું ભલું ઇચ્છીએ છીએ.”
રાજદૂતો અને તેમના સાથીઓ
૮ પાઊલે પોતાને અને સાથી અભિષિક્ત ખ્રિસ્તીઓને ખ્રિસ્તના રાજદૂત તરીકે ઓળખાવ્યા. તેમણે કહ્યું કે ‘ઈશ્વર જાણે અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ અમે ખ્રિસ્તના રાજદૂત તરીકે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ.’ (૨ કોરીંથી ૫:૨૦, પ્રેમસંદેશ; એફેસી ૬:૨૦) અભિષિક્ત ખ્રિસ્તીઓ ખરી રીતે ૧૯૧૪થી રાજદૂતો તરીકે ઓળખાયા અને તેઓ પરમેશ્વરના “રાજ્યનાં છૈયાં” છે. (માત્થી ૧૩:૩૮; ફિલિપી ૩:૨૦; પ્રકટીકરણ ૫:૯, ૧૦) એ ઉપરાંત, યહોવાહે સર્વ દેશોમાંથી ‘બીજાં ઘેટાનું’ એક ‘મોટું ટોળું’ પણ પસંદ કર્યું છે. પૃથ્વી પર રહેવાની આશા ધરાવતા આ ખ્રિસ્તીઓનું ટોળું અભિષિક્ત દીકરાઓને તેઓના રાજદૂતના કાર્યમાં મદદ કરે છે. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) આ ‘બીજા ઘેટાંને’ પરમેશ્વરના રાજ્યના ‘સાથીઓ’ કહી શકાય.
૯ રાજદૂત અને તેમના કર્મચારીઓ જે દેશમાં સેવા આપતા હોય છે એ દેશની કોઈ પણ બાબતમાં માથું મારતા નથી. એવી જ રીતે, સાચા ખ્રિસ્તીઓ કોઈ પણ દેશની રાજકીય બાબતોમાં ભાગ લેતા નથી. તેઓ કોઈ પણ દેશ, જાતિ, સમાજ કે અમીર-ગરીબ વર્ગનો પક્ષ લેતા નથી કે એની સામે પણ થતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) એના બદલે તેઓ ‘બધાનું સારું કરે છે.’ (ગલાતી ૬:૧૦) આમ, યહોવાહના સાક્ષીઓ કોઈની બાજુ લેતા ન હોવાથી, કોઈ પણ એવું કહીને તેમના સંદેશાને નકારી ન શકે કે તેઓ કોઈ દેશ કે જાતિ સાથે જોડાયેલા છે.
પ્રેમ—આપણી ખરી ઓળખ
૧૦ આપણો સંબંધ બીજા ખ્રિસ્તીઓ સાથે પણ હોવાથી, આપણે જગતની બાબતોમાં કોઈનો પક્ષ લેતા નથી. ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આમ, ભાઈબહેનો પરનો પ્રેમ એ ખ્રિસ્તીઓ તરીકેની આપણી ખરી ઓળખ છે. (૧ યોહાન ૩:૧૪) યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત પછી આપણો સૌથી નજીકનો સંબંધ બીજા ખ્રિસ્તી ભાઈબહેનો સાથે છે. પરંતુ આપણો પ્રેમ ફક્ત મંડળના ભાઈબહેનો પૂરતો જ નથી. એમાં ‘પૃથ્વી પરના સર્વ ભાઈઓનો’ પણ સમાવેશ થાય છે.—૧ પીતર ૫:૯.
૧૧ આજે યહોવાહના સાક્ષીઓ પોતાના ભાઈઓ પ્રત્યે પ્રેમ બતાવીને, યશાયાહ ૨:૪ની ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા છે: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોવાથી, આપણે પરમેશ્વર અને એકબીજા સાથે શાંતિમાં રહીએ છીએ. (યશાયાહ ૫૪:૧૩) આપણે પરમેશ્વરને અને આપણા ખ્રિસ્તી ભાઈબહેનોને પ્રેમ કરતા હોવાથી, તેઓ સામે કે બીજા દેશો વિરુદ્ધ લડવાનો વિચાર પણ કરતા નથી. શાંતિ અને એકતા એ જ આપણી ખરી ભક્તિ છે, જે બતાવે છે કે આપણી પાસે પરમેશ્વરનો પવિત્ર આત્મા છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧; મીખાહ ૨:૧૨; માત્થી ૨૨:૩૭-૩૯; કોલોસી ૩:૧૪) “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે” એ યાદ રાખીને, આપણે ‘શાંતિ શોધીને એની પાછળ લાગુ રહીએ’ છીએ.—ગીતશાસ્ત્ર ૩૪:૧૪, ૧૫.
