“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”
કાલ અને આજ—યહોવાહે તેને શક્તિ આપી
સાંડ્રા મૅક્સિકોમાં રહે છે. તે કુટુંબનું નામ બદનામ કરી રહી હતી. હજુ તો તે માંડ જુવાનીને ઉંબરે જ આવીને ઊભી હતી. કોઈને તેની પડી ન હતી કે તેના પર જરાય પ્રેમ ન હતો. તે કહે છે: “મેં મારી જુવાનીના વર્ષો બહુ જ નિરાશામાં કાઢ્યા. ઘણી વાર થતું કે હું શા માટે આ દુનિયામાં આવી, હું કોના માટે જીવું છું?”
સાંડ્રા હાઈસ્કૂલમાં હતી ત્યારે, તેણે દારૂ પીવાનું શરૂ કર્યું. પહેલા પહેલા ઘરે પપ્પાના દારૂમાંથી તે પી લેતી, પછી તો પોતે જ બોટલો લઈ આવતી અને ખૂબ પીતી. તે કહે છે કે, “મને જીવવાની કોઈ જ તમન્ના ન હતી.” પછી ધીરે ધીરે તે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ. તે કહે છે કે, “મારી ચિંતાઓથી દૂર ભાગવા મને બોટલ, ટીકડીઓ કે પછી જરાક મરીજુઆનાના ડોઝથી મદદ મળતી. હું મારા પર્સમાં હંમેશાં આ બધી વસ્તુઓ રાખતી હતી.”
સાંડ્રાએ મેડિકલ સ્કૂલનું ભણતર પૂરું કર્યું, પછી તે દારૂની લતે ચડી ગઈ. તેણે પોતાના જીવનનો અંત લાવી દેવાના પ્રયત્નો કર્યો.
સાંડ્રાએ ધાર્મિક રીતે મદદ મળે, એ માટે પણ ફાંફાં માર્યા. તેણે હતાશ થઈને પરમેશ્વરને પોકાર કર્યો: “હે ઈશ્વર, તું ક્યાં છે? તું મને કેમ મદદ કરતો નથી?” તે બસ જાણે હવે જીવનથી હારી ગઈ હતી. એ સમયે જ તેની સાથે યહોવાહની એક સાક્ષી બહેને વાત કરી. સાંડ્રાએ બાઇબલની ચર્ચા શરૂ કરી. જ્યારે તે બાઇબલમાંથી શીખી કે “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે,” ત્યારે તેનું દિલ લાગણીથી ઉભરાઈ ગયું.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
સાંડ્રાને બહેને એ સમજવા મદદ કરી કે, યહોવાહ આપણને સારી રીતે જાણે છે. યહોવાહ સમજે છે કે આદમથી મળેલા વારસાને કારણે, આપણે બધા ઘણી ભૂલો કરીએ છીએ. એનાથી સાંડ્રાને સમજ પડી કે પરમેશ્વર એવું નથી ઇચ્છતા કે આપણે સો ટકા ન્યાયી જીવન જીવ્યે અને કોઈ ભૂલ જ ન કરીએ. (ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમીઓને પત્ર ૩:૨૩; ૫:૧૨, ૧૮) સાંડ્રાને એ જાણીને ઘણી ખુશી થઈ કે, યહોવાહ બિલોરી કાચ લઈને આપણી ભૂલો શોધતા નથી. તેમ જ, આપણે કરી શકીએ એનાથી વધુ યહોવાહ આપણી પાસે આશા રાખતા નથી. ગીતોના એક લેખકે સવાલ પૂછ્યો કે, “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?”—ગીતશાસ્ત્ર ૧૩૦:૩.
ઈસુ ખ્રિસ્તના બલિદાન વિષે શીખીને, જાણે સાંડ્રાના જીવનમાં ખુશીઓની બહાર આવી ગઈ. એ બલિદાનથી જ તો દયાના સાગર યહોવાહ, મહાન પ્રેમ બતાવે છે. આપણે બધા પાપી હોવા છતાં, યહોવાહ પોતાના સેવકો ગણે છે. (૧ યોહાન ૨:૨; ૪:૯, ૧૦) ખરેખર, એના દ્વારા આપણને “પાપની માફી મળી છે,” જેથી આપણે નકામા છીએ એવી લાગણી પર જીત મેળવવા મદદ મળે છે.—એફેસી ૧:૭.
સાંડ્રા પ્રેષિત પાઊલના અનુભવમાંથી ઘણું શીખી. પાઊલે યહોવાહની દયાની ખૂબ ખૂબ કદર કરી. યહોવાહે પાઊલની મોટી ભૂલો માફ કરી હતી. એટલું જ નહિ, પણ તેમને પોતે લાયક નથી, એવી લાગણી સામે લડવા પણ મદદ કરી હતી. (રૂમીઓને પત્ર ૭:૧૫-૨૫; ૧ કોરીંથી ૧૫:૯, ૧૦) પાઊલે ‘પોતાના દેહનું દમન કરીને, તેને વશમાં રાખ્યો.’ જેથી તે પોતે યહોવાહના સેવક તરીકે યોગ્ય બને. (૧ કોરીંથી ૯:૨૭) પાઊલે પોતાના પાપી વલણને પોતાના પર રાજ કરવા દીધું નહિ.
ખરાબ આદતોએ સાંડ્રાનો પીછો છોડ્યો નહિ, પણ તે હિંમત હારી નહિ. તેણે યહોવાહને પ્રાર્થનામાં આજીજી કરી, જેથી તે તેમની નજરમાં યોગ્ય બને. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; યાકૂબ ૪:૮) સાંડ્રાએ જોયું કે તેને પરમેશ્વરનો સાથ હતો, તેથી તે પોતાનું જીવન બદલી શકી. તે કહે છે: “હવે હું પૂરા સમયના પાયોનિયર તરીકે બીજા લોકોને બાઇબલ વિષે શીખવું છું.” તેમ જ, સાંડ્રાએ પોતાની મોટી અને નાની બહેનોને પણ યહોવાહના સેવકો બનવા મદદ કરી. વળી, તે યહોવાહના સાક્ષીઓના સંમેલનોમાં પોતાની મેડિકલ આવડતનો ઉપયોગ કરે છે. ખરેખર, સાંડ્રા ‘જે સારું છે, એ કરે છે.’—ગલાતી ૬:૧૦.
સાંડ્રાની ખરાબ આદતો વિષે શું? તે કહે છે: “મારા મનમાં હવે કોઈ જ ખોટા વિચારો આવતા નથી. હું નથી દારૂ પીતી, નથી સ્મોકિંગ કરતી કે નથી ડ્રગ્સ લેતી. મારે એની કોઈ જરૂર નથી. મારે જેની જરૂર હતી એ હવે મને મળી ગયું છે.”
[પાન ૯ પર બ્લર્બ]
“મને મારી મંજિલ મળી ગઈ”
[પાન ૯ પર બોક્સ]
બાઇબલના સિદ્ધાંતો
ખરાબ આદતોના રવાડે ચડી ગયેલાને મદદ કરી હોય, એવા અમુક બાઇબલના સિદ્ધાંતો:
‘આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને શુદ્ધ થઈએ, અને દેવનું ભય રાખીને સંપૂર્ણ રીતે પવિત્ર થઈએ.’ (૨ કોરીંથી ૭:૧) યહોવાહ ફક્ત એવા જ લોકોને આશીર્વાદ આપે છે, જેઓ પોતાના જીવન શુદ્ધ રાખે છે.
“દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાહનું ભય છે.” (નીતિવચનો ૮:૧૩) યહોવાહનું નામ બદનામ ન થાય, એવો ભય રાખવાથી આપણે ગમે એવી ખરાબ આદતો પણ છોડી શકીએ છીએ. એનાથી યહોવાહનું દિલ રાજી થાય છે, સાથે સાથે આપણે પણ જાતજાતના રોગના ભોગ બનવાથી બચી જઈએ છીએ.
“રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા.” (તીતસ ૩:૧) ઘણા દેશોમાં અમુક ડ્રગ્સ રાખવા પણ ગુનો છે. સાચા ખ્રિસ્તીઓ, ડ્રગ્સથી સાવ દૂર રહે છે.