‘પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વરનું વચન સંભળાવવામાં આવ્યું’
“તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.”—માત્થી ૨૮:૧૯.
ઈસુ સ્વર્ગમાં ગયા એના થોડા વખત પહેલાં તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.” (માત્થી ૨૮:૧૯) ખરેખર, આ એક મોટી જવાબદારી હતી!
૨ પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં લગભગ ૧૨૦ શિષ્યો પર પરમેશ્વરનો પવિત્ર આત્મા રેડવામાં આવ્યો. ત્યારથી તેઓએ બીજાઓને પ્રચાર કરતા કહ્યું કે ઈસુ જ મસીહ છે, અને તેમના પર વિશ્વાસ રાખવાથી તારણ મળશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૩૬) વિચાર કરો કે આ નાનું ગ્રૂપ કઈ રીતે “સર્વ દેશનાઓને” પ્રચાર કરી શકે? જોકે, માણસોની દૃષ્ટિએ જોઈએ તો એ અશક્ય છે. પણ, “દેવને સર્વ શક્ય છે.” (માત્થી ૧૯:૨૬) પ્રથમ સદીના ખ્રિસ્તીઓને યહોવાહની શક્તિ મળી હતી. વળી, તેઓ પોતે પણ જાણતા હતા કે આ કામ કરવું કેટલું તાકીદનું છે. (ઝખાર્યાહ ૪:૬; ૨ તીમોથી ૪:૨) તેથી, થોડા જ દાયકાઓ પછી, પ્રેષિત પાઊલે લખ્યું, “શુભસંદેશ તો દુનિયામાં સર્વને પ્રગટ કરવામાં આવ્યો છે.”—કોલોસી ૧:૨૩, પ્રેમસંદેશ.
૩ પ્રથમ સદીથી સાચી ભક્તિ બધે જ ફેલાઈ. પરંતુ, ઈસુ ખ્રિસ્તે ભાખ્યું હતું કે પ્રેષિતોના મરણ પછી શેતાન “કડવા દાણા” વાવશે. તેથી, “ઘઉં” એટલે કે સાચા ખ્રિસ્તીઓ, કાપણીના સમય સુધી જોવા મળશે નહિ. આ ભવિષ્યવાણી સાચી પડી.—માત્થી ૧૩:૨૪-૩૯.
ઝડપી વધારો
૪ વર્ષ ૧૯૧૯માં ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓ અને કડવા દાણા જેવાં વિરોધીઓને અલગ પાડવાનો સમય આવ્યો. અભિષિક્ત ખ્રિસ્તીઓ જાણતા હતા કે ઈસુએ સોંપેલું કામ હજુ પણ પૂરું કરવાનું છે. તેઓને પૂરો વિશ્વાસ હતો કે પોતે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છે. વળી, તેઓ ઈસુની આ ભવિષ્યવાણી સારી રીતે જાણતા હતા: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (૨ તીમોથી ૩:૧; માત્થી ૨૪:૧૪) ખરેખર, આ થોડા સાચા ખ્રિસ્તીઓ જાણતા હતા કે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
૫ જોકે, ૩૩મી સાલના શિષ્યોની જેમ, આ અભિષિક્ત ખ્રિસ્તીઓએ પણ પડકારનો સામનો કરવાનો હતો. કેમ કે, તેઓ પણ કંઈક હજારેક જેટલા હતા અને અમુક દેશોમાં રહેતા હતા. તો પછી, તેઓએ કઈ રીતે “સર્વ દેશનાઓને” રાજ્યનો પ્રચાર કર્યો? કાઈસારના સમયમાં દુનિયાની વસ્તી લગભગ ૩૦ કરોડની હતી. જ્યારે કે પહેલા વિશ્વયુદ્ધ પછી એ વધીને લગભગ બે અબજની થઈ. વળી, વીસમી સદી દરમિયાન પણ વસ્તીમાં સતત વધારો જોવા મળે છે.
૬ જોકે, પ્રથમ સદીના ભાઈઓની જેમ અભિષિક્ત સેવકોએ પણ યહોવાહ પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને પોતાનું કામ શરૂ કર્યું. વળી, યહોવાહનો પવિત્ર આત્મા તેઓ પર હતો. આમ, ૧૯૩૫માં લગભગ ૫૬,૦૦૦ પ્રચારકો ૧૧૫ દેશોમાં બાઇબલના સત્યનો પ્રચાર કરી રહ્યા હતા. તેઓએ ઘણું કામ કર્યું, પણ હજી ઘણું કરવાનું બાકી હતું.
૭ પછી, ખ્રિસ્તીઓને પ્રકટીકરણ ૭:૯માં જણાવેલા મોટા ટોળાની સમજણ મળી. તેઓને ખબર પડી કે ‘બીજાં ઘેટાંને’ પૃથ્વી પર જીવવાની આશા છે. (યોહાન ૧૦:૧૬) વળી, પ્રકટીકરણ પ્રમાણે તેઓ ‘સર્વ દેશ, કુળ, તથા ભાષાના’ લોકોમાંથી આવવાના હતા. શરૂઆતમાં આ બધું સમજવું અને મોટાં ટોળાંના લોકોને ભેગા કરવા એક નવો પડકાર હતો. પરંતુ, થોડા જ સમયમાં આ મોટાં ટોળાંને પોતાની સાથે ‘યહોવાહના મંદિરમાં રાતદહાડો સેવા’ કરતા જોઈને અભિષિક્તોને કેટલી ખુશી થઈ હશે! (પ્રકટીકરણ ૭:૧૫) હા, હવે મોટું ટોળું પણ પ્રચાર અને શિષ્યો બનાવવાના કામમાં મદદ કરવા લાગ્યું. (યશાયાહ ૬૧:૫) પરિણામે, મોટાં ટોળાંને હજારોમાંથી લાખો થતા જોઈને અભિષિક્ત ખ્રિસ્તીઓની ખુશીનો પાર નથી રહેતો. વર્ષ ૨૦૦૩માં ૬૪,૨૯,૩૫૧ લોકોએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો, અને તેઓમાંના મોટા ભાગના લોકો મોટાં ટોળાંના છે.a અભિષિક્ત ખ્રિસ્તીઓ આ મદદ માટે મોટાં ટોળાંનો આભાર માને છે. બીજી બાજું, મોટું ટોળું પણ અભિષિક્ત ભાઈઓને મદદ કરવાનો લહાવો મળ્યો હોવાથી આભારી છે.—માત્થી ૨૫:૩૪-૪૦.
૮ સાચા ખ્રિસ્તીઓ ફરીથી પૂરા જોશથી પ્રચાર કામ કરવા લાગ્યા ત્યારે, શેતાન તેઓ વિરુદ્ધ ઊભો થયો. (પ્રકટીકરણ ૧૨:૧૭) વળી, મોટા ટોળાએ પ્રચાર કામ શરૂ કર્યું ત્યારે શેતાને શું કર્યું? તે પરમેશ્વરના લોકો પર ક્રૂર સતાવણી લાવ્યો. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આખી દુનિયાના સાચા ભક્તો પર હુમલો થયો. એની પાછળ ચોક્કસ શેતાનનો હાથ હતો. ઘણા ભાઈબહેનોએ આકરી મુશ્કેલીઓ સહન કરી. અમુક તો, પોતાના વિશ્વાસને લીધે માર્યા ગયા હતા. તેમ છતાં, તેઓએ એક ગીતકર્તા જેવું વલણ બતાવ્યું: “હું ઈશ્વરની મદદથી તેના વચનની પ્રશંસા કરીશ; ઇશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?” (ગીતશાસ્ત્ર ૫૬:૪; માત્થી ૧૦:૨૮) યહોવાહની શક્તિથી અભિષિક્ત ખ્રિસ્તીઓ અને બીજાં ઘેટાં સાથે મળીને તેમની સેવા કરે છે. (૨ કોરીંથી ૪:૭) પરિણામે, “દેવની વાતનો પ્રચાર થતો ગયો.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૭) વર્ષ ૧૯૩૯માં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે પણ ૭૨,૪૭૫ ખ્રિસ્તીઓએ પ્રચાર કાર્યનો રિપોર્ટ નાખ્યો. જોકે, સતાવણીના લીધે બધા જ સાક્ષીઓ રિપોર્ટ નાખી શક્યા ન હોય શકે. તેમ છતાં, ૧૯૪૫માં યુદ્ધ પૂરું થયું એ વખતનો રિપોર્ટ બતાવે છે કે ૧,૫૬,૨૯૯ સાક્ષીઓએ રાજ્યના સુસમાચારનો પ્રચાર કર્યો હતો. આ શેતાનની મોટી હાર હતી!
૯ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કપરી પરિસ્થિતિમાં પણ યહોવાહના સેવકોએ એમ ન વિચાર્યું કે પ્રચાર કાર્ય પૂરું નહીં થાય. વર્ષ ૧૯૪૩માં યુદ્ધ એની પરાકાષ્ઠાએ હતું ત્યારે બે સ્કૂલ વિષે જાહેર કરવામાં આવ્યું. એક આજે દેવશાહી સેવા શાળાના નામથી ઓળખાય છે. એમાં મંડળના બધા જ સાક્ષીઓને પ્રચાર કરવાની અને શિષ્યો બનાવવાની તાલીમ આપવામાં આવે છે. બીજી સ્કૂલ, વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ હતી. એ સ્કૂલ, પરદેશમાં પ્રચાર કાર્ય કરતા મિશનરીઓને તાલીમ આપવા માટેની હતી. તેથી, વિશ્વયુદ્ધ બંધ થયું ત્યારે, સાચા ખ્રિસ્તીઓ પોતાના કાર્યમાં વધારો કરવા માટે તૈયાર હતા.
૧૦ ખરેખર, સાચા ખ્રિસ્તીઓએ કેવું સરસ પગલું લીધું! હવે દેવશાહી સેવા શાળામાં તાલીમ પામેલા નાનાં-મોટાં સર્વ, અરે અપંગ ભાઈબહેનો પણ પ્રચાર કરી શકે છે. આમ, તેઓ ઈસુએ સોંપેલા મોટા કામમાં હજુ પણ ભાગ લે છે. (ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩; યોએલ ૨:૨૮, ૨૯) વર્ષ ૨૦૦૩માં દર મહિને સરેરાશ ૮,૨૫,૧૮૫ પ્રકાશકોએ નિયમિત કે સહાયક પાયોનિયરીંગ કર્યું. એ જ વર્ષે યહોવાહના સાક્ષીઓએ ૧,૨૩,૪૭,૯૬,૪૭૭ કલાકો શુભસંદેશનો પ્રચાર કર્યો. ખરેખર, યહોવાહને તેમના ભક્તોના ઉત્સાહથી કેટલો આનંદ થતો હશે!
પરદેશમાં પ્રચાર કાર્ય
૧૧ ગિલયડ અને સેવકાઈ તાલીમ શાળામાંથી ગ્રેજ્યુએટ થયેલાઓએ પ્રચારમાં ઘણું કામ કર્યું છે. બ્રાઝિલ દેશનો વિચાર કરો. મિશનરીઓ ૧૯૪૫માં ત્યાં ગયા ત્યારે ૪૦૦થી ઓછા પ્રકાશકો હતા. શરૂઆતમાં અને પછીથી આવેલા મિશનરીઓએ બ્રાઝિલના ઉત્સાહી ભાઈઓ સાથે મળીને કામ કર્યું. યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો. બ્રાઝિલમાં ૨૦૦૩માં ૬,૦૭,૩૬૨ લોકોએ રિપોર્ટ નાખ્યો!
૧૨ હવે જાપાનનો વિચાર કરો. બીજા વિશ્વયુદ્ધ પહેલાં, જાપાનમાં ૧૦૦ પ્રકાશકો હતા. વિશ્વયુદ્ધ દરમિયાન ક્રૂર સતાવણીના લીધે પ્રકાશકો ઓછા થયા. આ વિશ્વયુદ્ધના અંતે તો ગણ્યા-ગાંઠ્યા સાક્ષીઓ જ પૂરા તન-મનથી યહોવાહની ભક્તિ કરતા હતા. (નીતિવચનો ૧૪:૩૨) વર્ષ ૧૯૪૯માં ગિલયડથી તાલીમ પામેલા ૧૩ મિશનરીઓ જાપાનમાં આવ્યા ત્યારે ત્યાંના સાક્ષીઓને અનહદ ખુશી થઈ. જાપાનના ભાઈબહેનોનો જોશ અને પ્રેમ જોઈને મિશનરીઓને પણ તેઓ સાથે ફાવી ગયું હતું. પચાસ વર્ષ પછી, ૨૦૦૩માં જાપાનમાં ૨,૧૭,૫૦૮ પ્રકાશકોએ રિપોર્ટ નાખ્યો! ખરેખર, યહોવાહે આ દેશમાં તેમના ભક્તોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. આવો જ રિપોર્ટ બીજા ઘણા દેશોમાંથી પણ જોવા મળે છે. જેઓ વિદેશમાં જઈને પ્રચાર કરી શક્યા છે તેઓએ પણ શુભસંદેશો ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. એ કારણે ૨૦૦૩માં આખી દુનિયામાંથી ૨૩૫ દેશો અને ટાપુઓએ સંદેશો સાંભળ્યો છે. આમ, મોટું ટોળું ખરેખર “સર્વ દેશોમાંથી” આવી રહ્યું છે.
‘સર્વ કુળના, તથા ભાષામાંથી’ આવતા સાક્ષીઓ
૧૩ પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં શિષ્યો પર પવિત્ર આત્મા રેડાયા પછી, સૌથી પહેલાં તેઓ ભેગા મળેલા ટોળા સાથે તેઓની ભાષામાં વાત કરવા લાગ્યા. એ વખતે જે લોકોએ શિષ્યોનો સંદેશો સાંભળ્યો તેઓ, ગ્રીક જેવી કોઈ આંતરરાષ્ટ્રીય ભાષા બોલતા હોય શકે. વળી તેઓ “ધાર્મિક” હોવાને કારણે મંદિરમાં હેબ્રી ભાષામાં આપવામાં આવતા ઉપદેશને પણ સમજી શકતા હોય શકે. પરંતુ તેઓએ પોતાની માતૃભાષામાં શુભ સંદેશો સાંભળ્યો ત્યારે સત્યમાં તેઓનો રસ વધી ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૫, ૭-૧૨.
૧૪ આજે પણ ઘણી ભાષાઓમાં પ્રચાર કરવામાં આવે છે. મોટા ટોળા વિષે ભાખવામાં આવ્યું હતું તેમ, તેઓ ફક્ત કોઈ એક જ દેશમાંથી નહિ પણ “સર્વ કુળના, લોકના તથા ભાષામાંથી” આવશે. એના સુમેળમાં યહોવાહે ઝખાર્યાહ દ્વારા ભવિષ્યવાણી કરી: “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) જોકે, આજે ચમત્કારિક રીતે યહોવાહના સાક્ષીઓ જુદી જુદી ભાષાઓ બોલતા નથી. પરંતુ તેઓ જાણે છે કે લોકોને પોતાની ભાષામાં સત્ય શીખવવું કેટલું મહત્ત્વનું છે!
૧૫ આજે ફક્ત અમુક જ ભાષા છે જે અનેક દેશોમાં બોલાતી હોય, જેમ કે, અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ. પરંતુ, પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં પ્રચાર કરવા જતા ભાઈબહેનો, ત્યાંની ભાષા શીખવાનો પ્રયત્ન કરે છે. આમ, આ ભાઈબહેનો “અનંતજીવનને સારૂ જેટલા નિર્માણ થએલા” છે તેઓની માતૃભાષામાં તેઓને પ્રચાર કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) જોકે, બીજી ભાષા શીખવી કંઈ સહેલી વાત નથી. ટુવાલુના દક્ષિણ પૅસિફિકના ભાઈઓનો વિચાર કરો. તેઓને પોતાની ભાષામાં પ્રકાશનોની જરૂર હતી. તેથી એક મિશનરીએ તેઓની ભાષા શીખી અને પછી ભાષાંતર કરવાની જવાબદારી ઉપાડી. જોકે, એ વખતે ટુવાલુ ભાષામાં એક પણ શબ્દકોશ ન હતો. તેથી મિશનરી ભાઈએ ટુવાલુ શબ્દોને ભેગા કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી, તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તક ટુવાલુ ભાષામાં બહાર પાડવામાં આવ્યું.b ક્યુરાસાઓ ટાપુમાં મિશનરીઓ આવ્યા ત્યારે, પાપીઆમેંટો ભાષામાં એક પણ બાઇબલ સાહિત્ય ન હતું. અરે, એક પણ શબ્દકોશ ન હતો. વળી, ત્યાં લખવાની ભાષામાં પણ ઘણા મતભેદો હતા. તોપણ, મિશનરીઓ આવ્યા એના બે વર્ષ પછી પાપીઆમેંટો ભાષામાં તેઓએ પહેલી પત્રિકા બહાર પાડી. આજે પાપીઆમેંટો ૧૩૩ ભાષાઓમાંની એક છે, જે અંગ્રેજી ચોકીબુરજની સાથે સાથે બહાર પડે છે.
૧૬ નામિબિયામાં પહેલી વાર મિશનરીઓ આવ્યા ત્યારે, ત્યાં એવા એક પણ સાક્ષી ન હતા કે જે તેમને ભાષાંતર કરવામાં મદદ કરે. એ ઉપરાંત, એક સ્થાનિક ભાષા, નામામાં અમુક સામાન્ય વિષય માટેના શબ્દો ન હતા. દાખલા તરીકે, “સંપૂર્ણ” માટે શબ્દ ન હતો. એક મિશનરી ભાઈએ લખ્યું: “ભાષાંતર માટે હું ખાસ કરીને બાઇબલનો અભ્યાસ કરતા શિક્ષકો પાસે જતો. જોકે, એ શિક્ષકોને સત્યનું જ્ઞાન ન હતું. તેથી, હું તેઓની સાથે બેસીને જોતો કે દરેક વાક્યનું ભાષાંતર બરાબર છે કે નહિ.” આખરે, દેવની નવી દુનિયામાં જીવન પત્રિકા નામિબિયાની ચાર ભાષાઓમાં ભાષાંતર થઈ. આજે, નામિબિયાની ક્વાન્યમા અને ન્ડોન્ગા ભાષામાં ચોકીબુરજ દર મહિને છપાય છે.
૧૭ મૅક્સિકોમાં સૌથી વધારે સ્પેનિશ ભાષા બોલાય છે. જોકે, સ્પેનિશ લોકો ત્યાં આવ્યા એ પહેલાં બીજી ઘણી ભાષા ત્યાં બોલાતી હતી. આજે પણ ત્યાં ઘણી ભાષાઓ બોલાય છે. તેથી, હવે યહોવાહના સાક્ષીઓના પ્રકાશનો સાત મૅક્સિકન ભાષાઓમાં છપાય છે. અને મૅક્સિકન સાઈન લેંગ્વેજમાં પણ સાહિત્યો બહાર પડે છે. અમેરિકન ઇન્ડિયન ભાષામાં સૌથી પહેલું માસિક સાહિત્ય, માયા ભાષાની આપણી રાજ્ય સેવા હતી. મૅક્સિકોના ૫,૭૨,૫૩૦ રાજ્ય પ્રચારકોમાં માયા, એઝટેક અને બીજી જાતિઓ પણ છે.
૧૮ હાલના વર્ષોમાં, લાખો લોકો રેફ્યુજી તરીકે અથવા તો પૈસા કમાવવા પરદેશમાં ગયા છે. પરિણામે, ઘણા દેશોમાં હવે પહેલી વાર ઘણી પરદેશી ભાષાઓ બોલાય છે. યહોવાહના સાક્ષીઓએ આવા લોકોને પ્રચાર કરવાનો પડકાર ઝીલી લીધો છે. દાખલા તરીકે, ઇટાલીમાં ઇટાલિયન સિવાય ૨૨ ભાષાઓના મંડળો અને ગ્રૂપો છે. બીજી ભાષાના લોકોને સારી રીતે પ્રચાર કરવા માટે ભાઈ-બહેનોએ ૧૬ ભાષામાં અમુક કોર્સની ગોઠવણ કરી હતી. એમાં ઇટાલીની સાઈન લેંગ્વેજનો પણ કોર્સ હતો. બીજા દેશોમાં પણ યહોવાહના સાક્ષીઓ, પરદેશીઓને રાજ્યનો શુભસંદેશ પહોંચાડવા આવા જ પ્રયત્ન કરે છે. હા, યહોવાહની મદદથી મોટું ટોળું ઘણી જુદી જુદી ભાષાઓમાંથી આવી રહ્યું છે.
“પૃથ્વીના છેડાઓ સુધી” સાક્ષીઓ
૧૯ પ્રથમ સદીમાં પ્રેષિત પાઊલે લખ્યું: “શું તેઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું છે? હા, કેમ કે, ‘પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વરનું વચન સંભળાવવામાં આવ્યું છે.’” (રૂમીઓને પત્ર ૧૦:૧૮, IBSI) પ્રથમ સદી માટે આ વાત સાચી હોય તો, આજે એ કેટલું વધારે સાચું છે! પહેલાં કરતાં આજે લાખો લોકો કહે છે: “હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧.
૨૦ વધુમાં, આજે આ કાર્ય બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય પ્રચારકોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. પ્રચાર કાર્યમાં વધારેને વધારે સમય આપવામાં આવે છે. લાખો ફરી મુલાકાતો કરવામાં આવે છે અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે. નવા લોકોનો રસ વધતો જ જાય છે. ગયા વર્ષે ઈસુના સ્મરણ પ્રસંગમાં ૧,૬૦,૯૭,૬૨૨ લોકો આવ્યા હતા. તેમ છતાં, હજુ પણ ઘણું કામ બાકી છે. તેથી આપણે એવા ભાઈબહેનોનું અનુકરણ કરીએ જેઓ સખત સતાવણી સહન કરીને પણ યહોવાહને વફાદાર રહ્યા છે. તેમ જ, ૧૯૧૯થી યહોવાહની સેવામાં છે, એવા ભાઈબહેનો જેવો ઉત્સાહ બતાવીએ. ચાલો, આપણે સર્વ ગીતકર્તાની જેમ પોકારી ઊઠીએ: “શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાહની સ્તુતિ કરો.”—ગીતશાસ્ત્ર ૧૫૦:૬.
[ફુટનોટ્સ]
a વાર્ષિક રિપોર્ટ માટે આ મૅગેઝિનના ૧૮થી ૨૧ પાન પર જુઓ.
b યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.
સમજાવો
• વર્ષ ૧૯૧૯માં ભાઈબહેનોએ કઈ જવાબદારી ઉપાડી અને શા માટે એ પડકાર હતો?
• પ્રચાર કાર્યમાં અભિષિક્ત ભાઈઓ સાથે કોણ જોડાયા?
• પરદેશમાં સેવા કરતા મિશનરીઓ અને બીજાઓનો કેવો અહેવાલ છે?
• યહોવાહ પોતાના લોકોના કાર્ય પર આજે આશીર્વાદ આપે છે, એનો કયો પુરાવો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) ઈસુએ શિષ્યોને કઈ આજ્ઞા આપી? (ખ) ખ્રિસ્તીઓને પોતાની જવાબદારી પૂરી કરવા શામાંથી મદદ મળી?
૩. “ઘઉં” કોણ છે અને શા માટે એ થોડા સમય માટે જોવા મળશે નહિ?
૪, ૫. વર્ષ ૧૯૧૯થી અભિષિક્ત ખ્રિસ્તીઓએ કયું કામ શરૂ કર્યું અને શા માટે એ એક પડકાર હતો?
૬. અભિષિક્તોએ ૧૯૩૦ના દાયકામાં સુસમાચાર ક્યાં સુધી ફેલાવ્યા?
૭. (ક) અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે કયો નવો પડકાર હતો? (ખ) “બીજાં ઘેટાંની” મદદથી આજે કેવો વધારો જોવા મળે છે?
૮. બીજા વિશ્વયુદ્ધમાં આકરી સતાવણી છતાં, યહોવાહના સાક્ષીઓએ કેવું વલણ બતાવ્યું?
૯. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કઈ બે સ્કૂલ શરૂ કરવામાં આવી?
૧૦. વર્ષ ૨૦૦૩માં યહોવાહના લોકોનો કેવો ઉત્સાહ જોવા મળ્યો?
૧૧, ૧૨. મિશનરીઓના સારાં અહેવાલોના ઉદાહરણો આપો.
૧૩, ૧૪. યહોવાહે કઈ રીતે બતાવ્યું કે ‘સર્વ ભાષાઓમાં’ રાજ્યનો પ્રચાર થવો જોઈએ?
૧૫, ૧૬. મિશનરીઓ અને બીજા ભાઈઓએ લોકોને પોતાની ભાષામાં પ્રચાર કરવા માટે શું કર્યું છે?
૧૭, ૧૮. મૅક્સિકો અને બીજા દેશોમાં કયું મુશ્કેલ કામ કરવામાં આવી રહ્યું છે?
૧૯, ૨૦. પાઊલના કયા શબ્દો આજે પૂરા થઈ રહ્યા છે? સમજાવો.
[પાન ૧૮-૨૧ પર ચાર્ટ]
2003 SERVICE YEAR REPORT OF JEHOVAH’S WITNESSES WORLDWIDE
(See bound volume)
[પાન ૧૪, ૧૫ પર ચિત્ર]
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કપરી પરિસ્થિતિમાં પણ યહોવાહના સેવકોએ એમ ન વિચાર્યું કે પ્રચાર કાર્ય પૂરું નહીં થાય
[ક્રેડીટ લાઈન]
વિસ્ફોટ: U.S. Navy photo; બીજા ચિત્રો: U.S. Coast Guard photo
[પાન ૧૭ પર ચિત્ર]
મોટું ટોળું સર્વ કુળ અને ભાષાઓમાંથી આવશે