વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧૧/૧૫ પાન ૧૪-૧૯
  • સંપ ત્યાં જંપ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સંપ ત્યાં જંપ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભેદભાવ ન રાખો
  • કચકચ ન કરો
  • નિંદા ન કરો
  • એકબીજાનો વાંક ન કાઢો!
  • આપણે નકામા નથી
  • એકમતે સેવા કરતા રહો
  • ‘બડબડાટ ન કરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • મંડળમાં સારું વલણ જાળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ચાલો યહોવાહની સંસ્થાની કદર કરતા રહીએ!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ‘આખી પૃથ્વી પર એક જ ભાષા હતી’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧૧/૧૫ પાન ૧૪-૧૯

સંપ ત્યાં જંપ

“હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.”​—⁠સફાન્યાહ ૩:⁠૯.

આજે દુનિયામાં લગભગ ૬,૦૦૦ ભાષાઓ બોલાય છે. વળી, જેમ કહેવત છે કે ‘બાર ગાઉએ બોલી બદલાય,’ એમ ઘણી જગ્યાએ જુદી જુદી બોલી બોલાય છે. પરંતુ, ભલે કોઈ કાશ્મીરની કે કન્યાકુમારીની ભાષા બોલતું હોય, યહોવાહ પરમેશ્વરે પોતાના સંગઠનમાં એક અજાયબી કરી છે. એ શું છે? યહોવાહે પોતાના ભક્તોને સત્યની ભાષા શીખવી છે, પછી ભલે તેઓ દુનિયાના ગમે એ ખૂણામાં રહેતા હોય. યહોવાહે પોતાના પ્રબોધક દ્વારા આપેલું વચન પૂરું કર્યું છે: ‘તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ મારા નામની વિનંતી કરીને એકમતે મારી સેવા કરે.’​—⁠સફાન્યાહ ૩:⁠૯.

૨ પરંતુ, આ “શુદ્ધ હોઠો” શું છે? એ સત્યની ભાષા છે, જે યહોવાહના પવિત્ર શાસ્ત્ર, બાઇબલમાં મળે છે. ખાસ કરીને એ યહોવાહના રાજ્ય વિષેનું સત્ય છે. એ રાજ્ય યહોવાહનું નામ મોટું મનાવે છે. તેમ જ સાબિત કરે છે કે યહોવાહ જેવા મહાન રાજા બીજા કોઈ નથી. વળી, એ આપણા પર આશીર્વાદોનો વરસાદ વરસાવે છે. (માત્થી ૬:૯, ૧૦) આખી દુનિયામાં આ જ એક સનાતન સત્ય કે ભાષા એવી છે, કે જે સર્વ જાતિના ભાઈ-બહેનો બોલી રહ્યા છે અને હળી-મળીને યહોવાહની સેવા કરી રહ્યા છે. ખરેખર, તેઓ ભેગા મળીને “એકમતે” તેમની ભક્તિ કરે છે.

ભેદભાવ ન રાખો

૩ રંગબેરંગી ફૂલોની જેમ, આપણામાં જુદી જુદી ભાષાના રંગ છે. તેમ છતાં, આપણામાં જે સંપ છે એ મોટો આશીર્વાદ કહેવાય. આપણે ભલેને ઘણી ભાષાઓમાં યહોવાહના રાજ્યનો પ્રચાર કરીએ, પણ આપણે સંપીને તેમની ભક્તિ કરીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧) એ શક્ય છે, કેમ કે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, સત્યની ભાષા એક જ છે.

૪ આપણે કોઈ પણ ભેદભાવ રાખવો ન જોઈએ. કરનેલ્યસ એક લશ્કરી ઑફિસર હતા. તે યહુદી ન હતા. પ્રેષિત પીતરે તેમને ૩૬ની સાલમાં યહોવાહ વિષે શીખવ્યું. પીતરે એ અનુભવ પરથી કહ્યું કે, “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) એ હકીકત છે! એટલે જ આપણામાં કોઈ ઊંચ-નીચના ભેદભાવ હોવા જોઈએ નહિ. તેમ જ, આપણે અમુક સાથે જ નહિ, પણ બધાની સાથે સારું રાખીએ.

૫ એકવાર એક કૉલેજની છોકરી કિંગ્ડમ હૉલમાં આવી. તેણે ત્યાં જે જોયું એ વિષે તે કહે છે: ‘અમુક ચર્ચમાં એક જ જાતિના લોકો ભેગા મળે છે. પરંતુ, યહોવાહના સાક્ષીઓમાં બધી જ જાતિના લોકો ભેગા મળે છે.’ તેઓમાં આવી એકતા અને શાંતિ કઈ રીતે છે? એ ફક્ત યહોવાહના પવિત્ર આત્માથી જ શક્ય છે. તેમ છતાં, અગાઉ કોરીંથ મંડળમાં અમુક ભાઈ-બહેનો મતભેદો ઊભા કરીને ભાગલા પાડતા હતા. એમ કરીને તેઓ યહોવાહની વિરુદ્ધ જતા હતા. (ગલાતી ૫:૨૨) જો મંડળમાં આપણે અમુક ભાઈ-બહેનો સાથે જ સારું રાખીશું, તો આપણે પણ યહોવાહની વિરુદ્ધ જઈશું. તેથી, પ્રેષિત પાઊલે કોરીંથીઓને જે કહ્યું, એ આપણે બરાબર ધ્યાનમાં રાખીએ: “હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વે એક સરખી વાત કરો, અને તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐકય રાખો.” (૧ કોરીંથી ૧:૧૦) વળી, પાઊલે એફેસીના ભાઈ-બહેનોને લખેલા પત્રમાં પણ એકતા પર ભાર મૂક્યો.​—⁠એફેસી ૪:૧-૬, ૧૬.

૬ આપણે કદીયે ભેદભાવ રાખવો જોઈએ નહિ. (રૂમીઓને પત્ર ૨:૧૧) પરંતુ, પહેલી સદીમાં અમુક ખ્રિસ્તીઓ ભેદભાવ રાખતા હતા. એ માટે યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, તમે [ભેદભાવ વિના] આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. કેમકે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંગ પર ભપકાદાર વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે, અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે; અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો, કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો; પણ પેલા ગરીબ માણસને કહો છો, કે તું પણે ઊભો રહે, અથવા અહીં મારા પગના આસન પાસે બેસ; તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે [ભેદભાવથી] ન્યાય કરતા નથી?”​—⁠યાકૂબ ૨:૧-૪.

૭ કલ્પના કરો કે તમે એ જમાનામાં રહો છો અને એક મિટિંગમાં ગયા છો. તમે જુઓ છો કે કોઈ ધનવાન બની-ઠનીને આવે છે. એ જ સમયે કોઈ બિચારું ગરીબ મેલાં-ઘેલાં કપડાં પહેરીને આવે છે. બધા ભાઈ-બહેનો ધનવાન વ્યક્તિની આગળ-પાછળ થાય છે. તેઓ ધનવાનને સારી જગ્યાએ બેસાડે છે, પણ ગરીબને ઊભો રહેવાનું કે નીચે બેસવાનું કહે છે. જો તમે એ ગરીબ વ્યક્તિ હોત, તો તમને કેવું લાગ્યું હોત? યહોવાહની નજરમાં શું આપણે બધા સરખા જ નથી? તેમણે તો ઈસુનું બલિદાન ગરીબ અને ધનવાન બંને માટે આપ્યું છે. (અયૂબ ૩૪:૧૯; ૨ કોરીંથી ૫:૧૪) તેથી, આપણે “પોતાના સ્વાર્થને સારૂ ખુશામત કરનારા” કે ભેદભાવ રાખનારા ન બનીએ. ફક્ત આ જ રીતે આપણે યહોવાહની કૃપા પામીશું, અને એકમતે તેમની ભક્તિ કરી શકીશું.​—⁠યહુદા ૪, ૧૬.

કચકચ ન કરો

૮ આપણે સંપીને રહીએ અને આપણા પર યહોવાહની કૃપા કાયમ રહે, એ માટે પાઊલની સલાહ માનવી જ જોઈએ: ‘બડબડાટ વગર બધું કરો.’ (ફિલિપી ૨:૧૪, ૧૫) ઈસ્રાએલી લોકોએ એમ ન કર્યું. તેઓ ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા એના થોડા સમય પછી જ, તેઓએ મુસા અને હારુન વિરુદ્ધ કચકચ કરી. હકીકતમાં તેઓ યહોવાહ વિરુદ્ધ કચકચ કરતા હતા, કેમ કે તેમણે મુસા અને હારુનની પસંદગી કરી હતી. એનું પરિણામ શું આવ્યું? ફક્ત વિશ્વાસુ યહોશુઆ, કાલેબ, લેવીઓ, અને વીસથી નાની ઉંમરના જ વચનના દેશમાં જવા પામ્યા. બીજા બધા જ ૪૦ વર્ષની મુસાફરીમાં મરણ પામ્યા. (ગણના ૧૪:૨, ૩, ૨૬-૩૦; ૧ કોરીંથી ૧૦:૧૦) ખરેખર, કચકચ કરતા આખા દેશનો કેવો કરુણ અંજામ આવ્યો!

૯ કોઈ એક વ્યક્તિ કચકચ કરે તો શું? મુસાની બહેન મરિયમનો વિચાર કરો. તેણે પોતાના બીજા ભાઈ હારુન સાથે મળીને મુસા વિરુદ્ધ ફરિયાદ કરી: “શું યહોવાહ માત્ર મુસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું?” ત્યારે “યહોવાહે તે સાંભળ્યું.” (ગણના ૧૨:૧, ૨) પછી શું થયું? મરિયમે કચકચ શરૂ કરી હતી, એટલે યહોવાહે તેને કોઢની સજા કરી. અમુક સમય પછી તેને કોઢ જતો રહ્યો અને તે શુદ્ધ થઈ ત્યાં સુધી, નિયમ શાસ્ત્ર પ્રમાણે સાત દિવસ તેને નાત-બહાર રાખવામાં આવી.​—⁠ગણના ૧૨:૯-૧૫.

૧૦ કચકચ કરનાર ફક્ત ફરિયાદો જ કરતો નથી, પણ પોતાનો જ કક્કો ખરો કરાવે છે. તેમ જ પોતે કંઈક છે, એવો દેખાડો કરવા ચાહે છે. આમ, યહોવાહ પરમેશ્વરને બદલે તે પોતાને વધારે મહત્ત્વ આપે છે. જ્યાં સુધી કોઈ પોતાની હામાં હા ભણાવે નહિ, ત્યાં સુધી ફરિયાદીની કટ-કટ ચાલુ જ રહેશે. જો આમને આમ ચાલ્યા કરે, તો ભાઈ-બહેનોમાં ઝઘડા થશે. વળી, આપણે સંપીને યહોવાહની ભક્તિ કરી શકીશું નહિ.

૧૧ દાખલા તરીકે, કોઈક વડીલ જે રીતે મિટિંગ ચલાવે કે મંડળમાં કંઈક કામ કરે, એ વિષે કોઈ વ્યક્તિ ફરિયાદ ચાલુ કરે. જો આપણે તેનું સાંભળીએ તો, આપણને પણ લાગવા માંડશે કે ‘હા, એની વાત સાચી છે.’ પરંતુ, એ વ્યક્તિએ કહ્યું ત્યાં સુધી તો આ વડીલ આપણને બરાબર લાગતા હતા. હવે આપણને તેમના પર ચીડ ચડે છે. ધીમે ધીમે તે વડીલ ગમે એ કરે, આપણને ગમતું નથી. આપણે પણ હવે તેમના વિષે કચકચ કરવા માંડીએ છીએ. યહોવાહને આ જોઈને કેવું લાગશે?

૧૨ મંડળમાં જેઓ આપણી સંભાળ રાખે છે તેઓ વિષે કચકચ કરવાથી, આપણે નિંદા કરનાર બનીએ છીએ. આમ કરવાથી યહોવાહ સાથેની આપણી મિત્રતા તૂટી જઈ શકે. (નિર્ગમન ૨૨:૨૮) નિંદા કરનાર પસ્તાવો કરીને સુધારો ન કરે તો, તેને યહોવાહના રાજ્યનો વારસો મળશે નહિ. (૧ કોરીંથી ૫:૧૧; ૬:૧૦) ઈસુ ખ્રિસ્તના શિષ્ય યહુદાએ એવા કચકચ કરનારા વિષે લખ્યું. તેઓ જવાબદાર ભાઈઓની નિંદા કરીને, યહોવાહની સત્તાની સામે જતા હતા. (યહુદા ૮) આપણે એમ કરીશું તો, યહોવાહ પોતાનું મોં આપણાથી ફેરવી લેશે. તેથી ચાલો આપણે કોઈની પણ નિંદા ન કરીએ અને યહોવાહનું દિલ જીતી લઈએ!

૧૩ જો મંડળમાં કંઈક ખોટું ચાલી રહ્યું હોય, એની આપણે ફરિયાદ કરીએ તો, યહોવાહ નારાજ થતા નથી. જ્યારે લોતે સદોમ અને ગમોરાહ વિરુદ્ધ “બુમાટો” કર્યો, ત્યારે યહોવાહે તેમને ચુપ કરી દીધા નહિ. પરંતુ, યહોવાહે લોતનો પોકાર સાંભળીને એ દુષ્ટ શહેરોનો નાશ કર્યો. (ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧; ૧૯:૨૪, ૨૫) યરૂશાલેમમાં ૩૩ની સાલના પેન્તેકોસ્ત પછી, “હેબ્રીઓની સામે ગ્રીક યહુદીઓએ બડબડાટ કર્યો, કેમકે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી.” તેથી, “બાર પ્રેરિતોએ” એ વાત ધ્યાનમાં લીધી. તેઓએ સાત જવાબદાર ભાઈઓને પસંદ કર્યા, જેઓ વહેંચણીનું કામ સંભાળી લે. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬) આજે પણ કંઈક ખોટું થતું હોય ત્યારે, વડીલોએ ‘કાન બંધ કરવાને’ બદલે ભાઈઓની ફરિયાદો સાંભળવી જોઈએ. (નીતિવચનો ૨૧:૧૩) વળી વડીલો, તમે ભાઈ-બહેનોની વિરુદ્ધ વાતો કરીને તેઓને તોડી પાડવાને બદલે, ઉત્તેજન આપતા રહો.​—⁠૧ કોરીંથી ૮:⁠૧.

૧૪ આપણે કોઈ પણ કચકચ ન કરીએ, કેમ કે એ આપણા પર ધીમા ઝેરની જેમ અસર કરે છે. એનાથી મંડળમાં ભાગલા પડશે. એના બદલે, ચાલો આપણે પવિત્ર આત્મા કે શક્તિને આપણામાં પ્રેમનો દીવો પ્રગટાવવા દઈએ. (ગલાતી ૫:૨૨) આપણે જો ‘પ્રેમનો નિયમ’ પાળીશું, તો આપણે યહોવાહની એકમતે સેવા કરી શકીશું.​—⁠યાકૂબ ૨:૮; ૧ કોરીંથી ૧૩:૪-૮; ૧ પીતર ૪:⁠૮.

નિંદા ન કરો

૧૫ કચકચની જેમ તારી-મારી કરીને પણ આપણે કોઈની નિંદા કરી શકીએ છીએ. તેથી આપણે જીભ પર લગામ રાખવાની જરૂર છે. નહિ તો તારી-મારી કરીને, મીઠું-મરચું ઉમેરીને આપણે કોઈને બદનામ કરીશું. આ શેતાનનું કામ છે, અને યહોવાહને એનાથી સખત નફરત છે. યહોવાહે ઈસ્રાએલી લોકોને કહ્યું હતું: “ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક; તેમજ તારા પડોશીના રક્તની વિરૂદ્ધ ઊભો ન રહે.”​—⁠લેવીય ૧૯:⁠૧૬.

૧૬ નવરા બેઠા તારી-મારી કરનારા ભાઈ-બહેનોને પાઊલે કડક સલાહ આપી. તેમણે એવી વિધવાઓ વિષે જણાવ્યું, જેઓ ‘ઘેરઘેર ભટકીને આળસુ થતી હતી; અને કેવળ આળસુ જ નહિ, પણ કૂથલી કરતી હતી, અને બીજાઓના કામમાં માથાં મારતી હતી.’ (૧ તીમોથી ૫:૧૧-૧૫) બહેનો, જો એમ લાગે કે તમને આવી ખોટી ટેવ છે, તો પાઊલની સલાહ માનો અને “નિંદાખોર નહિ,” પણ યહોવાહનું દિલ ખુશ કરનારી બનો. (૧ તીમોથી ૩:૧૧) ભાઈઓ, તમને પણ એ જ સલાહ લાગુ પડે છે.​—⁠નીતિવચનો ૧૦:⁠૧૯.

એકબીજાનો વાંક ન કાઢો!

૧૭ ભલે આપણે કોઈની નિંદા કરતા ન હોઈએ, પણ શું આપણે વાતવાતમાં કોઈનો વાંક કાઢીએ છીએ? ઈસુએ જણાવ્યું કે એ ખોટું છે: “બીજાઓનો ન્યાય ન કરો, જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે. તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારો કેમ જોતો નથી? તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારો હોવા છતાં ‘મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તારા ભાઈને કહેવાની હિંમત તું કેમ કરે છે? ઓ ઢોંગી! તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારો પ્રથમ કાઢી લે, અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાનું સારી રીતે સૂઝશે.”​—⁠માત્થી ૭:૧-૫, પ્રેમસંદેશ.

૧૮ આપણા ભાઈની આંખમાં તો ફક્ત “તણખલું” છે, જેની આપણે ચિંતા કરીએ છીએ. પરંતુ, આપણી આંખમાં “લાકડાનો ભારો” છે એનું શું? આપણે કઈ રીતે કોઈ બીજાને મદદ કરીશું? ખરેખર, આપણને બીજાનો ન્યાય કરવાનો કોઈ હક્ક નથી, કેમ કે યહોવાહની જેમ આપણે સામેની વ્યક્તિનું દિલ જાણતા નથી. યહોવાહ દયાનો સાગર છે, અને તે મોટા ‘લાકડાના ભારા’ જેવા આપણા ગુનાઓ માફ કરે છે. તો પછી આપણે ભાઈ-બહેનોની ‘તણખલા’ જેવી ભૂલો માફ કરવી ન જોઈએ? તેથી, ઈસુ આપણને ચેતવે છે: ‘બીજાનો ન્યાય ન કરો, કેમ કે તમારો પણ ન્યાય કરવામાં આવશે’! ચાલો આપણે પોતાના જ દિલમાં ડોકિયું કરીને જોઈએ કે આપણે કેવા છીએ. આમ આપણે બીજાની ભૂલો કાઢવાનું ભૂલી જઈશું. એટલું જ નહિ, પણ આપણે યહોવાહના વહાલા મિત્ર બનીશું.

આપણે નકામા નથી

૧૯ જો આપણે યહોવાહ પરમેશ્વરની સંપીને ભક્તિ કરવી હોય, તો આપણે ભાઈ-બહેનોનો કદી વાંક કાઢવો જોઈએ નહિ. એના બદલે તેઓને માન આપવામાં આપણે પહેલ કરીશું. (રૂમીઓને પત્ર ૧૨:૧૦) આપણે પહેલા તેઓનું ભલું જોઈશું. અરે, તેઓ માટે નાનું-મોટું કોઈ પણ કામ કરવા તૈયાર રહીશું. (યોહાન ૧૩:૧૨-૧૭; ૧ કોરીંથી ૧૦:૨૪) કઈ રીતે આપણે આમ કરી શકીએ? એક વાત આપણે હંમેશા યાદ રાખીએ કે દરેક ભાઈ-બહેન યહોવાહની નજરમાં અનમોલ મોતી જેવા છે. બીજું કે શરીરના દરેક અંગની જેમ, આપણને એકબીજાની ખૂબ જરૂર છે.​—⁠૧ કોરીંથી ૧૨:૧૪-૨૭.

૨૦ ખરું છે કે આપણે માટીના નાજુક વાસણ જેવા છીએ, જેમાં યહોવાહે સત્યનું અમૂલ્ય પાણી ભર્યું છે. (૨ કોરીંથી ૪:૭) તેથી, યહોવાહનું નામ મોટું મનાવવા, આપણે તેમની નજરમાં શોભે એવા કાર્યો કરવા જોઈએ. વળી, આપણે જીવનમાં દરેક રીતે શુદ્ધ રહીએ, જેથી યહોવાહને કામ આવીએ. આ વિષે પાઊલે લખ્યું: “મોટા ઘરમાં કેવળ સોનારૂપાનાં જ નહિ, પણ લાકડાનાં તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંનાં કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાંથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને સારૂ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.”​—⁠૨ તીમોથી ૨:૨૦, ૨૧.

૨૧ યહોવાહને માનતા નથી એવા લોકો ‘હલકાં કાર્યો માટેનાં’ પાત્રો છે. પરંતુ, ‘ઉત્તમ કાર્યને સારૂ પવિત્ર કરાયેલા લોકો, યહોવાહની સેવા તથા સર્વ સારાં કામને માટે તૈયાર પાત્ર થશે.’ તેથી, આપણે યહોવાહના માર્ગમાં જ ચાલીને ઉત્તમ પાત્ર બનીએ. ચાલો આપણે આ પ્રશ્નો પર વિચાર કરીએ: “શું હું ‘ઉત્તમ કાર્ય’ માટેનું પાત્ર છું? શું હું ભાઈ-બહેનોનો જિગરી દોસ્ત છું? શું હું મંડળમાં બીજાઓ સાથે સંપીને યહોવાહની સેવા કરું છું?”

એકમતે સેવા કરતા રહો

૨૨ આપણું મંડળ જાણે આપણું કુટુંબ છે. એમાં બધા જ યહોવાહને ખરા દિલથી ભજતા હોઈએ તો, આપણે સુખી થઈશું. ખરું કે કુટુંબમાં બધા જ સરખા નથી હોતા, છતાં પણ આપણે એકબીજાને બહુ જ ચાહીએ છીએ. તેમ જ મંડળમાં આપણે બધા જુદા સ્વભાવના છીએ, અને પાછા અપૂર્ણ છીએ. તેમ છતાં યહોવાહે આપણને ઈસુ દ્વારા પોતાની નજીક લાવ્યા છે. (યોહાન ૬:૪૪; ૧૪:૬) વળી, યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત આપણને ખૂબ જ ચાહે છે. જેમ કુટુંબમાં બાપ તેવા બેટા હોય છે, તેમ ચાલો આપણે પણ તેઓના જેવા જ બનીએ.​—⁠૧ યોહાન ૪:૭-૧૧.

૨૩ જેમ કુટુંબમાં તેમ મંડળમાં પણ આપણે એકબીજાના સુખ-દુઃખના સાથી બનીએ. વધુમાં આપણે યહોવાહને દરેક રીતે વફાદાર રહીએ. શા માટે? પ્રેષિત પાઊલે લખ્યું હતું: ‘એ માટે મારી ઇચ્છા છે, કે પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદવિવાદ વિના શુદ્ધ [અથવા વફાદાર] હાથોથી પ્રાર્થના કરે.’ (૧ તીમોથી ૨:૮) જે ભાઈઓ ફક્ત યહોવાહને વફાદાર હોય, તે જ મંડળ માટે ‘શુદ્ધ હાથોથી પ્રાર્થના કરી’ શકે છે. ખરું જોતા, યહોવાહ ચાહે છે કે આપણે બધા જ તેમને વફાદાર રહીએ, અને ભાઈ-બહેનો સાથે પણ ચોખ્ખા દિલના રહીએ. (સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪) આપણા શરીરની જેમ જ, આપણે બધા સાથે હળી-મળીને કામ કરીએ. યહોવાહના લોકોના એક કુટુંબ તરીકે આપણે સંપીને તેમની ભક્તિ કરીએ. વળી, આપણે કદી ન ભૂલીએ કે આપણને એકબીજાની ખૂબ જ જરૂર છે. તેથી ચાલો આપણે એકમતે યહોવાહની ભક્તિ કરીએ, અને યહોવાહની કૃપા પામીએ!

આપણે શું શીખ્યા?

• યહોવાહના લોકો શા માટે તેમની ભક્તિ એકમતે કરી શકે છે?

• ખ્રિસ્તીઓ કેમ કોઈ ભેદભાવ રાખતા નથી?

• કચકચ કરવાનું શું પરિણામ આવી શકે છે?

• શા માટે આપણે આપણા ભાઈ-બહેનોને માન આપવું જોઈએ?

[Questions]

૧. સફાન્યાહ ૩:૯ પ્રમાણે આજે શું બની રહ્યું છે?

૨. “શુદ્ધ હોઠો” એટલે શું, અને એની શું અસર પડી છે?

૩. આપણે કઈ રીતે યહોવાહની ભક્તિ સંપથી કરીએ છીએ?

૪. શા માટે આપણામાં કોઈ ભેદભાવ હોવા ન જોઈએ?

૫. આપણે મંડળમાં શા માટે બધાની સાથે સારું રાખવું જોઈએ?

૬, ૭. યાકૂબે ભેદભાવ વિષે કઈ સલાહ આપી, અને એ આપણને કઈ રીતે લાગુ પડે છે?

૮. ઈસ્રાએલી લોકોની કચકચનું કેવું પરિણામ આવ્યું?

૯. મરિમયની કચકચનું પરિણામ શું આવ્યું?

૧૦, ૧૧. ફરિયાદીની કચકચ ચાલુ રહે તો મંડળમાં શું થઈ શકે?

૧૨. આપણે કચકચ કરીએ તો શું થઈ શકે?

૧૩. શા માટે બધી જ ફરિયાદો ખોટી હોતી નથી?

૧૪. કચકચથી દૂર રહેવા આપણે કયો ગુણ કેળવવો જોઈએ?

૧૫. તારી-મારી કરવાથી શું બની શકે છે?

૧૬. પાઊલે નિંદા કરનારા વિષે શું કહ્યું, અને એમાંથી આપણે શું શીખીએ છીએ?

૧૭, ૧૮. (ક) ભાઈઓનો વાંક કાઢવા વિષે ઈસુએ શું કહ્યું? (ખ) ઈસુના એ શબ્દો આપણને શું શીખવે છે?

૧૯. આપણને ભાઈ-બહેનો વિષે કેવું લાગે છે?

૨૦, ૨૧. આપણે ૨ તીમોથી ૨:૨૦, ૨૧માંથી શું શીખીએ છીએ?

૨૨. આપણું મંડળ શાના જેવું છે?

૨૩. આપણે કોને વફાદાર રહેવું જોઈએ, અને કઈ રીતે?

[પાન ૧૫ પર ચિત્ર]

પીતરે જાણ્યું કે યહોવાહ ભેદભાવ રાખતા નથી

[પાન ૧૬ પર ચિત્ર]

યહોવાહે મરિયમને શા માટે સજા કરી હતી?

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે એકમતે અને આનંદથી યહોવાહની ભક્તિ કરીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો