વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૧૨/૧૫ પાન ૨૮-૨૯
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • હંમેશનું સુખી જીવન સ્વર્ગમાં કે પૃથ્વી પર?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૧૨/૧૫ પાન ૨૮-૨૯

વાચકો તરફથી પ્રશ્નો

શું ઈસુ પ્રાર્થનામાં એવું કહેવા માંગતા હતા કે ઈશ્વરની ઇચ્છા સ્વર્ગમાં પૂરી થતી હતી, જ્યારે કે હજુ દુષ્ટ દૂતો ત્યાં હતા?

ઈસુએ કહ્યું હતું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) આ પ્રાર્થના બે રીતે સમજી શકાય. એક તો કે જેમ સ્વર્ગમાં પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય છે, એવી જ રીતે પૃથ્વી પર પણ થાય. બીજું કે સ્વર્ગ અને પૃથ્વી બંને જગ્યાએ યહોવાહની ઇચ્છા પૂરી થાય.a એ જ કલમ કહે છે કે “તારૂં રાજ્ય આવો.” આ શબ્દો બીજી સમજણ સાથે વધારે બંધબેસે છે. ચાલો આપણે જોઈએ કે એ વિષે ઈસુ કઈ વધારે સમજણ આપે છે.

સ્વર્ગમાં શરૂ થયેલા યહોવાહના રાજ્ય દ્વારા બે મોટા મોટા ફેરફારો થયા. પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે પહેલો ફેરફાર સ્વર્ગમાં થયો અને બીજો પૃથ્વી પર થયો. પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨ જણાવે છે: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”

યહોવાહનું રાજ્ય ૧૯૧૪માં સ્વર્ગમાં શરૂ થયું. એ પછી, સ્વર્ગમાંથી બધા દુષ્ટ દૂતોને કાઢી મૂકવામાં આવ્યા. એનાથી જાણે ઘરની સાફ-સફાઈ થઈ જાય અને ખુશી થાય, એવી ખુશી યહોવાહના વફાદાર દૂતોને થઈ. (અયૂબ ૧:૬-૧૨; ૨:૧-૭; પ્રકટીકરણ ૧૨:૧૦) તેથી, એ સમયે ઈસુની પ્રાર્થના સ્વર્ગમાં પૂરી થઈ. હવે સ્વર્ગમાં કોઈ પણ દગાખોર ન હતું. બધા જ યહોવાહને ખૂબ ચાહતા હતા અને ખુશીથી તેમની સેવા કરતા હતા.

જો કે આ બનાવ બન્યો, એ પહેલાંથી જ દુષ્ટ દૂતોને જાણે નાત-બહાર કરવામાં આવ્યા હતા. તેઓ ભલે સ્વર્ગમાં આવ-જાવ કરી શકતા, પણ યહોવાહના સુખી કુટુંબે તેઓ સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. દાખલા તરીકે, ઈસવી સન પહેલી સદીમાં યહુદા ૬માં લખવામાં આવ્યું કે દુષ્ટ દૂતોને “મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.” વળી, ૨ પીતર ૨:૪કહે છે: “જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડ્યા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને [યહોવાહના જ્ઞાનના] અંધકારમાં સાંકળોથી બાંધી રાખ્યા.”—પ્રેમસંદેશ.b

તેમ છતાં, જ્યારે દુષ્ટ દૂતોને સ્વર્ગમાં નાત-બહાર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાની શક્તિનો પરચો બતાવવા આ ધરતી પર કાળો કેર વર્તાવ્યો. તેથી, બાઇબલ શેતાનને ‘આ જગતનો અધિકારી’ કહે છે. તેમ જ, દુષ્ટ દૂતોને ‘આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓ’ કહે છે. (યોહાન ૧૨:૩૧; એફેસી ૬:૧૧, ૧૨; ૧ યોહાન ૫:૧૯) ખરેખર, આ જગત શેતાનની મુઠ્ઠીમાં છે. એટલે જ, તેણે ઈસુને કહ્યું કે ‘એક જ વાર મારું ભજન કર તો હું તને “જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા” આપીશ.’ (માત્થી ૪:૮, ૯) તેથી, જ્યારે આપણી ધરતી પર યહોવાહનું રાજ્ય ‘આવશે,’ ત્યારે એ છાનું-માનું નહિ આવે.

પૃથ્વી પર યહોવાહનું રાજ્ય આવશે ત્યારે, મોટા મોટા ફેરફારો આવશે. એ રાજ્ય બધી જ માનવ સરકારોનો અંત લાવશે અને આખી દુનિયામાં એક જ સરકાર, પરમેશ્વરની સરકાર રહેશે. યહોવાહને ચાહનારા સર્વ લોકોની “નવી પૃથ્વી” બનશે. (૨ પીતર ૩:૧૩; દાનીયેલ ૨:૪૪) યહોવાહની એ સરકાર કેવી હશે? એ સમયે મનુષ્યોમાં પાપ જેવું કંઈ નહિ હોય, અને આ પૃથ્વી સુખ-શાંતિથી ભરેલી બનશે. આમ, આ ધરતી પરથી શેતાનનું નામ-નિશાન મીટાવી દેવામાં આવશે.—રૂમીઓને પત્ર ૮:૨૦, ૨૧; પ્રકટીકરણ ૧૯:૧૭-૨૧.

એક હજાર વર્ષના રાજ પછી, યહોવાહની ઇચ્છા સ્વર્ગ અને પૃથ્વી પર પૂરી થઈ હશે, ત્યારે ‘દીકરો પોતે પણ દેવને આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય.’ (૧ કોરીંથી ૧૫:૨૮) છેવટે, આખરી કસોટી આવશે. પછી મનુષ્યોને આડે રસ્તે ચડાવનાર જે કોઈ હોય તેઓને, શેતાન અને દુષ્ટ દૂતો સાથે હંમેશ માટે નાશ કરવામાં આવશે. એ “બીજું મરણ” કહેવાય છે. (પ્રકટીકરણ ૨૦:૭-૧૫) પછી સ્વર્ગમાં હોય કે ધરતી પર, યહોવાહના બધા જ વહાલા સેવકો ખુશીથી તેમને પોતાના ઈશ્વર તરીકે મહાન મનાવશે. એ સમયે, બધી જ રીતે ઈસુએ શીખવેલી પ્રાર્થનાના શબ્દો પૂરા થશે.—૧ યોહાન ૪:૮.

[ફુટનોટ્‌સ]

a ગુજરાતીમાં સંપૂર્ણ બાઇબલમાં ઈસુની પ્રાર્થના આમ વંચાય છે: “તારું રાજ્ય આવો, સ્વર્ગમાં તેમ જ પૃથ્વી ઉપર તારી ઇચ્છા પૂર્ણ થાઓ.”—માથ્થી ૬:૧૦.

b પ્રેષિત પીતર અહીં એવું વર્ણન કરે છે કે જાણે કોઈને જેલની અંધારી કોટડીમાં નાખી દેવાયા હોય. પરંતુ, તેમનો કહેવાનો અર્થ એ “ઊંડાણમાં” ન હતો, જેમાં દુષ્ટ દૂતોને હજાર વર્ષો પૂરી રાખવામાં આવશે.—૧ પીતર ૩:૧૯, ૨૦; લુક ૮:૩૦, ૩૧; પ્રકટીકરણ ૨૦:૧-૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો