વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧૧/૧૫ પાન ૯-૧૪
  • આપણને એકબીજાની જરૂર છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણને એકબીજાની જરૂર છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યુગલો, બીજાને મદદ કરો!
  • બધી રીતે મદદ કરો!
  • ‘દિલાસો’ અને મદદ આપો!
  • આપણી સંભાળ રાખનારી બહેનો
  • યુવાનો, અમે તમને ચાહીએ છીએ!
  • દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે
  • લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • “એકબીજાને મક્કમ કરતા રહો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • પવિત્ર જનો માટે પાઊલે રાહત ફંડની વ્યવસ્થા કરી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧૧/૧૫ પાન ૯-૧૪

આપણને એકબીજાની જરૂર છે

“આપણે એકબીજાના અવયવો છીએ.”​—⁠એફેસી ૪:૨૫.

આપણને સુંદર રીતે બનાવવામાં આવ્યા છે! વિશ્વ જ્ઞાનકોશ કહે છે, કે “ઘણી વાર લોકો આપણા શરીરને અજોડ મશીન કહે છે. ખરું કે શરીર કંઈ મશીન નથી, પણ ઘણી રીતે શરીરની સરખામણી એની સાથે થઈ શકે છે. મશીનની જેમ જ, શરીરના પણ ઘણા ભાગો છે. મશીનના જુદા જુદા ભાગોની જેમ, શરીરનો દરેક ભાગ કોઈ ખાસ કામ કરે છે. તોપણ, બધા ભાગો એક સાથે કામ કરે છે ત્યારે, શરીર કે મશીન સારી રીતે ચાલે છે.”

૨ ખરેખર, શરીરના ઘણા અંગ હોવા છતાં, દરેક અગત્યનું કામ કરે છે. શરીરનું દરેક અંગ જરૂરી છે. એ જ રીતે ખ્રિસ્તી મંડળમાં પણ જોઈએ તો, દરેક વ્યક્તિ એકબીજાના ભલા માટે કંઈક કરે છે. (૧ કોરીંથી ૧૨:૧૪-૨૬) ખરું કે મંડળમાં કોઈ પણ પોતાને બીજાથી ચડિયાતા ગણતા નથી. તેમ જ, કોઈએ પોતાને નકામા પણ ગણવા ન જોઈએ.​—⁠રૂમીઓને પત્ર ૧૨:⁠૩.

૩ જેમ શરીરનું દરેક અંગ એકબીજા વગર ચાલતું નથી, તેમ આપણને પણ એકબીજાની ખૂબ જ જરૂર છે. પ્રેષિત પાઊલે અભિષિક્ત ભાઈ-બહેનોને આમ કહ્યું: “એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો; કેમકે આપણે એકબીજાના અવયવો છીએ.” (એફેસી ૪:૨૫) અભિષિક્ત ખ્રિસ્તીઓ જાણે કે ‘ખ્રિસ્તનું શરીર’ છે. તેઓ ‘એકબીજાના અવયવો’ હોવાથી, સચ્ચાઈથી વર્તે છે અને પૂરો સંપ રાખે છે. (એફેસી ૪:૧૧-૧૩) તેમ જ, ‘બીજાં ઘેટાંના’ ખ્રિસ્તીઓ પણ તેઓ સાથે સચ્ચાઈ અને સંપથી એક થયેલા છે.

૪ દર વર્ષે હજારો લોકો ખ્રિસ્તીઓ બને છે. તેઓને બાઇબલ વિષે પ્રશ્નો હોય છે અને પ્રચારમાં મદદની જરૂર હોય છે. આપણે તેઓને ખુશીથી મદદ કરીએ, જેથી તેઓ સત્યનાં મૂળ ઊંડા નાખી શકે. (હેબ્રી ૬:૧-૩) વળી, આપણે મિટિંગોમાં ભાગ લઈને પણ તેઓને સારો નમૂનો બેસાડી શકીએ છીએ. આપણે મુશ્કેલ સંજોગોમાં તેઓને ઉત્તેજન અને દિલાસો પણ આપી શકીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪, ૧૫) ‘સત્યમાં ચાલતા’ રહેવા આપણે એકબીજાને મદદ કરતા રહીએ. (૩ યોહાન ૪) ભલે આપણે નાના કે મોટા હોઈએ, સત્યમાં હમણાં કે વર્ષોથી હોઈએ, આપણે બધા એકબીજાને ઉત્તેજન આપીને મદદ કરી શકીએ છીએ. ખરેખર, આપણા ભાઈ-બહેનોને આપણી જરૂર છે!

યુગલો, બીજાને મદદ કરો!

૫ ઘણા પતિ-પત્નીઓ પણ બીજાને મદદ કરે છે. જેમ કે, આકુલા અને તેમની પત્ની પ્રિસ્કીલાએ (પ્રિસ્કાએ) પાઊલને મદદ કરી હતી. તેઓએ પાઊલને ખુશીથી પોતાના ઘરમાં રાખ્યા. તેમ જ તેઓ ત્રણે જણ તંબુ બનાવવાનો ધંધો કરતા હતા. વળી, તેઓએ પાઊલને કોરીંથ મંડળ શરૂ કરવા પણ મદદ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૪) અરે, પાઊલ માટે તેઓએ પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. પાઊલે રોમના ખ્રિસ્તીઓને જણાવ્યું: “ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો; તેઓએ મારા જીવને સારૂ પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.” (રૂમીઓને પત્ર ૧૬:૩, ૪) આકુલા અને પ્રિસ્કાની જેમ, આજે પણ ઘણા પતિ-પત્નીઓ બીજાને મદદ કરે છે. વળી, દુશ્મનોના હાથમાંથી પોતાના ભાઈ-બહેનોને બચાવવા માટે કેટલાકે તો પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો છે.

૬ આકુલા અને પ્રિસ્કાએ આપોલસને પણ મદદ કરી હતી. આપોલસ પોતે એક જોરદાર શિક્ષક હતા અને એફેસસમાં લોકોને ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપતા હતા. તેમ છતાં, પાપના પસ્તાવા માટેના યોહાનના બાપ્તિસ્મા વિષે જ આપોલસને જ્ઞાન હતું. તેથી, આકુલા અને પ્રિસ્કાએ તેમને “દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.” તેઓએ સમજાવ્યું હશે કે બાપ્તિસ્માનો અર્થ શું થાય છે અને કઈ રીતે વ્યક્તિ પવિત્ર આત્માની મદદ મેળવી શકે. આપોલસ એ સારી રીતે શીખ્યા. પછીથી, આખાયા રાજ્યમાં “જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી; કેમકે ઈસુ તેજ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર વાદવિવાદમાં યહુદીઓને પૂરેપૂરા હરાવ્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૮) એ જ રીતે, ભાઈ-બહેનો આપણને બાઇબલ સમજવા મદદ કરી શકે છે. ખરેખર, આપણને તેઓની જરૂર છે.

બધી રીતે મદદ કરો!

૭ ફિલિપીના ભાઈ-બહેનોને પાઊલ પર ઘણો પ્રેમ હતો. પાઊલ થેસ્સાલોનીકામાં હતા ત્યારે, તેઓએ તેમની જોઈતી જરૂરિયાતો પૂરી પાડી હતી. (ફિલિપી ૪:૧૫, ૧૬) વળી, યરૂશાલેમના ભાઈ-બહેનોને મદદની જરૂર હતી ત્યારે પણ, ફિલિપી મંડળે પોતાના ગજા ઉપરાંત મદદ કરી. તેથી, પાઊલે ફિલિપીના ભાઈ-બહેનોની ઉદારતાની ઘણી કદર કરી. શું આ આપણા માટે સરસ દાખલો નથી?​—⁠૨ કોરીંથી ૮:૧-૬.

૮ પાઊલ જેલમાં હતા ત્યારે, ફિલિપીઓએ ભેટો મોકલી હતી. એટલું જ નહિ, પણ પાઊલને મદદ કરવા એપાફ્રોદિતસને મોકલ્યા. પાઊલે કહ્યું હતું: “ખ્રિસ્તના કામને સારૂ તે [એપાફ્રોદિતસ] મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરૂં હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.” (ફિલિપી ૨:૨૫-૩૦; ૪:૧૮) એપાફ્રોદિતસ વડીલ કે સેવકાઈ ચાકર હતા કે નહિ એની આપણને ખબર નથી. તોપણ, તેમનામાં જરાય સ્વાર્થ ન હતો. તે કંઈ પણ કરવા તૈયાર હતા અને પાઊલને તેમની ખૂબ જ જરૂર હતી. શું તમારા મંડળમાં એપાફ્રોદિતસ જેવા ભાઈ-બહેનો છે?

‘દિલાસો’ અને મદદ આપો!

૯ શું તમે આકુલા, પ્રિસ્કા અને એપાફ્રોદિતસ જેવા ભાઈ-બહેનોની કદર કરતા નથી? વળી, આપણા અમુક ભાઈ-બહેનો પહેલી સદીના આરીસ્તાર્ખસ જેવા પણ હોય શકે. આરીસ્તાર્ખસ ભાઈ-બહેનોને ‘દિલાસો’ આપતા હતા. તેમ જ તેમણે બીજાને બને એ રીતે મદદ અને ઉત્તેજન પણ આપ્યું. (કોલોસી ૪:૧૦, ૧૧) આજે બધા સ્વાર્થના સગાં હોય છે, પણ આરીસ્તાર્ખસ તો પાઊલના દુઃખમાં જિગરી દોસ્ત બન્યા. (નીતિવચનો ૧૭:૧૭) શું આપણે આરીસ્તાર્ખસ જેવા છીએ? શું આપણે સ્વાર્થના સગાં બનવાને બદલે, દુઃખમાં ભાઈ-બહેનોના જિગરી દોસ્ત બનીએ છીએ?

૧૦ આજે વડીલો ભાઈ-બહેનોને મદદ અને દિલાસો આપવામાં મોટો ભાગ ભજવે છે. ઈસુએ પ્રેષિત પીતરને જણાવ્યું: “તારા સાથી ભાઈઓને દૃઢ કરજે.” (લુક ૨૨:​૩૨, પ્રેમસંદેશ) પીતરે એમ જ કર્યું. ખાસ કરીને ઈસુ સજીવન થયા ત્યારથી, પીતરે ભાઈઓને મદદ કરવામાં પાછું ફરીને જોયું નહિ. વડીલો, તમે પણ પ્રેમથી ભાઈ-બહેનોને મદદ કરો, કેમ કે તેઓને તમારી ખૂબ જરૂર છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮-૩૦; ૧ પીતર ૫:૨, ૩.

૧૧ પાઊલની જેમ, તીમોથી પણ એવા વડીલ હતા, જે ભાઈ-બહેનોની ખૂબ ચિંતા રાખતા હતા. જો કે, તેમની તબિયત એટલી સારી ન હતી. તેમ છતાં, તેમણે પૂરા દિલથી ‘શુભસંદેશનો પ્રચાર કરવા પાઊલ સાથે કામ કર્યું.’ તેથી, પ્રેષિત પાઊલે ફિલિપીઓને કહ્યું, કે “તે એક જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી ખરેખર કાળજી રાખે છે.” (ફિલિપી ૨:૨૦, ૨૨, પ્રેમસંદેશ; ૧ તીમોથી ૫:૨૩; ૨ તીમોથી ૧:૫) આપણે તીમોથી જેવા બનીને, બીજાઓને બહુ જ ઉત્તેજન અને મદદ આપી શકીશું. ખરું કે આપણે પણ અમુક બીમારી કે મુશ્કેલીઓ સહન કરવી જ પડે છે. પરંતુ, એક કુટુંબની માફક આપણે આપણા ભાઈ-બહેનોની વધારે ચિંતા કરવી જોઈએ, કેમ કે તેઓને આપણી ખૂબ જ જરૂર છે.

આપણી સંભાળ રાખનારી બહેનો

૧૨ બીજાઓની સંભાળ રાખનારી બહેનોમાંની એક દરકાસ હતી. દરકાસ મરણ પામી ત્યારે, શિષ્યોએ પીતરને બોલાવ્યા અને તેમને ઘરના ઉપલા માળે લઈ ગયા. ત્યાં ‘સઘળી વિધવાઓ પીતર પાસે ઊભી રહીને રડતી હતી. દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે લૂગડાં બનાવ્યાં હતાં એ તેઓ પીતરને દેખાડતી હતી.’ પછી, પીતરે દરકાસને સજીવન કરી. ખરેખર, એ પછી પણ દરકાસે ‘રૂડી કરણીઓ તથા પુષ્કળ દાનધર્મ કરવાનું’ ચાલુ જ રાખ્યું હશે. આજના મંડળોમાં પણ દરકાસ જેવી બહેનો છે. ખરું કે આપણું મુખ્ય કાર્ય તો યહોવાહ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર અને લોકોને તેમના ભક્તો બનાવવાનું છે. પરંતુ, એની સાથે સાથે દરકાસની જેમ, બહેનો એકબીજાની સંભાળ પણ રાખે છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૨; માત્થી ૬:૩૩; ૨૮:૧૯, ૨૦.

૧૩ હવે ચાલો આપણે લુદીયા વિષે જોઈએ. તે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરનાર અને બીજાની સંભાળ રાખનાર હતી. તે મૂળ થુઆતૈરા શહેરની હતી, અને ફિલિપ્પી શહેરમાં રહેતી હતી. પાઊલ લગભગ પચાસની સાલમાં ત્યાં પ્રચાર કરવા ગયા હતા. લુદીયા જન્મથી જ યહુદી ન હતી પણ પછીથી બની હોય શકે. હવે ફિલિપ્પીમાં થોડાક જ યહુદીઓ હોવાને કારણે ત્યાં સભાસ્થાન ન હતું. તેથી, લુદીયા અને બીજી ઈશ્વરભક્ત સ્ત્રીઓ નદીને કાંઠે ભેગી થતી હતી. પ્રેષિત પાઊલે તેઓને ત્યાં પ્રચાર કર્યો. એ વિષે બાઇબલ જણાવે છે, કે “પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું, કે તેણે પાઊલની કહેલી વાતો લક્ષમાં લીધી. તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો તો મારે ઘેર આવીને રહો. તેણે અમને આવવાનો ઘણો આગ્રહ કર્યો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૨-૧૫) લુદીયા કાયમ બીજાનું ભલું કરતી હોવાને કારણે, પાઊલે નમતું જોખ્યું. પાઊલ અને તેમના સાથીઓ લુદીયાના ઘરે રહ્યા. મંડળમાં આજે પણ એવો જ પ્રેમ અને માયા બતાવતી બહેનો છે, જેઓની આપણે ખૂબ જ કદર કરીએ છીએ!​—⁠રૂમીઓને પત્ર ૧૨:૧૩; ૧ પીતર ૪:⁠૯.

યુવાનો, અમે તમને ચાહીએ છીએ!

૧૪ ઈસુ પ્રેમાળ અને માયાળુ હોવાથી, નાના-મોટા બધાને જ તે બહુ ગમતા હતા. મંડળમાં આપણે તેમના જ પગલે ચાલવું જોઈએ. એક વખત લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવતા હતા ત્યારે, તેમના શિષ્યોએ તેઓને રોક્યા. પરંતુ, ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. હું તમને સાચે જ કહું છું: જે કોઈ ઈશ્વરના રાજનો સ્વીકાર નાના બાળકની માફક કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” (માર્ક ૧૦:૧૩-૧૫, પ્રેમસંદેશ) બાળકો કુમળા છોડ જેવા હોય છે, એને વાળો તેમ વળે. યહોવાહના રાજ્યના આશીર્વાદ મેળવવા, આપણે પણ બાળકો જેવા જ બનવું જોઈએ. ઈસુએ બાળકો પર પ્રેમ વરસાવ્યો, અને તેમણે તેઓને ગોદમાં લઈને આશીર્વાદ આપ્યો. (માર્ક ૧૦:૧૬) આપણે પણ બાળકો પર એવો જ પ્રેમ રાખવો જોઈએ. ખરેખર બાળકો, અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.

૧૫ ઈસુને યહોવાહ પર ખૂબ જ પ્રેમ હતો. વળી, યહોવાહનું શાસ્ત્ર પણ ઈસુને ખૂબ ગમતું હતું. ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે, યુસફ અને મરિયમ સાથે તે નાઝરેથથી યરૂશાલેમ પાસ્ખા પર્વની ઉજવણી કરવા ગયા. ત્યાંથી પાછા ઘરે આવતી વખતે, ઈસુના માબાપે જોયું કે તે તેઓની સાથે ન હતા. તેઓ શોધતા શોધતા પાછા યરૂશાલેમ ગયા. શું તેઓને ઈસુ મળ્યા? હા, ઈસુ એક મંદિરના હૉલમાં બેસીને યહુદી ધર્મગુરુઓનું સાંભળતા અને તેઓને પ્રશ્નો પૂછતા હતા. યુસફ અને મરિયમને ગભરાયેલા જોઈને ઈસુ તેઓને પૂછે છે: “શું તમે જાણતાં નહોતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” પછી, ઈસુ પોતાનાં માબાપ સાથે ઘરે પાછા ગયા અને તેઓના કહેવામાં રહીને મોટા થયા. (લુક ૨:૪૦-૫૨) ઈસુએ યુવાનો માટે કેવો સરસ નમૂનો બેસાડ્યો! એ જ પ્રમાણે યુવાનો, તમારાં માબાપનું કહેવું માનો અને યહોવાહના માર્ગમાં આગળ વધતા જ રહો.​—⁠પુનર્નિયમ ૫:૧૬; એફેસી ૬:૧-૩.

૧૬ યુવાનો, તમે સ્કૂલમાં પ્રચાર કર્યો હશે કે માબાપ સાથે પ્રચારમાં ગયા હશો. (યશાયાહ ૪૩:૧૦-૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧) ઈસુ પોતાના મરણ પહેલાં, મંદિરમાં લોકોને પ્રચાર કરતા અને સાજા કરતા હતા. અમુક છોકરાં જોર-શોરથી ઈસુનો જયજયકાર કરવા લાગ્યા. એ કારણે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ગુસ્સે થઈને વાંધો ઊઠાવ્યો: ‘એઓ શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે, કે હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?’ (માત્થી ૨૧:૧૫-૧૭) એ જ રીતે યુવાનો, આજે તમને પણ તક છે કે તમે યહોવાહ અને ઈસુનો પ્રચાર કરો. તેથી, તમે અમારી સાથે પ્રચાર કરતા રહો, એવું અમે દિલથી ચાહીએ છીએ.

દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે

૧૭ આપણા ભાઈ-બહેનો દુઃખી હોય ત્યારે, આપણે બધા પ્રેમથી તેઓને મદદ કરવા દોડી જઈએ છીએ. (યોહાન ૧૩:૩૪, ૩૫; યાકૂબ ૨:૧૪-૧૭) પાઊલને પણ યહુદાહના ભાઈ-બહેનો પર બહુ જ પ્રેમ હતો. પાઊલે તેઓ પર આવી પડેલી સતાવણી, લડાઈ, અને દુકાળની વાત કરતા ‘નિંદાઓ, સંકટ, તથા માલમિલકતની લૂંટ’ વિષે જણાવ્યું. (હેબ્રી ૧૦:૩૨-૩૪) તેથી, યહુદાહના ખ્રિસ્તીઓનું દુઃખ જોઈને તે બેસી રહ્યા નહિ, પણ કંઈક કર્યું. તેમણે તેઓ માટે આખાયા, ગલાતી, મકદોનિયા, અને આસિયામાંના મંડળોમાંથી દાન ભેગું કર્યું.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭–૧૨:૧; ૧ કોરીંથી ૧૬:૧-૩; ૨ કોરીંથી ૮:૧-૪, ૧૩-૧૫; ૯:૧, ૨, ૭.

૧૮ વળી, એ રીતે જુદા જુદા દેશોના ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ વધ્યો. એક બાજુ, યરૂશાલેમના ભાઈઓએ વિદેશી ભાઈ-બહેનોને યહોવાહનો માર્ગ બતાવ્યો. બીજી બાજુ, વિદેશી ભાઈ-બહેનોએ પોતાનો પ્રેમ અને કદર બતાવીને યરૂશાલેમના ભાઈઓને મદદ કરી. આમ, તેઓ સુખ-દુઃખના સાથી બન્યા. (રૂમીઓને પત્ર ૧૫:૨૬, ૨૭) આજે આપણે રાજી-ખુશીથી આપણા ભાઈઓને મદદ કરીએ છીએ. (માર્ક ૧૨:૨૮-૩૧) જેથી, ‘કોઈને ઘણું અને કોઈને થોડું નહિ,’ પણ બધાને એકસરખું મળે. આ રીતે પણ આપણને એકબીજાની જરૂર છે.​—⁠૨ કોરીંથી ૮:⁠૧૫.

૧૯ આપણે આપણા ભાઈ-બહેનોને આફતના સમયે પણ મદદ કરવા તૈયાર રહીએ છીએ. દાખલા તરીકે, ૨૦૦૧માં એલ સાલ્વાડોરમાં થયેલા ભૂકંપનો વિચાર કરો. એક અહેવાલ પ્રમાણે, “એલ સાલ્વાડોરમાં બધી બાજુએથી ભાઈઓએ મદદ કરવાનું કામ ઊપાડી લીધું. ગ્વાટેમાલા, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને કેનેડામાંથી ભાઈઓ મદદ કરવા આવ્યા. . . . થોડા જ સમયમાં ૫૦૦ ઘરો અને ૩ સુંદર કિંગ્ડમ હૉલ બાંધી દેવાયા. ભાઈ-બહેનોનો આવો પ્રેમ જોઈને, લોકોમાં યહોવાહનું નામ મોટું મનાયું.”

૨૦ દક્ષિણ આફ્રિકાના ભાઈઓએ એક રીપોર્ટ આપ્યો: “મોઝામ્બિકમાં આવેલા પૂરથી આપણા ઘણા ભાઈ-બહેનોને નુકસાન થયું. તરત જ મોઝામ્બિકની બ્રાંચે તેઓની સંભાળ લીધી. પરંતુ, તેઓએ વિનંતી કરી કે અમે તેઓને કપડાં મોકલીએ. અમે મોઝામ્બિકના ભાઈઓ માટે, લગભગ બે મોટી મોટી ટ્રકો ભરીને કપડાં મોકલી આપ્યાં.” ખરેખર, આ રીતે પણ આપણને એકબીજાની બહુ જ જરૂર છે.

૨૧ ખરું છે કે આપણા શરીરનું દરેક અંગ એકબીજા વગર સારી રીતે કામ કરી શકતું નથી. ખ્રિસ્તી મંડળ વિષે પણ એમ જ છે. એમાં આપણને બધાને એકબીજાની ખૂબ જરૂર છે. વળી, આપણે હળી-મળીને યહોવાહની ભક્તિ કરવી જોઈએ. પરંતુ કઈ રીતે? હવે પછીના લેખમાં આપણે એ શીખીશું.

આપણે શું શીખ્યા?

• આપણું શરીર અને મંડળ કઈ રીતે એકસરખા છે?

• પહેલી સદીમાં ખ્રિસ્તીઓએ કઈ રીતે એકબીજાની સંભાળ રાખી હતી?

• શાસ્ત્રમાંથી અમુક ઉદાહરણો દ્વારા સમજાવો કે આપણને એકબીજાની જરૂર છે.

[Questions]

૧. આપણા શરીર વિષે એક વિશ્વ જ્ઞાનકોશ શું કહે છે?

૨. કઈ રીતે આપણું શરીર અને ખ્રિસ્તી મંડળ એકસરખા છે?

૩. એફેસી ૪:૨૫ પ્રમાણે, કઈ રીતે આપણને એકબીજાની જરૂર છે?

૪. આપણે કઈ રીતે હમણાં ખ્રિસ્તી થયેલાને મદદ કરી શકીએ?

૫. આકુલા અને પ્રિસ્કાએ કઈ રીતે પાઊલને મદદ કરી?

૬. આપોલસને કઈ મદદ મળી હતી?

૭. બીજાઓને મદદની જરૂર હતી ત્યારે ફિલિપીઓએ શું કર્યું?

૮. એપાફ્રોદિતસ કેવા હતા?

૯. આપણે આરીસ્તાર્ખસ પાસેથી શું શીખીએ છીએ?

૧૦. પીતર કેવા વડીલ હતા, અને તેમની પાસેથી શું શીખવું જોઈએ?

૧૧. તીમોથી પાસેથી આપણે શું શીખીએ છીએ?

૧૨. દરકાસ આપણને શું શીખવે છે?

૧૩. લુદીયાએ કઈ રીતે ભાઈ-બહેનોની સંભાળ રાખી?

૧૪. ઈસુએ બાળકો વિષે આપણને શું શીખવ્યું?

૧૫. લુક ૨:૪૦-૫૨ ઈસુ વિષે શું જણાવે છે, અને યુવાનો એમાંથી શું શીખી શકે?

૧૬. (ક) ઈસુ પ્રચાર કરતા હતા ત્યારે અમુક છોકરાંએ શું કર્યું? (ખ) આજે યુવાનોને કઈ તક મળી છે?

૧૭, ૧૮. (ક) પાઊલે દાન ભેગું કરીને યહુદાહના ખ્રિસ્તીઓને કેમ મોકલ્યું હતું? (ખ) જુદા જુદા દેશોના ભાઈ-બહેનો વચ્ચે કેવો સંબંધ બંધાયો?

૧૯, ૨૦. આપણે આફતમાં કઈ રીતે એકબીજાને મદદ કરીએ છીએ?

૨૧. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

[પાન ૧૦ પર ચિત્ર]

આકુલા અને પ્રિસ્કાએ બીજાઓની સંભાળ રાખી હતી

[પાન ૧૨ પર ચિત્રો]

આપણે આફતમાં એકબીજાની મદદ કરીએ છીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો