યહોવાહના મિત્ર બનો!
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.
“દેવ અમારી સાથે છે,” એવા શબ્દો અમુક દેશોના રાષ્ટ્ર ધ્વજો અને સૈનિકોના યુનિફોર્મ પર હોય છે. “અમારો ભરોસો દેવમાં છે,” એવા શબ્દો પૈસાના ઘણા સિક્કાઓ પર કોતરવામાં આવ્યા હોય છે. આજે ઘણા એવો દાવો કરે છે કે તેઓ ભગવાનમાં માને છે. પરંતુ, એ માટે શું મીઠું મીઠું બોલવું કે ઘરો અથવા વાહનો પર મંત્રો કે કોઈ નામ લખવું જ પૂરતું છે? ના, પરમેશ્વરના સાચા ભક્ત બનવા માટે એના કરતાં કંઈક વધારે જરૂરી છે!
૨ પવિત્ર શાસ્ત્ર બતાવે છે, કે આપણે યહોવાહના મિત્ર બની શકીએ છીએ. ખરું કે એ મિત્રતા આપોઆપ બંધાતી નથી. અરે, પહેલી સદીમાં અભિષિક્ત ભાઈઓએ પણ યહોવાહ પરમેશ્વર સાથેની મિત્રતા પાક્કી કરવાની જરૂર હતી. એ સમયે યાકૂબ એક વડીલ હતા, જેમણે અમુકને તેઓના વલણ વિષે અને યહોવાહની ભક્તિમાં ભેળ-સેળ કરવા વિષે ચેતવણી આપવી પડી. તેમણે એ સલાહની સાથે સાથે આ ઉત્તેજન પણ આપ્યું: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૧-૧૨) પરંતુ, ‘યહોવાહની પાસે જવાનો’ અર્થ શું થાય?
૩ યાકૂબે સાદી ભાષા વાપરી, જે મોટા ભાગના ભાઈઓ સારી રીતે સમજતા હતા. યાજકો “યહોવાહની હજૂરમાં આવે” અથવા તેમની પાસે જાય, એ માટે મુસાના નિયમશાસ્ત્રમાં ખાસ સૂચના હતી. (નિર્ગમન ૧૯:૨૨) તેથી, યાકૂબે આ લખ્યું ત્યારે, ભાઈઓને યાદ આવ્યું હશે કે યહોવાહની સામે હાજર થવું, એ કંઈ જેવી-તેવી વાત નથી. યહોવાહ પરમેશ્વર તો વિશ્વના રાજા છે!
૪ બાઇબલના એક સ્કૉલર જણાવે છે, કે યાકૂબ ૪:૮માંની “આ સલાહ ઘણું જ ઉત્તેજન આપે છે.” યાકૂબને ખબર હતી કે એક પિતા જેમ બાળકને ગોદમાં લઈને તેના પર પ્રેમ વરસાવે, એમ યહોવાહે હંમેશાં ચાહ્યું છે. (૨ કાળવૃત્તાંત ૧૫:૨) ઈસુના બલિદાનથી, આપણા માટે તો જાણે કે યહોવાહ સાથે દોસ્તી બાંધવાના દરવાજા પૂરેપૂરા ખૂલી ગયા! (એફેસી ૩:૧૧, ૧૨) પરંતુ, આપણે કઈ રીતે એનો પૂરેપૂરો લાભ લઈ શકીએ? ચાલો આપણે ત્રણ રીતો જોઈએ, જે બતાવશે કે કઈ રીતે યહોવાહ સાથે પાક્કી દોસ્તી બાંધી શકાય.
યહોવાહનું જ્ઞાન લેતા રહો
૫ ઈસુએ કહ્યું કે “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) ઈસુએ કહ્યું કે ‘દેવને ઓળખો.’ પરંતુ, એનો શું અર્થ થાય છે? અમુક સ્કૉલરો, મૂળ ગ્રીક ભાષામાં એનો જે અર્થ થાય એ જણાવે છે: ‘દિવસે-દિવસે તમે કોઈ સાથે એટલી દોસ્તી બાંધો કે તમે એકબીજાનો પડછાયો બની જાવ.’
૬ ઈસુના સમયમાં પણ એ કંઈ નવી વાત ન હતી, કે યહોવાહને ઓળખવા જોઈએ. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે શમૂએલ બાળક હતો, અને ‘તેને હજી સુધી યહોવાહની ઓળખ થઈ ન હતી.’ (૧ શમૂએલ ૩:૭) શું એનો અર્થ એમ હતો કે યહોવાહ વિષે શમૂએલ જાણતો ન હતો? ના, તેના માબાપ અને યાજકોએ તેને યહોવાહ વિષે જરૂર શીખવ્યું હશે. પરંતુ, એક સ્કૉલરના કહ્યા પ્રમાણે, અહીં વપરાયેલો હેબ્રી શબ્દ ‘એકદમ ગાઢ સંબંધ માટે વપરાય છે.’ શમૂએલે હજુ સુધી યહોવાહ સાથે એવી ગાઢ મિત્રતા બાંધી ન હતી. પરંતુ, શમૂએલ મોટો થતો ગયો તેમ, તેણે પ્રબોધક તરીકે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધ્યો.—૧ શમૂએલ ૩:૧૯, ૨૦.
૭ શું આપણે યહોવાહને સારી રીતે ઓળખવા માટે, તેમની સાથે ધીરે ધીરે પાક્કી દોસ્તી બાંધીએ છીએ? એ માટે આપણે યહોવાહ જે કંઈ જ્ઞાન આપે છે, એ સ્પંજની જેમ ચૂસી લઈએ. (૧ પીતર ૨:૨) બાળક સ્કૂલે જાય ત્યારે, ફક્ત બારાખડી શીખે એટલું જ બસ નથી. એ જ રીતે, શું આપણે બાઇબલનું ફક્ત ઉપરછલ્લું જ્ઞાન જ લેવું જોઈએ? ના, બાઇબલનું ઊંડું જ્ઞાન લો! (હેબ્રી ૫:૧૨-૧૪) શું તમને એમ લાગે છે કે એ તો પંડિતોનું કામ, મારું નહિ? એમ હોય તો, જરા વિચારો કે આપણા મહાન “શિક્ષક” બીજા કોઈ નહિ, પણ યહોવાહ છે. શું તે તમને નહિ શીખવી શકે? (યશાયાહ ૩૦:૨૦) આપણને સત્યનું જ્ઞાન કઈ રીતે શીખવવું, એ યહોવાહ જાણે છે. વળી, યહોવાહ આપણને એ સમજવા પણ મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૨૫:૪.
૮ આપણે પોતાના દિલમાં ડોકિયું કરીને જોઈએ, કે આપણે “દેવના ઊંડા વિચારોને” જાણીએ છીએ કે નહિ? (૧ કોરીંથી ૨:૧૦) એ કંઈ તમને કંટાળો આવે એવું પાદરીઓ અને પંડિતોનું શિક્ષણ નથી. આ તો એવું સનાતન સત્ય છે, જે આપણા પ્રેમાળ પિતા, યહોવાહ વિષે જણાવે છે. દાખલા તરીકે, શું તમને વધારે જાણવું નહિ ગમે કે યહોવાહે કઈ રીતે ઈસુનું બલિદાન આપીને આપણા માટે કિંમત ચૂકવી? ‘મર્મ’ એટલે શું? યહોવાહે લોકોને આશીર્વાદ આપવા, અને પોતાના હેતુઓ પૂરા પાડવા કરેલા કરારો કયા છે? આવા વિષયો પર શોધ અને મનન કરવાથી, ઘણો જ આનંદ મળે છે.—૧ કોરીંથી ૨:૭.
૯ આપણે સત્યમાં પ્રગતિ કરતા જ રહીએ. પરંતુ જો જો, જ્ઞાન મેળવીને ફૂલાઈ ન જતા. (૧ કોરીંથી ૮:૧) અભિમાન એક ફાંદો છે, અને યહોવાહ અભિમાની લોકોથી મોં ફેરવી લે છે. (નીતિવચનો ૧૬:૫; યાકૂબ ૪:૬) કોઈએ પણ જ્ઞાની હોવાનું અભિમાન કરવું ન જોઈએ. સાયન્સની પ્રગતિના વખાણ કરતા એક પુસ્તકના શબ્દો વિચારો: ‘આજે મનુષ્યોનું જ્ઞાન જોતા લાગે છે, કે આપણું જ્ઞાન રેતીના એક કણ જેવું છે.’ કેટલી નમ્રતા! તેથી, જ્યારે યહોવાહ પરમેશ્વરના જ્ઞાનની વાત આવે છે, ત્યારે તો આપણે કેટલા બધા નમ્ર રહેવું જોઈએ. શા માટે એમ?
૧૦ યહોવાહ વિષે બાઇબલ કહે છે: “તારા વિચારો બહુ ગહન છે.” (ગીતશાસ્ત્ર ૯૨:૫) “તેની બુદ્ધિનો પાર નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૫) યહોવાહની સમજણ કોઈ પામી શકતું નથી. (યશાયાહ ૪૦:૨૮) “આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!” (રૂમીઓને પત્ર ૧૧:૩૩) દેખીતું છે કે યહોવાહ વિષે આપણે કદી પણ બધું જ જાણી શકીશું નહિ. (સભાશિક્ષક ૩:૧૧) તેમ છતાં, તેમણે ઘણી અદ્ભુત બાબતો આપણને શીખવી છે, જે જાણવાની જરૂર છે. ખરેખર, એનાથી આનંદની સાથે સાથે, આપણને એ પણ અહેસાસ થાય છે કે આપણે હજુ ઘણું શીખવાનું છે. તેથી, આપણે યહોવાહનું જ્ઞાન લઈને તેમની સાથે દોસ્તી બાંધીએ. તેમ જ, અભિમાનથી ફૂલાઈ જવાને બદલે બીજાને મદદ કરીએ.—માત્થી ૨૩:૧૨; લુક ૯:૪૮.
યહોવાહ પર પ્રેમ વરસાવો
૧૧ જેમ એક તાલમાં બીજો ભળે, તેમ જ્ઞાન અને પ્રેમ એકબીજાની સાથે ભળે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “મારી પ્રાર્થના છે કે બીજાઓને માટે તમારો પ્રેમ વધતો જાય અને તમે આત્મિક જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ પામતા જાઓ.” (ફિલિપી ૧:૯, IBSI) અભિમાનથી ફૂલાઈ જવાને બદલે, આપણા વહાલા પિતા યહોવાહ વિષે અમૂલ્ય સત્ય શીખીએ. એનાથી તેમની સાથેના આપણા સંબંધના મૂળ હજુ ઊંડે ઊતરશે.
૧૨ જો કે લોકો કહે છે કે તેઓ પરમેશ્વરની દિલથી ભક્તિ કરે છે. પરંતુ, શું ખરેખર બધા જ એમ કરે છે? જો એમ કરતા હોય તો સારું, પણ સાથે સાથે સત્યનું જ્ઞાન પણ બહુ જ જરૂરી છે. વળી, એનાથી પણ મહત્ત્વનો તો યહોવાહ માટેનો પ્રેમ છે. આપણે કઈ રીતે એ પ્રેમ બતાવી શકીએ? બાઇબલ જણાવે છે: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે.” (૧ યોહાન ૫:૩) તેથી, આપણા જીવનમાં ડગલેને પગલે યહોવાહનું કહેવું માનીને, આપણે તેમના પરનો પ્રેમ બતાવી શકીએ છીએ.
૧૩ યહોવાહનો ભય પણ તેમની આજ્ઞા પાળવા મદદ કરી શકે. જેમ કોઈ નિર્દયી પિતાથી બાળક ડરી ડરીને રહે એમ નહિ, પણ આ તો યહોવાહ માટેના પ્રેમનો ભય છે. યહોવાહનું જ્ઞાન લઈને, આપણે તેમની પવિત્રતા, ગૌરવ, શક્તિ, ન્યાય, ડહાપણ અને પ્રેમ વિષે શીખીએ છીએ. એનાથી આપણને માન અને ભયની લાગણી થાય છે. એવી લાગણી યહોવાહ સાથે અતૂટ બંધન બાંધે છે. બાઇબલ કહે છે: “જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓને તે પોતાનાં મિત્રો બનાવે છે.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૪, IBSI) આપણે આપણા પ્રેમાળ માબાપને કદી નારાજ કરવા માંગતા નથી. તો પછી યહોવાહને નારાજ કરવાનું સપનામાં પણ કેમ વિચારી શકાય? તેમ જ, આપણે આ સલાહ પણ પાળીશું: “તારા સર્વ કાર્યોમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ, એટલે તે તને દોરશે અને સફળતા પમાડશે.” (નીતિવચનો ૩:૬, IBSI) એનો અર્થ શું થાય?
૧૪ આપણે દરરોજ નાના-મોટા નિર્ણયો લેવાના હોય છે. જેમ કે, તમે વિચારશો: ‘હું નોકરી પર, સ્કૂલમાં અને પડોશીઓ સાથે શાના વિષે વાત કરું છું? (લુક ૬:૪૫) શું હું કોઈ પણ કામમાં સખત મહેનત કરું છું કે પછી વેઠ ઉતારું છું? (કોલોસી ૩:૨૩) શું દુનિયાના લોકો સાથે હું વધારે સમય કાઢું છું કે પછી યહોવાહના લોકો સાથે દોસ્તી બાંધું છું? (નીતિવચનો ૧૩:૨૦) નાની નાની વાતમાં પણ, યહોવાહ વિષે જણાવવા હું શું કરું છું?’ (માત્થી ૬:૩૩) અહીં બતાવેલા બાઇબલના સિદ્ધાંતો તમે લાગુ પાડતા હોય તો, ખરેખર ‘તમારા સર્વ કાર્યોમાં’ તમે યહોવાહનું માર્ગદર્શન લો છો.
૧૫ તેથી, આપણે દરેક નિર્ણય લેતા પહેલાં વિચારીએ, કે ‘આ કિસ્સામાં મારે શું કરવું, જેનાથી યહોવાહનું દિલ ખુશ થાય?’ (નીતિવચનો ૨૭:૧૧) આ રીતે યહોવાહનો ભય રાખીને આપણો પ્રેમ બતાવીએ. તેમ જ, તેમના માટેના પ્રેમને કારણે આપણે બધી રીતે શુદ્ધ પણ રહી શકીએ. યાકૂબે કહ્યું હતું કે “તમે દેવની પાસે જાઓ.” એ જ કલમમાં તેમણે કહ્યું: “ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો; અને, ઓ બે મનવાળાઓ, તમે તમારાં મન પવિત્ર કરો.”—યાકૂબ ૪:૮.
૧૬ આપણે ખોટાં કામો મૂકી દઈને સારાં કામો કરીએ, અને યહોવાહનું દિલ જીતી લઈએ! દાખલા તરીકે, યહોવાહ દરિયા જેવા દિલથી ઉદારતા બતાવે છે એના વિષે શું? યાકૂબે લખ્યું: ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા . . . પાસેથી ઊતરે છે.’ (યાકૂબ ૧:૧૭) ખરું કે આપણે દાન આપીશું એનાથી યહોવાહ કંઈ ધનવાન નહિ બની જાય. શું આખા વિશ્વના માલિક યહોવાહ જ નથી? (ગીતશાસ્ત્ર ૫૦:૧૨) તેમ જ, યહોવાહની ભક્તિમાં જે સમય અને શક્તિ વાપરીએ, એનાથી આપણે તેમના પર ઉપકાર કરતા નથી. જો આપણે યહોવાહ વિષે ન જણાવીએ, તો એ કામ અટકી જવાનું નથી. અરે, યહોવાહ ધારે તો, પથ્થરો પણ પોકારી ઊઠશે! એમ હોય તો, શા માટે આપણે યહોવાહની સેવામાં પૈસા, સમય અને શક્તિ આપવી જોઈએ? એનું મુખ્ય કારણ એ છે કે આપણે યહોવાહને ખૂબ ચાહીએ છીએ. વળી પૂરા તન, મન અને ધનથી તેમની ભક્તિ કરવા ચાહીએ છીએ!—માર્ક ૧૨:૨૯, ૩૦.
૧૭ આપણે યહોવાહને જે કંઈ આપીએ, એ ખુશીથી આપવું જોઈએ, કેમ કે “ખુશીથી આપનારને દેવ ચાહે છે.” (૨ કોરીંથી ૯:૭) પુનર્નિયમ ૧૬:૧૭ પણ કહે છે: “પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ મુજબ, એટલે જે આશીર્વાદ યહોવાહ તારા દેવે તને દીધો છે, તેના પ્રમાણમાં આપે.” યહોવાહની ઉદારતા જોઈને, આપણને તેમના માટે કંઈ પણ કરવાની તમન્ના જાગે છે. જ્યારે કોઈ બાળક પોતાનાં માબાપને કંઈક આપે, ત્યારે તમે તેઓની ખુશી જોઈ છે? તેમ જ, આપણે યહોવાહને જે કંઈ ખુશીથી આપીશું, એનાથી તેમનું દિલ ઝૂમી ઊઠશે. આમ, તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ બનતો જશે.
યહોવાહની આગળ હૈયું ઠાલવો
૧૮ જેમ આપણે જિગરી દોસ્ત સાથે કોઈ પણ ખાનગી વાત કરીશું, તેમ યહોવાહને પણ પ્રાર્થનામાં હૈયું ઠાલવી શકીએ છીએ. (ફિલિપી ૪:૬) યહોવાહ સાથેની દોસ્તી દિવસે દિવસે પાક્કી કરવા, પ્રાર્થના ખૂબ મહત્ત્વની છે. તેથી, આપણે સમજી-વિચારીને પ્રાર્થના કરીએ. એ કંઈ પંડિતોની ભાષામાં નહિ, પણ આપણા દિલની પ્રાર્થના હોવી જોઈએ. જો કે આપણે પ્રાર્થનામાં હજુ કઈ રીતે સુધારો કરી શકીએ?
૧૯ પ્રાર્થના કર્યા પહેલાં વિચારો. એમ કરવાથી આપણે ચોક્કસ બાબતો વિષે પ્રાર્થના કરી શકીશું. આપણે પ્રાર્થનામાં એકનાએક શબ્દોનું રટણ કરીશું નહિ, કે વગર વિચાર્યે બોલીશું નહિ. (નીતિવચનો ૧૫:૨૮, ૨૯) તો પછી, પ્રાર્થના પહેલાં તમે શાના પર વિચાર કરશો? ઈસુએ શીખવેલી પ્રાર્થનાના અમુક મુખ્ય વિષયો પર તમે મનન કરી શકો. પછી, જુઓ કે કઈ રીતે એ તમારા પોતાના સંજોગોને લાગુ પડે છે. (માત્થી ૬:૯-૧૩) દાખલા તરીકે, આપણે વિચારી શકીએ કે ‘યહોવાહની ઇચ્છા પૂરી કરવા, હું શું કરી શકું?’ પછી, પ્રાર્થનામાં એ નિર્ણય આપણા જિગરી દોસ્ત, યહોવાહને જણાવી શકીએ. તેમ જ, તેમને વિનંતી કરીએ કે ‘પ્લીઝ, મને તમારી સેવા કરવાની એ તક આપો અને શક્તિ આપો. જેથી, હું એ કામ પાર પાડી શકું.’ વળી, આ વિષે પણ આપણી પ્રાર્થના હોય શકે: રોજી-રોટી પૂરી પાડવાની આપણી ચિંતા યહોવાહ આગળ મૂકવી પડે. વળી, આપણા અમુક ખાસ પાપોની માફી માંગવી પડે. તેમ જ બીજાને વારંવાર માફી આપવા વિષે તમે વિચાર્યું છે? વળી, કયા પરીક્ષણો આવી શકે અને કેટલી જલદીથી આપણને યહોવાહની છાયામાં દોડી જવું પડશે?
૨૦ એ ઉપરાંત પ્રાર્થનામાં આપણા બીજા મિત્રોનો પણ વિચાર કરીએ, જેઓને યહોવાહની મદદની જરૂર છે. (૨ કોરીંથી ૧:૧૧) પરંતુ, આપણે યહોવાહનો આભાર માનવાનું કદી ભૂલવું ન જોઈએ. જરા વિચારો, દિવસમાં ઘણી એવી બાબતો બને છે, જેના માટે આપણે યહોવાહનો આભાર માનવો જ જોઈએ. (પુનર્નિયમ ૮:૧૦; લુક ૧૦:૨૧) આમ, આપણે જીવનની સારી બાબતોનો વિચાર કરીને, ખુશ-મિજાજ રહી શકીએ છીએ.
૨૧ આપણે બાઇબલ વાંચીને એના પર મનન કરીએ તો, એ પણ પ્રાર્થનામાં સુધારો કરી શકે છે. બાઇબલમાં યહોવાહના વિશ્વાસુ ભક્તોની સુંદર પ્રાર્થનાઓ છે. દાખલા તરીકે, તમને કે તમારા પ્રિયજનને કોઈ મુશ્કેલી કે ખતરો હોય તો તમે શું કરશો? તમને યાકૂબની પ્રાર્થના મદદ કરી શકે. તે પોતાના વેરી ભાઈ, એસાવને મળવાની તૈયારીમાં જ હતા. તેમણે એસાવની બીકને લીધે, યહોવાહને આજીજી કરી હતી. (ઉત્પત્તિ ૩૨:૯-૧૨) વળી, રાજા આસાની પ્રાર્થના પર મનન કરો. તેમણે યહોવાહના લોકો સામે મોટું કૂશી સૈન્ય આવી ચડ્યું ત્યારે, કેવી પ્રાર્થના કરી? (૨ કાળવૃત્તાંત ૧૪:૧૧, ૧૨) એમ પણ બને કે કોઈ મુસીબતને કારણે યહોવાહનું નામ બદનામ થશે, એની ચિંતા તમને કોરી ખાતી હોય. એમ હોય તો, એલીયાહની પ્રાર્થનાનો વિચાર કરો, જે તેમણે કાર્મેલ પર્વત પર બઆલને પૂજનારા લોકોની દેખતા કરી હતી. વળી, યરૂશાલેમની હાલત પર નહેમ્યાહે કરેલા કાલાવાલાનો વિચાર કરો. (૧ રાજાઓ ૧૮:૩૬, ૩૭; નહેમ્યાહ ૧:૪-૧૧) આવી પ્રાર્થનાઓ વાંચીને, એના પર મનન કરવાથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે. તેમ જ, આઈડિયા મળે છે કે આપણને કોરી ખાતી ચિંતાઓ વિષે યહોવાહને કઈ રીતે જણાવવું.
૨૨ ખરેખર, યાકૂબે કહ્યું એમ યહોવાહ દેવના મિત્રો બનવું, એ બહુ જ મોટો લહાવો છે. એનાથી આપણો આનંદ સમાતો નથી. (યાકૂબ ૪:૮) યહોવાહના જિગરી દોસ્ત બનવા, ચાલો આપણે પહેલા તો તેમનું જ્ઞાન લેતા રહીએ. બીજું, દરેક રીતે યહોવાહ પર આપણો પ્રેમ વરસાવીએ. ત્રીજું કે, પ્રાર્થનામાં આપણું હૈયું યહોવાહની આગળ ઠાલવી દઈએ. વર્ષ ૨૦૦૩નું વચન યાકૂબ ૪:૮ પણ એમ જ જણાવે છે. ચાલો આપણે પોતાના પર નજર રાખીએ, કે ખરેખર આપણે યહોવાહના મિત્રો છીએ કે નહિ! જો કે એ કલમના બીજા ભાગ વિષે શું? કઈ રીતે યહોવાહ ‘આપણી પાસે આવશે,’ અને એનાથી કયા આશીર્વાદો મળશે? હવે પછીનો લેખ એનો જવાબ આપશે.
આપણે શું શીખ્યા?
• યહોવાહના જિગરી દોસ્ત બનવું શા માટે અશક્ય નથી?
• યહોવાહ વિષે શીખતા રહેવા આપણે કયા ધ્યેયો બેસાડી શકીએ?
• આપણે યહોવાહ પર કઈ રીતે પ્રેમ વરસાવી શકીએ?
• યહોવાહ સાથેની દોસ્તી પાક્કી કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
[Questions]
૧, ૨. (ક) મોટા ભાગે લોકો શું દાવો કરે છે? (ખ) યાકૂબે કયું ઉત્તેજન આપ્યું અને એની કેમ જરૂર હતી?
૩, ૪. (ક) “દેવની પાસે જાઓ” એમ સાંભળીને ભાઈઓને શાની યાદ આવી હશે? (ખ) યહોવાહ સાથે દોસ્તી બાંધી શકીએ, એની આપણને શું ખાતરી છે?
૫, ૬. યહોવાહને ‘ઓળખવા’ વિષે, શમૂએલ પાસેથી આપણે શું શીખીએ છીએ?
૭, ૮. (ક) શા માટે બાઇબલનું જ્ઞાન લેવા પંડિત બનવાની જરૂર નથી? (ખ) બાઇબલના અમુક કયા પ્રશ્નો પર મનન કરી શકાય?
૯, ૧૦. (ક) અભિમાન કેમ ફાંદો છે અને એનાથી બચવા આપણને શું મદદ કરશે? (ખ) યહોવાહના જ્ઞાન વિષે આપણે શા માટે નમ્ર રહેવાની જરૂર છે?
૧૧, ૧૨. (ક) યહોવાહના જ્ઞાનની આપણા પર શું અસર પડવી જોઈએ? (ખ) પરમેશ્વર માટેનો ખરો પ્રેમ એટલે શું?
૧૩. યહોવાહનો ભય રાખવાથી તેમના માટેનો પ્રેમ કઈ રીતે વધશે?
૧૪, ૧૫. (ક) આપણે દરરોજ અમુક કયા નિર્ણયો લેવા પડે છે? (ખ) યહોવાહનું દિલ ખુશ કરવા આપણે શું કરી શકીએ?
૧૬. યહોવાહનું દિલ જીતી લેવા આપણે કઈ રીતે તેમની જેમ ઉદાર બનવું જોઈએ?
૧૭. યહોવાહને ખુશીથી આપવા આપણને શાનાથી પ્રેરણા મળે છે?
૧૮. આપણી પ્રાર્થનામાં હજુ કઈ રીતે સુધારો કરીએ?
૧૯, ૨૦. આપણે પ્રાર્થના કરતા પહેલાં, શા માટે વિચારવું જોઈએ અને કઈ બાબતોનો વિચાર કરી શકાય?
૨૧. યહોવાહને પ્રાર્થના કરવા, બાઇબલના કયા અનુભવો આપણને મદદ કરી શકે?
૨૨. વર્ષ ૨૦૦૩નું વચન કયું છે, અને આપણે પોતાના પર કઈ બાબતે નજર રાખીએ?
[પાન ૧૨ પર બ્લર્બ]
વર્ષ ૨૦૦૩નું વચન છે: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.
[પાન ૮, ૯ પર ચિત્રો]
શમૂએલ મોટા થયા તેમ, યહોવાહના પાક્કા મિત્ર બન્યા
[પાન ૧૨ પર ચિત્ર]
એલીયાહે કાર્મેલ પર્વત પર કરેલી પ્રાર્થના આપણા માટે સુંદર ઉદાહરણ છે