આપણે જગતને કઈ રીતે જોઈએ છીએ
૧૨ યહોવાહે જાહેર કરી દીધું છે કે તે આ જગતના દુષ્ટ લોકોનો વિનાશ કરશે. પરંતુ, હજુ તેમનો એ સમય આવ્યો નથી. તે પોતાના સમયે ઈસુ દ્વારા વિનાશ લાવશે. (ગીતશાસ્ત્ર ૬૭:૩, ૪; માત્થી ૨૫:૩૧-૪૬; ૨ પીતર ૩:૧૦) ત્યાં સુધી પરમેશ્વર આપણા પ્રત્યે પ્રેમ બતાવે છે. તેમણે પોતાનો એકનોએક દીકરો આપ્યો, જેથી આપણે બધા તેમના પર વિશ્વાસ મૂકીને અનંતજીવન મેળવી શકીએ. (યોહાન ૩:૧૬) યહોવાહે આપણા પર પ્રેમ બતાવીને તારણની કેવી જોગવાઈ કરી છે! ભલે લોકો આપણો નકાર કરે તોપણ, આપણે પરમેશ્વરની જેમ પ્રેમ બતાવીને આ જોગવાઈ વિષે તેઓને જણાવીએ છીએ.
૧૩ આપણે સરકારોને કઈ રીતે જોવી જોઈએ? પાઊલે કહ્યું: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; [અમુક સત્તા ધરાવતા] જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે.” (રૂમીઓને પત્ર ૧૩:૧, ૨) અહીં પાઊલ કહી રહ્યા છે કે, પરમેશ્વર માનવ સરકારોને અમુક હદે સત્તા ચલાવવા દે છે. પરંતુ યહોવાહની સત્તાની સરખામણીમાં તેઓની સત્તા કંઈ જ નથી. તોપણ સરકારોને આધીન રહેવાથી આપણે ખરેખર યહોવાહને આધીન રહીએ છીએ. પરંતુ જો સરકારના નિયમો યહોવાહના નિયમોની વિરુદ્ધ જતા હોય તો શું?
પરમેશ્વર અને સરકારના નિયમો
૧૪ આપણે પરમેશ્વરને તેમ જ માનવ સરકારને કઈ રીતે આધીન રહેવું જોઈએ? એ વિષે દાનીયેલ અને તેમના ત્રણ સાથીઓએ સારો નમૂનો બેસાડ્યો હતો. આ ચાર હેબ્રી યુવાનોને બાબેલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે, તેઓએ એ દેશના નિયમો પાળ્યા હતા. તેથી, તેઓને એ દેશની ખાસ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા. પરંતુ, દાનીયેલને લાગ્યું કે એ તાલીમથી યહોવાહના નિયમોનો ભંગ થશે ત્યારે, તેમણે એ વિષે મુખ્ય ખોજાને વાત કરી. પરિણામે, ચાર હેબ્રીઓની ઇચ્છા પૂરી કરવા માટે ખાસ ગોઠવણ કરવામાં આવી. (દાનીયેલ ૧:૮-૧૭) આજે પણ યહોવાહના સાક્ષીઓ અગાઉથી અધિકારીઓને પોતાની માન્યતાઓ સમજાવે છે જેથી, પાછળથી આવતી મુશ્કેલીઓને નિવારી શકાય. આ રીતે તેઓ દાનીયેલના નમૂનાને અનુસરે છે.
૧૫ પરંતુ બીજા એક પ્રસંગે તેઓ યહોવાહને આધીન રહેવા સામે આવી પડેલી મુશ્કેલી ટાળી શક્યા નહીં. બાબેલોનના રાજાએ દુરાના મેદાનમાં એક મોટી મૂર્તિ ઊભી કરી હતી. તેણે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે, પોતાના મંત્રીઓ સાથે પ્રાંતના બધા રાજકારભારીઓને ત્યાં ભેગા મળવાની આજ્ઞા કરી હતી. ત્યારે દાનીયેલના ત્રણ મિત્રો બાબેલોન પ્રાંતના રાજકારભારીઓ હતા. તેથી, એ હુકમ તેઓને પણ લાગુ પડતો હતો. એ સમયે ભેગા મળેલા સર્વએ મૂર્તિની આગળ નમન કરવાનું હતું. પરંતુ, હેબ્રીઓ જાણતા હતા કે એ પરમેશ્વરના નિયમની વિરુદ્ધમાં છે. (પુનર્નિયમ ૫:૮-૧૦) તેથી, સર્વ લોકો એ મૂર્તિ આગળ નમીને એની પૂજા કરતા હતા ત્યારે, તેઓએ એમ કર્યું નહીં. તેઓએ રાજાની આજ્ઞાનો અમલ ન કરીને પોતાનું જીવન જોખમમાં મૂક્યું. હા, તેઓ યહોવાહની આજ્ઞા પાળવા મરવા પણ તૈયાર હતા. પરંતુ, પરમેશ્વરે તેઓને ચમત્કારિક રીતે બચાવ્યા.—દાનીયેલ ૨:૪૯–૩:૨૯.
૧૬ પહેલી સદીમાં, ઈસુના પ્રેષિતોને યરૂશાલેમમાં યહુદી ધર્મગુરુઓ સામે લાવવામાં આવ્યા. ધર્મગુરુઓએ તેઓને આજ્ઞા આપી કે તેઓ ઈસુને નામે પ્રચાર કરવાનું બંધ કરી દે. તેઓએ કેવો જવાબ આપ્યો? ઈસુએ તેઓને સર્વ રાષ્ટ્રના લોકોને શિષ્યો બનાવવાની આજ્ઞા આપી હતી, જેમાં યહુદાનો પણ સમાવેશ થતો હતો. ઈસુએ તેઓને એમ પણ કહ્યું હતું કે યરૂશાલેમ તેમ જ પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષીઓ થશે. (માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) પ્રેષિતો જાણતા હતા કે ઈસુની આજ્ઞા પરમેશ્વર તરફથી હતી. (યોહાન ૫:૩૦; ૮:૨૮) તેથી તેઓએ કહ્યું: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૯, ૨૦; ૫:૨૯.
૧૭ જોકે આમ કહીને પ્રેષિતો તેઓની સામા થયા ન હતા. (નીતિવચનો ૨૪:૨૧) પરંતુ, માનવ શાસકોએ તેઓને પરમેશ્વરની ઇચ્છા વિરુદ્ધ કરવા કહ્યું ત્યારે, તેઓ કહી શક્યા કે ‘માણસોના કરતાં દેવનું અમે વધારે માનીએ છીએ.’ ઈસુએ પણ કહ્યું કે આપણે “કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી” આપવા જોઈએ. (માર્ક ૧૨:૧૭) તેથી, જો આપણે માણસોનું કહેવું માનીને પરમેશ્વરની આજ્ઞા તોડીશું તો, આપણે પરમેશ્વર કરતાં માણસોનું વધારે માનીએ છીએ. પરંતુ, આપણે જે સરકારને આપવું જોઈએ એ આપીએ છીએ, અને સર્વશક્તિમાન તરીકે ફક્ત યહોવાહને માન આપીએ છીએ. કેમ કે તે આખા વિશ્વના ઉત્પન્નકર્તા છે અને તેમની સરકાર બધાથી સર્વોચ્ચ છે.—પ્રકટીકરણ ૪:૧૧.
આપણે દૃઢ રહીશું
૧૮ આજે મોટાભાગની સરકારો જાણે છે કે યહોવાહના સાક્ષીઓ કોઈનો પક્ષ લેતા નથી. એ માટે આપણે કેટલા આભારી છીએ! અમુક દેશોમાં સાક્ષીઓની ઘણી સતાવણી કરવામાં આવી છે. વીસમી સદીમાં અને આજે પણ આપણા અમુક ભાઈબહેનોએ ઘણી સતાવણી સહન કરી છે. હા, પરમેશ્વરની સેવામાં તેઓ ‘વિશ્વાસની સારી લડાઈ લડી રહ્યાં છે.’—૧ તીમોથી ૬:૧૨.
૧૯ આપણે પણ કઈ રીતે તેઓની જેમ પરમેશ્વરની સેવામાં દૃઢ રહી શકીએ? સૌથી પહેલાં તો, આપણે યાદ રાખવું જોઈએ કે આપણી સતાવણી થશે. પરંતુ એમ થાય ત્યારે, આપણને નવાઈ ન લાગવી જોઈએ કે આપણે નિરાશ પણ ન થવું જોઈએ. પાઊલે તીમોથીને ચેતવણી આપી હતી: “ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨; ૧ પીતર ૪:૧૨) આજે આખા જગતનો રાજા શેતાન હોવાથી, આપણી સતાવણી જરૂર થશે. (પ્રકટીકરણ ૧૨:૧૭) આપણે પરમેશ્વરને વફાદાર રહીશું ત્યાં સુધી, કેટલાક ‘આશ્ચર્ય પામીને આપણી નિંદા કરશે.’—૧ પીતર ૪:૪.
૨૦ બીજું, યહોવાહ અને તેમના દૂતો આપણું રક્ષણ કરશે એવી આપણને પૂરી ખાતરી છે. વૃદ્ધ એલીશાએ કહ્યું, “તેઓના સૈન્ય કરતાં આપણું સૈન્ય વધારે મોટું છે!” (૨ રાજાઓ ૬:૧૬, IBSI; ગીતશાસ્ત્ર ૩૪:૭) બની શકે કે યહોવાહ કોઈ સારા કારણસર આપણા પર થોડા સમય માટે સતાવણીને ચાલવા દે. તોપણ, એ સહન કરવા માટે તે આપણને હંમેશાં શક્તિ આપે છે. (યશાયાહ ૪૧:૯, ૧૦) આપણા ઘણા ભાઈબહેનોને મારી નાખવામાં આવ્યા છે, પણ એનાથી આપણે પડી ભાંગવું ન જોઈએ. ઈસુએ કહ્યું: ‘જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શકતા નથી તેઓથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.’ (માત્થી ૧૦:૧૬-૨૩, ૨૮, પ્રેમસંદેશ) આપણે જગતમાં ફક્ત “પરદેશી તથા પ્રવાસી” છીએ. પરમેશ્વરની નવી દુનિયામાં અનંતજીવન કે “ખરેખરૂં જીવન” મેળવવા, આપણે આપણા સમયનો ખરો ઉપયોગ કરીએ છીએ. (૧ પીતર ૨:૧૧; ૧ તીમોથી ૬:૧૯) આપણે પરમેશ્વરને વફાદાર રહીશું ત્યાં સુધી, કોઈ પણ માનવી આપણને અનંતજીવન મેળવતા રોકી શકશે નહિ.
૨૧ ચાલો આપણે યહોવાહ પરમેશ્વર સાથેના આપણા અમૂલ્ય સંબંધને હંમેશાં યાદ રાખીએ. આપણને ખ્રિસ્તના અનુયાયી બનવાનો અને તેમના રાજ્યના રહેવાસી થવાનો લહાવો મળ્યો છે. આપણે એ આશીર્વાદની હંમેશાં કદર કરીએ. આપણે દિલથી ખ્રિસ્તી ભાઈબહેનોને પ્રેમ કરીએ અને તેઓ જે પ્રેમ બતાવે છે એની ખુશીથી કદર કરીએ. આપણે ગીતકર્તાની ઉત્તેજન આપતી સલાહને પણ ધ્યાન આપીએ: “યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૪; યશાયાહ ૫૪:૧૭) આમ કરીને આપણે અસંખ્ય વફાદાર ખ્રિસ્તીઓની જેમ, આપણી આશામાં દૃઢ ઊભા રહીશું. હા, સાચા ખ્રિસ્તીઓ આ જગત સાથે કોઈ સંબંધ રાખતા નથી અને જગતની કોઈ બાબતોમાં ભાગ લેતા નથી.
શું તમે સમજાવી શકો?
• યહોવાહ સાથેનો આપણો સંબંધ કઈ રીતે આપણને જગતથી અલગ કરે છે?
• પરમેશ્વરના રાજ્યના રહેવાસીઓ હોવાથી, આપણે કઈ રીતે જગતની કોઈ પણ બાબતોમાં ભાગ લેતા નથી?
• આપણે ભાઈબહેનોને પ્રેમ કરતા હોવાથી, કઈ રીતે જગતની કોઈ પણ બાબતોથી અલગ રહીએ છીએ?
[Questions]
૧, ૨. ઈસુએ તેમના શિષ્યો વિષે શું કહ્યું અને એનાથી કયા પ્રશ્નો ઊભા થાય છે?
૩. (ક) કઈ બાબત આપણને જગતથી અલગ પાડે છે? (ખ) આજે “આખું જગત શેતાનની સત્તા હેઠળ” હોવાનો શું પુરાવો છે?
૪. આપણે યહોવાહના બાળકો છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?
૫, ૬. પરમેશ્વરના રાજ્યના રહેવાસી હોવાથી, આપણે કઈ રીતે આ જગતથી અલગ છીએ?
૭. શા માટે યહોવાહના સાક્ષીઓ ફક્ત પરમેશ્વરને જ વફાદાર રહે છે અને તેઓએ એ કઈ રીતે બતાવ્યું છે?
૮, ૯. આજે કઈ રીતે યહોવાહના સાક્ષીઓ રાજદૂતો અને તેમના સાથીઓ છે અને દેશો સાથે તેઓનો કેવો સંબંધ છે?
૧૦. આપણે બીજા ખ્રિસ્તીઓ માટે પ્રેમ બતાવીએ એ કેમ મહત્ત્વનું છે?
૧૧. આપણે પ્રેમ બતાવીને શું કરવા પ્રેરાઈએ છીએ?
૧૨. આજે આપણે કઈ રીતે યહોવાહની જેમ લોકો પર પ્રેમ બતાવીએ છીએ?
૧૩. આપણે જગતની સરકારોને કઈ રીતે જોવી જોઈએ?
૧૪, ૧૫. (ક) દાનીયેલે યહોવાહની આજ્ઞા પાળવામાં કેવો નમૂનો બેસાડ્યો? (ખ) ત્રણ હેબ્રીઓએ યહોવાહને આધીન રહેવા સામે આવી પડેલી મુશ્કેલીમાં શું કર્યું?
૧૬, ૧૭. પ્રેષિતોને પ્રચાર બંધ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે, તેઓએ શું કહ્યું અને શા માટે?
૧૮, ૧૯. આપણા ભાઈબહેનોએ કેવો સારો નમૂનો બેસાડ્યો છે અને આપણે કઈ રીતે તેમના પગલે ચાલી શકીએ?
૨૦. આપણા પર ગમે એવી સતાવણી આવે તોપણ આપણે શું યાદ રાખવું જોઈએ?
૨૧. આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ?
[પાન ૧૫ પર ચિત્ર]
પરમેશ્વરના રાજ્યને આધીન રહેવાથી જગત સાથેના આપણા સંબંધ પર કેવી અસર પડે છે?
[પાન ૧૬ પર ચિત્ર]
હુતુ અને તુત્સી સાથે મળીને ખુશીથી કામ કરે છે
[પાન ૧૭ પર ચિત્ર]
યહુદી અને આરબ ખ્રિસ્તી ભાઈ
[પાન ૧૭ પર ચિત્ર]
સર્બિયા, બોસ્નિયા અને ક્રોએશિયાના ખ્રિસ્તીઓ એકબીજાની સંગતનો આનંદ માણે છે
[પાન ૧૮ પર ચિત્ર]
સરકારની કોઈ આજ્ઞાથી પરમેશ્વરના નિયમો તૂટતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ?